પાંચમા તબક્કાની દસ હૉટ સીટ કઈ છે?

બૅન્ગલોર સાઉથની બેઠક પરના કૉન્ગ્રેસના ઉમેદવાર નંદન નીલેકણીએ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્રે ડંકો વગાડ્યા બાદ હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે.બૅન્ગલોર સાઉથ

બૅન્ગલોર સાઉથની બેઠક પરના કૉન્ગ્રેસના ઉમેદવાર નંદન નીલેકણીએ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્રે ડંકો વગાડ્યા બાદ હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેઓ BJP ના નેતા અનંત કુમાર સામે ચૂંટણી લડી રહ્યા છે. તેમના ઉપરાંત બીજા વીસ ઉમેદવારો પણ આ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં છે. ૧૮ લાખ મતદારો ધરાવતા આ મતવિસ્તારમાં AAPએ બાળઅધિકાર કર્મશીલ નીના નાયકને ઉમેદવાર બનાવ્યાં છે, પરંતુ મુખ્ય મુકાબલો નીલેકણી અને અનંત કુમાર વચ્ચે જ છે. અનંત કુમાર લોકસભામાં હાલ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. નીલેકણી દેશના સૌથી વધુ પૈસાદાર ઉમેદવાર છે, પરંતુ અનંત કુમાર છેલ્લી પાંચ ટર્મથી આ બેઠક પર જીતતા રહ્યા છે. નીના નાયક ભ્રષ્ટાચાર અને પારદર્શક શાસન જેવા મુદ્દે ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે નીલેકણી અને અનંત કુમારનો એજન્ડા મુખ્યત્વે સ્થાનિક સુવિધાઓને લગતો છે.

પટના સાહિબ

અભિનેતામાંથી રાજકારણી બનેલા BJP ના ઉમેદવાર શત્રુઘ્ન સિંહાને આ બેઠક પરથી સતત બીજી વખત જીતતા અટકાવવા માટે એક ભોજપુરી અભિનેતા કુણાલ સિંહ (કૉન્ગ્રેસ), એક ડૉક્ટર ગોપાલ પ્રસાદ સિંહા (JD-U)અને એક ભૂતપૂર્વ પ્રધાન પરવીન અમાનુલ્લા (AAP) મેદાનમાં ઊતર્યા છે. ૨૦૦૯માં મતવિસ્તારોની નવરચના બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક પરથી સૌપ્રથમ શત્રુઘ્ન સંસદસભ્ય બન્યા હતા. તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી RJDના ઉમેદવાર વિજય કુમારને ૧.૬૬ લાખથી વધુ મતથી હરાવ્યા હતા, જ્યારે અભિનેતા શેખર સુમનને કુલ ૫૪,૦૦૦ મત મળ્યા હતા. સિખોના દસમા ગુરુ ગોવિંદ સિંહની બેઠક ગણાતા આ શહેરમાં શત્રુઘ્નની સામે કુલ બાવીસ ઉમેદવાર છે. શત્રુઘ્ન ચૂંટાયા પછી બહુ ઓછી વખત મતવિસ્તારની મુલાકાતે આવ્યા હોવાની તેમના પ્રતિસ્પર્ધીઓની ફરિયાદ છે, પણ શત્રુભૈયા એને ખોટી ગણાવે છે.

બાડમેર

ટિકિટ ન મળતાં નારાજ થયેલા BJP ના સિનિયર નેતા જસવંત સિંહ અપક્ષ તરીકે આ બેઠક પરથી સંભવત: તેમના જીવનની છેલ્લી ચૂંટણી લડી રહ્યા છે એટલે તેમના માટે આ મુકાબલો આબરૂનો સવાલ છે. કૉન્ગ્રેસમાંથી તાજેતરમાં જ પાટલી બદલીને BJPમાં આવેલા કર્નલ સોના રામ સામે તેમની ટક્કર છે. આ બેઠક પરથી AAPના માંગીલાલ ગોર, કૉન્ગ્રેસના હરીશ ચૌધરી અને BSPના શ્રવણ કુમાર પણ ચૂંટણી લડી રહ્યા છે. ભૌગોલિક દૃષ્ટિએ દેશનો આ સૌથી મોટો મતવિસ્તાર બાડમેર અને જેસલમેરનો બનેલો છે. અત્યાર સુધીમાં યોજાયેલી ૧૫ સંસદીય ચૂંટણી પૈકીની મોટા ભાગની કૉન્ગ્રેસે જીતી છે. આ મતવિસ્તારમાં જાટ, રાજપૂત, અનુસૂચિત જાતિ અને લઘુમતી કોમના મહત્તમ મતદારો છે. અનુસૂચિત જાતિ અને લઘુમતી મતદારો કૉન્ગ્રેસની પરંપરાગત વોટબૅન્ક ગણાય છે. અહીં જ્ઞાતિના આધારે મતદાન થાય છે, વિકાસ ખાસ મહત્વનો મુદ્દો નથી.

પિલિભીત

પ્રાણીઓના અધિકાર માટે ચળવળ ચલાવતાં મેનકા ગાંધીએ ૨૦૦૯માં તેમના પુત્ર વરુણ માટે આ બેઠક ખાલી કરી આપી હતી. આ વખતે તેમના પુત્રે આ બેઠક મમ્મી માટે ખાલી કરી આપી છે. છઠ્ઠી વાર ચૂંટણી લડી રહેલાં BJPનાં ઉમેદવાર મેનકા ગાંધીને BSPના અનીસ અહમદ ખાન અને કૉન્ગ્રેસના સંજય કપૂર ટક્કર આપી રહ્યા છે. સંજય કપૂરના સમર્થનમાં વડા પ્રધાન મનમોહન સિંહે ગયા સપ્તાહે અહીં એક જાહેર સભાને સંબોધી હતી. ગાંધી-નેહરુ પરિવારનાં પુત્રવધૂ મેનકા આ મતવિસ્તારમાં સારીએવી વગ ધરાવે છે અને વિવિધ પક્ષોની ટિકિટ પરથી તેઓ અહીંથી અગાઉ પાંચ વખત ચૂંટણી જીત્યાં છે. છઠ્ઠી વખત તેમના પુત્ર અને BJPના ઉમેદવાર વરુણ ગાંધીએ અહીંથી ચૂંટણી જીતી હતી. થોડી તકલીફ પડશે, પરંતુ આ વખતે પણ અહીંથી મેનકાની જીત લગભગ પાક્કી માનવામાં આવે છે.

પાટલીપુત્ર

RJDના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનાં સૌથી મોટાં પુત્રી મિસા ભારતી તેમના જીવનની સૌપ્રથમ ચૂંટણીમાં જ BJPના રામક્રિપાલ યાદવ અને JD (U)ના વર્તમાન સંસદસભ્ય રંજન પ્રસાદ યાદવનો સામનો કરી રહ્યાં છે. રંજન પ્રસાદે ૨૦૦૯માં લાલુ પ્રસાદને ૨૩,૦૦૦થી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા. ઘાસચારાકૌભાંડમાં સજા પામેલા પિતા લાલુ પ્રસાદની વોટબૅન્ક ઉપરાંત ૩૯ વર્ષનાં મિસા તેમના પતિની મૅનેજરિયલ સ્કિલ મારફત આ ચૂંટણી જીતવા ધારે છે. મિસાના પતિ શૈલેશ કમ્પ્યુટર એન્જિનિયર અને મૅનેજમેન્ટ ગ્રૅજ્યુએટ છે. તેઓ મિસાને હાઈ-ટેક સપોર્ટ આપી રહ્યા છે. મિસાના મતે માત્ર પાટલીપુત્રની જ નહીં, બિહારની ૪૦ બેઠક તેમના માટે પ્રતિષ્ઠાનો મુદ્દો છે. મિસા કહે છે કે પહેલી વાર મત માગી રહી છું એટલે મતદારોને મારી ક્ષમતાનો પરિચય આપવામાં બહુ મહેનત કરવી પડે છે.

બૅન્ગલોર સેન્ટ્રલ

૨૦૦૯ની ચૂંટણી સુધી આ મતવિસ્તાર બૅન્ગલોર સાઉથ અને બૅન્ગલોર નૉર્થ મતવિસ્તારનો એક હિસ્સો હતો. ૨૦૦૯થી આ મતવિસ્તાર અસ્તિત્વમાં આવ્યો હતો. ૨૦૦૯ની ચૂંટણીમાં BJPના પી. સી. મોહન અહીંથી વિજેતા થયા હતા. આ બેઠક પરથી AAPના હાઈ-પ્રોફાઇલ ઉમેદવાર વી. બાલાક્રિષ્નન ચૂંટણી લડી રહ્યા છે. પહેલી વખત ચૂંટણી લડી રહેલા બાલાક્રિષ્નન ઇન્ફોસિસના ભૂતપૂર્વ બોર્ડ-મેમ્બર છે. અહીં તેઓ BJPના પી. સી. મોહન ઉપરાંત કૉન્ગ્રેસના ઉમેદવાર રિઝવાન અર્શદ સામે બાથ ભીડી રહ્યા છે. રિઝવાન પણ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે. એવાં જ બીજા એક ઉમેદવાર છે નંદિની આલ્વા. JD (U)ની ટિકિટ પરથી લડતાં નંદિની ભૂતપૂર્વ પ્રધાન જીવરાજ આલ્વાનાં પુત્રી છે. અહીં લઘુમતીના મત નિર્ણાયક બનતા હોય છે અને રિઝવાન મુસ્લિમ છે એટલે બાલાક્રિષ્નનને મુશ્કેલી પડી શકે છે.

નાંદેડ

મરાઠવાડાના નાંદેડ મતવિસ્તારમાં કૉન્ગ્રેસના કૌભાંડગ્રસ્ત ઉમેદવાર અશોક ચવાણ અને BJP ના વર્તમાન સંસદસભ્ય ડી. બી. પાટીલ વચ્ચે ‘આદર્શ’ ચૂંટણીજંગ લડાઈ ર?ાો છે. અહીં કુલ ૨૩ ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ ખરી ટક્કર ચવાણ અને પાટીલ વચ્ચે જ છે. આ લોકસભા મતવિસ્તારનાં છએ છ ઍસેમ્બ્લી સેગમેન્ટમાં કૉન્ગ્રેસનો દબદબો છે. આદર્શ કૌભાંડ થયું ત્યારે ચવાણ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા અને એમાં તેઓ ખૂબ બદનામ થયા હતા એટલે આ બેઠક પરથી તેમની ઉમેદવારી કૉન્ગ્રેસે વિલંબે જાહેર કરી હતી. ૧૯૬૭થી ૨૦૦૯ સુધીમાં બાર વખત યોજાયેલી સંસદીય ચૂંટણીમાં કૉન્ગ્રેસના ઉમેદવારો અહીં નવ વખત વિજયી થયા છે. ૨૦૦૯માં પણ કૉન્ગ્રેસના ભાસ્કરરાવ ખાટગાંવકર આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. અહીં કુલ મતદારો પૈકી ૧૩ ટકા મુસ્લિમો છે અને બીજા છ મુસ્લિમ ઉમેદવારો પણ ચૂંટણીના મેદાનમાં છે. એક વખત પિતા શંકરરાવ ચવાણનો ગઢ ગણાતી આ બેઠક પર જીતવા માટે અને પ્રતિષ્ઠા પાછી મેળવવા માટે પુત્ર અશોક ચવાણ આ વખતે પરસેવો પાડી રહ્યા છે.

દાર્જિલિંગ

ડીલિમિટેશન કમિશનના આદેશ પછી ૨૦૦૯માં અસ્તિત્વમાં આવેલા પશ્ચિમ બંગના આ નવા મતવિસ્તારમાંથી પહેલી ચૂંટણી BJPના જસવંત સિંહ જીત્યા હતા. ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર ભાઈચુંગ ભુટિયા તૃણમૂલ કૉન્ગ્રેસના ઉમેદવાર તરીકે તેમના જીવનની સૌપ્રથમ ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક જીતવાની તૃણમૂલની યોજનામાં ગોરખા જનમુક્તિ મોરચો ફાચર મારી શકે એમ છે. BJP તરફથી એસ. એસ. અહલુવાલિયા અને કૉન્ગ્રેસ તરફથી સુજોય ઘટક ચૂંટણી લડી રહ્યા છે. સવાછ લાખ મતદારો ધરાવતી આ બેઠક પરથી બીજા દસ ઉમેદવારો પણ મેદાનમાં છે, પણ ખરો મુકાબલો ભાઈચુંગ અને અહલુવાલિયા વચ્ચે છે. ભાઈચુંગને જિતાડવા માટે તૃણમૂલે કોઈ કસર છોડી નથી. મમતા બૅનરજી ઉપરાંત ફિલ્મ-અભિનેતા મિથુન ચક્રવર્તી પણ અહીં ભુટિયાના સમર્થનમાં સભા યોજી ચૂક્યા છે. જોકે અહલુવાલિયા પણ ગાંજ્યા જાય એવા નથી. મુકાબલો બરોબરીનો છે.

બીડ

અગાઉ ભીર લોકસભા મતવિસ્તાર તરીકે ઓળખાતી આ કૉન્સ્ટિટયુઅન્સી હાલ ભલે મહારાષ્ટ્રનો એક મતવિસ્તાર હોય, પરંતુ ૧૯૫૧માં એની રચના તત્કાલીન હૈદરાબાદ રાજ્યના ૨૫ પૈકીના એક મતવિસ્તાર તરીકે થઈ હતી. BJPના ગોપીનાથ મુંડે અહીંથી બીજી વખત ચૂંટાવા માટે લડી રહ્યા છે. ૨૦૦૯ની સંસદીય ચૂંટણીમાં તેમને અહીંથી ૫૧.૫૮ ટકા મત મળ્યા હતા. તેમણે NCPના રમેશ કોકાટેને મોટા માર્જિનથી હરાવ્યા હતા. ૧૯૫૧થી અત્યાર સુધીમાં અહીં યોજાયેલી ૧૫ લોકસભા-ચૂંટણીમાંથી છ વખત કૉન્ગ્રેસના ઉમેદવારો વિજયી થયા છે. આ વખતે એનસીપીના સુરેશ ઘસ ગોપીનાથ મુંડેને બરાબરની ટક્કર આપી રહ્યા છે. જોકે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંડેને ટેકો જાહેર કરવાને લીધે BJPના નેતા માટે બીડમાં જીતવાનું પ્રમાણમાં આસાન થઈ ગયું હોય એમ લાગે છે.

બારામતી

NCPના નેતા અને કેન્દ્રીય કૃષિપ્રધાન શરદ પવારનો ગઢ ગણાતી આ બેઠક પરથી તેમનાં પુત્રી સુપ્રિયા સુળે વધુ એક વખત ચૂંટણી લડી રહ્યાં છે. તેમનો મુખ્ય મુકાબલો AAPના સુરેશ ખોપડે સામે છે. ગઈ ચૂંટણીમાં સુપ્રિયાને અહીંથી ૫૬.૪૫ ટકા મત મળ્યા હતા અને તેમણે BJPનાં કાન્તા નલાવડેને સારીએવી સરસાઈથી હાર આપી હતી. ૧૯૭૭થી અત્યાર સુધીમાં અહીં બાર વખત યોજાયેલી ચૂંટણીમાં સાત વખત શરદ પવાર અને એક વખત સુપ્રિયા જીત્યાં છે. એક વખત ભારતીય લોકદળ અને એક વખત જનતા પાર્ટીના ઉમેદવાર અહીંથી ચૂંટણી જીત્યા હતા. આ સંજોગોમાં આ વખતે પણ મુકાબલો એકપક્ષી જ છે અને સુપ્રિયાની જીત લગભગ પાક્કી માનવામાં આવી રહી છે. 

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK