નો પાર્કિંગ ઝોનને કારણે પડી ભાંગ્યું ધમધમતું ઝવેરીબજાર

પાર્કિંગ કરવા દેવામાં આવતું ન હોવાથી વેપારીઓના ધંધાને ૫૦ ટકાથી પણ વધારે નુકસાન : ૮૦ ટકા જેટલા વેપારીઓને નો પાર્કિંગ ઝોન નથી જોઈતો


૨૦૧૧ની ૧૩ જુલાઈએ ઝવેરીબજારમાં થયેલા બૉમ્બધડાકા પછી સલામતીના પગલે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકીને એ વિસ્તારને નો પાર્કિંગ ઝોન કર્યો છે એટલે ધમધમતું ઝવેરીબજાર પડી ભાગ્યું છે. બજારમાં વાહનો પાર્ક થતાં ન હોવાથી વેપારીઓના ધંધાને ૫૦ ટકાથી પણ વધારેનું નુકસાન થઈ રહ્યું છે. જો આવી જ રીતે ચાલતું રહ્યું તો ઝવેરીબજાર પૂરી રીતે ખતમ થઈ રહેવાની તૈયારીમાં હોવાથી વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. મિડ-ડે LOCAL દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે ૮૦ ટકાથી પણ વધારે વેપારીઓને નો પાર્કિંગ ઝોન જોઈતો નથી.

૨૦૧૧ની ૧૩ જુલાઈએ બ્લાસ્ટ થયા પહેલાં ઝવેરીબજારમાં ચાલવા માટે પણ જગ્યા નહોતી. લોકો ત્યાં ખરીદી કરવા આવે ત્યારે સામસામે અથડાતા હતા. ૨૦૧૧ની ૧૩ જુલાઈએ આતંકવાદીઓ દ્વારા મુંબઈમાં ત્રણ બૉમ્બધડાકા કરવામાં આવ્યા હતા, જેમાં પહેલો ધડાકો ઝવેરીબજારમાં થયો હતો. આ બ્લાસ્ટ સાંજે ૬.૫૪ વાગ્યે ઝવેરીબજારમાં પાર્ક કરવામાં આવેલી એક મોટરસાઇકલમાં થયો હતો. ત્રણે બ્લાસ્ટમાં લગભગ ૨૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૩૦થી વધુ લોકો જખમી થયા હતા. એ બ્લાસ્ટ પછી આ વિસ્તારને નો પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યો અને એ પછી ઝવેરીબજારમાં જાણે કાગડા ઊડી રહ્યા હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બ્લાસ્ટ થયા પછી નો પાર્કિંગ ઝોન સાથે આ વિસ્તારમાં લગભગ ૪૬ ઘ્ઘ્વ્સ્ કૅમેરા બેસાડવામાં આવ્યા હતા, પરંતુ ધંધા પર એની ખાસ્સી અસર થતાં ત્યાંના વેપારીઓએ આ વિશે ઘણા પત્રો પ્રશાસનને લખ્યા છે. હજી પણ વેપારીઓ નો પાર્કિંગ ઝોન દૂર કરવા પ્રયત્નો કરી રહ્યા છે.

વેપારીઓ નો પાર્કિંગ ઝોનની વિરુદ્ધ

ઝવેરીબજારમાં છેલ્લાં ૮૦ વર્ષથી મોહનલાલ એસ. મીઠાઈવાલા નામની દુકાન ચાલી રહી છે. આ દુકાનના ઇન્ચાર્જ અશોક શર્માએ આ વિશે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘બ્લાસ્ટ પછી ઝવેરીબજારમાં આ રીતે પાર્કિંગ ઝોન બનતાં એની સજા વેપારીઓને મળી રહી છે. વાહનોને અંદર આવવા ન મળતું હોવાથી ગ્રાહકોની સંખ્યામાં પણ ખૂબ ઓછી થઈ ગઈ છે. બજારમાં દુકાનમાલિકોની અમુક જ ગાડીઓ અવરજવર કરતી હોય છે. અહીંના મોટા વેપારીઓ ધંધો કરતા હોવાથી વધુ જોખમ લઈને આવતા-જતા હોય છે એટલે અસામાજિક તત્વોને વેપારીઓની ગાડી આઇડેન્ટિફાઈ થવા લાગી છે. એથી સુરક્ષાને બદલે વેપારીઓ માટે અસુરક્ષા વધી ગઈ છે. આ ઝોનને હવે જલદીમાં જલદી દૂર કરવો જોઈએ. આ ઉપરાંત પોલીસને આ વિશે જણાવીએ તો એ વેપારીને કંઈ ન થવાની જવાબદારી લેવા જણાવે છે અને અમને ચૂપ કરી નાખે છે.’

બજારમાં ૮૦ વર્ષથી જેઠમલાણી ક્લોથ સેન્ટર નામની કાપડની દુકાન ધરાવતા અશોક જેઠમલાણીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘દિવસે પોલીસ અમુક વાહનોને આવવા દે છે, પણ રાતના સમયે તો મનફાવે એવી રીતે વાહનો આવતાં હોય છે. આ પાર્કિંગ ફક્ત નામપૂરતું છે. ઝવેરીબજાર નો પાર્કિંગ ઝોન છે એ મેન્ટાલિટી ગ્રાહકોની થઈ ગઈ હોવાથી અમારા ધંધા પર એની વિપરીત અસર થઈ રહી છે. ગ્રાહકો ખૂબ જ ઓછા આવતા હોવાથી અમે તો ખાલી બેસી રહીએ છે જેને કારણે હવે તો અમુક દુકાનો પણ અહીંથી શિફ્ટ થવા લાગી છે. નો પાર્કિંગ ઝોનનો કોઈ અર્થ તો છે નહીં, પણ એને કારણે વેપારીઓની સાથે ગ્રાહકોને ભારે હેરાનગતિ વેઠવી પડી રહી છે. લોકોએ તેમનાં વાહનો પાર્ક કરીને અંદર સુધી ચાલીને આવવું પડે છે જે માલ-સામાન લેવા આવતા ગ્રાહકો ટાળે છે. એથી મોટી ખરીદી કરવા આવતા લોકો અહીં હવે ખરીદી કરવા આવવાનું ટાળે છે. એને કારણે અમારો વર્ષોથી ચાલતો ધંધો અડધાથી વધારે ખતમ થઈ ગયો છે. આ નો પાર્કિંગ ઝોનનો કોઈ ઉપયોગ થતો ન હોવાથી એને દૂર કરવો જરૂરી છે.’

છેલ્લાં ૭૦ વર્ષથી એ. કે. ચોકસી નામની સિલ્વર તેમ જ આર્ટિફિશ્યલ વસ્તુઓની દુકાન ધરાવતા વીરેન શાહે જણાવ્યું હતું કે ‘પાર્કિંગ કરવા દેવામાં આવતું ન હોવાથી એક પ્રકારની શાંતિ તો થઈ છે, પણ ઝવેરીબજારની જે રોનક હતી એ દૂર થઈ ગઈ છે. પાર્કિંગ ન થતાં ચાલવાની જગ્યા તો મળી છે, પણ હવે લોકો ઓછા આવતા હોવાથી આ રસ્તાનો કોઈ ઉપયોગ જ નથી. વાહનોને પાર્ક કરવા દેવામાં આવતાં ન હોવાથી ધંધા પર ભારે અસર થઈ છે જે પોસાય એમ નથી. જેમ પાર્કિંગ પર ધ્યાન આપવામાં આવ્યું એમ આ ફેરીવાળાઓ પર કેમ ધ્યાન નથી આપવામાં આવતું. આ નો પાર્કિંગ ઝોન સારો છે, પણ એને કારણે ધંધો બંધ થઈ જતાં એનો કોઈ મતલબ નથી.’

બજારમાં વર્ષોથી પ્રતાપ બ્રધર્સ-ચાંદીવાલા નામની શૉપ ધરાવતા રૂપેશ ગાંધીએ જણાવ્યું હતું કે ‘સિક્યૉરિટી સિસ્ટમ બદલવી જરૂરી છે. વાહનોની અવરજવર બંધ કરવાને બદલે મેઇન ગેટ પર વાહનોનો નંબર વગેરે બધી માહિતી નોંધવામાં આવે અથવા તો કોઈ પાસ આપીને એન્ટ્રી કરવા દેવામાં આવે તો સિક્યૉરિટી પણ બની રહે અને લોકોને હેરાનગતિ પણ ન થાય. આ રીતે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાથી આજે વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. લોકોએ બજારના ગેટ પર વાહન પાર્ક કરીને અંદર આવવું પડે અને એ પછી દાગીના કે અન્ય કોઈ કીમતી વસ્તુઓ લીધી હોય તો એ વસ્તુઓ લઈને ત્યાંથી ચાલીને મેઇન ગેટ સુધી જવું પડે છે જે વધુ અસુરક્ષિત બની ગયું છે. એથી આ ઝોનને દૂર કરવો જરૂરી છે અથવા તો આ બજાર પૂરી રીતે ખતમ થવાની તૈયારીમાં જ છે.’

સિલ્વરની વસ્તુઓની દુકાનમાં કામ કરતા ધનપાલ ઠાકુરે જણાવ્યું હતું કે ‘વાહન તો પાર્ક થતાં નથી, પણ ગ્રાહકો આવતા ઓછા થઈ ગયા છે એટલે ધંધા ઠપ થવા લાગ્યા છે. તમે રાતના સમયે આવો તો થોડાં વાહનો જોવા મળશે. એથી નો પાર્કિંગ ઝોનનો કોઈ મતલબ જ નથી. એનાથી અમારી સાથે લોકોને પણ ત્રાસ થતો હોવાથી એ હવે દૂર કરવામાં આવે એની અમે રાહ જોઈ રહ્યા છીએ. એને કારણે ધંધામાં નુકસાન થતું હોવાથી બજાર ખતમ થવાના આરે હોવાથી વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.’

બુલિયન અસોસિએશન શું કહે છે?

મુંબઈ બુલિયન અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ કપિલ પારેખે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આ વાત સાચી છે કે નો પાર્કિંગ ઝોનને કારણે ધંધા પર એની અસર થઈ છે. બજારમાં આ વિશે બે વ્યુ છે. રીટેલરોને ભારે નુકસાન થઈ રહ્યું છે, જ્યારે હોલસેલરોની સેફ્ટી વધી ગઈ હોય એમ લાગે છે. આ વિશે અમે ઘણી વાર પોલીસ-પ્રશાસન સાથે ચર્ચા કરી છે. એમનું કહેવું છે કે તો તમે સુરક્ષાની જવાબદારી ઉપાડવા તૈયાર છો? ઝવેરીબજારની ઝળહળતા દૂર થતાં અને વેપારીઓના ધંધાને ધ્યાનમાં રાખીને અમે એક પ્રસ્તાવ મૂકવાના છીએ; જેમાં લોકો વાહન અંદર લાવી શકે છે, પણ પાર્ક કરી શકશે નહીં. વેપારીઓ પોતાના ગ્રાહકો માટે પિક ઍન્ડ ડ્રૉપ સુવિધા પણ રાખી શકે છે. અસોસિએશન પૂરી તૈયારી કરશે જેનાથી ઝવેરીબજારમાં પહેલાંની જેમ વેપારીઓ ધંધો કરી શકે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK