તળ મુંબઈના દુકાનદારો સામે ડેન્ગીનો ડર

ગટરના ઊભરાતા પાણીની સમસ્યાથી લોકો પરેશાન : મચ્છરોનો ત્રાસ



બકુલેશ ત્રિવેદી


સુધરાઈ દ્વારા હાલ મચ્છરોથી થતા રોગ ડેન્ગી સામે અને મલેરિયા સામે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને પાણી ભરાઈ ન રહે એ માટે લોકોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે ત્યારે તળ મુંબઈના અનેક વિસ્તારોમાં ગટરના ઊભરાતા ગંદા પાણીની સમસ્યાથી ત્યાંના રહેવાસીઓ સખત પરેશાન છે. એવું નથી કે સુધરાઈને આ બાબતની જાણ નથી; પણ સુધરાઈ દ્વારા એનો ટેમ્પરરી ઉપાય કરવામાં આવે છે, કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી એમ ત્યાંના રહેવાસીઓનું કહેવું છે. વર્ષોથી આ સમસ્યાનો સામનો કરીને આ વિસ્તારના રહેવાસીઓ અને દુકાનદારો હવે ત્રાસી ગયા છે. 

ગંદા પાણીની આ મુશ્કેલી બાબતે વધુ માહિતી આપતાં પ્રિન્સેસ સ્ટ્રીટમાં શામળદાસ ગાંધી માર્ગ પર છેલ્લાં ૫૦ વર્ષથી દુકાન ધરાવતા જી. એ. બ્રધર્સના અરવિંદ મહેતાએ કહ્યું હતું કે ‘મકાનમાંથી આવતું ગંદું પાણી ગટરમાંથી બહાર ઊભરાય છે અને એ બહાર દુકાનની સામે પણ ફેલાઈ જાય છે. આખો દિવસ વહેતા પાણીમાંથી ભયંકર વાસ આવતી હોય છે. એ સિવાય આજુબાજુ ફેલાતા પાણીમાં મચ્છરો પણ પેદા થતા હોય છે જેને કારણે સખત ત્રાસ થતો હોય છે. મલેરિયા અને ડેન્ગીનો પણ ડર રહે છે. અમે અવારનવાર આ માટે સુધરાઈમાં ફરિયાદ કરીએ છીએ. એ લોકો કહે છે કે આગળ ચેમ્બર ચૉક-અપ થઈ જાય છે એને કારણે અહીં પાણી ઊભરાય છે. કદાચ તેમની વાત સાચી હશે, પણ તેમણે એ ચેમ્બર ચૉક-અપ ન થાય એની કાળજી લેવી જોઈએ. અમે પાંચ-છ વાર ફરિયાદ કરીએ ત્યારે એક વાર તેઓ કામ કરતા હોય છે. અમે આ સમસ્યાથી હવે ત્રાસી ગયા છીએ.’

આવી જ સમસ્યા ૧૪૬/૧૪૮ જંજીકર સ્ટ્રીટમાં દુકાન ધરાવતા હાશિમભાઈને પણ છે. તેમણે કહ્યું હતું કે ‘પહેલાં સમસ્યા હતી, પણ વધુ નહોતી; ક્યારેક-ક્યારેક પાણી ભરાતું હતું. જોકે છેલ્લા ત્રણ મહિનાથી રોજ પાણી ભરાય છે. સુધરાઈને કહીએ છીએ તો કોઈ એ તરફ ધ્યાન જ આપતું નથી. દુકાનમાં સવારથી સાંજ સુધી બેસવાનું હોય છે. ગ્રાહકો પણ આવે ત્યારે ગંદકી અને ગંદી વાસથી પરેશાન થઈ જાય છે. સુધરાઈ કહે છે કે ચેમ્બરમાં કચરો ભરાયો છે એટલે પાણી ઊભરાય છે તો એ ચેમ્બર સાફ કરવાની એમની જવાબદારી ખરી કે નહીં?’

રોજ ગંદા પાણીમાં પેદા થતા મચ્છરોને કારણે દુકાનમાં મૉસ્કિટો કોઇલ લગાડનાર સૅમ્યુઅલ સ્ટ્રીટમાં પ્લાસ્ટિકની દુકાન ધરાવતા અમાફ ફિદાહુસેન અમરેલીવાલાનું કહેવું છે કે ‘કચરાનો અને ગંદા પાણીનો પ્રૉબ્લેમ કાયમનો છે. સુધરાઈના લોકો મનફાવે ત્યારે બે-ત્રણ દિવસે એક વાર આવે અને સફાઈ કરી જાય. બાકી રોજ ગંદું પાણી વહેતું રહે છે. અમારી તો દુકાન છે, છોડીને ક્યાં જઈએ? એ પાણીમાં ડેન્ગી અને મલેરિયાના મચ્છર પણ પેદા થતા હોય છે. અમે લોકો એનાથી બચવા મૉસ્કીટો કોઇલ લગાવીએ છીએ. અમારે તો અહીં જ  ધંધો કરવાનો છે.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK