આ ભાઈ બન્યા ભુલેશ્વરના તારણહાર

ગુજરાતી રહેવાસી હરકિસન ગોરડિયાની ફરિયાદને પગલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જીવતા બૉમ્બ જેવાં જ્વેલરી-મેકિંગ યુનિટોને હટાવવાનો આદેશ

bhuleshwar

લક્ષ્મણ સિંહ

ભુલેશ્વરના એક રહેવાસીએ કરેલી ફરિયાદને પગલે કાલબાદેવી-ભુલેશ્વર વિસ્તારનાં બધાં જ્વેલરી-મેકિંગ યુનિટને હટાવવાનો આદેશ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે BMCને આપ્યો છે. જોકે આ કામ સહેલું નહીં હોય, કેમ કે આ પહેલાં ૨૦૧૨ અને ૨૦૧૫માં આ જ્વેલરી-યુનિટોને અહીંથી હટાવવાનો નિષ્ફળ પ્રયાસ થઈ ચૂક્યો છે.

ભુલેશ્વરમાં ચાલી રહેલાં દાગીના બનાવવાનાં કારખાનાં જ્વાળામુખી સમાન છે અને આ વિસ્તારમાં ગમે ત્યારે કારખાનાંનો ભસ્માસુર રહેવાસીઓ માટે જોખમી બની શકે છે એમ જણાવતાં ગુજરાતી રહેવાસી હરકિસન ગોરડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે વર્ષ પહેલાં કાલબાદેવીમાં લાગેલી આગમાં ચીફ ફાયર ઑફિસર સહિત ચાર મોટા અધિકારીઓ ફાયર-બ્રિગેડે ગુમાવ્યા હતા. એ વાતની મુખ્ય પ્રધાનને યાદ અપાવતાં મેં કહ્યું હતું કે આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ચાલી રહેલાં જ્વેલરીનાં કારખાનાં રહેવાસીઓ માટે જોખમી બન્યાં છે અને એમાંથી નીકળતો ઝેરી ગૅસ પણ આરોગ્ય માટે હાનિકારક છે. કાલબાદેવીમાં જો કમલા મિલ્સ જેવી આગ લાગે તો મૃત્યુનો આંકડો સેંકડોમાં હશે, કેમ કે અહીં દરેક સાંકડી ગલીઓમાં સેંકડો જ્વેલરી-યુનિટો આવેલાં છે જેમાંથી મોટા ભાગના ગેરકાયદે છે. સાંજના સમયે આ વિસ્તારમાં શ્વાસ લેવાનું પણ શક્ય હોતું નથી, કેમ કે લગભગ દરેક બિલ્ડિંગની ઉપર ગેરકાયદે ચીમની લાગેલી છે એમાંથી ઍસિડ સહિતનાં રસાયણોના ધુમાડા નીકળતા હોય છે. મેં મુખ્ય પ્રધાનને ચીમનીઓના ફોટો આપ્યા હતા જે જોઈને તેમને આઘાત લાગ્યો હતો.’

દર મહિનાના પહેલા સોમવારે જનતાની ફરિયાદો સાંભળતા મુખ્ય પ્રધાન ફડણવીસે આ ફરિયાદ સાંભળ્યા બાદ તાત્કાલિક BMCને આદેશ આપ્યો હતો કે આ વિસ્તારમાં આવેલી ગેરકાયદે ચીમનીઓને તોડી પાડવામાં આવે, આ ઉપરાંત બધા જ્વેલરી-એકમોને ત્રણ મહિનામાં સ્થળાંતર કરવાની નોટિસ આપવી.

goradia

સહેલું નથી જ્વેલરી એકમોનું સ્થળાંતર : જ્વેલરી અસોસિએશન

મુખ્ય પ્રધાને જ્વેલરી એકમોને હટાવવાનો આદેશ ભલે આપ્યો હોય, પરંતુ આ કામ સહેલું નહીં હોય એમ જણાવતાં મુંબઈ જ્વેલર્સ અસોસિએશનના કુમાર જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાલબાદેવીની આ જ્વેલરી માર્કે‍ટ ૨૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવે છે. અંગ્રેજો અહીં હતા ત્યારે ૨૦૦ વર્ષ પહેલાં લોકો કાલબાદેવી મંદિરે દર્શને આવતા અને ત્યારે આ વિસ્તારમાં પાંચેક દુકાનો હતી એમાં સોનાના દાગીનાની ખરીદી-વેચાણ થતાં. સ્વતંત્ર થયા પછી અહીં દુકાનો વધવા લાગી અને અત્યારે આ વિસ્તારમાં ૪૦,૦૦૦ જેટલા યુનિટો છે જેમાં હોલસેલર, રીટેલર અને મૅન્યુફૅક્ચરર્સનો સમાવેશ છે. ફક્ત જ્વેલરી માર્કે‍ટમાં દરરોજ પાંચ લાખ લોકોની આવજા હોય છે. કાલબાદેવી-મુંબાદેવી-ભુલેશ્વર વિસ્તારમાં ૩૦૦૦ જેટલા તો રીટેલર્સ છે. આ ઉદ્યોગને અહીંથી સ્થળાંતર કરવો હોય તો એ કામ  સહેલું નથી, કેમ કે પહેલી વાત એ કે આટલાબધા એકમોને સમાવી શકવા માટે એટલી મોટી જગ્યા હોવી જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy