મુંબઈ : કફ પરેડની ઝૂંપડપટ્ટીમાં ભયંકર આગ

૯૦૦ ઝૂંપડાંને નુકસાન, ઝૂંપડપટ્ટી એટલી ગીચ છે કે ફાયર-બ્રિગેડને આગ ઠારતાં નાકે દમ આવી ગયો


મુંબઈમાં ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યે કફ પરેડ વિસ્તારના બૅકબે ડેપો પાછળ આવેલી આંબેડકર નગર ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં ૯૦૦ જેટલાં ઝૂંપડાંને નુકસાન થયું હતું. આ આગમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણ જણ ઘાયલ થયા હતા. આ ઉપરાંત વડાલામાં વડાલા RTOની બાજુમાં લાગેલી આગમાં લોઢા કન્સ્ટ્રક્શનના એક શેડમાં આગ લાગી હતી જેમાં કોઈ જાનહાનિ નહોતી થઈ. 

જિલ્લા અધિકારી અને MMRDAના અખત્યાર હેઠળની કફ પરેડની જમીન પર બનેલી ઝૂંપડપટ્ટી હવે મૅન્ગ્રોવ્ઝ અને દરિયામાં પણ ફેલાઈ ગઈ છે. ૧૨થી ૧૩ વર્ષ પહેલાં જ્યાં એ ઝૂંપડપટ્ટી બૅકબે ડેપોની પાછળ માત્ર ૫૦થી ૬૦ ફૂટ ફેલાયેલી હતી એ હવે બે કિલોમીટર સુધી અંદર ફેલાઈ ગઈ છે અને એણે ૧.૦૯,૯૭૭ સ્ક્વેર મીટરનો એરિયા કવર કરી લીધો છે.  

અંદાજે ૮૦૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી આ આગમાં ૧૪ સિલિન્ડરના બ્લાસ્ટ થયા હતા. સાવચેતીના ઉપાય હેઠળ એ વિસ્તારની ઇલેક્ટ્રિસિટી અને ગૅસના જોડાણની સપ્લાય કાપી નાખવામાં આવી હતી. આગમાં ઘર ગુમાવનાર ત્યાંના રહેવાસીઓને ટેમ્પરરી ધોરણે નજીકની સુધરાઈની બે સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો હતો. 

કફ પરેડની આગ વિશે ફાયર-બ્રિગેડને માહિતી મળતાં પહેલાં ત્રણ ફાયર-એન્જિન અને પાણીનાં બે જમ્બો ટૅન્કર મોકલવામાં આવ્યાં હતાં, પણ ત્યાર બાદ આગનું ભીષણ સ્વરૂપ જોતાં કુલ ૧૬ ફાયર-એન્જિન અને ૮ જમ્બો ટૅન્કર આગને કાબૂમાં લેવા માટે મોકલવામાં આવ્યાં હતાં. અઢી કલાક બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસર પી. એસ. રાહાંદળેએ આ બાબતે કહ્યું હતું કે ‘પહેલાં એ ઝૂંપડપટ્ટીમાં આસાનીથી દાખલ થઈ શકાતું હતું, પણ ગઈ કાલે આગ ઠારતાં અમારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એ ઝૂંપડપટ્ટી એટલી ગીચ થઈ ગઈ હતી કે અમે એની અંદર પ્રવેશી શકીએ એટલી જગ્યા જ નહોતી, માત્ર બે જ જણ જઈ શકે એટલી નાની જગ્યા હતી. આગ ઠારવા અમારી પાસે માત્ર આજુબાજુના ત્રણ પૉઇન્ટ હતા. બૅકબે ડેપોની દીવાલ પાસેથી, વલ્ર્ડ ટ્રેડ સેન્ટરના કમ્પાઉન્ડમાંથી અને આદર્શ નગર ટ્રાન્ઝિટ કૅમ્પ પાસેથી અમે આગ ઠારી હતી. અમારા જવાનોએ ત્યાર બાદ છાપરાં પર જઈને આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે છાપરાં પર વજનદાર હોઝપાઇપ લઈને આગ ઠારવાનું કામ બહુ જ જોખમી હતું. એ નાની ગલીઓમાંથી લોકોને બહાર કાઢવાનું પણ બહુ જ કપરું હતું. એમ છતાં અમે મોટા ભાગના લોકોનો બચાવ કરી શક્યા હતા અને બહુ ઓછા લોકો આટલી મોટી આગમાં ઘાયલ થયા હતા.’    

આ વિસ્તારમાં કેટલાં કાયદેસરનાં અને કેટલા ગેરકાયદે ઝૂંપડાં હતાં એનો કોઈ ચોક્કસ આંકડો મળી નથી રહ્યો, કારણ કે એના સર્વે‍નું કામ અત્યારે ચાલી રહ્યું હતું. સરકાર તરફથી કોઈ મદદ જાહેર કરવામાં નહોતી આવી. એ સિવાય આ ઝૂંપડપટ્ટી મૅન્ગ્રોવ્ઝ પર પણ ફેલાયેલી હોવાથી એની જવાબદારી એક ડિપાર્ટમેન્ટ દ્વારા બીજા ડિપાર્ટમેન્ટ પર ઢોળવામાં આવી રહી હતી. 

મુંબઈ સિટી કલેક્ટર ચંદ્રકાંત ઓકે આ બાબતે કહ્યું હતું કે ‘અમે કોઈ રાહત આપવા વિશે અને પુનર્વસન બાબતે હજી સુધી વિચાર્યું નથી, કારણ કે આ બન્ને બાબતો રાજ્ય સરકારના અખત્યાર હેઠળ આવે છે. અતિક્રમણ બાબતે અમારો સર્વે‍ ચાલી રહ્યો છે અને અમારે એ માટે જૂના રેકૉર્ડ્સ પણ ચકાસવા પડશે. જો મૅન્ગ્રોવ્ઝ પર અતિક્રમણ કરવામાં આવ્યું હશે તો એ અમારા અખત્યાર હેઠળ ન આવતાં ફૉરેસ્ટે ડિપાર્ટમેન્ટ હેઠળ આવતું હોવાથી ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે એની સામે ઍક્શન લેવાની રહેશે.’

વડાલામાં પણ આગ

આગની અન્ય ઘટના વડાલામાં સવારે ૧૦ વાગ્યે બની હતી. વડાલા RTOની બાજુમાં લોઢા કન્સ્ટ્રક્શનની સાઇટ પર આવેલા ૩૦ƒ૮૦ ફૂટના ગ્રાઉન્ડ પ્લસ-૧ના કાચા શેડમાં એ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા ૮ ફાયર-એન્જિનને ત્યાં મોકલવામાં આવ્યાં હતાં. આગ બુઝાવવાની કાર્યવાહી દરમ્યાન એક ફાયર-ઑફિસરને પગમાં માર લાગતાં તેને સારવાર માટે સાયન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.  

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK