"મારા ભાઈના પરિવારને કોઈ સંયમ માર્ગેથી પાછો વાળો"

નાનો ભાઈ તથા તેની પત્ની અને દીકરી દીક્ષા લઈ રહ્યાં છે એ નથી મંજૂર ગ્રાન્ટ રોડના ચેતન ગાલાને : તેનું બ્રેઇન-વૉશ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ


દિક્ષાર્થી નિલેશ ગાલા


મનીષા ગાલા


દેવાંશી ગાલા


ચેતન ગાલા


સપના દેસાઈ

જૈન સમાજમાં ખળભળાટ મચી જાય એવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગ્રાન્ટ રોડમાં રહેતા ચેતન રતનશી ગાલાએ તેમના નાના ભાઈ, તેની પત્ની અને ૧૬ વર્ષની દીકરીને બળજબરીથી દીક્ષા અપાવવામાં આવી રહી હોવાનો આરોપ એક જૈન મહારાજસાહેબ સામે કર્યો છે.

રામચંદ્રસૂરી સમુદાયના હિતરુચિવિજયજી મહારાજની નિશ્રામાં ૨૪ એપ્રિલે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં લગભગ ૨૭ જણનો દીક્ષા સમારોહ થવાનો છે. એમાં ચેતન ગાલાનો ૪૨ વર્ષનો નાનો ભાઈ નીલેશ, તેની પત્ની મનીષા અને તેમની ૧૬ વર્ષની દીકરી દેવાંશી દીક્ષા લેવાનાં છે અને આ ત્રણે જણની દીક્ષા સામે ચેતનનો વિરોધ છે.

બ્રેઇન-વૉશ કરવામાં આવ્યું છે

પોતાના નાના ભાઈ સહિત તેનો આખો પરિવાર દીક્ષા લે એની વિરુદ્ધમાં રહેલા ચેતન ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો સગો નાનો ભાઈ દીક્ષા લઈ રહ્યો છે તો હું કેમ એનો વિરોધ ન કરું? મારા નાના ભાઈનું કેટલું હદે બ્રેઇન-વૉશ કરી દેવામાં આવ્યું છે એ વિચારીને પણ મને દુ:ખ થઈ રહ્યું છે. અમે પાંચ-ભાઈ બહેનોમાં તે નાનો છે ત્યારે તે દીક્ષા લઈને સંસારનો ત્યાગ કરતો હોય તો મને તકલીફ ન થાય?’

મહારાજસાહેબના પ્રભાવમાં છે

હું દીક્ષાના કે કોઈ જૈન મહારાજસાહેબના વિરોધમાં નથી એવું બોલતાં ચેતને કહ્યું હતું કે ‘ત્રણ વર્ષથી નીલેશ મહારાજસાહેબ સાથે છે અને તેમના પ્રભાવમાં આવીને નીલેશ મારી વાત સાંભળતો નથી. તેમના પ્રભાવ હેઠળ કોઈ યોગ્ય નિર્ણય લઈ શકવાની સ્થિતિમાં નથી. સતત તેમની સાથે રહ્યો છે, પણ જો તે મારી સાથે રહેશે તો તેમના પ્રભાવમાંથી બહાર આવશે અને તેનો વિચાર બદલાઈ જશે. એક તરફ મહારાજસાહેબો ઘરને, પરિવારને સાથે રહીને જોડવાની વાત કરે છે, પણ બીજી તરફ આખાના આખા પરિવારને દીક્ષા આપીને પરિવારને તોડવામાં આવતો હોય છે એનું શું? સંસારમાં અને પરિવારની સાથે રહીને પણ આત્મકલ્યાણ થઈ શકે છે એ વાત હું નીલેશને સમજાવવા માગું છું.’

પરિવાર ઉતાવળિયો થઈ ગયો છે

ભાઈ સપરિવાર દીક્ષા ન અંગીકાર કરે એ માટે બધા પ્રયત્ન કર્યા એવું બોલતાં ચેતન ગાલાએ કહ્યું હતું કે ‘હું બેથી ત્રણ વાર હિતરુચિ વિજયજી મહારાજસાહેબને મળવા ગયો, પણ તેઓ કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતા. મારાં મમ્મી પહેલાં તૈયાર નહોતાં, પણ પરિવારના બીજા સભ્યોની સામે તેમણે કંઈ બોલવાને બદલે મૂક બનીને મંજૂરી આપી દીધી અને હવે બધા તેમને દીક્ષા આપવા માટે ઉતાવળિયા થઈ ગયા છે. મારી વાત તેઓ સાંભળવા તૈયાર નથી.’

સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ જઈશ

આત્મશુદ્ધિ અને આત્મકલ્યાણના નામે સંસારનો ત્યાગ કરી પરિવારને તોડીને દીક્ષા અંગીકાર કરવી એવું ક્યાં લખ્યું છે એવો સવાલ કરતાં ચેતન ગાલાએ કહ્યું હતું કે ‘ધંધો-ઘર બધું વ્યવસ્થિત હતું. આર્થિક રીતે પણ તકલીફ નહોતી, છતાં મહારાજસાહેબના પ્રભાવમાં આવીને ઘર છોડીને નીલેશ અમદાવાદ જતો રહ્યો હતો અને પોતે તો દીક્ષા લઈ રહ્યો છે, સાથે પોતાની પત્ની મનીષા અને દીકરીને પણ દીક્ષા લેવડાવી રહ્યો છે. દીકરી હજી ૧૬ વર્ષની છે. તેણે જીવનના તડકા-છાંયડા જોયા નથી તો દીક્ષા લેવાથી તે ભવસાગર તરી જશે એમ કઈ રીતે માની શકાય? હું નીલેશને અને તેની દીકરીને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ જવા માગું છું.’

મારી મરજી

પોતાના આખા પરિવારની દીક્ષા સામે પોતાનો જ મોટો ભાઈ વિરોધ કરી રહ્યો છે એ બાબતે અમદાવાદમાં રહેતા નીલેશનો ‘મિડ-ડે’એ કૉન્ટૅક્ટ કર્યો ત્યારે દીક્ષા લેવી કે નહીં એ મારી મરજીની વાત છે કહીને તેમણે વાત કરવાનું ટાળ્યું હતું અને જ્યારે ફરી તેમને પૂછવામાં આવતાં તેમણે હું બહુ બિઝી છું, મારી પાસે વાત કરવાનો સમય નથી, બે-ચાર દિવસ પછી વાત કરીશું એમ કહીને ફોન મૂકી દીધો હતો.

અમે કોઈ જબરદસ્તી નથી કરી

રામચંદ્રસૂરિ સમુદાયના હિતરુચિવિજયજી મહારાજ સાહેબને આ બાબતે કૉન્ટૅક્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે તેમની તબિયત સારી નથી કહીને તેમની સાથે ‘મિડ-ડે’ના પ્રતિનિધિને વાત કરવા નહોતી દીધી, પણ તેમના બદલે દીક્ષાનું તમામ કામ સંભાળી રહેલા તેમ જ હિતરુચિવિજયજી મહારાજસાહેબ સાથે છેલ્લાં વીસ વર્ષથી પણ વધુ સમયથી સાથે રહેલા અને તેમનું તમામ કામ સંભાળતા ઉત્તમ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નીલેશભાઈ, તેમનાં પત્ની અને દીકરીને અમે કઈ રીતે જબરદસ્તીથી દીક્ષા આપી શકીએ? તેઓ સહપરિવાર પોતાની મરજીથી દીક્ષા લઈ રહ્યા છે. આ એક જાહેર પ્રસંગ છે અને અમે કોઈ છૂપી રીતે દીક્ષા યોજી નથી રહ્યા અને ચેતનભાઈને મહારાજસાહેબને મળવા દેવામાં નથી આવતા એ વાત તદ્દન ખોટી છે. તેઓ એકાદ વાર આવ્યા હતા અને તેમની તબિયત સારી નહીં હોય તો તેઓ નહીં મળ્યા હોય અને ચેતનભાઈને તેમના ભાઈ નીલેશ સાથે મળવા દેવામાં નથી આવતા એ વાત પણ સાવ ખોટી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK