પાયધુનીમાં જૈન દેરાસર સામે જ ગેરકાયદે પાર્કિંગ

પૈસા લઈને ટ્રાફિક-પોલીસ જ વાહનોનું પાર્કિંગ કરાવતી હોવાનો સ્થાનિક રહેવાસીઓ સહિત વેપારીઓનો આક્ષેપ



પાયધુનીમાં આવેલા જૈન સમાજના સૌથી જૂના અને ઐતિહાસિક તીર્થ તરીકે પ્રખ્યાત એવા શ્રી આદિનાથજી જૈન મંદિર (ગોડીજી) દેરાસર સામે જ ગેરકાયદે પાર્કિંગ થઈ રહ્યું હોવાની સ્થાનિક નાગરિકો દ્વારા ફરિયાદ થઈ રહી છે એટલું જ નહીં, પણ આ પાર્કિંગ પૈસા લઈને ટ્રાફિક-પોલીસ દ્વારા જ કરાવવામાં આવી રહ્યું હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે.

આ દેરાસરને ઐતિહાસિક તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. એથી મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો અહીં આવતા-જતા હોય છે. એ સાથે અહીં માર્કેટ વિસ્તાર હોવાથી માલ-સામાનની સતત આવ-જા થતા હોય છે ત્યારે આવા વિસ્તારમાં થતાં ગેરકાયદે પાર્કિંગને કારણે  લોકોને હેરાનગતિ થાય છે તેમાં પાછું ટ્રાફિક-પોલીસની મદદ લઈને અહીં પાર્કિંગ થઈ રહ્યું હોવાથી અહીંના લોકો વધુ રોષ વ્યક્ત કરે છે, પણ વેહિકલ પાર્ક કરતા લોકોની દાદાગીરી વધુ હોવાથી લોકો કંઈ કરી શકતા નથી.

લોકોનું શું કહેવું છે?

આ વિશે પાયધુનીમાં કામકાજ કરતા એક વેપારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘આ વેહિકલ જેટલાં પણ પાર્ક કરવામાં આવે છે એમાં મોટા ભાગનાં તો ભિવંડી વગેરે જગ્યાઓથી આવે છે. અહીંની માર્કેટના વેપારીઓનાં વેહિકલ તો ભાગ્યે જ તમને જોવા મળશે. દેરાસરની આગળ જે જગ્યા છે ત્યાં પૈસા આપીને ટ્રાફિક-પોલીસની મદદે જ પાર્કિંગ કરવામાં આવે છે. કોઈ બોલવા જાય તો દાદાગીરી કરવામાં આવતી હોવાથી કોઈ એ વિશે કંઈ બોલતું નથી. આ આખો વિસ્તાર ભીડભાડવાળો હોવાથી જગ્યા ઓછી છે. એથી દેરાસરની સામે જગ્યા હોવાથી ત્યાં પાર્ક કરવામાં આવે છે, પણ બેફામ થતા આ પાર્કિંગના કારણે આ રસ્તાનો ઉપયોગ કરતા વેપારીઓ ભારે હેરાન થઈ રહ્યા છે. એમાંય ખાસ કરીને રાતના સમયે તો ચાલવાની જગ્યા પણ રહેતી નથી.’

આ જ વિસ્તારમાં રહેતા એક રહેવાસીએ જણાવ્યું હતું કે ‘હું આ જ વિસ્તારમાં રહું છું અને રોજ સવાર-સાંજ દેરાસર જવું પડે છે, પણ આ ગેરકાયદે પાર્કિંગના કારણે મારાં સિનિયર સિટિઝન માતા-પિતાને બહુ ભારે પડે છે. તેઓ રોજ આ પાર્કિંગમાં અટવાઈ જાય છે. આટલું મોટું ઐતિહાસિક દેરાસર અહીં હોવા છતાં એની સામે આવી રીતે પાર્કિંગ થાય એ ખૂબ અયોગ્ય મુદ્દો છે. એ ઉપરાંત આ પાર્કિંગના કારણે ત્યાં રહેતા લોકોના તો નાકે દમ આવી ગયો છે. આ વિશે અમે પણ ફરિયાદ કરી છે, પણ કોઈ ધ્યાન અપાતું નથી.’

પાસે આવેલી નાગદેવી માર્કેટના એક વેપારીએ જણાવ્યું હતું કે ‘ભિવંડી તેમ જ દૂર-દૂરથી બિઝનેસ ડીલ કરવા આવતા લોકો અહીં વેહિકલ પાર્ક કરતા હોય છે. આ લોકો પોતાની દાદાગીરી દેખાડતા હોવાથી અમારા જેવા દરરોજ કામ પર આવતા અને અહીં જ વેપાર કરતા વેપારીઓ બોલતાં અચકાય છે. પણ જો બધા વેપારીઓ એક થઈને આવી ઇલીગલ પ્રવૃત્તિ સામે લડે તો આ બધું બંધ થઈ જાય એમ છે. તેમ જ ટ્રાફિક-પોલીસનો પણ આ ધંધો બંધ થઈ જશે.’

કાર્યક્રમ વખતે વધુ હેરાનગતિ

આમ તો દરરોજ લોકો આ ઇલીગલ પાર્કિંગના કારણે હેરાન થતા હોય છે, પણ જ્યારે દેરાસરમાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે દૂર-દૂરથી લોકો આવતા હોય છે ત્યારે અહીં ચાલવાની પણ જગ્યા રહેતી નથી અને એ વખતે લોકો ભારે હેરાન થતા હોય છે. કાર્યક્રમમાં જોડાવા આવતા લોકો અને વેહિકલ પાર્ક કરતા લોકો બન્નેનાં વેહિકલના કારણે ભારે ટ્રાફિક જૅમની સમસ્યા ઊભી થતી હોય છે.

આ બાબતે આ દેરાસરના એક ટ્રસ્ટી સાથે વાત કરવામાં આવતાં તેમણે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘દેરાસરની સામે ગેરકાયદે રીતે કરવામાં આવતા પાર્કિંગ બાબતે મેં પોતે અનેક વખત દેરાસરના અન્ય ટ્રસ્ટીઓ તથા ટ્રાફિકના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે, પણ કોઈને આ સમસ્યાનો નિકાલ લાવવામાં ઇન્ટરેસ્ટ નથી.’

આ બાબતે નજીકમાં જ ટ્રાફિકને હેન્ડલ કરી રહેલા પોલીસને પૂછવામાં આવતાં તેણે આ બાબતે પોતે કંઈ જ જાણતો ન હોવાનું કહ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK