મરિન ડ્રાઈવ પર દરિયાનાં મોજાંમાં ૭૦ વર્ષનાં મહિલા તણાયાં

દરિયાનાં મોજાં ગઈ કાલે ૭૦ વર્ષનાં મહિલાને તાણી ગયાં : રેસ્ક્યુ ટીમ ચારેક કલાક લાચાર બનીને જોતી રહી : દીકરો કહે છે કે મમ્મી ચાલી જ નહોતાં શકતાં તો પછી પવઈથી મરીન ડ્રાઇવ કેવી રીતે પહોંચી ગયાં?




ડૂબતાને બચાવવાની દોડધામ : દરિયામાં ભારે ભરતી વખતે જ મરીન ડ્રાઇવની પાળી પરથી લપસી જતાં ૭૦ વર્ષનાં કલ્પના ભટ્ટાચાર્ય દરિયામાં ગરકાવ થઈ ગયાં હતાં. લોકોએ તેમને ડૂબતાં જોઈને પોલીસને જાણ કરી હતી અને રેસ્ક્યુ ઑપરેશન શરૂ થયું હતું. જોકે ચારેક કલાકની મહેનત બાદ પણ તેમને બચાવી શકાયાં નહોતાં. લોકો કિનારે ઊભા રહીને રેસ્ક્યુ ટીમની કામગીરી જોતા હતા. ગઈ કાલે ૪.૯૫ મીટરની ભરતી અને વરસાદી વાતાવરણ હોવાથી દરિયાનાં પ્રચંડ મોજાં મરીન ડ્રાઇવની પાળી સાથે અફડાયાં હતાં. તસવીર : સુરેશ કે. કે.



ચોમાસામાં વરસાદ વચ્ચે સમુદ્રમાં ભરતી વખતે દરિયાકિનારે ન જવાની સુધરાઈની ચેતવણીઓ અને રેસ્ક્યુ ટીમની તહેનાતી છતાં મુંબઈગરાઓ વરસાદની મજા લેવા ચોપાટીઓ પર ઊમટી પડે છે અને ક્યારેક જાન ગુમાવે છે. વીક-એન્ડમાં મોસમની મજા લૂંટવા લોકો ઊમટી પડે એ સમજાય, પરંતુ ગઈ કાલે વર્કિંગ ડે હોવા છતાં મરીન ડ્રાઇવ પર લોકો ઊમટી પડ્યા હતા. બપોરે એક વાગ્યે દરિયામાં ૪.૯૫ મીટરની ભારે ભરતી વખતે સુધરાઈની ચેતવણીઓ વચ્ચે ત્યાં લાઇફ-ગાર્ડ્સની હાજરી હોવા છતાં પવઈમાં હીરાનંદાણીમાં રહેતાં ૭૦ વર્ષનાં સિનિયર સિટિઝન કલ્પના ભટ્ટાચાર્ય મરીન ડ્રાઇવના દરિયામાં ડૂબતાં નજરે ચડ્યાં હતાં.

સુધરાઈના જણાવ્યા પ્રમાણે ભરતી વખતે આ મહિલા મરીન ડ્રાઇવની પાળી પર ઊભા રહીને સમુદ્રનાં મોજાં જોતાં હતાં ત્યારે મોજાંની થપાટથી બૅલૅન્સ ગુમાવતાં પડી ગયાં હતાં અને મોજાંએ તેમને દરિયામાં ખેંચી લીધાં હતાં.

તેમને દરિયામાં ડૂબી રહેલાં જોઈને ફેરિયાઓએ ત્યાં ડ્યુટી પરના એક કૉન્સ્ટેબલને જાણ કરી હતી. તરત જ પોલીસ, નેવી અને લાઇફ-ગાર્ડ્સ દ્વારા બચાવ-કામગીરી શરૂ કરવામાં આવી હતી; પરંતુ દરિયાની પ્રચંડ ભરતી સામે કોઈનું કંઈ ચાલ્યું નહોતું. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ-અધિકારી સમીર શેખે કહ્યું હતું કે ‘ભરતીને કારણે આ સિનિયર સિટિઝન મહિલાને બચાવી લેવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. સાંજે સાડાચાર વાગ્યા પછી ભરતી શમી ગઈ અને દરિયાનાં પાણી શાંત થયા બાદ કિનારાથી ૩૦ ફૂટ દૂર તેમનો મૃતદેહ પાણીમાં તરતો હતો. તેમને બહાર કાઢીને ગોકુલદાસ તેજપાલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં અને મૃત ઘોષિત કરવામાં આવ્યાં હતાં.’

પોલીસના જણાવ્યા પ્રમાણે આ મહિલાનું માત્ર પર્સ મળ્યું હતું. એમાં કોઈ ઓળખ સંબંધી પુરાવો નહોતો તેથી મોડી સાંજ સુધી ઓળખ થઈ શકી નહોતી. છેક મોડી સાંજે તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. આ મહિલાના પુત્રે હૉસ્પિટલમાં પોલીસને કહ્યું હતું કે સવારથી જ તેઓ ગાયબ હતાં અને તેમની મિસિંગની ફરિયાદ પવઈ પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ‘મિડ-ડે’એ વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે વાત કરવાની સ્થિતિમાં નહોતો અને આઘાતમાં માત્ર એટલું જ કહ્યું હતું કે ‘મારાં મધર ચાલી શકતાં નહોતાં. તેઓ મરીન ડ્રાઇવ સુધી કેવી રીતે પહોંચ્યાં એ અમારા માટે આઘાતની વાત છે.’

હવે મરીન ડ્રાઇવ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK