ટ્રૅક પર પડેલા યુવાનને બચાવવા ટ્રેનની સામે ઊભો રહી ગયો આ જાંબાઝ

ઈજાગ્રસ્તને હૉસ્પિટલમાં લઈ જઈને તેનો જીવ બચાવ્યો, પણ એના બદલામાં પોલીસે તેને કહ્યું કે તારે દોઢડહાપણ કરવાની શું જરૂર હતી

મમતા પડિયા


ચર્ની રોડ રેલવે-સ્ટેશનના ટ્રૅક પર લોહીના ખાબોચિયામાં પડેલા યુવાનને ગોલ્ડન અવરમાં મદદ આપવાનું મહત્વ જાણીને એક પ્રવાસીએ સમયસૂચકતા દેખાડી ઈજાગ્રસ્તનો જીવ બચાવ્યો હતો. જોકે ઈજાગ્રસ્તને રેલવે-ટ્રેક પરથી સ્ટેશન નજીકની સૈફી હૉસ્પિટલમાં ખસેડવાની પ્રક્રિયામાં શ્રવણ તિવારીએ ટ્રેન સામે ઊભા રહી જવું પડ્યું હતું અને પોલીસ તેમ જ હૉસ્પિટલ પ્રશાસનના અવરોધનો સામનો કરવો પડ્યો હતો.

શનિવારે રાતે પ્લૅટફૉર્મ નંબર બેના કિનારે થાંભલા પાસે અશ્વિન સાવંત નામનો યુવક બેભાન અવસ્થામાં પડેલો હતો. આ વિશે કેટલાક પ્રવાસીઓએ રેલવે-પોલીસને જાણ કરી હતી, પરંતુ તેની મદદ માટે કોઈ આગળ નહોતું આવ્યું. હું ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે મારી નજર ટ્રૅક પર ઊલટા પડેલા યુવાન પર પડી એમ જણાવીને શ્રવણ તિવારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ટ્રૅક પર ઊતર્યો અને તે યુવાનને સીધો કર્યો હતો. તેના માથામાંથી, નાકમાંથી અને હાથમાંથી લોહી વહી રહ્યું હતું. ગંભીર રીતે ઘાયલ યુવાન ખૂબ જ ધીમો શ્વાસ લઈ રહ્યો હતો. ત્યારે જ મેં ટ્રેન આવતી જોઈ અને હું ટ્રૅકની વચ્ચે ઊભો રહી ગયો. મને ખબર નથી કે એ વખતે મારામાં હિંમત ક્યાંથી આવી, પણ ટ્રેન રોકાઈ ગઈ. ટ્રેન રોકાયા બાદ બીજા પ્રવાસીઓ પણ મારી મદદે આવ્યા હતા. અમે બધાએ મળીને અન્ય ટ્રૅક પરની ટ્રેનો પણ રોકી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને ટ્રૅક પરથી બહાર કાઢ્યો હતો. આ બધામાં ૧૫ મિનિટ જેટલો સમય જતો રહ્યો; પરંતુ RPF, GRP સ્ટેશન-માસ્ટર, ગાર્ડ કોઈ મદદ માટે ન આવ્યું. છેવટે અમે સ્ટેશન નજીક સૈફી હૉસ્પિટલમાં તેને સારવાર માટે ખસેડ્યો હતો. ત્યાં પણ મને આવો જ અનુભવ થયો હતો. પહેલાં હૉસ્પિટલે કહ્યું કે આ વ્યક્તિની ઓળખ થઈ ન હોવાથી ઍડ્મિટ કરી ન શકાય, પછી એની જવાબદારી લેનારું કોઈ નથી. ડૉક્ટરોને પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કરવા માટે પણ ખાસ્સું સમજાવવું પડ્યું હતું. ત્યાર બાદ અમને પૈસા ભરવાનું જણાવવામાં આવ્યું હતું. યુવાનના પર્સમાંથી મળેલા આઇડેન્ટિટી પ્રૂફ પરથી તેનું નામ અશ્વિન સાવંત હોવાની જાણ થઈ હતી. તેના પરિવારજનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દરમ્યાન રેલવે-પોલીસ તપાસ માટે હૉસ્પિટલમાં પહોંચી હતી.’

shravan

હૉસ્પિટલ પ્રશાસન અને રેલવે-પોલીસ સાથે માથાઝીંક કરતો શ્રવણ તિવારી.

સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે અકસ્માતગ્રસ્તની મદદ કરતી વખતે પોલીસપ્રક્રિયાનો સામનો નહીં કરવો પડે એ બાબત મારે તે અધિકારીને સમજાવવી પડી હતી એમ જણાવીને શ્રવણે કહ્યું હતું કે ‘આ શરમજનક બાબત હતી. હૉસ્પિટલ પ્રશાસને પ્રાથમિક સારવાર તો આપી પણ પછી પૈસા ભરવાનું કહીને મને જવાબદારી લેવા માટે જણાવ્યું. એમ પણ કહ્યું કે જો હું એમ નહીં કરું તો તેઓ સારવાર આગળ નહીં વધારે. જ્યારે બીજી તરફ પોલીસે મને કહ્યું કે તેં શા માટે દોઢડહાપણ કર્યું. ત્યારે ક્ષણભર માટે માનવતા મરી પરવારી હોવાનો અહેસાસ મને થયો હતો. પોલીસની સામે જ ડૉક્ટરે કહ્યું હતું કે જો અશ્વિનને લાવવામાં પાંચ મિનિટનો પણ વિલંબ થયો હોત તો તેને બચાવી ન શકાયો હોત. ત્યાં તો અશ્વિનનો પરિવાર સ્થાનિક રાજકારણી સાથે હૉસ્પિટલમાં પહોંચ્યો હોવાથી મારો છુટકારો થયો હતો, બાકી પોલીસનું વલણ ખરેખર ઘણું ખરાબ હતું. તેમણે મને કહ્યું કે હવે આખી રાત તારે અમારી સાથે દસ્તાવેજી પ્રક્રિયા માટે સાથે રહેવું પડશે, અમારી પાસે ઓછાં કામ હોય છે કે તેં હજી વધાર્યું. જો પોલીસ આ રીતે પોતાના કામને બર્ડન ગણાવશે અને આવા સંવેદનશીલ સમયે મદદ કરનાર વ્યક્તિનો સાથ નહીં આપે તો પોલીસના ભયે કોઈ કોઈની મદદ કરવા માટે આગળ નહીં આવે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પોલીસ તેમ જ શહેરની દરેક હૉસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. આ બધામાં અશ્વિનનો જીવ જોખમની બહાર હોવાની જાણ થતાં મારા કાળજે ઠંડક પહોંચી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy