જોખમી બિલ્ડિંગના રિપેરિંગ માટે સુધરાઈએ કોઈ દરકાર કરી નહીં

25 જણનો ભોગ લેનારા ચાર માળના આ મકાનની હાલત ખરાબ હોવાનું અને તાત્કાલિક સમારકામ કરવું પડે એવું એક મહિના પહેલાં થયેલા ઇન્સ્પેક્શનમાં જાણવા મળ્યું હતું





ગઈ કાલે વહેલી સવારે છ વાગ્યે જ્યારે ડૉકયાર્ડ રોડની ઇમારત તૂટી પડી ત્યારે એમાં રહેતા બાવીસ પરિવારો સવારની મીઠી નીંદર માણી રહ્યા હતા. જોકે આ ઇમારત રહેવા માટે જોખમી છે એવું સુધરાઈ જાણતી હતી અને એક મહિના પહેલાં જ એનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું. એને રહેવા માટે જોખમીનું C-2 (તાત્કાલિક રિપેર કરાવવી પડે એવું) સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું છતાં એના રિપેરિંગની કોઈ દરકાર લેવામાં નહોતી આવી. 

સુધરાઈના જણાવ્યા મુજબ 25 જણનો ભોગ લેનાર અને ૩૦ જેટલા લોકોને ઘાયલ કરનારી આ ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની આ ઇમારત ૧૯૮૦માં બનાવવામાં આવી હતી. ભૂતપૂર્વ નગરસેવક યશવંત જાધવે આ ઇમારત જર્જરિત થઈ ગઈ છે અને ક્યારે પણ તૂટી પડશે એમ જણાવી આ બાબતે સુધરાઈમાં રજૂઆત કરી હતી અને ઑફિસરોને મળી ઇમારતનું ઑગસ્ટ મહિનામાં ઇન્સ્પેક્શન કરાવ્યું હતું. આ વિશે યશવંત જાધવે કહ્યું હતું કે સુધરાઈના ઑફિસરે નિરીક્ષણ કર્યા બાદ મકાનને તાત્કાલિક રિપેરિંગ કરાવવું જરૂરી છે એમ કહ્યું હતું, પણ સુધરાઈએ રિપેરિંગનાં કોઈ પણ પગલાં લીધાં નહોતાં અને ગઈ કાલે મકાન તૂટી પડ્યું હતું.

મકાન તૂટી પડવાની જાણ થતાં જ પોલીસ અને ફાયર-બ્રિગેડ ત્યાં ધસી ગઈ હતી અને બચાવકાર્ય શરૂ કર્યું હતું. ફાયર-બ્રિગેડનાં ૧૨ ફાયર-એન્જિન, ૪ ઍમ્બ્યુલન્સ અને બે રેસ્ક્યુ વૅન બચાવકાર્યમાં સામેલ થયાં હતાં. કાટમાળ હેઠળ અનેક લોકો ફસાયા હોવાને કારણે બચાવકાર્ય બહુ સંભાળીને કરવામાં આવતું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ૨૦૦ જેટલા પોલીસ-કર્મચારીઓ દ્વારા આખો વિસ્તાર કૉડર્ન કરી લેવામાં આવ્યો હતો. ફાયર-બ્રિગેડના જવાનો સતત બચાવકાર્ય કરી રહ્યા હતા. માઝગાવ ડૉકના ૨૫ અધિકારીઓ, ૪ ઍડ્મિનિસ્ટ્રેશન ઑફિસરો, ૭૫ કામગારો બે જેસીબી મશીન સાથે બચાવકાર્યમાં મદદ કરી રહ્યા હતા. જોકે ઘટનાની ગંભીરતા જોતાં નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ર્ફોસ (NDRF)ની બે ટીમોને (ઑફિસરો સહિત કુલ ૬૫ કર્મચારી) તળેગાવથી બોલાવવામાં આવી હતી જેમણે ૧૭ જેટલા લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. કાટમાળમાંથી ગઈ કાલે મોડી રાત સુધી ૧૩ મૃતદેહ મળી આવ્યા હતા અને ઘાયલોને બહાર કાઢી તેમને સારવાર માટે સુધરાઈની JJ, KEM અને નાયર હૉસ્પિટલમાં લઈ જવાતા હતા.

પાંચ વર્ષની બાળકી સુખરૂપ

સવારે છ વાગ્યે તૂટી પડેલા એ બિલ્ડિંગના કાટમાળમાંથી ગઈ કાલે બપોરે એક વાગ્યે ફાયર-બ્રિગેડ અને NDRFના જવાનોએ પાંચ વર્ષની બાળકી ભાગ્યશ્રી કાંબળેને કાટમાળમાંથી સુખરૂપ બહાર કાઢી હતી. ભાગ્યશ્રીનો ચમત્કારિક બચાવ થયો હતો. કાટમાળ હેઠળ છ કલાક રહ્યા બાદ પણ તેને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી. તે સુખરૂપ બહાર આવતાં ફાયર-બ્રિગેડ અને NDRFના જવાનો બહુ ખુશ થયા હતા અને ભાગ્યશ્રીએ પણ તેમને મસ્ત સ્માઇલ આપ્યું હતું.

બે લાખની સહાય

સુધરાઈ દ્વારા મૃતકોના પરિવારને બે લાખ રૂપિયાની સહાય અને જખમીઓના સારવારનો ખર્ચ આપવાની ઘોષણા કરવામાં આવી હતી

ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટ્રક્ચરલ ચેન્જિસ કરનારા ડેકોરેટર સામે ગુનો

તૂટી પડેલી ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ડેકોરેટરનું કામ કરતા મેસર્સ મામામિયા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડે એના ગાળામાં ગેરકાયદે સ્ટ્રક્ચરલ ચેન્જિસ કરાવ્યા હતા. એથી આ દુર્ઘટના માટે એને જવાબદાર ગણી સુધરાઈ દ્વારા સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં એના ડિરેક્ટર અશોકકુમાર મહેતા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઇમારત તૂટી પડવાનું ટેક્નિકલ કારણ શોધી કાઢવા સુધરાઈ દ્વારા એક કમિટી નીમવામાં આવી છે.

મૃતકોનાં નામ :
લીલા દેવજી ચાવડા, અનંત પવાર, જમના ચાવડા, અનિલ ચાવડા, માધવી કદમ, સુનંદા જાધવ, બુદ્ધદત્ત જાધવ, રમેશ રાઠોડ, પાંડુરંગ વાઘમારે, ફિરોઝ અહમદ, એક અજાણ્યો પુરુષ અને બે અજાણી મહિલા.

KEM = કિંગ એડવર્ડ મેમોરિયલ, JJ = જમશેદજી જીજીભોય

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK