18 કલાક મોત સામે ઝઝૂમી બચેલા જયાબહેનનો પરિવાર મૃત્યુ પામ્યો

ડૉકયાર્ડ રોડની ઇમારત પડવાની ઘટનામાં ૧૮ કલાક કાટમાળમાં તૂટી પડેલી સિલિંગ અને ફર્શ વચ્ચે ફ્રિજ આવી જતાં પડી ગયેલા નાના ગૅપમાં ફસાઈ જવાથી બચી ગયેલાં અને પરિવારમાં સૌથી પહેલાં બહાર આવેલાં જયા ચાવડાએ બહાર આવીને પહેલાં કહ્યું હતું કે મારો પરિવાર અંદર છે, તેમને બહાર કાઢો.


મોટી બહેન મનીષા અને નાની તેજલ.



બકુલેશ ત્રિવેદી


મુંબઈ તા. ૩૦

ત્યારે તેમને ધરપત આપવામાં આવી હતી કે તમને કાઢ્યાં એમ તમારા પરિવારને પણ કાઢી લઈશું. જોકે બીજા દિવસે તેમના પરિવારના સભ્યોને કાટમાળ નીચેથી કાઢવામાં તો આવ્યા, પણ કમનસીબે કોઈ જીવતું બચ્યું નહોતું. હસતા-રમતા પરિવારના પાંચ સભ્યોમાંથી માત્ર જયાબહેન એકલાં જ બચ્યાં હતાં. પતિ શામજી, મોટી દીકરી મનીષા, દીકરો પરેશ અને નાની દીકરી તેજલ બધાં જ મૃત્યુ પામ્યાં હતાં. શનિવારે જ્યારે તેમનો પરિવાર નથી રહ્યો એવા સમાચાર તેમના ભાઈએ આપ્યા ત્યારે તેઓ આઘાતને કારણે બેહોશ થઈ ગયાં હતાં.

પુત્ર પરેશ.


મૂળ સૌરાષ્ટ્રના વિકળિયા ગામના અને ૧૫ વર્ષ કરતાં વધુ સમયથી ડૉકયાર્ડ રોડની એ બિલ્ડિંગમાં રહેતા શામજી કાળિદાસ ચાવડા સુધરાઈના માર્કે‍ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. તેમને રહેવા માટે સુધરાઈ તરફથી એ ક્વૉર્ટર મળ્યું હતું. મકાન તૂટી પડવાની ઘટના વિશે જણાવતાં પરિવારનાં એકમાત્ર બચી ગયેલાં સભ્ય જયાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે એક જ રૂમમાં બધાં સૂતાં હતાં. હું સૌથી છેલ્લે રસોડાની બાજુએ સૂતી હતી. સવારે મારા પર માટી ખરવા માંડી હતી જેને કારણે હું જાગી ગઈ હતી. જોકે હું કાંઈ વિચારું એ પહેલાં તો મોટા ધડાકા સાથે મકાન તૂટી પડ્યું હતું અને સિલિંગ મારા પર પડી હતી. થોડી ક્ષણો પછી મને ખબર પડી હતી કે હું જીવતી છું. જોકે બધે જ અંધારું હતું. મારા પર સિલિંગ હતી છતાં નાના એવા ગૅપમાં હું પડી હતી. મેં અંધારામાં જ મારા દીકરા પરેશના નામની બૂમો પાડી હતી. આજુબાજુમાં હાથ ફેરવતાં એક પતરું હાથ લાગ્યું હતું. મારાથી જોરથી બોલી પણ નહોતું શકાતું. શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી છતા હું મોં ખોલીને મોઢા વાટે બને એટલા મોટા શ્વાસ લેતી હતી. ઘણી વાર સુધી હું મદદ માટે બૂમો પાડતી રહી. થાકી જતી ત્યારે થોડી વાર થોભી જઈને હાથમાંનું પતરું સિલિંગ પર ભટકાવતી રહેતી હતી કે કાશ કોઈ મારો અવાજ સાંભળે.’


શામજીભાઈ ચાવડા

નસીબની બલિહારી હતી કે કલાકો બાદ તેમનો અવાજ બહાર સંભળાયો હતો અને એ પણ બહુ ધીમો. તેમના દિયર પ્રકાશભાઈ તેમના સંબંધીઓ સાથે તેમને શોધવા કાટમાળ જોઈ રહ્યા હતા ત્યારે તેમને બહુ જ ઝીણા અવાજમાં જયાબહેનના દીકરા પરેશને બોલાવવાનો અવાજ સંભળાયો હતો એથી તેમણે એ અવાજ સામે જયાભાભી નામની બૂમ પાડી હતી. પછી તેમણે તરત જ બચાવકાર્ય કરી રહેલા NDRFના જવાનોને રિક્વેસ્ટ કરીને કહ્યું હતું કે પ્લીઝ, અહીંનો કાટમાળ ખસેડો. અમારા પરિવારમાંથી કોઈક જીવતું છે. એટલે તરત જ એ તરફનો કાટમાળ ખસેડવાના પ્રયાસ શરૂ થયા હતા અને છેવટે બિલ્ડિંગ તૂટી પડ્યાના ૧૮ કલાક બાદ રાતે સાડાબાર વાગ્યે તેમને NDRFના જવાનોએ બહાર કાઢ્યાં હતાં. તેમને કાઢવામાં NDRFના જવાનોએ પણ રિસ્ક લીધું હતું. જયાબહેનના વાળ એક લોખંડના સળિયામાં ફસાઈ ગયા હતા એને કાપીને તેમને બહાર કાઢવામાં આવ્યાં હતાં. ફઈને સુખરૂપ બહાર નીકળેલાં જોતાં સામે જ ઊભેલા તેમના ભાઈના દીકરા પરેશે ‘ગણપતિ બાપ્પા મોરયા’ કહીને તેમને કૉલ આપ્યો હતો. તરત જ જયાબહેને તેને કહ્યું હતું કે પરેશ (તેમનો દીકરો) અને તારા ફુવા બધા અંદર છે તેમને કાઢો. ભાણેજ પરેશે કહ્યું હતું કે અમે તેમને કાઢી લઈશું. એ પછી જયાબહેનને સારવાર માટે JJ હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં.

જોકે ત્યાર બાદ જેમ-જેમ કાટમાળ ખસેડાતો ગયો એમ એક પછી એક તેમના પરિવારના સભ્યો મળતા ગયા પણ કોઈ જીવતું બચ્યું નહોતું. પહેલાં શામજીભાઈ, પછી મોટી દીકરી મનીષા, ત્યાર બાદ દીકરો પરેશ અને છેલ્લે સૌથી નાની દીકરી તેજલ પણ મૃત્યુ પામેલી મળી હતી. પરિવારના ચાર જણનાં મૃત્યુને કારણે તેમનાં સાસુ-સસરા, ભાઈઓ, સંબંધીઓ બધાં હચમચી ગયાં હતાં. મોટી દીકરી મનીષા ઝવેરીબજારમાં એક જાણીતા જ્વેલરી શોરૂમમાં સેલ્સ-ગર્લનું કામ કરતી હતી, જ્યારે દીકરો પરેશ DJનું કામ કરતો હતો. સૌથી નાની સિડનહૅમ કૉલેજમાં ભણતી તેજલની પરીક્ષા ચાલુ હતી. એક રાતની હોનારતમાં આખો પરિવાર ખોઈ બેસવાના સમાચાર જ્યારે બીજા દિવસે જયાબહેનને હૉસ્પિટલમાં તેમના ભાઈ જયસિંહ ઝાલાએ આપ્યા ત્યારે તેઓ બેહોશ થઈ ગયાં હતાં. જોકે તેમને સારવાર આપ્યા બાદ તેઓ હોશમાં આવ્યાં હતાં. શનિવારે મધરાત બાદ બે વાગ્યે તેમના ગિરગામમાં રહેતા પિતરાઈ ભાઈના ઘરેથી એકસાથે ચાર અંતિમયાત્રા નીકળી હતી. જયાબહેનને એ વખતે ખાસ હૉસ્પિટલમાંથી રજા લઈને હાજર રાખવામાં આવ્યાં હતાં. મરીનલાઇન્સના ચંદનવાડી સ્મશાનગૃહમાં ચારેયના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK