ગિરગામ ચોપાટી પર ગણેશ-વિસર્જન માટે ગયેલા લોકોને લાગ્યા સ્ટિંગરે માછલીના ડંખ

૫૭ જણને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા


ગઈ કાલે સાંજે ભારે ઉલ્લાસપૂર્વક ગિરગામ ચોપાટીમાં ગણેશપ્રતિમાનું વિસર્જનનું કાર્ય ચાલી રહ્યું હતું એ વખતે પ્રતિમાના વિસર્જન માટે પાણીમાં ઊતરેલા ૫૭ જેટલા ભક્તોના પગમાં ભારે દુખાવો ઊપડ્યો હતો. આ દર્દ અસહ્ય હોવાને કારણે એક કલાકની અંદર તો તમામને હૉસ્પિટલ લઈ જવા પડ્યા હતા. બાદમાં ખબર પડી હતી કે સ્ટિંગરે નામની માછલીઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

૧૮ વર્ષના રાહુલ નાઈકે કહ્યું હતું કે ‘એક નાનકડી ગણેશની મૂર્તિને લઈને હું પાણીમાં ગયો હતો જે મારા ઘૂંટણ સુધીનું હતું. મારા ડાબા પગે કંઈક કરડ્યાનો મને અનુભવ થયો. હજી એ શું હતું એની ખબર પડે એ પહેલાં જ દુખાવાને કારણે મેં ચીસો પાડી.’

રાત્રે ૮ વાગ્યે સુધરાઈ સંચાલિત નાયર હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ ૪૫ લોકોમાં તેનો પણ સમાવેશ છે. હૉસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે તમામ પેશન્ટને બિનઝેરી સ્ટિંગરેએ દંશ માર્યો છે. નાયર હૉસ્પિટલના ડેપ્યુટી ડીન ડૉ. શાહે કહ્યું હતું કે ‘તમામને ઇન્જેક્શન દ્વારા પેઇન-કિલર આપવામાં આવ્યું છે તથા લોહી વહેતું અટકાવાયું છે.’

એક પેશન્ટને JJ હૉસ્પિટલમાં તો ૧૧ને GT હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયા છે તો ૭ કામા હૉસ્પિટલમાં છે. ૩૦ વર્ષના રાજીવ સાંગલેએ કહ્યું હતું કે ‘સાંજે ૬.૩૦ વાગ્યે હું વિસર્જન માટે ઘૂંટણ જેટલાં પાણીમાં ગયો હતો ત્યારે અચાનક મારા પગની ઘૂંટીમાં દંશ વાગ્યાનો અનુભવ થયો. ખૂબ જ દુખતું હતું તથા લોહી વહી જવાને કારણે હું બેભાન જેવો થઈ ગયો. મારા પર કોણે હુમલો કર્યો એ પણ હું જોઈ ન શક્યો.

એક કલાક પછી સ્ટિંગરેના દંશનો ભોગ બનેલા રાહુલે એવો દાવો કર્યો કે કોઈએ તેમને ચેતવણી સુધ્ધાં નહોતી આપી કે અહીં ન જતા. રાહુલે કહ્યું કે ‘દર વર્ષે હું વિસર્જન માટે આવું છું. પહેલી વખત આવો ખરાબ અનુભવ થયો છે. લોકો પર હુમલો કરતા સમુદ્રી જીવો વિશે મને કોઈ માહિતી નહોતી.’

CP ટૅન્કમાં રહેતા અને છેલ્લાં સાત વર્ષથી ગિરગામ ચોપાટી પર ગણેશમૂર્તિનું વિસર્જન કરવા આવતા તેજસ મહેતાને પણ ગઈ કાલે માછલીએ દંશ માર્યો હતો. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લગભગ સાંજે સાડાછ વાગ્યાની આસપાસ હું દરિયામાં મૂર્તિ લઈને અંદર જઈ રહ્યો હતો ત્યારે મને ત્યાં રહેલા એક યુવકે દરિયામાં સંભાળીને પગ મૂકજો કહીને ચેતવ્યો હતો. ત્યારે મને એમ કે તેને મૂર્તિનું વિસર્જન કરવા વધુ પૈસા જોઈતા હશે એટલે તે મને ડરાવી રહ્યો હશે એટલે મેં તેની ચેતવણી પ્રત્યે ધ્યાન ન આપ્યું અને મૂર્તિને પાણીમાં વિસર્જિત કરીને બહાર નીકળી રહ્યો હતો ત્યારે છીછરા પાણીની અંદર રહેલા મારા પગમાં મને અચાનક કંઈક કરડી ગયું અને પગ જેવો ઉપર કર્યો ત્યારે લોહીનો ફુવારો ઊડવા લાગ્યો હતો. હું ઑલરેડી હાર્ટ-પેશન્ટ હોવાથી મારા સહિત ઘરના તમામ સભ્યો ડરી ગયા હતા અને અમે આજુબાજુ જોયા વગર સીધા કમ્બાલા હિલ હૉસ્પિટલમાં દોડી ગયા હતા. ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ કરી ત્યાં જ મારા જેવો બીજો એક પેશન્ટ દોડી આવ્યો ત્યારે અમને ખબર પડી હતી કે ગિરગામ ચોપાટી પર માછલી દંશ મારે છે.’

પહેલી વાર આવી ઘટના


ગિરગામ ચોપાટી પર અનેક વર્ષોથી મૂર્તિના વિસર્જન માટે આવતા પ્રશાંત પદમે કહ્યું હતું કે ‘આ એક થથરાવી દે એવો અનુભવ હતો. હું દર વર્ષે અહીં જ ગણેશમૂર્તિનું વિસર્જન કરું છું, પણ આવું મેં પહેલી વાર જોયું. મૂર્તિનું વિસર્જન કરીને હું પાછો આવતો હતો ત્યારે મારા પગમાં કંઈક કરડ્યું હતું. હું પાણીમાંથી બહાર આવ્યો અને મિનિટોમાં તો મારા પગમાં ભયંકર બળતરા થવા લાગી અને પગ જાણે ખોટો પડી ગયો હતો અને જોરદાર બ્લીડિંગ થવા લાગ્યું.’

રાજસ્થાનથી આવેલા રામસિંહ રાજપૂતે કહ્યું હતું કે ‘મુંબઈના ગણપતિ ફેસ્ટિવલને માણવા હું ખાસ આવ્યો હતો. મિત્રના ઘરના ગણેશજીની મૂર્તિને લઈને અમે જ્યારે પાણીમાં ગયા ત્યારે મારા પગમાં કંઈક કરડ્યું અને એનું ખૂબ દરદ થવા લાગ્યું. જો યોગ્ય સમયે ટ્રીટમેન્ટ ન મળી હોત તો હું બેહોશ થઈ ગયો હોત. હવે મારે ઘરે જવું છે પણ ડૉક્ટરો નહીં જવા દે.’

ઇકોલૉજિસ્ટો શું કહે છે?

બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટીના ચીફ ઑપરેટિંગ ઑફિસર અને મરીન ઇકોલૉજિસ્ટ દીપક આપ્ટેએ કહ્યું હતું કે ‘સ્ટિંગરે કરડે તો એ વ્યક્તિને પહેલાં હૉસ્પિટલ લઈ જઈને પ્રાથમિક સારવાર આપવી જોઈએ. આ માછલીનું કરડવું જીવલેણ નથી પણ એનાથી પીડા વધારે થાય છે. પીડા ઓછી કરવા માટે ૩૩ ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ પાણી ઘા પર રેડવામાં આવે તો એક કલાકમાં પીડા ઓછી થઈ જાય છે.’

સુધરાઈ શું કહે છે?

ગિરગામ ચોપાટી જેમના વિસ્તારમાં આવે છે એવા D વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પી. આર. મસુરકરે કહ્યું હતું કે ‘અમે ગિરગામ ચોપાટી પર પાંચ ઍમ્બ્યુલન્સ તહેનાત કરી છે. ભાવિકોને કિનારા પરના કે ઊંડા પાણીમાં નહીં ઊતરવા તાકીદ કરી છે. ૪૫ લોકોને નાયર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ચોપાટી પર જ પ્રાથમિક સારવાર આપવા માટે મેડિકલ ટીમ રાખી છે.’

કેવી છે સ્ટિંગરે?

આ માછલીનો હુમલો જીવલેણ નથી. તે જેને પણ કરડે તે વ્યક્તિએ ડૉક્ટર પાસે સારવાર લેવી જોઈએ. આ માછલીના દંશમાં પ્રોટીન ધરાવતું ઝેર હોય છે. આ ઝેરથી શરૂઆતમાં ભારે પીડા થાય છે જે કલાકો સુધી રહે છે. જ્યાં દંશ માર્યો હોય ત્યાં જખમ પણ થાય છે. શરૂઆતની ૩૦થી ૯૦ મિનિટ સૌથી પીડાદાયક હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK