સાસરિયાંઓએ જીવ લેવડાવ્યો આ યંગ પરિણીતાનો?

પિયરિયાંઓએ ફરિયાદ કરી છે કે પતિ, સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાધો અમારી દીકરીએ : બહેનની ચાર વર્ષની દીકરીને સૂવડાવીને કિચનમાં જઈને લીધું અંતિમ પગલું

suicide

પ્રીતિ ખુમાણ ઠાકુર

ફોર્ટમાં આવેલી બોરા બઝાર સ્ટ્રીટથી વિરાર (વેસ્ટ)માં એમ. બી. એસ્ટેટમાં રામમંદિર પાસે છેલ્લા એક વર્ષથી પપ્પાના ઘરે રહેવા આવેલી ૨૯ વર્ષની મારવાડી યુવતી નિકિતા બાબુલાલ પુરોહિતે ઘરમાં બહેનની ચાર વર્ષની નાની દીકરીને સૂવડાવીને કિચનમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પતિ, સાસુ, સસરા વારંવાર પૈસાની માગણી કરતાં અને માનસિક, શારીરિક રીતે હેરાન કરતાં હોવાથી એજ્યુકેટેડ દીકરીએ સુસાઇડ કર્યું હોવાની ફરિયાદ પિતા બાબુલાલ પુરોહિતે કરી છે. એ અનુસાર વિરાર પોલીસે કેસ નોંધીને નિકિતાના પતિ ઈશ્વર પુરોહિત, સસરા દિલીપ પુરોહિતની ધરપકડ કરી હતી જ્યારે સાસુ ઇન્દ્રા પુરોહિતની હજી સુધી ધરપકડ કરવામાં નથી આવી. દીકરીએ વર્ષો સુધી ત્રાસ વેઠ્યો પણ પછી સહન થતું ન હોવાથી અંતે કંટાળીને આ પગલું ભર્યું હોવાનો આરોપ નિકિતાનાં પિયરિયાંએ મૂક્યો છે.

આંખો સામે મારી દીકરી લટકી રહી હતી એમ કહેતાં નિકિતાના પિતા બાબુલાલ પુરોહિતે ‘મિડ-ડે’ને આ વિશે જણાવ્યું હતું કે ‘દરરોજની જેમ હું મુંબઈ બપોરે કામ પર નીકળી ગયો, મારી પત્ની ભજન માટે ગઈ અને મારો દીકરો દુકાને કામ પર ગયો હતો. નિકિતા અને તેની સાથે મારી બીજી દીકરીની ચાર વર્ષની દીકરી ઘરે હતી. તેને સૂવડાવીને નિકિતાએ કિચનમાં જઈને પંખામાં ઓઢણી દ્વારા ગળે ફાંસો ખાઈ લીધો હતો. મારી પત્ની ઘરે આવી ત્યારે દરવાજો બંધ હતો. એ ખોલીને અંદર ગઈ તો નિકિતા લટકી રહી હતી. તેને હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરે મૃત જાહેર કરી હતી. નિકિતા સાસરિયાંના ત્રાસથી કંટાળી ગઈ હતી. તેણે તેની મમ્મીને ત્યાં સુધી કહ્યું હતું કે તેની સાસુ તેને એવી દવા આપતી હતી જેથી તે મા ન બને. મને ત્રણ દીકરી છે અને નિકિતા સૌથી નાની અને લાડકી દીકરી હતી. તે ક્યારેય આવું પગલું ભરે એમ નહોતી, પરંતુ તેનાથી સહન ન થતાં તેણે આવું પગલું ભર્યું.’

વર્ષો સુધી નિકિતાએ ત્રાસ સહન કર્યો એમ કહેતાં પપ્પા બાબુલાલભાઈએ જણાવ્યું હતું કે ‘નિકિતાનાં લગ્ન ઈશ્વર સાથે અને તેની બહેનનાં લગ્ન મારા દીકરા સાથે નક્કી થયાં હતાં. એ અનુસાર અમે તેમની સગાઈ પણ કરી હતી. નિકિતાનાં લગ્ન તો ૨૦૧૦માં જ થઈ ગયાં અને વારંવાર કહેવા બાદ બન્ને ઘરની સંમતિથી મારા દીકરાનાં લગ્ન ૨૦૧૫માં નક્કી થયાં હતાં. એ માટે અમે પત્રિકા છપાવીને લોકોને આપી પણ દીધી હતી અને દેશમાં લગ્નની મોટા ભાગની બધી તૈયારીઓ પણ કરી લીધી હતી. જોકે લગ્નના પાંચ દિવસ પહેલાં આ લગ્ન નહીં થાય એવું કહી દેવામાં આવ્યું હતું. સમાજમાં અમારું નામ ખરાબ કરવાની સાથે અમને પાંચ લાખ રૂપિયાનું નુકસાન પણ થયું હતું, છતાં દીકરીનું ઘર હોવાથી અમે જતું કર્યું હતું. લગ્ન રદ કરવા વિશે પૂછતાં તેમણે અમને કહ્યું હતું કે તમે ઓછા પૈસાવાળા છો. આ વર્ષો દરમ્યાન મારી દીકરીને વારંવાર ધમકી આપતા કે તારા ભાઈનાં લગ્ન તોડી નાખીશું એના કારણે અમુક વર્ષ તો નિકિતા અમને કશું કહેતી જ નહોતી.’

ઍફિડેવિટ કરીને પણ આપ્યું હતું એમ કહેતાં બાબુલાલભાઈએ જણાવ્યું હતું કે ‘૨૦૧૫માં નિકિતાને ખૂબ ત્રાસ આપવામાં આવતો હોવાથી તે કંટાળીને અમારા ઘરે આવી ગઈ હતી. ચારેક મહિના તે અહીં રહી એ દરમ્યાન ઈશ્વરે અમારી પાસે આવીને બધી ભૂલ મારી છે એમ કહીને નિકિતાને ઘરે લઈ જવાની વાત કરી હતી, પરંતુ દર વખતે નિકિતાને આ જ રીતે ત્રાસ આપવામાં આવતો હોવાથી મેં તેને કહ્યું હતું કે તમારા પરિવારજનોને લઈને આવો. તેણે કહ્યું કે ઘરેથી તો કોઈ આવશે નહીં એથી લેખિતમાં આપવા મેં કહ્યું હતું. એથી ઍફિડેવિટ કરવામાં આવ્યું જેમાં તેણે સ્પષ્ટ લખ્યું હતું કે હું કે મારાં માતા-પિતા નિકિતાને કોઈ સમસ્યા થવા દઈશું નહીં. જોકે તે ત્યાં ગઈ એના થોડા દિવસ બાદ ફરી એ લોકોનો ત્રાસ શરૂ થઈ ગયો હતો. પૈસાની માગણી કરતા હોવાથી નિકિતાએ ઘરે ટ્યુશન લેવાનું પણ શરૂ કરી દીધું હતું.’

ધ્રુસકે-ધ્રુસકે રડીને ન્યાય મેળવાની વાત કરતાં બાબુલાલે જણાવ્યું હતું કે ‘મારી દીકરીનું જીવન આ લોકોએ ખરાબ કરી મૂક્યું હતું. નિકિતા ગ્રૅજ્યુએટ હતી. તે ક્યારેય આત્મહત્યાનો વિચાર પણ કરી શકે એમ નહોતી. સુસાઇડના એક દિવસ પહેલાં તો અમને ગામ જવું હતું એટલે શૉપિંગ પણ કર્યું હતું. નિકિતાનાં સાસરિયાં બહુ પૈસાવાળાં છે અને અમે મિડલ ક્લાસના છીએ. તેઓ પૈસા અને અન્ય રીતે દબાણ લાવીને પોતાને બચાવવાના પૂરા પ્રયત્નો કરે છે. ફોન પર નિકિતા ન રહી હોવાનું કહેતાં ઈશ્વર ‘ગુડિયા મર ગઈ’ એમ બોલીને હસ્યો પણ હતો. નિકિતાના અંતિમ સંસ્કારમાં તેનો પતિ કે સાસુ-સસરા કોઈ નહોતાં આવ્યાં. સ્થાનિક નગરસેવિકા રીટા સરવૈયા અમને બધી રીતે મદદ કરે છે. મારી દીકરીને ન્યાય મળે એવી વિનંતી કરીએ છીએ.’

પોલીસનું શું કહેવું છે?

આ વિશે વિરારના પોલીસ-નાઈક એમ. આર. પઠાણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઈશ્વર પુરોહિત અને દિલીપ પુરોહિત બન્ને આરોપીને મૅજિસ્ટ્રેટ કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે ઇન્દ્રા પુરોહિતની જલદી ધરપકડ કરવામાં આવશે. કેસના પોલીસ-ઇન્ચાર્જ પાલઘરમાં ડ્યુટી પર હોવાથી તેમની ધરપકડ કરવામાં થોડું મોડું થયું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK