પોલીસની સાથે સાઠગાંઠ કરીને રસ્તા પરના પાર્કિંગને દુકાનદારોએ પોતાની માલિકીનું બનાવી દીધું હોવાનો આક્ષેપ

તેમની જગ્યા પર પાર્ક કરનારની કાર ટ્રાફિક-પોલીસ દ્વારા ટો કરાવતા હોવાની ઘાટકોપરના એક રહેવાસીએ મિડ-ડે LOCALને ફરિયાદ કરી

રોહિત પરીખ

શું તમે બહારગામથી આવો છો? તમારી પાસે પ્રૉપર લાઇસન્સ અને કારનાં પેપર્સ છેને? નહીંતર ટ્રાફિક-પોલીસ તમને હેરાન કરશે. સાઉથ બૉમ્બેમાં ટ્રાફિક-પોલીસ વાહન ટો કરીને જાય પછી આવી સુફિયાણી વાતો કરતો આ દુકાનદાર તમને તમારો હિતેચ્છુ લાગશે. ખરેખર તો તે તમારો હિતેચ્છુ નહીં પણ પોતાના અંગત સ્વાર્થ ખાતર તમારા વાહનને ટો કરાવીને તમારો હિતેચ્છુ બનવાનો ઢોંગ કરી રહ્યો છે. સાઉથ બૉમ્બેના દુકાનદારો પર આવો સણસણતો આક્ષેપ ઘાટકોપરના કિશોર મહેતાએ કર્યો હતો. કિશોર મહેતાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘લાખો રૂપિયાની ઑફિસ સાથે રસ્તા પર ટ્રાફિક-પોલીસ સાથે સાઠગાંઠ કરીને દુકાનદારોએ રસ્તા પરના પાર્કિંગને પોતાની માલિકીનું બનાવી દીધું છે. તેમની જગ્યા પર પાર્ક કરનાર વ્યક્તિનું વાહન પોલીસને ફોન કરીને તેઓ જ ટો કરાવે છે અને પછી શાણા બનીને મદદ કરવાનો ઢોંગ કરે છે.’

સાઉથ મુંબઈમાં કારપાર્કિંગ સૌથી મોટી સમસ્યા છે. એનો ગેરલાભ અનેક લોકો ઉઠાવી રહ્યા છે. મોહમ્મદ અલી રોડ હોય કે પ્રાર્થના સમાજ, બધે જ લોકો પાર્કિંગ પચાવીને બેસી ગયા છે. દુકાનદારો, રહેવાસીઓ અને ટ્રાફિક-પોલીસની મિલી-ભગતનું આ પરિણામ છે. એટલે જ જ્યારે ઉપનગરથી કે બહારથી આવતી વ્યક્તિ તેનું વાહન આ રોડ પર પાર્ક કરીને જાય અને એ વાહન ટ્રાફિક-પોલીસ ટો કરીને જાય ત્યારે તે વ્યક્તિને ત્યાંના દુકાનદારો આવી સુફિયાણી વાત કરે છે.

ઘાટકોપરથી સાઉથ બૉમ્બે હરકિસનદાસ હૉસ્પિટલમાં પોતાના સંબંધીની ખબર પૂછવા ગયેલા કિશોર મહેતાએ આ સંદર્ભમાં પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે ‘હું મારી કાર લઈને ઘાટકોપરથી પ્રાર્થના સમાજ ગયો હતો. આ રોડ પર મેં જાયું તો સિંગલ લાઇનમાં પ્રાઇવેટ કારો પાર્ક થયેલી હતી. એટલે મેં પણ મારી કાર એ લાઇનમાં પાર્ક કરી. મેં જ્યાં કાર પાર્ક કરી એની આગળ-પાછળ બીજી કાર પણ પાર્ક થયેલી હતી. મારી કાર તો એ બધી કારની વચ્ચે પાર્ક કરી હતી. હું મારા સંબંધીની ખબર પૂછીને પાછો આવ્યો તો જોયું તો મારી કાર ટ્રાફિક-પોલીસ ટો કરી હતી. એ જગ્યા પર જે ટ્રાફિક-પોલીસે માર્કિંગ કર્યું હતું એ સમજાય એમ નહોતું. મારી કારની જગ્યાએ બીજી કાર પાર્ક થયેલી હતી. એ જોઈને મને નવાઈ લાગી. એટલે હું એક દુકાનદારને મારી કાર કઈ ચોકી પર ટ્રાફિક-પોલીસ લઈ ગયો એ પૂછવા ગયો. ત્યારે મને તે દુકાનદારે સીધો સવાલ કર્યો કે ‘તમે બહારગામથી આવો છો? તમારી પાસે લાઇસન્સ અને કાર-પેપર્સ બધું છે તો ખરુંને? ત્યાર પછી તેણે મને ગામદેવી મોકલ્યો હતો, જ્યાં મારી કાર ટો કરીને લઈ જવામાં આવી હતી.’

કિશોર મહેતાએ તેમણે કરેલી ટ્રાફિક-પોલીસ સાથેની વાતચીતની માહિતી આપતાં કહ્યું હતું કે ‘સાબ, મેરી કાર તો સિંગલ-લાઇન મેં ખડી થી, ફિર ભી આપને ઉઠા લિયા ઔર દૂસરી બાત યે હૈ કિ વહાં દૂસરી કાર ખડી થી, ઉસકો આપને નહીં ઉઠાયા.’

એના જવાબમાં ટ્રાફિક-પોલીસ જવાબ આપ્યો હતો કે ‘સબકો ઉઠાએંગે.’

ટ્રાફિક-પોલીસ બીજી કારો પર પણ ઍક્શન લેશે એવી વાત પર વિશ્વાસ કરીને કિશોર મહેતા ત્યાંથી તેમની કાર લઈને નીકળી ગયા હતા, પરંતુ તેમની સાથે રહેલા તેમના મિત્રે કિશોર મહેતાને કહ્યું હતું કે ત્યાં પડેલી એક પણ કાર ત્યાર પછી ટો થઈ નથી.

બીજા દિવસે કિશોર મહેતાએ તપાસ કરી ત્યારે જોયું કે તેમની કારની જગ્યાએ જે કાર પાર્ક થઈ હતી એ કાર બીજે દિવસે પણ પાર્ક થયેલી હતી જે તેમને સુફિયાણી સલાહ આપનાર દુકાનદારની જ હતી. કિશોર કહેતાએ કહ્યું હતું કે ‘મેં તો દંડ ભરી દીધો હતો. હવે ઝઘડીને શું ફાયદો? મારી કાર વિશે દુકાનદારે જ ટ્રાફિક-પોલીસને ફરિયાદ કરી હતી, પણ એનું મારી પાસે શું પ્રૂફ હતું? મારી જેમ બીજા લોકો આવા દુકાનદારોની ચાલાકીનો ભોગ ન બને એટલે મેં મિડ-ડે LOCALને મારી ફરિયાદ કરી હતી.’

આ બાબતમાં બચાવ કરતાં પ્રાર્થના સમાજના એક દુકાનદારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સવારે ઘરથી નીકળીને કારમાં ઑફિસ આવીએ ત્યારે ઑફિસની પાસે પાર્કિંગ મળતું જ નથી. એવા સમયે પાર્ક કરવા ક્યાં જઈએ? એટલે નાછૂટકે અમારે આ રમત રમવી પડે છે.’

ફ્રી પાર્કિંગમાં પણ પૈસા

કિશોર મહેતા જેવો જ નહીં, પણ ટ્રાફિક-પોલીસ સાથેની સાઠગાંઠથી જનતાને પાર્કિર઼્ગ માટે ખુલ્લેઆમ લૂંટતા લેભાગુઓનો અનુભવ બોરીવલીના દિલીપ દોશીને મોહમ્મદ અલી રોડ પર થયો હતો. સાંજના સમયે મોહમ્મદ અલી રોડ પર દિલીપ દોશીને પાર્કિંગ મળતું નહોતું. તેમણે જોયું તો ભીંડીબજારથી લઈને ક્રૉફર્ડ માર્કેટ સિગ્નલ સુધી રસ્તા પર પાર્કિંગ ફુલ હતું. કાર પર કાર-કવર લગાડીને અનેક કાર ત્યાં પાર્ક થયેલી હતી. ત્યાં અસલમ નામના એક યુવાને કાર પાસે આવીને દિલીપ દોશીને પૂછ્યું, ‘અંકલ, પાર્કિંગ ચાહિએ? મિલ જાએગા.’

તેનો આ સવાલ ત્યાંની પરિસ્થિતિ જોયા પછી નવાઈ પમાડે એવો હતો, પણ ગરજે ગધેડાને બાપ કહેવામાં પાપ નહોતું એમ સમજીને તેને કેટલા રૂપિયા થશે એમ પૂછ્યું.

અસલમે કહ્યું, ‘સો રૂપિયા.’

કન્ફર્મ કરતાં જ તે ડ્રાઇવિંગ-સીટ પર બેઠો અને પાર્કિંગ કરી આપ્યું. જે જગ્યાએ તેણે દિલીપ દોશીની કાર પાર્ક કરી આપી ત્યાં કેવી રીતે જગ્યા થઈ ગઈ એ દિલીપ દોશી માટે ફક્ત નવાઈ નહીં, મોટો ઝટકો પણ હતો. ખરેખર તો JJ ફ્લાયઓવરની નીચેની જગ્યા ફ્રી પાર્કિંગ છે, પણ સાંજ પડતાં એ પાર્કિંગ ખુલ્લેઆમ વેચાય છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK