ટ્રેનમાં બૅગચોરનો સામનો કર્યો ૫૮ વર્ષની મહિલાએ

ટ્રૅક પર પડી ત્યારે હાથમાંથી પર્સ છૂટ્યું અને યુવાન એ ઊંચકીને ભાગી ગયો: ચોર તો પકડાઈ ગયો, પરંતુ મહિલાને બે મહિના રહેવું પડશે હૉસ્પિટલમાં

pratibha

પોતાની હૅન્ડબૅગ લઈને ભાગી રહેલા ચોરની સાથે લડતી વખતે ૫૮ વર્ષની મહિલા પ્રતિભા ત્રિપાઠી ટ્રેનમાંથી પડી ગઈ હોવાનો બનાવ મસ્જિદ બંદર અને સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન વચ્ચે બન્યો હતો. જખમી થયા છતાં પણ મહિલાએ ચોરને પકડવાની કોશિશ કરી હતી. તે પર્સ સાથે જ ટ્રૅક પર પડી હતી અને એ સમયે ચોર તેની બૅગ લઈને નાસી જવામાં સફળ રહ્યો હતો. જોકે GRP પોલીસે રવિવારે આરોપી મુકદ્દર ઇદરીસ ઉર્ફે‍ રહમાનને પકડી પાડ્યો હતો. જખમી મહિલા હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ડૉક્ટરે જણાવ્યા પ્રમાણે તેને બે મહિના સુધી બેડ-રેસ્ટ લેવો પડશે.

અંધેરીમાં રહેતી પ્રતિભા ત્રિપાઠી ઉદ્યાન એક્સપ્રેસમાં બૅન્ગલોર બહેનને ત્યાં જઈ રહી હતી. ઘ્લ્પ્વ્ સ્ટેશન પરથી ૨૨ ઑગસ્ટે સવારે ૮ વાગ્યે તેણે ટ્રેન પકડી હતી. બહેન સાથે ફોન પર વાત કર્યા બાદ તેણે ફોન પોતાની હૅન્ડબૅગમાં મૂક્યો હતો. ટ્રેન શરૂ થઈ ત્યારે ડબ્બામાં ચડેલા ચોરે પ્રતિભા ત્રિપાઠીની બૅગ ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ટ્રેનની સ્પીડ ઓછી હતી. જોકે પ્રતિભા ત્રિપાઠીએ પોતાની બૅગ છોડી નહોતી. બૅગ સાથે ખેંચી-ખેંચીને આરોપી પ્રતિભાને દરવાજા સુધી લઈ ગયો હતો અને ટ્રેનમાંથી પ્લૅટફૉર્મ પર કૂદકો માર્યો હતો. એ સમયે બૅગ સાથે પ્રતિભા પણ ટ્રેનમાંથી નીચે પડી હતી. આ બનાવમાં તેને ખભા પર, કમરમાં ફ્રૅક્ચર આવ્યાં છે. એ સિવાય હાથમાં પણ ઈજા થઈ છે. તે પડી એને કારણે તેની બૅગ પરથી પકડ છૂટી ગઈ હતી અને ચોર બૅગ લઈને નાસી જવામાં સફળ રહ્યો હતો. એ દરમ્યાન પ્રતિભા ત્રિપાઠીએ સામેના પ્લૅટફૉર્મ પરથી જઈ રહેલી લોકલ ટ્રેનના મોટરમૅનને હાથ બતાવી મદદ માગી હતી. એ પછી એક્સપ્રેસ ટ્રેન રોકવામાં આવી હતી અને મહિલાને રેલવે પોલીસ JJ હૉસ્પિટલ સારવાર માટે લઈ ગઈ હતી. એ પછી પ્રતિભા ત્રિપાઠીએ પોતાના પુત્ર વરુણનો નંબર પોલીસને આપ્યો હતો અને પરિવારને જાણ કરવામાં આવી હતી. પ્રતિભા ત્રિપાઠીના પુત્રે જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલાં મમ્મીને ફ્લાઇટમાં મોકલવાનો પ્લાન હતો.

આ બનાવ બાદ આરોપીની ધરપકડ માટે ખબરીઓને અલર્ટ કરવામાં આવ્યા હતા અને રવિવારે પોલીસને આરોપી વિરુદ્ધ ક્લુ મળતાં JJ હૉસ્પિટલ પાસેથી આરોપીને પકડવામાં સફળતા મળી હતી. એ પછી પોલીસે આરોપી પાસેથી પ્રતિભા ત્રિપાઠીનો મોબાઇલ જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ GRP પોલીસે હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK