૧૫૮ વર્ષ જૂના કાયદા સામેની ૧૭ વર્ષની લડત આખરે સફળ

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સીમાચિહ્નરૂપ ચુકાદો આપીને કહ્યું કે સંમતિપૂર્વકના સજાતીય સંબંધો અપરાધ નથી

court

સુપ્રીમ કોર્ટની પાંચ જજિઝની બંધારણીય બેન્ચે સર્વસંમતિથી ઇન્ડિયન પીનલ કોડ (IPC)ના સેક્શન ૩૭૭ને સમાનતાના બંધારણીય અધિકારનો ભંગ કરનારું ગણાવતાં જણાવ્યું હતું કે ‘પુખ્ત વયની બે વ્યક્તિ વચ્ચે સંમતિપૂર્વકના સજાતીય સંબંધો અપરાધ નથી. જોકે એ સંબંધોમાં સંમતિ સ્વૈચ્છિક, સહજ, સ્વાભાવિક, મુક્ત અને વિનામૂલ્ય પ્રકારની હોવી જોઈએ. બળ કે દબાણથી મેળવવામાં આવેલી સંમતિ ન હોવી જોઈએ. પશુઓ સાથેના જાતીય સંબંધો સેક્શન ૩૭૭ હેઠળ સજાપાત્ર ગુનો ગણાશે. બાળકો સાથેના સજાતીય સંબંધો પણ અપરાધ જ રહેશે. લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર ઍન્ડ ક્વિઅર (LGBTQ) કમ્યુનિટીના લોકોને દેશના અન્ય નાગરિકો જેવા જ અધિકારો છે. સજાતીય સંબંધો અકુદરતી નથી. ફક્ત જાતીય સંબંધોમાં અલગ રુચિનો વિષય છે.’

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજિઝની બેન્ચે ગઈ કાલે ચુકાદો જાહેર કર્યા પછી સમગ્ર દેશના LGBTQ સમુદાયના લોકોએ ઉત્સવ જેવી ઉજવણી કરી હતી. બેન્ચના અન્ય ચાર જજિઝમાં જસ્ટિસ આર. એફ. નરીમાન, જસ્ટિસ એ. એમ. ખાનવિલકર, જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાનો સમાવેશ છે.

ડાન્સર નવતેજ જોહર, પત્રકાર સુનીલ મેહરા, શેફ રિતુ દાલમિયા, હોટેલિયર અમન નાથ અને કેશવ સૂરી, બિઝનેસ એક્ઝિક્યુટિવ આયેશા કપૂર તેમ જ વિવિધ IITના ૨૦ વર્તમાન અને ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સ દ્વારા સેક્શન ૩૭૭ને ગેરકાયદે ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.

૧૭ વર્ષની કાનૂની લડતની પૂર્ણાહુતિરૂપે બેન્ચના જજિઝના ચાર જુદા-જુદા પણ સહમતીસૂચક ૪૯૩ પાનાંના ચુકાદામાં અકુદરતી જાતીય સંબંધોને અપરાધ ગણતાં અદાલતી ચુકાદાને રદબાતલ કર્યો હતો. આ સાથે ભારત સજાતીય સંબંધોને અપરાધ ન ગણતા અને એ પ્રવૃત્તિને કાનૂની માન્યતા આપતા દેશોની યાદીમાં ૨૬મો દેશ બન્યો છે.

ચુકાદાનો સારાંશ વાંચતાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું હતું કે ‘જાતીય સંબંધોની રુચિ અને દેહસંબંધોનાં કુદરતી વલણો શારીરિક કે બાયોલૉજિકલ વિષય છે. કોઈ પણ વ્યક્તિની સંબંધોની રુચિને આધારે એના તરફ ભેદભાવ રાખવો કે અપમાન કરવું એ બંધારણની નાગરિકોને મૂળભૂત અધિકારો આપતી કલમો ૧૪, ૧૫, ૧૯ અને ૨૧નો ભંગ ગણાશે.’

જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ અલગ લખેલા ચુકાદામાં જણાવ્યું હતું કે સદીઓથી સજાતીય સમુદાયના સભ્યો અને તેમના પરિવારોએ ભોગવેલા સામાજિક બહિષ્કાર અને નામોશી બદલ ઇતિહાસે તેમની માફી માગવી જોઈએ. જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે પણ જણાવ્યું હતું કે સજાતીય સંબંધોને ગુનો ગણતા સેક્શન ૩૭૭ને કારણે LGBTQ સમુદાયના સભ્યોએ છુપાઈને ઊતરતી કક્ષાના નાગરિકોરૂપે રહેવું પડતું હતું અને અન્યો જાતીય રુચિનો અધિકાર માણતા હતા.

ચુકાદાના મુખ્ય મુદ્દા

સૌને સમાન અધિકારો નિશ્ચિતરૂપે મળે એ અનિવાર્ય છે. સમાજ પૂર્વગ્રહોથી મુક્ત રહેવો જોઈએ.

દરેક વાદળમાં મેઘધનુષ (મેઘધનુષી ઝંડો LGBTQ સમુદાયનો પ્રતીક છે) શોધવું જોઈએ. IPCનું સેક્શન ૩૭૭ મનસ્વી છે.

બંધારણીય લોકશાહીમાં પરિવર્તન જરૂરી છે. જીવન જીવવાનો અધિકાર માનવીય અધિકાર છે. એ અધિકારો વગર અન્ય અધિકારો ઔચિત્યહીન છે.

જાતીય રુચિ અને વલણો બાયોલૉજિકલ છે. એના પર અંકુશો કે પ્રતિબંધો બંધારણીય અધિકારનો ભંગ છે.

આપણી વિવિધતાને સ્વીકૃતિ આપવાની રહેશે. અંગત પસંદગીને માન આપવું પડશે. LGBTQ સમુદાયના લોકોને પણ સમાન અધિકાર છે. તેમને પણ રાઇટ ટુ લાઇફના લાભ મળે એ જરૂરી છે.

પુખ્ત વયની સજાતીય વૃત્તિ ધરાવતી બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ હાનિકારક નથી. IPCનું સેક્શન ૩૭૭ એના હાલના રૂપમાં યોગ્ય નથી.

IPCનું ૩૭૭ માનમોભા-ગરિમાપૂર્વક જીવવાના અધિકારનો ભંગ છે.

જાતીય રુચિનો અધિકાર ન આપવો એ અંગતતાના અધિકારનું ઉલ્લંઘન છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK