મકાનમાલિક કાયદાનું પાલન કરશે કે નહીં?

સરકારે કાયદામાં ફેરફાર કર્યો એના બીજા જ દિવસે અતિ જોખમી જાહેર થયેલા મુલુંડના શાહ નિવાસના રહેવાસીઓનો ગવર્નમેન્ટને સીધો સવાલ

owner

રોહિત પરીખ

ભાડૂતો થશે માલિક એવા ઉદ્દેશથી મહારાષ્ટ્ર સરકારે પાઘડીનાં મકાનોને વધારે FSI આપતો કાયદો બનાવીને સોમવારે એના પર નોટિફિકેશન બહાર પાડ્યું એના ૨૪ કલાકમાં જ એટલે કે ગઈ કાલે સવારે મુલુંડના T વૉર્ડમાં આવેલા પંચાવન વર્ષ જૂના શાહ નિવાસના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને આ ગભરાટ ફેલાવાનું કારણ હતું અફવા. રહેવાસીઓને એવા સમાચાર મળ્યા હતા કે BMC એમનું મકાન તોડવા આવવાની છે. જોકે આ સમાચાર ખોટા નીકળ્યા હતા અને રહેવાસીઓએ નિરાંતનો દમ લીધો હતો.

આ મકાનના રહેવાસીઓ પણ દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે. પાણીની લાઇન BMCએ ૭ સપ્ટેમ્બરે કાપી નાખી હતી અને ત્યારથી તેઓ ટૅન્કરના પાણી પર જીવે છે. ગમે ત્યારે લાઇટ કપાઈ જવાના સમાચાર હોવાથી આ બિલ્ડિંગમાં રહેતા ગુજરાતી અને કચ્છીઓને છતવિહોણા થઈ જવાનો ભય સતાવી રહ્યો છે.

આ રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે તો અમને પાણી અમારા વિધાનસભ્ય સરદાર તારાસિંહ પૂરું પાડી રહ્યા છે, પણ આવતી કાલની અમને ખબર નથી. રાજ્ય સરકારે કાયદો બનાવી દીધો, પરંતુ એ કાયદાનું પાલન મકાનમાલિક અને ડેવલપરે કરવાનું છે. તેઓ જો એનું અમલીકરણ ન કરે તો એ કાયદાની કોઈ કિંમત જ નથી. આ કાયદામાં મકાનમાલિક એનો અમલ ન કરે તો શું એનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. શું મકાનમાલિકો રાજ્ય સરકારના કાયદાનો અમલ કરશે ખરા?’

આ બિલ્ડિંગમાં સૌથી વધારે સિનિયર સિટિઝનો રહે છે એ બાબતે માહિતી આપતાં મુલુંડનાં ઍડ્વોકેટ રેખા મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સિનિયર સિટિઝનોમાં અમુક તો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. ૭ સપ્ટેમ્બરે આ મકાનની પાણીની  લાઇન કપાઈ ગઈ અને હવે આવા સમયે તેઓ તેમની છત પણ ગુમાવે તો તેઓ કેવી કપરી હાલતમાં મુકાઈ જાય એનો સરકારને ખ્યાલ આવવો જરૂરી છે. સરકારે સોમવારે ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન ૩૩ (૭)માં ફેરફાર કર્યા પછી ઉપનગરોનાં જોખમી બિલ્ડિંગોના રીડેવલપમેન્ટ માટે રસ્તો સાફ કર્યો, પણ એનો ફાયદો ભાડૂતોને ત્યારે જ થઈ શકે જ્યારે આ કાયદાનો અમલ મકાનમાલિકો અને ડેવલપરો કડક રીતે કરે. એ બાબતની સ્પષ્ટતા આ કાયદામાં ક્યાંય કરવામાં નથી આવી.’

ફક્ત બિલ્ડિંગની FSI વધારે આપવાથી ભાડૂતોને ફાયદો થતો નથી, ભાડૂતોને ત્યારે જ ફાયદો થાય છે જ્યારે તેમને તેમનું ઘર પાછું મળે એ સંદર્ભે રેખા મહેતાએ કહ્યું હતું કે ‘નવા કાયદામાં ભાડૂતોની સંમતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ પણ બિલ્ડિંગ ત્યારે જ રીડેવલપમેન્ટમાં જઈ શકે જ્યારે તેનો મકાનમાલિક એ માટે સહમત થાય. અત્યાર સુધીમાં જોવા મળ્યું છે કે મકાનમાલિકો તેમના ભાડૂતો માટે બિલ્ડિંગ રીડેવલપ કરવા તૈયાર જ હોતા નથી. તેમને તો સરકારી કાયદાનો ફાયદો પોતાને માટે જ લેવાનો હોય છે. મુલુંડનાં અનેક બિલ્ડિંગો આ ઉદાહરણમાં બંધ બેસે છે.’

શાહ નિવાસની વાત કરીએ તો અહીં ભાડૂતો અને મકાનમાલિક બાલકૃષ્ણ શિંગારે વચ્ચે સાપ-નોળિયાની લડાઈ ચાલી રહી છે એમ જણાવતાં રેખા મહેતાએ કહ્યું હતું કે ‘આ ઇમારતના માલિકે ક્યારેય બિલ્ડિંગના રિપેરિંગ માટે રૂપિયો પણ ખર્ચ્યો નથી. આ બિલ્ડિંગ રિપેર થઈ શકે એવી પરિસ્થિતિમાં હોવા છતાં ૨૦૦૦ની સાલ પહેલાં એ અતિ જોખમી હોવાની નોટિસ મળી ગઈ છે. મકાનમાલિક એ દિવસથી ભાડૂતો પાસેથી ભાડું ઉઘરાવતો નથી. ૨૦૦૩ની સાલમાં પહેલી વાર પાણીની લાઇન કાપી નાખવામાં આવી ત્યારે ભાડૂતોએ BMCમાં બે લાખ રૂપિયાનું પાણીનું બિલ ભર્યું હતું. ત્યાર બાદ ભાડૂતોએ પોતાની પાણીની લાઇન લીધી છે જેનાં બિલ તેઓ જ ભરી રહ્યા છે.’

સરકારે નવા કાયદામાં જણાવ્યું છે કે ભાડૂતોને ૩૦૦થી ૭૫૩ સ્ક્વેર ફીટ જગ્યા આપવામાં આવશે એ બાબતે રેખા મહેતાએ કહ્યું હતું કે આ બાબત સાથે મકાનમાલિક સહમત થશે કે નહીં એની સમય જ ગૅરન્ટી આપી શકે છે.

આ આખી પરિસ્થિતિના સંદર્ભમાં શાહ નિવાસના મકાનમાલિક બાલકૃષ્ણ શિંગારેએ કહ્યું હતું કે ‘અમે જે કરીશું એ કાયદાની મર્યાદામાં રહીને કરીશું. મને નવા કાયદા બાબતમાં કોઈ જાણકારી નથી. હું અને મારા ઍડ્વોકેટ મળીને આ બાબતે વિચારણા કરીશું. સરકાર ગમે તે કાયદો બહાર પાડે, એના અમલીકરણનો નિર્ણય તો અમારે મકાનમાલિકોએ જ લેવાનો હોય છે. અમને ૧૦ રૂપિયાને બદલે પાંચ રૂપિયાનો ફાયદો પણ થતો હશે તો એને અમે સ્વીકારીશું, નહીંતર એને ચૅલેન્જ કરીશું. થોડા દિવસમાં સરકારના કાયદાને કોઈક ને કોઈક તો ચૅલેન્જ કરશે જ.’

અત્યારે અમારો અને ભાડૂતોનો કેસ કોર્ટમાં ચાલે છે એમ જણાવતાં બાલકૃષ્ણએ કહ્યું હતું કે ‘ભાડૂતોએ ૧૭ વર્ષથી ભાડું આપ્યું નથી. અમે તેમને ૨૦૦૨થી નોટિસ આપી રહ્યા છીએ છતાં હજી સુધી અમે તેમને મકાનમાંથી કાઢી નથી મૂક્યા. કોર્ટનો જે ચુકાદો આવશે એ અમને માન્ય રહેશે. આમ પણ અમે જેકાંઈ કરીએ છીએ એ કાયદાની મર્યાદામાં રહીને જ કરીએ છીએ.’

ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન ૩૩(૭)માં થયેલા ફેરફારથી બિલ્ડરો અને ભાડૂતો બન્ને નુકસાનમાં છે?


રાજ્ય સરકારે ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન ૩૩(૭)માં ફેરફાર કરીને તૈયાર કરેલા રીડેવલપમેન્ટ માટેના નવા કાયદા સામે સોસાયટીઓ અને જૂની ઇમારતોના રહેવાસીઓ માટે વર્ષોથી લડી રહેલા ઘાટકોપરના ઍડ્વોકેટ વિનોદ સંપટે અનેક મુદ્દા ઊભા કર્યા છે...

૧. આ કાયદો મુંબઈ અને ઉપનગરોની જર્જરિત ઇમારતો માટે બનાવવામાં આવ્યો છે જેમાં બિલ્ડરો અને મકાનમાલિકની મર્યાદા જાહેર કરવામાં નથી આવી. એથી આ કાયદાનો ફાયદો લઈ બિલ્ડર કે મકાનમાલિક ગમે ત્યારે તેની ઇમારતને જર્જરિત જાહેર કરે એવી શક્યતાઓ રહેલી છે. અત્યારે મુંબઈ અને ઉપનગરોમાં ૬૦૦ જર્જરિત ઇમારતોને જ આ સ્કીમનો ફાયદો મળી શકશે.

૨. આ સ્કીમમાં મકાનમાલિકે ૫૦૦૦ રૂપિયા સ્ક્વેર મીટરે આપવાના છે. મોટા ભાગની ભાડૂતી ઇમારતોનું રિપેરિંગ મકાનમાલિકો કે રહેવાસીઓ કરતા હોય છે. સરકારની આ સ્કીમથી મકાનમાલિકોને બહુ મોટું નુકસાન ભોગવવું પડશે, જ્યારે BMCની તિજોરી છલકાશે. આવું શેના માટે?

૩. આ સ્કીમ પ્રમાણે બિલ્ડરોનો ૨૦ ટકા જગ્યા પર હક રહેશે, જેનાથી દરેક બિલ્ડિંગમાં કમર્શિયલ કૉમ્પ્લેક્સ ઊભાં થશે.

૪. અત્યાર સુધી જર્જરિત ઇમારત માટે ભાડૂતોની સંમતિની જરૂરિયાત નહોતી, જ્યારે નવા કાયદા પ્રમાણે ૭૦ ટકા ભાડૂતોની સંમતિ લેવામાં પ્રોજેક્ટ વિલંબમાં પડવાની પૂરી શક્યતા છે. જે ઇમારત જોખમી છે અને પડી જવાની છે એમાં ભાડૂતોની સંમતિ શેના માટે?

૫. બિલ્ડર અને BMCની સાઠગાંઠથી ઇમારત ગમે ત્યારે જોખમી જાહેર થઈ શકે છે. એ ઇમારત રિપેર થઈ શકે એમ હોવા છતાં બિલ્ડર એને જોખમી જાહેર કરીને ભાડૂતો પાસે ખાલી કરાવી શકે છે.

મકાનમાલિકની ઑફર શું છે?

શાહ નિવાસના રહેવાસીઓને ઑગસ્ટ મહિનામાં મકાનમાલિક બાલકૃષ્ણ શિંગારેએ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે એક ઑફર મોકલી હતી એ બાબતે માહિતી આપતાં સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘આ ઑફરમાં અમને અત્યારે અમારી જેટલી જગ્યા છે એટલી જગ્યા આપવાનું તેણે કહ્યું છે જે ઓનરશિપ નહીં પણ મન્થ્લી ટેનન્સીના હિસાબે રહેશે. એ સિવાય અન્ય કોઈ ફાયદો કે ભાડાં તેમના તરફથી આપવામાં આવશે નહીં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy