આ ચોરને પોલીસ કેમ પકડી નથી શકતી?

વીસથી પચીસ દેરાસરોમાં ભગવાનની મૂર્તિઓ અને વાસણોની ચોરી કરી ચૂકેલો આ યુવક ઘણી વાર CCTV કૅમેરામાં કેદ થઈ ચૂક્યો છે : એક વાર ચોરીના પ્રયાસમાં પકડાયેલો ત્યારે પોલીસે વૉર્નિંગ આપીને છોડી મૂકેલો

robber


રોહિત પરીખ / ખુશાલ નાગડા

મુંબઈ અને ઉપનગરોમાં એક યુવકે ચોરી કરવા માટે જૈન દેરાસરોને ટાર્ગેટ બનાવ્યાં છે. આ યુવક છેલ્લાં બે વર્ષમાં પૂજા કરવાના બહાને અનેક દેરાસરમાં જઈને ચાંદીનાં વાસણો, ભગવાનનાં સોના-ચાંદીનાં આભૂષણો અને ભગવાનની ચાંદીની મૂર્તિઓની ચોરી કરી રહ્યો છે. આ યુવકને કાલાચૌકી અને આગ્રીપાડા પોલીસ શોધી રહી છે. આ યુવક અન્ય દેરાસરોમાં હાથ અજમાવે એ પહેલાં ભાયખલા-આગ્રીપાડા દેરાસરના મૅનેજમેન્ટે આ યુવકની ચોરી કરવાની તરકીબ અને તેનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યા છે.

સૌથી મહત્વની વાત એ છે કે આ યુવક મુંબઈનાં અનેક દેરાસરોમાં બેસાડવામાં આવેલા CCTV કૅમેરાનાં ફુટેજમાં કેદ થઈ ગયો છે છતાં મુંબઈ પોલીસ આ યુવકને પકડવામાં અસમર્થ છે. એનાથી વધુ નવાઈની વાત એ છે કે દોઢ વર્ષ પહેલાં એક દેરાસરના મૅનેજમેન્ટે આ યુવકને પકડીને પોલીસના હવાલે કર્યા પછી તેના પર દયા ખાઈને પોલીસે વૉર્નિંગ આપીને તેને છોડી મૂક્યો હતો.

આ યુવકની દેરાસરોમાં હાથસફાઈની માહિતી આપતાં ભાયખલા (વેસ્ટ)ના આગ્રીપાડા જૈન દેરાસરના સુરેશ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ભગવાનની પૂજા કરતી વખતે જ ચહેરા પર રૂમાલ બાંધીએ છીએ. જ્યારે આ યુવક દેરાસરમાં પ્રવેશતાં પહેલાં રસ્તા પર જ તેનો ચહેરો રૂમાલ વડે બાંધીને છુપાવી દે છે. ૩૦ નવેમ્બરે સવારે ૧૧ વાગ્યે આ યુવક ચહેરા પર રૂમાલ બાંધીને દેરાસરમાં આવ્યો હતો. પહેલાં તો તેણે જૈન શ્રાવકની જેમ ભગવાનની પૂજા કરી હતી. ત્યાર બાદ તે જિનાલયના કેસરરૂમમાં ગયો હતો. ત્યાં તેણે પહેલાં તપાસ કરી લીધી કે તેને કોઈ જોતું તો નથીને. ત્યાર બાદ કેસરરૂમમાં પડેલા ચાંદીના સિંહાસનને તેણે પહેરેલા સફેદ પાયજામામાં મૂકી દીધું હતું અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ આખો બનાવ દેરાસરમાં મૂકેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગયો છે.’

આ બનાવના ૧૦ દિવસ પહેલાં આ દેરાસરમાંથી ચાંદીની થાળી ચોરાઈ હતી, પરંતુ એ વખતે દેરાસરમાં CCTV કૅમેરા બેસાડાયેલા નહોતા. આ ચોરી બાદ દેરાસરના સંચાલકો જાગરૂક બની ગયા હતા. ટ્રસ્ટીઓએ દેરાસરમાં તરત CCTV કૅમેરા બેસાડી દીધા હતા એને કારણે ૩૦ નવેમ્બરનો ચોરીનો બનાવ CCTV કૅમેરામાં કેદ થઈ ગયો છે.

આ સંદર્ભે સુરેશ દોશીએ કહ્યું હતું કે ‘અમે ૩૦ નવેમ્બરે CCTV કૅમેરાનાં ફુટેજ સાથે જ લઈ જઈને આગ્રીપાડા પોલીસ-સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. અમને પોલીસ-અધિકારીઓએ સલાહ આપી હતી કે આપણે ચોર સુધી વહેલી તકે પહોંચી શકીએ અને અન્ય દેરાસરો આ યુવકનાં ટાર્ગેટ બને એ પહેલાં લોકોને ચેતવી શકીએ અને એ માટે આ બનાવની જાણ વૉટ્સઍપના માધ્યમ વડે જૈનોના ગ્રુપમાં અને અન્ય ગ્રુપોમાં કરી દો. અમે તરત વૉટ્સઍપ અને અન્ય સોશ્યલ મીડિયાના માધ્યમ વડે અમારે ત્યાં થયેલી ચોરીના બનાવની અન્ય જૈન સંઘોને જાણ કરી દીધી હતી. આ મેસેજ સંઘોમાં પહોંચતાં અમને જાણવા મળ્યું હતું કે આ માણસ એક નહીં, અનેક દેરાસરોમાં હાથ સાફ કરી ચૂક્યો છે; જેમાં ધોબી તલાવ, ખેતવાડી, કાલાચૌકી અને દહિસરનાં દેરાસરોએ અમારો સંપર્ક કરીને અમને જાણ કરી હતી કે આ માણસે અમારા દેરાસરમાં પણ ચોરી કરી છે. અમારા CCTV કૅમેરામાં પણ આ જ માણસ ચોરી કરતો દેખાય છે. તેની ચોરી કરવાની તરકીબ એકસરખી જ છે.’

દહિસર જૈન સંઘના દેરાસરમાં થયેલી ચોરીની માહિતી આપતાં સંઘના પ્રમુખ અંબાલાલ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને જ્યારે આગ્રીપાડા જૈન સંઘમાંથી મેસેજ મળ્યો ત્યારે અમે પણ ચોંકી ઊઠ્યા હતા. અમારા દેરાસરમાં આ માણસ ૧૧ સપ્ટેમ્બરે સવારે ૮થી ૧૦ વાગ્યા વચ્ચે એક પંચધાતુની મૂર્તિ અને ચાંદીનું સિદ્ધચક્રયંત્ર ચોરી ગયો હતો.’


ધોબી તલાવના દેરાસરમાં થયેલી ચોરીની વિગતો આપતાં શ્રી રાજસ્થાન જૈન સંઘના ટ્રસ્ટી શ્રીપાલ જૈને કહ્યું હતું કે ‘અમારા દેરાસરમાંથી બીજી સપ્ટેમ્બરે સવારે આઠથી સાડાઆઠ વાગ્યા વચ્ચે ચોરી થઈ હતી જેમાં આ યુવક ચાંદીનો કળશ, ચાંદીનું સિદ્ધચક્રયંત્ર અને ચાંદીનો દીપક ચોરી ગયો હતો. એની ફરિયાદ અમે આઝાદ મેદાન પોલીસ-સ્ટેશને કરી છે.’

ભગવાનની ચાંદીની ૧૧ ઇંચની મૂર્તિ ચોરાઈ છે એવી માહિતી આપતાં પરેલ કાલાચૌકીમાં આવેલા મુથલિયા રેસિડન્સીના જૈન દેરાસરના ટ્રસ્ટી અક્ષય જૈને કહ્યું હતું કે ‘અમારા દેરાસરમાંથી ૨૪ નવેમ્બરે સુવિધિનાથ ભગવાનની મૂર્તિ આ યુવક ચોરીને ભાગી ગયો છે. અમે કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમે પોલીસને CCTV કૅમેરાનાં ફુટેજ પોલીસને સોંપ્યાં એ પછી પણ પોલીસ હજી સુધી તેને પકડી નથી શકી.’

સાઉથ મુંબઈના ખેતવાડી ૧૧મી ગલીના શ્રીપતિ કૅસલ ટાવરના ગૃહજિનાલયમાંથી એક શ્રાવિકાનું પર્સ, મોબાઇલ તથા બીજી શ્રાવિકાની ચાંદીની પૂજાની થાળી ત્રણ મહિના પહેલાં ચોરાઈ છે. જોકે આ મહિલાઓના પરિવારોએ ઇનકાર કરવાને લીધે પોલીસ-ફરિયાદ નોંધાવવામાં નહોતી આવી, પરંતુ આ જિનાલયના CCTV કૅમેરામાં આ જ યુવક ભાગતો દેખાય છે.

આ બધાં દેરાસરોના ટ્રસ્ટીઓની તથા હોદ્દેદારોની ફરિયાદ એક જ હતી કે અમે પોલીસને CCTV કૅમેરાનાં ફુટેજ આપ્યાં હોવા છતાં પોલીસ હજી સુધી આ યુવકની ધરપકડ કરવામાં નિષ્ફળ કેમ ગઈ છે. એનાથી પણ વધારે ઝટકો આપે એવી માહિતી ભાયખલાની લવ લેનમાં આવેલા મોતીશા જૈન દેરાસરના ટ્રસ્ટી કિરણ લોઢાએ આપી હતી. તેમણે તેમના દેરાસરમાં દોઢ વર્ષ પહેલાં થયેલી ચોરીની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દોઢ વર્ષ પહેલાં અમારા દેરાસરમાંથી નાની-મોટી ચાંદીની પૂજાની વાટકી અને અન્ય સામગ્રીઓ આ યુવક ચોરી જતો હતો. એક દિવસ અમે તેને રંગેહાથ પકડી લીધો હતો. થોડો માર માર્યા બાદ અમે તેને ભાયખલા પોલીસ-સ્ટેશન લઈ ગયા હતા અને તેની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. એ જ સમયે પોલીસે જૈન લોકોનાં મોટાં દિલ હોય છે એવી વાતો કરીને અમારા કેસને ઠંડો પાડવાની કોશિશ કરી હતી. જોકે ત્યાર પછી અમને ખબર પડી હતી કે અમારે ત્યાંથી એ યુવક ચોરી કરવામાં સફળ રહ્યો ન હોવાથી પોલીસે તેને ફક્ત વૉર્નિંગ આપીને છોડી મૂક્યો હતો.’

નવેમ્બરમાં મુંબઈનાં અનેક દેરાસરોની ચોરીઓ પ્રકાશમાં આવતાં પોલીસ અમારે ત્યાં તપાસ માટે આવી હતી એમ જણાવતાં મોતીશા જૈન દેરાસરના અન્ય ટ્રસ્ટી ઘેવરચંદ જૈને કહ્યું હતું કે અમે આ પોલીસને અમારે ત્યાંનાં CCTV કૅમેરાનાં ફુટેજ બતાવ્યાં હતાં અને અન્ય દેરાસરનાં ફુટેજ જોઈને એ યુવકને ઓળખી પણ લીધો હતો.


દેરાસરોને સાવધાન કરતો મેસેજ

મુંબઈનાં દેરાસરોમાં એક જ યુવક દ્વારા થઈ રહેલી ચોરી સામે અન્ય દેરાસરોને ચેતવણી આપતાં આગ્રીપાડા જૈન સંઘે વૉટ્સઍપ પર વાઇરલ કરેલા મેસેજમાં કહ્યું હતું કે ‘સાવધાન સાવધાન સાવધાન. તા. ૩૦-૧૧-’૧૭ના રોજ સવારે ૧૧ વાગ્યે શ્રી ભાયખલા આગ્રીપાડા જૈન સંઘના શંખેશ્વર પાશ્વર્નાથ મંદિરમાં એક માણસ પૂજાના કપડાંમાં આવીને પૂજાની બધી વિધિ પૂરી કરીને ભગવાનનું ચાંદીનું સિંહાસન ચોરીને ભાગી ગયો છે. આ પહેલાં આ જ માણસે તા. ૨૪-૧૧-’૧૭ના રોજ કાલાચૌકીમાં આવેલી મુથલિયા રેસિડન્સીમાંથી ચાંદીની ભગવાનની મૂર્તિ ચોરી છે. એના એક મહિના પહેલાં ધોબી તલાવ જૈન સંઘમાં ચાંદીનું સિદ્ધચક્રયંત્ર ચોર્યું છે. ભાયખલાના મોતીશા જૈન દેરાસરમાં પણ આ માણસે ચોરી કરી છે. આ માણસ કોઈ સાધારણ ચોર નથી. તેણે અનેક જૈન મંદિરોમાં ચોરી કરી છે. પોલીસમાં તેની વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે. આ માણસનો ફોટો દેરાસરના વૉચમેનોને તથા પૂજારીઓને જરૂર બતાવવામાં આવે જેથી તે જલદીથી પકડાઈ જાય. આ માણસની હિંમત એટલી છે કે દેરાસરોમાં CCTV કૅમેરા હોવા છતાં આ માણસનાં કારનામાં ચાલુ જ છે. આ માણસ કદાચ જૈન જ છે અથવા તો તેના પર કોઈ શંકા ન કરે એટલે તે જૈનોની જેમ પૂજાની વિધિ કરી રહ્યો છે. આ માણસને આગ્રીપાડા પોલીસ શોધી રહી છે. આપ સૌને નિવેદન છે કે આ મેસેજ વધુમાં વધુ દેરાસરો અને સંઘોને પહોંચાડવામાં આવે. બધા જૈન સંઘો આ વાતથી સતર્ક રહે અને આ માણસ કોઈ સંઘ કે દેરાસરમાં દેખાય તો તેઓ અમારો સંપર્ક કરે. સુરેશકુમાર દોશીને  ૦૨૨ ૨૩૦૮૫૧૨૮ અથવા નીતિન સુરેશ જૈનને ૭૯૭૭૭૦૯૧૮૮ આ નંબર પર ફોન કરે.’

અત્યાર સુધીમાં આ માણસ વીસથી પચીસ દેરાસરોમાં ચોરી કરી ચૂક્યો છે. સંઘે આ મેસેજ સાથે યુવકનો ફોટો પણ વાઇરલ કર્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK