પાર્ટીના કાર્યકરો માટે બૉસ ગુરુદાસ કામત ટાઇગર હતા

એક બાર બૉસને બોલ દિયા તો બોલ દિયા ઉસમેં કુછ ભી ચેન્જ નહીં હો સકતા એવું કાર્યકરો કહેતા

kamat1

રોહિત પરીખ

કૉન્ગ્રેસના સિનિયર નેતા ગુરુદાસ કામત કૉન્ગ્રેસ પાર્ટી માટે અને તેમના કાર્યકરો માટે ફાઇટરમૅન બનીને રહ્યા હતા. તેમના કાર્યકરોમાં ગુરુદાસ બૉસ અને ટાઇગરના નામે પ્રસિદ્ધ હતા. ગુરુદાસ કામત કૉન્ગ્રેસ પાર્ટીમાં એક બાર બૉસને બોલ દિયા તો બોલ દિયા ઉસમેં કુછ ભી ચેન્જ નહીં હો સકતા એ નીતિ સાથે પાર્ટીમાં અને પાર્ટીના દરેક હોદા પર કાર્ય કરતા હતા. આમ છતાં અનેક વાદવિવાદો પછી પણ ગુરુદાસ કામતે ક્યારેય પણ કૉન્ગ્રેસ છોડવાનો વિચાર સુધ્ધાં નહોતો કયોર્. તેમના કાર્યકરો કહે છે કે બૉસના જવાથી મુંબઈ કૉન્ગ્રેસ પર એની બહુ જ ખરાબ અસર પડશે.

આ બાબતનો ઘટસ્ફોટ ગઈ કાલે ગુરુદાસ કામતની અંતિમયાત્રામાં પુણેથી ચેમ્બુર આવેલા આબા બાગુલ, ગોપાલ તિવારી અને વીરેન્દ્ર કિરાડેએ ‘મિડ-ડે’ સમક્ષ કયોર્ હતો. આ કાર્યકરો ગુરુદાસ કામત સાથે સતત ચાલીસ વર્ષથી કૉન્ગ્રેસ માટે કાર્ય કરતા આવ્યા છે. ગુરુદાસ કામતની મહેરબાનીથી આબા બાગુલ પુણેમાં ૩૦ વર્ષ સુધી નગરસેવક અને એક વખત ડેપ્યુટી મેયર બની ચૂક્યા હતા. ગોપાલ તિવારી અને વીરેન્દ્ર કિરાડે પણ પુણેમાં નગરસેવક રહી ચૂક્યા છે.

અમે પણ ગુરુદાસ કામત પાસેથી ફાઇટર બનતાં શીખી ગયા છે એમ જણાવતાં આબા બાગુલ, ગોપાલ તિવારી અને વીરેન્દ્ર કિરાડેએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસમાં ગુરુદાસ એકમાત્ર એવા નેતા હતા જેઓ તેમના કાર્યકર માટે ક્યારેય તેમના સિનિયર પાસે પણ ઝૂકતા નહોતા. તે ગમે એવી કટોકટીમાં પણ કાર્યકરની પડખે રહેતા અને એ તેમનો સૌથી મોટો ગુણ હતો. અમારા કાર્યકરો માટે તેઓ ફાઇટરમૅન હતા એટલું જ નહીં, તેઓ મૅન ઑફ કમિટમેન્ટ પણ હતા. બોલ દિયા તો બોલ દિયા એ પણ તેમની વિશેષતા હતા. એક વાર કોઈ કાર્યકર કે મતદારને કામ કરી આપીશ એમ કહ્યું હોય તો તે કોઈ પણ ભોગે એ કામ પૂરું કરીને જ આપતા. આજે ગુરુદાસ કામતના અચાનક મૃત્યુથી અમારા જેવા અનેક કાર્યકરોને તેમની ખોટ સાલી રહી છે. અમારા જેટલી જ ખોટ કૉન્ગ્રેસ પાર્ટી માટે પણ છે. તેમના જવાથી મુંબઈ કૉન્ગ્રેસમાં ખૂબ જ મહત્વનાં પરિવર્તનો જોવા મળશે.’

ગુરુદાસ કામત તેમના સિદ્ધાંતમાં અને પાર્ટીના હિતમાં ક્યારે પણ સમાધાન નહોતા કરતા. તેઓ હંમેશાં લડતા હતા એમ જણાવતાં અબા બાગુલે કહ્યું હતું કે ‘અમે ગુરુદાસ કામત સાથે ચાલીસ વર્ષથી પાર્ટી માટે કામ કરીએ છીએ. અમારા જેવા નાના કાર્યકરો માટે પણ ગુરુદાસ કામતને તેમના સિનિયર નેતાઓ સાથે ટસલ થઈ જતી તો તેઓ તેમના પદ પરથી રાજીનામું આપતા પણ અચકાતા નહોતા. આ જ સિદ્ધાંતોને લીધે અમે તેમને બૉસ અને ટાઇગરના નામથી ઓળખતા હતા.’

ગુરુદાસ કામતે એક સમયે યુથ કૉન્ગ્રેસના હોદા પરથી રાજીનામું આપી દીધું હતું. એ બાબતે બોલતાં આબા બાગુલે કહ્યું હતું કે ‘એ સમયે અમે પુણેમાં આવ્યા ત્યારે બહુ મનાવ્યા તો કહે કે એક બાર દે દિયા ફિર મૈં વાપસ નહીં લેતા એમ કહીને તેમને તેમણેં રાજીનામું પાછું નહોતું ખેંચ્યું. આવો જ સિદ્ધાંત તેમણે જીવનના અંત સુધી ગ્રહણ કરી રાખ્યો હતો. તેમણે ૨૦૧૬માં રાજકારણ આવા જ કારણોસર છોડી દેવાની જાહેરાત કરી હતી. ત્યાર પછી ૨૦૧૭માં BMCના ઇલેક્શનમાં પાર્ટીના નબળા દેખાવથી તેઓ સંજય નિરુપમથી નારાજ થઈ ગયા હતા. આ વાત તેમણે સોનિયા ગાંધીને કહી હતી. તેમણે ક્યારેક યુથ કૉન્ગ્રેસ, ક્યારેક મુંબઈ કૉન્ગ્રેસ ચીફ, ક્યારેક પ્રધાનપદ અને ક્યારેક મહાસચિવ પદ ઠુકરાવી દીધાં હતાં. આમ છતાં તેમની વાતને પાર્ટીએ મહત્વ ન આપતાં તેમણે પાર્ટીના બધા જ હોદ્દા છોડીને રાજકારણ છોડવાનો નર્ણિય લઈ લીધો હતો. બુધવારે તેમની સવારે ૧૧ વાગ્યે સોનિયા ગાંધી સાથે મીટિંગ પણ હતી. જોકે એ પહેલાં જ સવારે તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.’

આબા બાગુલની જેવો જ સૂર કૉન્ગ્રેસ છોડીને BJPમાં જોડાયેલાં સાંતાક્રુઝના કૃષ્ણા હેગડેનો હતો. બુધવારે ચેમ્બુરમાં ગુરુદાસ કામતના બંગલે પહોંચેલા કૃષ્ણા હેગડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી અને ગુરુદાસની કોઈ જ ઓળખાણ નહોતી. એમ છતાં તેમણે મારા પર વિશ્વાસ મૂકીને મને પાર્ટીના પ્રવકતાની જવાબદારી સોંપી હતી. તેઓ હંમેશાં પ્રોત્સાહન જ આપતા હતા. તેમનામાં કાર્યકરોને પારખવાની શક્તિ હતી જે બહુ જ ઓછા નેતાઓમાં જોવા મળે છે. મેં જ્યારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારે તે એકમાત્ર એવા નેતા હતા કે જેમણે દુખ વ્યક્ત કર્યું હતું. ગુરુદાસ કામત કાર્યકરોના નેતા હતા એટલું જ નહીં, કાર્યકર માટે મરી મીટનારા હતા.’

પોલિયોગ્રસ્ત હોવા છતાં અંતિમ દર્શનાર્થે

ગુરુદાસ કામતના મીઠા સંબંધોને કારણે જ ગઈ કાલે તેમનો અંધેરીનો કાર્યકર સુનીલ કુલકર્ણી પોલિયોગ્રસ્ત હોવા છતાં ગુરુદાસ કામતના અંતિમ દર્શન માટે રિક્ષામાં અન્યના સહારે ચેમ્બુર આવ્યો હતો. સુનીલ કુલકર્ણીને રિક્ષામાંથી ઉતારવાથી લઈને ગુરુદાસ કામતનાં દર્શન કરવા સુધીની પ્રક્રિયામાં પોલીસોએ મદદ કરી હતી. સુનીલની જેમ જ અન્ય એક કાર્યકર તેના જમણા પગમાં ફ્રૅક્ચર આવ્યું હોવા છતાં વૉકર અને અન્ય કાર્યકરોની મદદ લઈને ગુરુદાસ કામતનાં અંતિમ દર્શન કરવા આવ્યો હતો.

ગુરુદાસ કામતને હજારો કાર્યકરોએ આપી વિદાય


સ્મશાનપણ ખીચોખીચ ભરાયેલું હતું, ઊભા રહેવાની જગ્યા નહોતી

‘ગુરુદાસ કામત અમર રહો’, ‘જબ તક સૂરજ ચાંદ રહેગા, ગુરુદાસ તેરા નામ રહેગા’ના જોરદાર નારા સાથે કૉન્ગ્રેસના સિનિયર કાર્યકર અને ભૂતપૂર્વ સંસદસભ્ય ગુરુદાસ કામતની તેમના ચેમ્બુરના નિવાસસ્થાન ગૌરીનંદનમાંથી ગઈ કાલે સવારે ૧૧.૩૦ વાગ્યે અંતિમયાત્રા નીકળી હતી. તેમના અંતિમ સંસ્કાર ચેમ્બુરની હસુ અડવાણી ચરઈ હિન્દુ સ્મશાનભૂમિમાં બપોરે ૧૨.૫૮ વાગ્યે પોલીસ-સલામી સાથે કરવામાં આવ્યા હતા.

અંતિમયાત્રામાં ગુરુદાસ કામતના નશ્વર દેહને તિરંગામાં વીંટાળવામાં આવ્યો હતો. પોલીસ-બૅન્ડ સાથે તેમની નનામીને પોલીસોએ કાંધ આપી હતી. ત્યાર પછી નનામીને ફૂલોથી સજાવેલી ટ્રકમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી હતી.

તેમની અંતિમયાત્રામાં કૉન્ગ્રેસ, BJP અને અન્ય રાજકીય પક્ષોના અનેક નેતાઓ અને હજારોની સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ગુરુદાસ કામત સાથે વષોર્થી કામ કરી રહેલાં યુવાનો અને મહિલાઓ ચોધાર આંસુએ અંતિમયાત્રામાં રડી રહ્યાં હતાં. આ સમયે વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમ દર્શનાર્થે આવેલી અમુક મહિલાઓ તો ગુરુદાસ કામતને ‘પાપા... પાપા’ કહીને ચીસો પાડીને રડતી હતી. આ મહિલાઓ ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર થયા પછી પણ શાંત રહી શકી નહોતી.

ગુરુદાસ કામતનું બુધવારે વહેલી સવારે દિલ્હીમાં મૃત્યુ થયા બાદ તેમના મૃતદેહને બુધવારે રાતે તેમના ચેમ્બુરના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. આ પહેલાં તેમના મૃતદેહને દિલ્હીમાં દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. તેમના મૃત્યુના સમાચાર બુધવારે તેમના કાર્યકરોને મળતાં જ બુધવારે બપોરથી મુંબઈ અને મહારાષ્ટ્રમાંથી કૉન્ગ્રેસના કાર્યકરોનાં ટોળેટોળાં તેમના નશ્વર દેહનાં અંતિમ દર્શન માટે ચેમ્બુર પહોંચવા લાગ્યાં હતાં. તેમનો મૃતદેહ રાતના ૧૦.૧૫ વાગ્યે તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ સહિત કૉન્ગ્રેસના અનેક મોટા રાજનેતાઓ ગુરુદાસ કામતનાં અંતિમ દર્શન માટે બુધવારે મોડી રાત સુધી તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કૉન્ગ્રેસના સિનિયર નેતા કૃપાશંકર સિંહ અને BMCના વિરોધ પક્ષના નેતા પ્રવીણ છેડા, સામાજિક કાર્યકર રાજા મીરાણી સહિત અનેક નેતાઓ બુધવારે બપોરથી જ ગુરુદાસ કામતની અંતિમયાત્રાની તૈયારી માટે હાજર થઈ ગયા હતા.

હજારો કાર્યકરો સહિત મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણ, મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમ, કૉન્ગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, સચિન અહિર, ભાઈ જગતાપ, નસીમ ખાન, ભૂતપૂર્વ સંસદસભ્ય પ્રિયા દત્ત, NCPના મુમ્બ્રા-કલવાના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ, સંજય દીના પાટીલ, NCPનાં કૉપોર્રેટર રાખી જાધવ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણે સહિત કૉન્ગ્રેસ અને NCPના અનેક નેતાઓ ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર માટે આવ્યા હતા.

મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ સવારે ૧૧ વાગ્યે ગુરુદાસ કામતનાં અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. આ પહેલાં કૅબિનિટ મિનિસ્ટર પ્રકાશ મહેતા, મુલુંડના BJPના વિધાનસભ્ય સરદાર તારા સિંહ, BMCના ગઢ નેતા મનોજ કોટક, ઘાટકોપર (વેસ્ટ)ના વિધાનસભ્ય અને BJPના પ્રવક્તા રામ કદમ પણ ગુરુદાસ કામતનાં અંતિમ દર્શન માટે આવ્યા હતા.

ગુરુદાસ કામતની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનથી નીકળીને હસુ અડવાણી ચરઈ હિન્દુ સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવી હતી. આ સમયે સ્મશાનભૂમિ રાજકીય પક્ષોના રાજનેતાઓને અને કાર્યકરોથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. પોલીસ-સલામી બાદ ગુરુદાસ કામતના નશ્વર દેહને તેમના પુત્ર ડૉ. સુનીલ કામતે અગ્નિદાહ આપ્યો હતો. અંતમાં અશોક ચવાણે ગુરુદાસ કામતને શ્રદ્ધાંજલિ આપી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK