પોલીસ ધારે તો ઑનલાઇન ફ્રૉડમાં ગુમાવેલી રકમ પાછી મેળવી આપી શકે છે

ઇન્સ્ટાગ્રામ પર મહિલાએ ફ્રેન્ડશિપ-રિક્વેસ્ટ મોકલીને બદલાપુરના યુવાન સાથે ૧૧ દિવસમાં ૨૦,૩૫,૦૨૭ રૂપિયાની ઑનલાઇન છેતરપિંડી કરી હતી : જોકે પોલીસે તીવ્ર ગતિએ લીધેલા પગલાને લીધે ૧૫ લાખ રૂપિયાની રિકવરી થઈ

fraud

મમતા પડિયા

અમેરિકાની ટ્રેડિંગ કંપનીના નામે રકમ બમણી કરવાની લાલચમાં આવીને લાખો રૂપિયા ગુમાવનાર બદલાપુરના યુવાન સાથે થયેલી ઑનલાઇન છેતરપિંડીનો કેસ પોલીસે ઉકેલીને ૭૫ ટકા રકમ રિકવર કરી છે. જોકે આ છેતરપિંડીમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી. ઑનલાઇન ફ્રૉડના માસ્ટરમાઇન્ડ આરોપીને શોધવાના પોલીસ પ્રયત્ન કરી રહી છે. ટૂંક સમયમાં વધુ પૈસા કમાવાની લાલચ આપીને ૧૧ દિવસમાં વીસ લાખ રૂપિયાથી વધુ રકમ અમેરિકાની બોગસ ટ્રેડિંગ કંપનીએ આંચકી હતી. ઑનલાઇન છેતરપિંડીના કેસમાં જ્વલ્લે જ રકમ પાછી મળતી હોય છે અને આ કેસમાં બદલાપુર પોલીસે કરેલી તપાસ અને કાર્યવાહીના આધારે ૭૫ ટકા એટલે કે ૧૫,૭૮,૦૦૦ રૂપિયા પાછા મેળવ્યા હતા. MCom થયેલો ૨૪ વર્ષનો મયૂર ચૌધરી બેરોજગાર છે. રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા તેના પિતા બે મહિના પહેલાં અવસાન પામ્યા હતા. પરિવાર આર્થિક ભીંસનો સામનો કરી રહ્યો હતો એવામાં પિતાના પ્રોવિડન્ટ ફન્ડના વીસ લાખ રૂપિયા તેમને મળ્યા હતા. એ જ સમયે ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાએ મોકલેલી ફ્રેન્ડશિપ-રિક્વેસ્ટની જાળમાં ફસાઈને તેણે દિવંગત પિતાના પ્રોવિડન્ટ ફન્ડની રકમ ગુમાવી હતી.

૧૩,૦૦૦ રૂપિયાના સાત દિવસમાં ૩૫,૦૦૦ રૂપિયા કરવાની લાલચ આપીને મયૂર ચૌધરી પાસેથી ત્રણથી ૧૮ ઑગસ્ટ સુધીમાં ૨૦,૩૫,૦૨૭ રૂપિયા પડાવવામાં આવ્યા હતા એમ જણાવીને બદલાપુર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર લક્ષ્મણ સરીપુત્રે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મયૂરને ઇન્સ્ટાગ્રામ પર લારા ડેબરીઝ નામની એક મહિલાની રિક્વેસ્ટ મળી હતી. આ મહિલાએ પોતાને અમેરિકાની બાઇનરી નામની ટ્રેડિંગ કંપનીની ફન્ડ-મૅનેજર હોવાનું કહ્યું હતું. પોતાની જાળમાં ફસાવીને લારાએ તેની પાસે પહેલી વખતમાં  ૧૩,૦૦૦ રૂપિયા તેલંગણની બૅન્કમાં ભરાવ્યા હતા. આ મહિલા મયૂરને મેસેજ કરીને તેના રોકાણનું ડૉલરમાં થતો પ્રૉફિટ દર્શાવતી વિગતો આપતી હતી. મયૂર પાસે પિતાના ફન્ડના પૈસા હતા અને ડબલ કરવાની લાલચમાં તેણે રોજેરોજ ૧૧ દિવસ સુધી હરિયાણા અને તેલંગણની બૅન્કમાં રોકાણ કર્યું હતું. તે પૈસા પાછા માગતો ત્યારે લારા હંમેશાં બહાનાં બનાવતી અને તેને વિશ્વાસ અપાવતી કે મૂળ રકમમાંથી કસ્ટમ્સ-ચાર્જ, ફૉરેન-ટૅક્સ કપાશે. મયૂર વારંવાર પૈસા પાછા માગવા લાગ્યો ત્યારે લારાએ પૈસા શિપમાં મોકલવશે એમ જણાવ્યું હતું. બૅન્ક-અકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયેલા પૈસા શિપમાં શા માટે મોકલશે એવો પ્રશ્ન થતાં મયૂરને ઑનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યો હોવાની જાણ થઈ હતી.’

૨૭ ઑગસ્ટે પોલીસ-સ્ટેશનમાં ઑનલાઇન છેતરપિંડીનો કેસ નોંધાયો હતો એમ જણાવીને સિનિયર ઇન્સ્પેક્ટર લક્ષ્મણ સરીપુત્રે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેલંગણ અને હરિયાણાના જે અકાઉન્ટમાં મયૂરે પૈસા ટ્રાન્સફર કર્યા હતા એ બૅન્કની વિગતો મેળવવામાં આવી હતી. એ અનુસાર અહીંની બૅન્કના અધિકારીની મદદથી ત્યાંની બૅન્કનો સંપર્ક કરીને અકાઉન્ટ સીઝ કરવામાં આવ્યાં હતાં. એક પ્રાઇવેટ કંપનીએ મયૂરનો સંપર્ક કરીને તેમનાં સીઝ કરાયેલાં અકાઉન્ટને રિલીઝ કરવાની વિનંતી કરી હતી. એથી મયૂરે પોલીસને મધ્યમાં રાખીને પોતાની રકમ પાછી માગી હતી. આ કંપનીએ ૧૫,૭૮,૦૦૦ રૂપિયા મયૂરના અકાઉન્ટમાં પાછા ટ્રાન્સફર કર્યા હતા. દરમ્યાન જે મોબાઇલ નંબરના વૉટ્સઍપ પરથી મયૂર સાથે ચૅટિંગ કરવામાં આવી રહી હતી એ નંબર ક્લોન કરીને ઉપયોગમાં લેવામાં આવ્યો હતો એવું જાણવા મળ્યું હતું. લારા નામની મહિલા અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. જે કંપનીના નામે પૈસા પડાવવામાં આવ્યા હતા એ બોગસ હોવાનું તપાસમાં જાણ થઈ હતી. અત્યારે અમે આ રૅકેટના સૂત્રધારને શોધી રહ્યા છીએ. આ પ્રકરણે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી અને મયૂરના બાકી રહેલા ચાર લાખથી વધુ રૂપિયા રિકવર કરવાના પ્રયત્ન અમારી ટીમ કરી રહી છે તેમ જ આ રીતે કેટલા લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હશે એની તપાસ હાથ ધરવામાં આવી છે. અમારી નાગરિકોને અપીલ છે કે આવી ઑનલાઇન ઑફરની લોભામણી લાલચમાં ફસાવું નહીં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK