ગટરનું ઢાંકણું તૂટ્યું એમાં ટ્રક પલટી થઈ, પાંચ રાહદારીઓ એની નીચે દબાયા

ઈંટ ભરેલો ખટારો રિવર્સ લેતો હતો ત્યારે થયો ઍક્સિડન્ટ: રેલવે-કૉન્ટ્રૅક્ટરની બેદરકારી, ત્રણ ઘાયલોની હાલત ગંભીર

truck

રોહિત પરીખ

વિદ્યાવિહાર (વેસ્ટ)ની રેલવે-ટિકિટબારી પાસે રેલવે-કૉન્ટ્રૅક્ટરની ઈંટોથી ભરેલી એક ટ્રક ગઈ કાલે બપોરે ૧૨.૦૭ વાગ્યે પલટી ખાઈ ગઈ હતી. એને કારણે ટ્રકની નીચે પાંચ રાહદારીઓ દબાઈ ગયા હતા. જોકે બે રાહદારીઓને મામૂલી માર લાગ્યો હોવાથી તેઓ તરત જ તેમના કામે જતા રહ્યા હતા, જ્યારે ત્રણ જણને ગંભીર ઈજા થઈ હોવાથી તેમને રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આ બનાવને કારણે રેલવેના કૉન્ટ્રૅક્ટરો દ્વારા દાખવવામાં આવતી બેદરકારીનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે.

વિદ્યાવિહાર (વેસ્ટ)ના રેલવે-ટૉઇલેટ પાસે ભયંકર ગંદકી થવાની ઘણા લાંબા સમયથી લોકોની ફરિયાદ હતી. આ ગંદકી આસપાસના વિસ્તારમાં પ્રસરતી હોવાથી ટૉઇલેટની ફરતે દીવાલ બાંધવાનું રેલવેનું કામ ચાલી રહ્યું છે. ગઈ કાલે બપોરે બારર વાગ્યે દીવાલ બાંધવા માટે ઈંટો ભરેલી ટ્રક ટિકિટબારી પાસેથી રિવર્સમાં જઈ રહી હતી. આ ટ્રકના વજનથી ટિકિટબારીની બાજુમાંથી સ્ટેશન તરફ જતા રસ્તાની ગટરની ચેમ્બર તૂટી જતાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી.

આ બાબતની માહિતી આપતાં રેલવેના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રક પલટી ખાતાં જ રસ્તા પરથી પસાર થતા રેલવેના મુસાફરોમાંથી પાંચ જણ ટ્રક નીચે દબાઈ ગયા હતા. તેમને બચાવવા માટે ફાયર-બ્રિગેડના જવાનો અને પોલીસની મદદ લેવામાં આવી હતી.’

આ બનાવ બનતાં જ સ્થાનિક રહેવાસીઓ, શિવસેનાના નેતા પ્રકાશ વાણી અને તેમના કાર્યકરો, આ વિસ્તારનાં BJPનાં નગરસેવિકા બિન્દુ ત્રિવેદી અને તેમના કાર્યકરો ડૉક્ટરોની ટીમ સાથે ઘટનાસ્થળે બચાવકાર્ય માટે પહોંચી ગયાં હતાં. આ બચાવકાર્યમાં ‘મિડ-ડે’ પણ જોડાઈ ગયું હતું. બચાવકાર્ય દરમ્યાન એક કાર્યકરને પગમાં માર લાગ્યો હતો.

જોકે સાંકડો રસ્તો હોવાથી ટ્રકને સીધી કરવા માટે ક્રેન હોવા છતાં એનો ઉપયોગ થઈ શકે એમ નહોતો. આથી બચાવકાર્ય માટે પહોંચેલા સ્થાનિક રહેવાસીઓએ અને સામાજિક કાર્યકરોએ પહેલાં ટ્રકમાંથી ઈંટો ખાલી કરવાની શરૂઆત કરી હતી. ત્યાર પછી ટ્રકને સીધી કરવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે ફાયર-બ્રિગેડના જવાનો, પોલીસો, સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક કાર્યકરો પહેલા પ્રયાસમાં નિષ્ફળ ગયા હતા.

આ દરમ્યાન ટ્રક નીચે બે મહિલા સહિત આઠથી દસ જણ દબાઈ ગયા હોવાની આશંકાથી ૧૦૮ નંબરની છ ઍમ્બ્યુલન્સ, ફાયર-બ્રિગેડની ચાર વૅન, ઘાટકોપર પોલીસના સિનિયર અધિકારીઓ અને ઘાટકોપર ટ્રાફિક-પોલીસની ટીમો, BMCનો સ્ટાફ, રેલવેના ડૉક્ટરોની ટીમો પણ ઘટનાસ્થળે બચાવકાર્ય માટે હાજર થઈ ગયાં હતાં.

જોકે આ દરમ્યાન બે રાહદારીઓ ટ્રક નીચેથી સરળતાથી મામૂલી ઈજા સાથે બહાર આવી ગયા હતા. તેમણે થોડી વાર માટે સ્ટેશન-માસ્ટરની ઑફિસમાં આરામ કર્યો હતો. ત્યાર પછી તેઓ ત્યાંથી તેમના કામે જવા નીકળી ગયા હતા. જોકે દબાઈ ગયેલા અન્ય લોકો માટે બધા જ ભારે જહેમત ઉઠાવવા છતાં સફળ થઈ રહ્યા નહોતા.

આખરે દોઢ કલાકની જહેમત પછી સૌથી પહેલાં ટ્રક નીચે દબાયેલા ૫૪ વર્ષના વિષ્ણુ વાયકરને અંદાજે બપોરે દોઢ વાગ્યે ટ્રક નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા. વિષ્ણુ વાયકર દિવામાં રહેતી તેમની દીકરીને મળીને પાછા કાજુપાડામાં આવેલા તેમના ઘરે જઈ રહ્યા હતા. ટ્રક પલટી ખાતાં તે ટ્રકના ટાયર નીચે આવી ગયા હતા. એમાં તેમને જમણ કોણી અને જમણા હાથમાં ઈજા થઈ હતી.

વિષ્ણુ વાયકર પછી તરત જ થોડી વારમાં ૨૬ વર્ષના સદામ શેખને બહાર કાઢવામાં આવ્યો હતો. સદામ ટ્રેન પકડવા જઈ રહ્યો હતો ત્યારે તેને આ અકસ્માત નડ્યો હતો. તેને જમણા પગમાં અને બન્ને હાથોમાં ગંભીર ઈજા થઈ હતી. ïïï

સદામ નીકળી ગયા પછી અડધો કલાક પછી બચાવકાર્યમાં સફળતા મળી હતી. બે ક્રેન અને લોકોની મદદથી ટ્રકને સીધી કરીને ખસેડવામાં આવી હતી. એ સમયે ટ્રક નીચે અન્ય કોઈ દબાયેલું ન દેખાતાં લોકો અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

જોકે આ હાશકારો વધુ સમય ટક્યો નહોતો. ટ્રક પલટી ખાતી જોઈને બચાવવા માટે દોડેલો પચીસ વર્ષનો સંદેશ ધવન ઈંટના ઢગલામાંથી બહાર નીકળ્યો હતો. સંદેશના જમણા પગ, બે હાથ અને પેટમાં માર લાગ્યો હતો. ત્રણેય ઈજાગ્રસ્તોમાંથી સંદેશની હાલત સૌથી વધારે ગંભીર હતી.

રેલવેએ ફરિયાદ સાંભળી હોત તો દુર્ઘટના ન થઈ હોત

વિદ્યાવિહાર (વેસ્ટ)ના રેલવે-સ્ટેશનની બહાર ચેમ્બર તૂટવાથી ટ્રકનું ટાયર ચેમ્બરમાં ઘૂસી જતાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જોકે વિદ્યાવિહારના સામાજિક કાર્યકર શામજી કોળીની ફરિયાદ પર રેલવે-પ્રશાસને વર્ષો પહેલાં જ ધ્યાન આપ્યું હોત તો કદાચ ગઈ કાલની દુર્ઘટના ટળી જાત.

આ બાબતની માહિતી આપતાં શામજી કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિદ્યાવિહાર (વેસ્ટ)માંથી પ્લૅટફૉર્મ પર જવા માટે જ્યાં દુર્ઘટના થઈ એ એક જ રસ્તો છે. આ રસ્તા પર ગટરોની બે ચેમ્બરો પર લોખંડનાં પતરાં લગાવવામાં આવ્યાં છે. ગઈ કાલે જે પતરું ટ્રકના ભારથી તૂટીને ગટરની અંદર જતું રહ્યું એ પતરું ઘણાં વર્ષોથી વળી ગયું હતું. એને લીધે કોઈ અકસ્માત થશે, કોઈ પૅસેન્જરને એ વાગી જશે એવી અનેક વાર ફરિયાદ મેં સ્ટેશન-માસ્ટરને કરી હતી, પરંતુ મારી વારંવારની ફરિયાદ પછી પણ આ પતરાને વ્યવસ્થિત કરવામાં આવ્યું નહોતું.’

ગઈ કાલે ટ્રકના ભારથી આ પતરું જ તૂટી ગયું અને ટ્રક પલટી ખાઈ ગઈ હતી એમ જણાવતાં શામજી કોળીએ કહ્યું હતું કે ‘આ રસ્તા પરથી ફક્ત પૅસેન્જરોની અવરજવર રહેતી હતી. આથી આટલાં વર્ષો સુધી પતરું વળી ગયા પછી પણ જોખમી બન્યું નહીં. ગઈ કાલે ટ્રકના ભારથી આ પતરું તૂટીને ગટરની અંદર જતું રહેતાં ટ્રકનું બૅલૅન્સ જતું રહ્યું હતું અને આટલો મોટો અકસ્માત થયો હતો. ફાયર-બ્રિગેડના જવાનોએ બચાવકાર્ય પૂરું થયા બાદ એ ભાગને સમથળ કર્યો હતો.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK