નરેન્દ્રભાઈ, અમારા અંતરની વ્યથા સાંભળવા ફક્ત પાંચ મિનિટ ફાળવો

લોખંડબજારના વેપારી અને ભારતીય જનતા પાર્ટીના એક સભ્યે વડા પ્રધાનને પત્ર લખતાં મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ દોડવા લાગ્યા : જોકે તેમની જમીન પર દોઢસો વર્ષથી સ્થાયી થયેલા વેપારીઓના પુર્નવસન માટે હજી સુધી કોઈ નક્કર નિર્ણય નથી લેવાયો

modi1

રોહિત પરીખ

સાઉથ મુંબઈમાં મુંબઈ પોર્ટ ટ્રસ્ટની જમીન પર દોઢસો વર્ષથી સ્થાયી થયેલા લોખંડબજારના વેપારીઓના પુર્નવસનની બાબતમાં લોખંડબજારના એક વેપારીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યા પછી મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓની દોડાદોડી શરૂ થઈ ગઈ છે. જોકે હજી સુધી તેઓ કોઈ નક્કર નિર્ણય લઈ શક્યા નથી. આથી આ વેપારીઓ આંદોલનના માર્ગે જતાં પહેલાં નરેન્દ્ર મોદીને પાંચ જ મિનિટ માટે વિડિયો-કૉન્ફરન્સના માધ્યમથી તેમની તકલીફો વર્ણવી તેમની પાસેથી પુર્નવસન માટે બાંયધરી માગી રહ્યા છે.

મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈએ મુંબઈ પોર્ટ ટ્રસ્ટની જમીન પર આવેલાં વેપારો અને રહેઠાણોના પુર્નવસન માટે જિલ્લા નિયોજન સમિતિ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરશે એવી સોમવારે જાહેરાત કર્યા બાદ આ માહિતી પ્રકાશમાં આવી હતી.

સોમવારે મુંબઈમાં સાકરભવનમાં મુંબઈ શહેર અને જિલ્લા નિયોજન તેમ જ વિકાસ સમિતિની બેઠક મળી હતી. એમાં વિધાનસભ્યો, નગરસેવકો અને સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. મુંબઈ પોર્ટ ટ્રસ્ટની જમીન પર વિશ્વનું સૌથી મોટું જોવાલાયક સ્થળ બનાવવાની કેન્દ્ર સરકારની યોજના સામે આ જમીન પર દોઢસો વર્ષથી સ્થાયી થયેલાં વેપારો અને રહેઠાણોના પુર્નવસન માટે સરકારે શું યોજના બનાવી છે એવો સવાલ આ બેઠકમાં ઉપસ્થિત થયો હતો. એનો જવાબ આપતાં સુભાષ દેસાઈએ વિકાસ સમિતિ તરફથી આ બાબતમાં નરેન્દ્ર મોદી સમક્ષ તેઓ રજૂઆત કરશે એમ કહ્યું હતું.

આ પહેલાં કેન્દ્રના શિપિંગ અને પોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ પણ વેપારીઓના પ્રતિનિધિમંડળ સમક્ષ પુર્નવસન માટે સરકાર જરૂર વિચારણા કરશે એવું આશ્વાસન આપ્યું હતું. જોકે સરકાર તરફથી છેલ્લાં બે વર્ષમાં તેમના પુર્નવસન માટે કોઈ જ પ્રકારની હિલચાલ કે વાતચીત શરૂ કરવામાં આવી નથી.

આ બાબત પર ખેદ વ્યક્ત કરતાં બૉમ્બે આયર્ન મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રમુખ અનિશ વળિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ પોર્ટ ટ્રસ્ટની લીઝ પૂરી થતાં જ વેપારીઓની ઑફિસો અને દુકાનો ધરાવતી ઇમારતો ખાલી કરાવીને સીલ કરવાની કાર્યવાહી ટ્રસ્ટ તરફથી બે વર્ષમાં શરૂ થઈ ગઈ છે, પરંતુ આજ સુધી અમારા પુર્નવસન માટેની કોઈ જ કાર્યવાહી ટ્રસ્ટ કે સરકાર તરફથી કરવામાં આવી નથી. સુભાષ દેસાઈની અત્યારની જાહેરાત પણ ચૂંટણીલક્ષીથી વધુ કંઈ જ નથી. અમારા એક સભ્ય ભરત કાણકિયાએ તેમના નરેન્દ્ર મોદી સાથે અગંત સંબંધ હોવાથી પત્ર લખીને દારૂખાના અને લોખંડબજારના વેપારીઓના પુર્નવસન માટે વિનંતી કરતો પત્ર લખ્યો હતો. આ પત્રથી મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓની દોડાદોડી શરૂ થઈ હતી, પરંતુ આજ સુધી અમારા પુર્નવસન માટે ટ્રસ્ટ તરફથી કોઈ જ સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી.’

દારૂખાનાના લોખંડના વેપારી અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર ભરત કાણકિયાએ નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસે લોકલ બૉડી ટૅક્સ (LBT)ને કારણે સત્તા ગુમાવવી પડી હતી. ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં BJPનો ભોગ આપણને પાલવે એમ નથી. LBTમાં તો ફક્ત ટૅક્સની વસૂલાતનો પ્રશ્ન હતો. આજે અમારી રોજીરોટી અને રહેણાકનો પ્રાણપ્રશ્ન છે. અમારી શહાદત પર મુંબઈ પોર્ટ ટ્રસ્ટનો વિકાસ કઈ રીતે કરશો? ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના તમારા સૂત્રમાં અમને પણ તમારી સાથે રાખો. મુંબઈના અમારા લોખંડબજારના અસોસિએશનના અગ્રણી સભ્યોને ફક્ત પાંચ મિનિટ ફાળવો. મુંબઈ પોર્ટ ટ્રસ્ટની જમીન પર ૧૫૦ વર્ષ જૂની અમારી છૂટક લોખંડબજાર બાબત અમારા અંતરની વ્યથા ફક્ત આપ સમક્ષ રૂબરૂમાં વ્યક્ત કરવી છે. અમને આપના પર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આપ જે નિર્ણય કરશો એ અમે શિરોમાન્ય રાખીશું.’

એપ્રિલ મહિનામાં લખાયેલા ભરત કાણકિયાના આ પત્રથી મે મહિનામાં જ મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ગ્રીવન્સિસ ડિપાર્ટમેન્ટના શિમ્બેકર ફોન કરીને ભરત કાણકિયાને મળવા દારૂખાના પહોંચી ગયા હતા. ત્યાર પછી વડા પ્રધાનના કાર્યાલયની સૂચનાથી મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ઉપપ્રમુખ યશોધન વાનગેએ જૂન મહિનામાં લોખંડબજારના અગ્રણીઓ સાથે પોણો કલાક મીટિંગ કરી હતી. એમાં યશોધન વાનગેએ એવું આશ્વાસન આપ્યું હતું કે નવા ડેવલપમેન્ટ પ્લાનમાં તેઓ વેપારીઓના પ્રતિનિધિઓને સમાવી લેશે.

આ મીટિંગમાં વેપારીઓ તરફથી લોખંડબજારના કર્ણાક બંદર દારૂખાનાના નાના-મોટા બધા વેપારીઓની ઑફિસો અને દુકાનો તથા ગોડાઉનોની લીઝને રેગ્યુલરાઇઝ કરવાની માગણી પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, એક અત્યાધુનિક સ્માર્ટ લોખંડબજાર સંકુલના પ્લાનમાં નાના-મોટા બધા વેપારીઓનો સમાવેશ કરીને રોડ-મૅપ તૈયાર કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.

જોકે ત્યાર પછી જુલાઈમાં મુંબઈ પોર્ટ ટ્રસ્ટના પોર્ટલ પરથી મારી ફરિયાદને રદબાતલ કરવામાં આવી હતી એવી માહિતી આપતાં ભરત કાણકિયાએ કહ્યું હતું કે ‘મારી ફરિયાદ જ્યાં સુધી લોખંડબજારનું પુર્નવસન ન થાય ત્યાં સુધી પોર્ટલ પર રહે એના માટે પણ મેં નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી. આ દરમ્યાન ટિમ્બર માર્કેટ, દારૂખાનાના આઠ નંબરના પ્લૉટને ખાલી કરવાની મુંબઈ પોર્ટ ટ્રસ્ટની નોટિસે બધી જ બજારના અમારા વેપારીઓની ઊંઘ હરામ કરી નાખી હતી. એના પરિણામે બધાં જ અસરગ્રસ્ત વેપારી અસોસિએશનો આંદોલન કરવાની તૈયારીમાં છે જે LBTના આંદોલનથી વધુ ઘાતક હોવાની શક્યતાઓ નકારી નથી શકાતી. અહીંનું જનમાનસ ક્રાન્તિકારી છે. આ બાબતની પણ નરેન્દ્ર મોદીને જાણ કરવામાં આવી હતી.’

લોખંડબજારના વેપારીઓ મુંબઈ પોર્ટ ટ્રસ્ટની પૂરી થયેલી લીઝની સામે પુર્નવસન માટે વડાલા (ઈસ્ટ)માં આવેલી લગભગ ૩૦૦ એકર જમીન વાજબી દરે માગી રહ્યા છે. આ બાબતની ચર્ચા કરવા માટે મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ચૅરમૅન સંદીપ ભાટિયાએ પણ વેપારીઓના પ્રતિનિધિઓ સાથે મીટિંગ કરી હતી. જોકે ત્યાર પછી પણ મુંબઈ પોર્ટ ટ્રસ્ટ તરફથી વેપારીઓને નોટિસ મોકલવાનું અને હેરાન-પરેશાન કરવાનું બંધ થયું નથી.

આખી સમસ્યા શું છે?

કેન્દ્ર સરકાર સૌથી ધનાઢ્ય મુંબઈ પોર્ટ ટ્રસ્ટની મુંબઈની જમીનો પર સ્માર્ટ સિટીનું નિર્માણ કરવા ઇચ્છે છે. એમાં લંડનના હાઇડ પાર્કથી મોટું ગાર્ડન હશે જે ૩૫૦ એકર જમીનમાં ફેલાયેલું હશે. આવી અનેક વિશેષતાઓ ઊભી કરવાનો સરકારનો પ્લાન છે. એને લીધે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ એની શિવડીથી લઈને કોલાબા સુધીની બધી જ જમીનો પર સ્થાયી થયેલી ઇમારતોને ખાલી કરાવવાની કાર્યવાહી કરી રહ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK