પુર્નજન્મની પણ પચીસમી વરસગાંઠ

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના બ્લાસ્ટમાં મોતને હાથતાળી આપનારા અને હજી સુધી શરીરમાં એ ગોઝારા દિવસની ‘નિશાનીઓ’ સાથે જીવતા કીર્તિ અજમેરાએ ગઈ કાલે કેક કાપીને આક્રોશ ઠાલવ્યો કે સરકાર એ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને વળતર આપે : રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને સાત પાનાંનો પત્ર લખ્યો

kirti

મમતા પડિયા

મુંબઈનું કાળજુ કંપાવી દેનારા ૧૨ માર્ચ ૧૯૯૩ના સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટમાં મોતને હાથતાળી આપીને પાછા ફરેલા મલાડના ૬૧ વર્ષના કીર્તિ અજમેરાએ રવિવારે પુર્નજન્મની પચીસમી વરસગાંઠ પરિવાર સાથે ઊજવી હતી. મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ-બ્લાસ્ટને ભલે પચીસ વર્ષ વીતી ચૂક્યાં હોય, પરંતુ હજી સુધી કીર્તિ અજમેરાના માનસ અને શરીર પર થયેલાં ઈજાનાં નિશાન રુઝાયાં નથી. બૉમ્બને ઘાતક બનાવવા માટે વાપરવામાં આવેલા છરા આજેય તેમના શરીરમાં છે અને તેમને ગોઝારો બનાવ ભૂલવા દેતા નથી. સરકાર બદલાઈ, સિસ્ટમ બદલાઈ એમ છતાં આતંકવાદીઓને લડત આપવા જેવી ગંભીર બાબત પર ધ્યાન નથી આપવામાં આવતું એવો વસવસો કીર્તિભાઈએ કેક-કટિંગ કરતી વખતે વ્યક્ત કર્યો હતો.

પચીસ વર્ષમાં ૪૦થી વધુ વખત સર્જરી કરાવનાર કીર્તિભાઈએ પોતાના મનની વ્યથા ઠાલવતો અને બ્લાસ્ટમાં ભોગ બનેલા લોકો પ્રત્યે ધ્યાન દોરતો સાત પાનાંનો પત્ર રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ગૃહખાતાના કૅબિનેટ પ્રધાન અને મહારાષ્ટ્રના ગવર્નરને મોકલ્યો છે. ૧૯૯૩ની ૧૨ માર્ચને યાદ કરું તો હજીયે કંપારી છૂટે છે એમ જણાવીને કીર્તિભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બનાવમાં ઘાયલ થયેલા લોકો પ્રત્યે સરકારને કોઈ સહાનુભૂતિ નથી એનો ખેદ છે. પચીસ વર્ષમાં એક પણ પળ એવી નહીં ગઈ હોય જે મેં કે મારા પરિવારે ટ્રૉમામાં પસાર ન કરી હોય. શું આપણી સરકાર આટલી અસંવેદનશીલ છે કે હજી સુધી આતંકવાદી હુમલામાં ઘાયલ થનારા લોકો માટે જોગવાઈ બનાવી નથી? અત્યારે તો દૂરંદેશી અને વિશાળ વિઝન રાખનારી નરેન્દ્ર મોદીની સરકાર અમારા મામલે તો પોકળ જ પુરવાર થઈ છે. મોરચા અને આંદોલન કરવાથી જ સરકાર અમારી સમસ્યા તરફ ધ્યાન આપશે તો હવે ૧૯૯૩ના આતંકવાદી હુમલાના ઈજાગ્રસ્તોને એકસાથે જોડીને દેખાવો કરવાની પણ મારી તૈયારી છે. મુંબઈમાં એવી અનેક હોનારતો બની છે જેમાં સરકારે અસરગ્રસ્તોને વળતર આપ્યું છે તો અમને અત્યાર સુધી શા માટે બાકાત રાખવામાં આવ્યા છે?’

મુંબઈમાં આતંકવાદી હુમલો થયો એમાં મારી જેમ અનેક લોકો ઘાયલ થયા હતા એમ જણાવીને કીર્તિભાઈએ કહ્યું હતું કે ‘આ ઘટનામાં માત્ર ઈજાગ્રસ્તોને જ પીડા નથી થઈ. તેમનો પરિવાર પણ માનસિક, શારીરિક અને આર્થિક રીતે હેરાન થયો છે. સમયાંતરે હું મારી વ્યથાની રજૂઆત મીડિયા સમક્ષ કરું છું ત્યારે નગરસેવક, પ્રધાન અને મોટા રાજકારણીઓ મારા ઘરે આવીને મને વળતર આપવાનું આશ્વાસન આપી જાય છે. હકીકતમાં એ માત્ર આશ્વાસન જ હોય છે. ત્યાર બાદ પાછળ ફરીને અમારી સ્થિતિને જોતા પણ નથી. હું જ્યારે હુમલાનો ભોગ બન્યો ત્યારે મારી દીકરી અમી સાત વર્ષની હતી અને દીકરો છ વર્ષનો હતો. મારી સારવારના ખર્ચ પાછળ હું તેમને સારું બાળપણ પણ આપી શક્યો નથી. આપણી સરકાર નાગરિકોને સુરક્ષિત જીવન આપવા માટે સક્ષમ છે કે એવો પ્રશ્ન મને થાય છે. મેં તો લડત આપી, હજી લડી રહ્યો છું અને ઝિંદાદિલીથી જીવન જીવી રહ્યો છું.’

૨૫ વર્ષ પહેલાં કીર્તિ અજમેરા સાથે શું બન્યું હતું?

શૅરબજારના સ્ટૉકબ્રોકર કીર્તિ અજમેરા ૧૯૯૩ની ૧૨ માર્ચે બપોરે ૧.૨૦ વાગ્યે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના થયેલા વિસ્ફોટમાં ગંભીર રીતે ઈજા પામ્યા હતા. કીર્તિભાઈને ભાન આવ્યું ત્યારે તેમના મોઢાની જમણી તરફ ખાડો થયો હતો, જમણો હાથ ૯૫ ટકા નીકળી ગયો હતો અને પાંસળીઓ તૂટી ગઈ હતી. તેમનું તત્કાળ જ ઑપરેશન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં તેમનાં ૪૦થી વધુ ઑપરેશન થયાં છે. હજી સુધી તેમના શરીરમાં છરા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK