ટ્રાફિકના નિયમો નથી ચીફ મિનિસ્ટર માટે

RTI ઍક્ટ અંતર્ગત કરવામાં આવેલી અરજી દ્વારા બાકી નીકળતા ફાઇનની વાત જાહેર થઈ એ પછી ટ્રાફિક-પોલીસે સ્પષ્ટતા કરી કે સુરક્ષાનાં કારણોસર મુખ્ય પ્રધાનને કાયદો લાગુ નથી પડતો : સ્પીડ-લિમિટ વટાવતી ગાડીઓના નંબર આપોઆપ કૅમેરામાં પકડાઈ જાય છે એટલે ફડણવીસ પણ ફસાયા

fadnavis

મમતા પડિયા

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પરિવહન ખાતાના પ્રધાન દિવાકર રાવતેની કાર દ્વારા પણ ટ્રાફિકના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એટલું જ નહીં, આ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુંબઈ પોલીસની ઑટોમૅટિક સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલાં ઈ-ચલાનની ચુકવણી પણ કરવામાં આવી ન હોવાનું જાહેર થતાં જ સનસનાટી ફેલાઈ ગઈ છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જે બે કારનો ઉપયોગ કરે છે એને ૧૩,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે, જ્યારે પરિવહન ખાતાના પ્રધાન દિવાકર રાવતેની કારને ૧૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે જેની ચુકવણી થઈ નથી એવી ચોંકાવનારી માહિતી RTI ઍક્ટ હેઠળ કરવામાં આવેલી અરજી અંતર્ગત જાણવા મળી હતી. ટ્રાફિકના નિયમોને અભેરાઈએ ચડાવીને છડેચોક નિયમનું ઉલ્લંઘન કરનારા વાહનમાલિકો અને ડ્રાઇવરોને પાઠ ભણાવવા તેમ જ પુરાવા સાથે તેમની પાસેથી દંડ વસૂલ કરવાના હેતુ સાથે મુંબઈની ટ્રાફિક-પોલીસ દ્વારા ઈ- ચલાન પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી. તાજેતરમાં સલમાન ખાન, કપિલ શર્મા, યુવા સેનાના નેતા આદિત્ય ઠાકરે અને MNSના વડા રાજ ઠાકરે પાસેથી દંડ વસૂલ કરવાનો બાકી હોવાનું ટ્રાફિક ડિફૉલ્ટર લિસ્ટમાં જાણવા મળ્યું હતું.

આ બધામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પાસેથી ૧૩,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવાનો બાકી છે એવી ચોંકાવનારી માહિતી ઍક્ટિવિસ્ટ શકીલ શેખ દ્વારા RTI ઍક્ટ હેઠળ કરવામાં આવેલી અરજીમાં જાણવા મળી હતી. સ્પીડ-લિમિટ તોડવી, સિગ્નલ તોડવું, નો એન્ટ્રીમાં વાહન દોડાવવું, ઝીબ્રા ક્રૉસિંગ કરવું જેવા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસેથી ટ્રાફિક-પોલીસે ઈ-ચલાન દ્વારા ૫૩.૮૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે, પરંતુ ૧૧૯ કરોડ રૂપિયા દંડ હજી વસૂલ કરવાનો બાકી છે. RTI ઍક્ટ હેઠળ મેળવવામાં આવેલી માહિતી અનુસાર મુખ્ય પ્રધાનની કાર-નંબર MH૦૧ CP ૦૦૩૮ અને MH૦૧ CP ૦૦૩૭એ જાન્યુઆરી-૨૦૧૮થી ઑગસ્ટ-૨૦૧૮ સુધીમાં ૧૩ વખત નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. બન્ને કારે મળીને ૧૩ વખત સ્પીડ-લિમિટ તોડી હતી અને એના દંડપેટે ૧૩,૦૦૦ રૂપિયા ટ્રાફિક ખાતાને ચૂકવવાના બાકી છે. એ જ પ્રમાણે રાજ્યના પરિવહનપ્રધાન દિવાકર રાવતે પાસેથી ૧૦૦૦ રૂપિયા વસૂલ કરવાના બાકી હોવાનો ઉલ્લેખ RTI ઍક્ટ હેઠળ કરવામાં આવેલી અરજી અંતર્ગત મેળવેલી માહિતીમાં કરવામાં આવ્યો હતો.

સુરક્ષાના હેતુસર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કાર માટે સ્પીડ-લિમિટનો નિયમ લાગુ પડતો નથી એમ જણાવીને જૉઇન્ટ પોલીસ-કમિશનર (ટ્રાફિક) અમિતેશ કુમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ નિયમ જ મુખ્ય પ્રધાનની કાર માટે લાગુ પડતો નથી. કૅમેરામાં ઍડ કરાયેલા ફીચરને પગલે કોઈ વાહનની સ્પીડ લિમિટ કરતાં વધી જાય તો એનો રજિસ્ટર્ડ નંબર નોંધાઈ જાય છે. અન્ય વાહનોની જેમ મુખ્ય પ્રધાનની કારનો નંબર પણ નોંધાયો હતો.’

નિયમો બધા માટે સરખા : દિવાકર રાવતે


રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન દિવાકર રાવતેએ આ માહિતી બહાર આવ્યા બાદ ગઈ કાલે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી અને વસૂલી માટે કેવા પ્રકારનાં પગલાં લેવા એના પર ચર્ચા કરી હતી. દિવાકર રાવતેએ કહ્યું હતું કે ‘૧૧૯ કરોડ રૂપિયા જેવી મોટી રકમની વસૂલાત બાકી છે એનાં કારણોની તપાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે રજિસ્ટ્રેશન વખતે વાહનોના માલિકોને બદલે એજન્ટના નંબર આપવામાં આવે છે અને એને કારણે આ ઈ-ચલાન તેમની પાસે પડ્યાં રહે છે અને મૂળ માલિકોને જાણ ન હોવાથી એની ચુકવણી થતી નથી. આથી હવે રજિસ્ટ્રેશન વખતે કારમાલિકોના નંબર લેવાનું ફરજિયાત બનાવવામાં આવશે. મારી અને મુખ્ય પ્રધાનની કારને પણ દંડ કરવામાં આવ્યો છે તો નિયમ બધા માટે સરખો છે. નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો દંડ ભરવામાં આવશે.’

મુખ્ય પ્રધાનની કારથી ઍક્સિડન્ટ થાય તો શું?


મુંબઈ પોલીસના નિવેદન મુજબ મુખ્ય પ્રધાનની કારને ટ્રાફિકના નિયમોમાંથી છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ આવો કોઈ સરકારી આદેશ કેમ દેખાતો નથી? જો મુખ્ય પ્રધાનની સુરક્ષા સ્પીડના નિયમોને તોડવાથી થતી હોય તો તેમની કારની સ્પીડ ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાક રાખવી જોઈએ એમ જણાવતાં RTI ઍક્ટિવિસ્ટ શકીલ શેખે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનની કારના ઓવરસ્પીડિંગને કારણે કોઈનું મૃત્યુ થાય તો એ માટે કોણ જવાબદાર રહેશે?’

કોની પાસેથી દંડની રકમ વસૂલ કરવાની બાકી?

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ : ૧૩,૦૦૦ રૂપિયા

MNSના વડા રાજ ઠાકરે : ૪૦૦૦ રૂપિયા

યુવા સેનાના નેતા આદિત્ય ઠાકરે : ૬૨૦૦ રૂપિયા

ઍક્ટર સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનના નામે નોંધાયેલી કાર : ૪૦૦૦ રૂપિયા

ઍક્ટર કપિલ શર્મા : ૨૦૦૦ રૂપિયા

પરિવહનપ્રધાન દિવાકર રાવતે : ૧૦૦૦ રૂપિયા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK