મૈં હૂં ના

અંધેરીમાં ટ્રાફિક માટે અવરોધરૂપ બનેલા ખાડાને ભરવા ટ્રાફિક-કૉન્સ્ટેબલે પાવડો ઉપાડ્યો

subhash

મમતા પડિયા

ટ્રાફિક-પોલીસનું નામ આવે એટલે લોકોને ફક્ત રસ્તામાં દંડ વસૂલ કરવા માટે ઊભેલા સફેદ-ખાખી વર્દીના લોકો જ દેખાય, પરંતુ અંધેરી ટ્રાફિક-પોલીસ સાથે સંકળાયેલા ૪૯ વર્ષના હેડ કૉન્સ્ટેબલ સુભાષ ઘેરડેએ ટ્રાફિકને સરળ બનાવવા માટે કાબિલેદાદ કામ કરીને લોકોને ચોંકાવી દીધા હતા. અંધેરી (વેસ્ટ)માં JP રોડ જંક્શન પાસે કેબલ કનેક્શન અને ડ્રેનેજલાઇનના સમારકામ માટે રસ્તામાં દોઢથી બે ફુટ ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો. આ ખાડો રાહદારીઓ તેમ જ વાહનો માટે જોખમી ન બને એટલા માટે આ હેડ કૉન્સ્ટેબલે પોતે જ પાવડો ઉપાડીને એમાં માટીની ભરણી કરી હતી. 

સવારના પીક-અવર્સમાં ખાડાને લીધે ટ્રાફિક જૅમ થાય એ પોસાય નહીં અને પ્રશાસનની કોઈ યંત્રણા આવે અને ખાડો ભરે એની રાહ જોવા કરતાં અપના હાથ જગન્નાથ સમજીને સુભાષ ઘેરડેએ પાવડાની મદદથી એક તરફ પડેલી માટીને ખાડામાં પૂરી દીધી હતી. આ કામ કરવા માટે થોડી વાર સુધી કૉન્સ્ટેબલે બેસ્ટની બસોને અટકાવી દીધી હતી. આ બધામાં વિશેષ બાબત એ હતી કે અનેક વાહનોમાંથી લોકોએ ઊતરીને સુભાષ ઘેરડેને સૅલ્યુટ કરીને તેમનો આભાર માન્યો હતો તેમ જ કેટલાક લોકોએ વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર શૅર કરીને તેમની પ્રશંસા કરી હતી. આમ તો વાત સાવ મામૂલી હતી, પણ જનતાના હિતને ધ્યાનમાં રાખીને સમાજનો એક નાગરિક અને સેવક હોવાની ફરજ સુભાષ ઘેરડેએ નિભાવી હતી.

subhash1

હું ગામની માટી સાથે જોડાયેલો સામાન્ય માણસ છું અને માટી ઉલેચવામાં મને શેની શરમ એમ જણાવીને સુભાષ ઘેરડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે અંધેરી સ્ટેશન પાસેના મેટ્રો બ્રિજથી થોડા અંતરે JP રોડ જંક્શન પર મને ટ્રાફિક કન્ટ્રોલ કરવાની ડ્યુટી સોંપવામાં આવી હતી. હું સવારે સાડાસાત વાગ્યે ત્યાં હાજર હતો. રોડ પર લગભગ બે ફુટનો ખાડો જોઈને હું ટેન્શનમાં આવી ગયો હતો. એ ખાડો ભરવો અત્યંત જરૂરી હતો, નહીંતર ભારે વાહનનાં ટાયર એ ખાડામાં ફસાઈ જાય અથવા અન્ય વાહનને ઍક્સિડન્ટ થવાની સંભાવના હતી. યોગાનુયોગ ત્યાં એક દુકાનમાં સમારકામ ચાલી રહ્યું હતું એટલે વિનંતી કરીને તેમની પાસે થોડા સમય માટે પાવડો માગી લીધો હતો. ખાડામાંથી કઢાયેલી માટીનો ઢગલો ત્યાં એક તરફ રાખી મુકાયો હતો. મેં પાવડો લઈને ખાડામાં માટી ભરવાની શરૂઆત કરી હતી. દરમ્યાન ત્યાં ટ્રાફિક જૅમ ન થાય એ માટે વાહનને બીજા માર્ગે વાળ્યાં હતાં તેમ જ બેસ્ટની બસોને થોડી વાર માટે અટકાવી રાખી હતી, કારણ કે બસનું ટાયર જો ખાડામાં ફસાય તો કલાકો સુધી બસને કાઢવાનું કામ ચાલે અને બીજી તરફ ટ્રાફિક જૅમ થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે. દોઢ-બે કલાકે મેં એ ખાડો ભર્યો હતો. માટી ભર્યા બાદ એના પર મોટા પથ્થર પાથરી દીધા જેથી વાહનો સહેલાઈથી પસાર થઈ શકે. આ બધા કામમાં મને અંતરથી આનંદ મળ્યો હતો અને એમાંય અનેક લોકોએ કારમાંથી ઊતરીને મારો આભાર માન્યો, મારી પીઠ થાબડી, મને શાબાશી આપી એ લાગણી મારા માટે ગોલ્ડ મેડલથી જરાય ઓછી નહોતી.’

‘કરે કોણ અને ભરે કોણ’ એ કહેવત અહીં યોગ્ય હતી એમ જણાવતાં અંધેરી ટ્રાફિકના સિનિયર ઇન્સ્પેક્ટર ચંદ્રકાન્ત થેળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘JP રોડ જંક્શન પાસે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજના કામ માટે રસ્તો ખોદવામાં આવ્યો છે. રસ્તા પર ગંદું પાણી પ્રસરવું અને ખાડાને લીધે રોડ જૅમ થવા જેવી સમસ્યાથી રાહદારીઓ, વાહનચાલકો અને અમે પણ ત્રસ્ત હતા એટલે વહેલી તકે સમારકામ પાર પાડવાની વિનંતી કરતો પત્ર ૨૩ ફેબ્રુઆરીએ અમે BMCને મોકલ્યો છે. સોમવારે સવારે હેડ કૉન્સ્ટેબલ સુભાષ ઘેરડેની કામગીરી ઉલ્લેખનીય રહી અને એ માટે મને અભિનંદનના ઘણા ફોન આવ્યા હતા. મારી અને મારા સ્ટાફની ખરા અર્થમાં થયેલી પ્રશંસા સાંભળીને મને ટ્રાફિક-પોલીસ હોવાનો ગર્વ થયો. અમારી સામે અનેક અવરોધો આવે છે છતાં અમે નાગરિકોને સુવિધા મળે એ માટે હંમેશાં પ્રયત્નશીલ રહીએ છીએ અને સુભાષે કરેલું કામ અમારી ફરજનો જ એક ભાગ છે.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK