સાકીનાકાનો આ વિસ્તાર છે જીવતોજાગતો બૉમ્બ

૧૨ જણનો ભોગ લેનારી આગની ઘટના આ વિસ્તારની હજારો ગેરકાયદે ફૅક્ટરીઓમાં ગમે ત્યાં થઈ શકે : ભાનુ ફરસાણ શૉપના માલિક રમેશ ભાનુશાલીની ધરપકડ

sakinaka

રોહિત પરીખ

સાકીનાકા પાસેના ખૈરાની રોડના ભાનુ ફરસાણ શૉપમાં સોમવારે વહેલી સવારે અચાનક લાગેલી આગમાં ફૅક્ટરીના બાર કર્મચારીઓનાં મૃત્યુ અને એક કર્મચારીને ઈજા થઈ હતી, જેને કારણે સોમવારે મોડી રાતે સાકીનાકા પોલીસે ફૅક્ટરીના માલિક ૩૯ વર્ષના રમેશ ભાનુશાલીની ધરપકડ કરી હતી. રમેશ ભાનુશાલી પર ગેરકાયદે ફૅક્ટરી ચલાવવાનો, જ્વલનશીલ પદાર્થો રાખવાનો અને અન્ય લોકોના જીવન અને વ્યક્તિગત સલામતીને હાનિ પહોંચાડવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સિવાય રમેશ ભાનુશાલી પર BMCના વિવિધ અધિનિયમના વિભાગો હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.

સોમવારે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસમાં ભાનુ ફરસાણ શૉપના મેઇન ગેટ પાસેના સ્વિચબોર્ડમાં શૉર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. આ આગ ફૅક્ટરીમાં રહેલાં ગેસસિલિન્ડરો અને અન્ય જ્વલનશીલ પદાર્થોને કારણે વિકરાળ બની હતી. આગની સાથે મોટા ધડાકા પણ થયા હતા. જોકે આગના ધુમાડા થોડા જ સમયમાં બંધ ફૅક્ટરીમાં ફેલાઈ જતાં ગૂંગળામણને લીધે આ ફૅક્ટરીમાં કામ કરતા બાર કર્મચારીઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અખિલેશ તિવારી જેવો એકાદ કર્મચારી ફૅક્ટરીની બારીમાંથી કૂદીને બહાર આવી જતાં બચી ગયો હતો.

આગની ઘટના બાદ તપાસ કરતાં સાકીનાકા પોલીસ અને BMCને ભાનુ ફરસાણ શૉપ ગેરકાયદે રીતે કોઈ પણ જાતના લાઇસન્સ વગર ચાલતી હોવાની જાણ થઈ હતી. જોકે આ ફૅક્ટરીના માલિક રમેશ ભાનુશાલીએ તો પોલીસ પાસે એવો દાવો કર્યો હતો કે તેની પાસે બધાં જ લાઇસન્સ હતાં, પણ એ બધા જ ડૉક્યુમેન્ટ્સ ફૅક્ટરીની આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. રમેશ ભાનુશાલીની આ વાતને પોલીસ અને BMCએ માન્ય રાખી નહોતી. BMCના કમિશનર અજોય મેહતાએ આખા બનાવની તપાસ કરવા માટે સંબંધિત અધિકારીઓને પંદર દિવસનો સમય આપ્યો હતો. એ પહેલાં જ પોલીસે રમેશ ભાનુશાલીની ધરપકડ કરી હતી.

રમેશની ધરપકડની માહિતી આપતાં સાકીનાકા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અવિનાશ ધર્માધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રમેશ ભાનુશાલીની સોમવારે દિવસભરની પૂછપરછ બાદ મોડી રાતના ગેરકાયદે ફૅક્ટરી ચલાવવાનો, ફૅક્ટરીમાં ગેરકાયદે રીતે જ્વલનશીલ પદાર્થો રાખવાનો અને નિર્દોષ લોકોના જાનને હાનિ પહોંચાડવાનો ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.’

શું રમેશ ભાનુશાલીની ધરપકડથી ખૈરાની રોડ સુરક્ષિત બની જશે એવો સવાલ સાકીનાકા અને ખૈરાની રોડની આસપાસના રહેવાસીઓના મનમાં ઘૂંટાઈ રહ્યો છે. આ  રહેવાસીઓના કહેવા પ્રમાણે ખૈરાની રોડ એટલે જ એક વિસ્ફોટક. આ વિસ્તારમાં હજારો ગેરકાયદે ફૅક્ટરીઓ ચાલી રહી છે જેમાં ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે એમ છે. આ વિસ્તારમાં લાકડાંની, રેડીમેડ ગાર્મેન્ટ્સની, બૉઇલરની, ખાદ્ય પદાર્થોની, રબરના પાર્ટ્સ બનાવતી, પ્લાસ્ટિકની આઇટમો બનાવતી અનેક ફૅક્ટરીઓ છે જેની સરકાર તટસ્થ તપાસ કરે તો બધી જ ફૅક્ટરીઓ BMCના અધિકારીઓની સાઠગાંઠથી ગેરકાયદે રીતે વર્ષોથી ચાલી રહી છે. નાનકડો સ્ફોટ આ વિસ્તારમાં અનેક લોકો માટે જાનનું જોખમ બની શકે એમ છે, પરંતુ રાજનેતાઓના દબાણને લીધે અને જમીનમાફિયાઓને લીધે આ વિસ્તારમાં ગેરકાયદે ફૅક્ટરીઓ ચાલી રહી છે.

ramesh

આ વિસ્તારમાં ચાલતી ભાગ્યે જ કોઈ ફૅક્ટરી BMC ઍક્ટ હેઠળ કાર્યરત છે એમ જણાવતાં વર્ષોથી આ વિસ્તારની આસપાસ રહેતા રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખૈરાની રોડની કોઈ ફૅક્ટરીમાં આગ લાગવી એ એક સામાન્ય ઘટના છે. આ ઘટનાઓ પર સરકારી વિભાગો જ ઢાંકપિછોડો કરી દેતા હોય છે, જેથી મોટા પાયા પર ચાલતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર લોકોની નજરમાં ન આવે. ભાનુ ફરસાણ શૉપની આગમાં બાર કર્મચારીઓ બળી મરવાથી આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદે ફૅક્ટરીઓ પ્રકાશમાં આવી છે. આ બધી ફૅક્ટરીઓમાં ગૅસસિલિન્ડરો, ઑક્સિજનનાં સિલિન્ડરો જેવા અનેક જ્વલનશીલ પદાર્થો ગેરકાયદે રીતે ઉપયોગમાં લેવામાં આવે છે જેની સામે આંખ આડા કાન કરવામાં આવે છે.’

ફક્ત રમેશ ભાનુશાલીની જ નહીં આ વિસ્તારમાં ગેરકાયદે ચાલી રહેલી ફૅક્ટરીઓ સામે આંખ આડા કાન કરી રહેલા BMCના અધિકારીઓની ધરપકડ કરવી જોઈએ એવી માગણી આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ કરી હતી.

મુંબઈની બિનસરકારી સંસ્થા વૉચ ડૉગ ફાઉન્ડેશન કે જેણે અગાઉ ૨૦૧૫માં કુર્લાની કિનારા હોટેલમાં મૃત પામેલા વિદ્યાર્થીઓ માટે લોકાયુક્ત સાથે લડીને BMCના ચાર અધિકારીઓને તેમણે દાખવેલી બેદરકારી માટે સસ્પેન્ડ કરાવ્યા હતા તેમ જ મૃત્યુ પામેલાઓના પરિવારજનોને એક લાખ રૂપિયાનું વળતર અપાવ્યું હતું. આ સંસ્થાએ સાકીનાકાની આ દુર્ઘટના માટે દુખ વ્યક્ત કરીને ઝોન-૬ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત મરાઠે અને અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અજિતકુમાર આંબીને બેદરકાર કહીને BMCના કમિશનર અજોય મેહતા પાસે આ બન્ને અધિકારીઓનાં રાજીનામાંની માગણી કરી છે.

આ બાબતની માહિતી આપતાં આ સંસ્થાના ટ્રસ્ટી નિકોલસ અલમેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ દુર્ઘટના માટે લોકાયુક્તને થોડા દિવસમાં મળવા જઈશું. લોકાયુક્ત પાસે જઈને BMCના સંબંધિત અધિકારીઓની ધરપકડ કરવાની માગણી કરીશું તેમ જ મૃત્યુ પામેલા બાર કર્મચારીઓના પરિવારો માટે વળતરની માગણી કરીશું.’

બે મૃત્યુ પામનારા હજી લાવારિસ

બાર મૃતકોમાંથી ગઈ કાલ સાંજ સુધીમાં આઠ ડેડ-બૉડીના રિલેટિવ્સે આવીને તેમની ડેડ-બૉડીનો કબજો લઈ લીધો હતો આ માહિતી આપતાં રાજાવાડી હૉસ્પિટલના એક ડૉક્ટરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારે બે મૃત્યુ પામેલા કર્મચારીઓના રિલેટિવ્સ બહારગામ રહેતા હોવાથી બે દિવસ પછી તેમના મૃતદેહોનો કબજો લેશે. જોકે હજી બે મૃતદેહ પર કોઈએ દાવો નથી કર્યો. ગઈ કાલ સુધી તેઓ લાવારિસ જ છે.’

જરૂરી પરવાનગીઓ

૧. શૉપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ

૨. ફૅક્ટરી લાઇસન્સ

૩. ફાયર લાઇસન્સ

૪. FSSAI-ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા

૫. વેઇટ ઍન્ડ મેઝરમેન્ટ

૬. પ્રોવિડન્ટ ફન્ડ

૭. BMCના હેલ્થ ડિપાર્ટમેન્ટ

૮. લેબર લૉ

આમાંથી કોઈ એકાદ લાઇસન્સ પણ ન હોય તો એ ગેરકાયદે કહેવાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK