સાકીનાકાની ફરસાણની ફૅક્ટરીમાં આગ ૧૨ કર્મચારીઓનાં ગૂંગળામણથી મોત

શોર્ટ સર્કિટના કારણે ધડાકાભેર આગ લાગી અને બધું બળીને ખાખ થઈ ગયુ

fire1

રોહિત પરીખ

સાકીનાકાના ખૈરાની રોડ પર આવેલી ભાનુ ફરસાણ શૉપ નામની ફરસાણની ફૅક્ટરીમાં ગઈ કાલે વહેલી સવારે ૪ વાગ્યે શૉર્ટ-સર્કિટને કારણે લાગેલી ભીષણ આગમાં ફૅક્ટરીમાં કામ કરતા ૧૨ કર્મચારીઓનાં મોત થતાં આ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ગઈ કાલે મોડી સાંજ સુધી ૧૦ કર્મચારીઓની ઓળખ રાજાવાડી હૉસ્પિટલે જાહેર કરી હતી.

fire

આગ વિશે માહિતી આપતાં આ ફૅક્ટરીમાં છેલ્લાં ચાર વર્ષથી કામ કરી રહેલા અને આગ લાગ્યા પછી જીવ બચાવવા કૂદીને ફૅક્ટરીની બહાર નીકળી ગયેલા તથા રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા અખિલેશ તિવારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ફૅક્ટરીમાં ૨૩ કર્મચારીઓ કામ કરીએ છીએ અને ત્યાં જ રહીએ છીએ. ગઈ કાલે અંદાજે ચારેક વાગ્યે ફૅક્ટરીના દરવાજા પાસે આવેલા એક સ્વિચ-બૉર્ડમાં શૉર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. એ વખતે અમે બધા ભરઊંઘમાં હતા. હું એક મોટા ધડાકાનો અવાજ સાંભળીને ઊઠી ગયો હતો અને ફૅક્ટરીની બારીમાંથી નીચે કૂદી ગયો હતો. ફૅક્ટરીમાં જ્વલનશીલ પદાથોર્ હોવાથી આગે થોડી વારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અમે ફૅક્ટરીના ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર બનાવવામાં આવેલા લાકડાના ફ્લોર પર સૂતા હતા. મારી સાથે બીજા કર્મચારીઓ પણ બહાર કૂદી પડ્યા હતા, પરંતુ ૧૨ કર્મચારીઓને આગનો ખ્યાલ જ નહોતા આવ્યો. આગ ફૅક્ટરીના મેઇન ગેટ પાસે જ લાગી હોવાથી એમાંથી બહાર નીકળી શકાય એવી પરિસ્થિતિ જ નહોતી. રાતે દરવાજો બંધ હતો એને લીધે જે કર્મચારીઓ આગમાં ફસાઈ ગયા હતા તેઓ આગ ફેલાઈ જતાં ગૂંગળામણથી જ મૃત્યુ પામ્યા હતા. આગને લીધે તેમનાં આખાં શરીર બળી ગયાં હતાં. ૪ કર્મચારીઓ તો બહુ ખરાબ રીતે બળી ગયા હતા. તેમના ચહેરા પણ ઓળખી શકાય એવા રહ્યા નહોતા. કૂદકો મારીને બહાર આવવાને કારણે મને પગમાં મૂઢ માર વાગ્યો છે.’

fire3

આ ફૅક્ટરીની બાજુમાં રહેતા એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ ફાટી નીકળ્યા બાદ અમને ધડાકા સંભળાયા હતા. એને લીધે આસપાસના લોકો જાગી ગયા હતા. ધડાકાને લીધે ફૅક્ટરીની દીવાલ તૂટી ગઈ હતી. ફાયર-બ્રિગેડ આવે ત્યાં સુધી તો અમે અન્ય રહેવાસીઓ સાથે મળીને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. જોકે ફાયર-બ્રિગેડ પણ તરત જ આવી ગઈ હતી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફૅક્ટરીની અંદર ફસાઈ ગયેલા લોકો કોઈ હિસાબે બહાર નીકળી શકે એમ હતું જ નહીં. ફરસાણની ફૅક્ટરી હોવાથી આગ લાગ્યા પછી અંદરની બાજુએ પુષ્કળ ધુમાડો ફેલાઈ ગયો હતો. બધી ડેડ-બૉડી તદ્દન કાળી પડી ગઈ છે. જેઓ કૂદીને બચી ગયા એમાંથી એક-બે જણને મામૂલી ઈજા થઈ છે.’

મોટા ભાગના કર્મચારીઓ ઉત્તર પ્રદેશના હતા. મૃત્યુ પામનારાઓનાં સગાંસંબંધીઓ દૂર રહેતાં હોવાથી સાંજ સુધી ત્રણ જ ડેડ-બૉડી રાજાવાડી હૉસ્પિટલે તેમનાં સગાંઓને સોંપી હતી એ સંદર્ભે માહિતી આપતાં રાજાવાડી હૉસ્પિટલના દક્ષતા સમિતિના સભ્ય પ્રકાશ વાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગમાં બળી ગયેલી ૧૨ ડેડ-બૉડી રાજાવાડી હૉસ્પિટલમાં લવાઈ હતી. ગઈ કાલે મોડી સાંજ સુધી ૨૦ વર્ષના રામનરેશ ગુપ્તા, ૧૮ વર્ષના મિર્ઝા નહીમ અને ૨૦ વર્ષના મિર્ઝા વસીમ જેઓ કઝિન બ્રધર્સ છે એ ત્રણ કર્મચારીઓનાં જ સગાં ડેડ-બૉડી લેવા હૉસ્પિટલ પહોંચ્યાં હતાં. બાકીના કોઈનાં સગાં હૉસ્પિટલ પહોંચ્યાં નહોતાં. અખિલેશ તિવારીને પગમાં અને કમરમાં ઈજા થઈ હોવાથી તેને ટ્રૉમામાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે.’

fire2

ફાયર-બ્રિગેડના અધિકારીઓએ આગનું કારણ આપતાં જણાવ્યું હતું કે ‘પ્રાથમિક તપાસમાં આગ શૉર્ટ-સર્કિટને કારણે લાગી હતી. ત્યાર પછી ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટૉલેશન, ખાદ્ય પદાર્થોનો જંગી સ્ટૉક, ફર્નિચર અને શીટ વગેરેને લીધે આગ પ્રસરી ગઈ હતી. આ ફૅક્ટરીનો ભોંયતળિયાનો ભાગ ૬૦X૩૦ ફુટનો છે. આગને લીધે ફૅક્ટરીનો અમુક ભાગ તૂટી પડ્યો હતો. એની નીચે પણ કર્મચારીઓ દબાઈ ગયા હતા. ગાળાના ઓનરે જણાવ્યા પ્રમાણે ગાળામાં ૧૦થી ૧૫ કર્મચારીઓ કામ કરે છે અને એમાંથી ૧૨ કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. બાકીના બચી ગયા હશે તેને શોધી રહ્યા છીએ.’

આટલી મોટી દુર્ઘટના પછી પણ ફૅક્ટરીના ઓનર રમેશ ભાનુશાલીએ કર્મચારીઓના પરિવારજનોનો ગઈ કાલે સાંજ સુધી સંપર્ક નહોતો કર્યો. રાજાવાડી હૉસ્પિટલમાં પણ ઓનર તરફથી કોઈ મળવા આવ્યું નહોતું એને કારણે કર્મચારીઓના પરિવારોમાં આક્રોશ  ફેલાયો હતો. અમુક કર્મચારીઓનાં રિલેટિવના કહેવા પ્રમાણે રમેશ ભાનુશાલી ગુજરાતમાં ઇલેક્શન માટે ગયો છે.

‘મિડ-ડે’ પણ રમેશ ભાનુશાલીનો સંપર્ક નહોતી કરી શકી. તેને અનેક વાર ફોન અને મેસેજ કર્યા છતાં તેના તરફથી કોઈ પ્રત્યુત્તર નહોતો મળ્યો.

સાકીનાકા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અવિનાશ ધર્માધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રમેશ ભાનુશાલી સાકીનાકા પોલીસ-સ્ટેશનમાં છે. આગના બનાવ બદલ તેમની પૂછપરછ ચાલી રહી છે. આગના કારણની અમે પણ તપાસ કરી રહ્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK