ગુજરાતી શિપબ્રેકર થયા સુસાઇડ-નોટ લખીને ગુમ

નાણાભીડને કારણે આશિત પરીખ મુંબઈથી ગુમ થયા બાદ દિલ્હી થઈને હરિદ્વાર પહોંચ્યા હોવાની પોલીસને માહિતી મળી

asit kumar

જયેશ શાહ

મુંબઈના પૉશ વિસ્તારમાં રહેતા અને ઑફિસ ધરાવતા ૫૭ વર્ષના ગુજરાતી અગ્રણી શિપબ્રેકર અચાનક તેમની ઑફિસથી એક સુસાઇડ-નોટ લખીને ગુમ થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના વિશે સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યા અનુસાર તેમણે ઑફિસથી જતાં પહેલાં એક સુસાઇડ-નોટ તેમના પ્યુન મારફત ઘરે મોકલી હતી અને ત્યાર બાદ તેઓ ઑફિસ છોડીને ચાલ્યા ગયા હતા.

એશિયાના સૌથી મોટા ગણાતા ગુજરાતના શિપબ્રેકિંગ યાર્ડ અલંગમાં જહાજોના વ્યવસાય સાથે સંકળાયેલા અને ભાવનગર-કંડલામાં ઑફિસ ધરાવતી આશિત શિપિંગ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં રહે છે અને સાંતાક્રુઝ (વેસ્ટ)માં જુહુ રોડ પર સલાકા કૉમ્પ્લેક્સમાં બીજા માળે ઑફિસ ધરાવે છે.

શું છે ઘટના?


શિપબ્રેકર આશિત પરીખ છેલ્લાં થોડાં વષોર્થી આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા. મંગળવારે નિયત ક્રમ મુજબ તેઓ સાંતાક્રુઝની ઑફિસમાં આવ્યા હતા અને સાંજે અચાનક પ્યુનને બોલાવીને હું જાઉં છું એમ કહીને મોબાઇલ, નાનું પર્સ તેમ જ એક કવર અને કારની ચાવી તેમના ઘરે સાંજે ઑફિસ બંધ કર્યા બાદ આપી દેવા કહ્યું હતું. પ્યુને ઑફિસની નજીક આવેલા આશિત પરીખના ઘરે આ વસ્તુઓ આપી દીધી હતી. આશિતભાઈ નિયત સમયે ઘરે ન પહોંચતાં પરિવારે ઑફિસના પ્યુન અને ડ્રાઇવરની પૂછપરછ કર્યા બાદ તરત પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં આશિત પરીખે ઑફિસ છોડતાં પહેલાં ઘરે મોકલાવેલી વસ્તુઓ ચેક કરી હતી જેમાં એક બંધ કવર હતું એ ખોલતાં એમાંથી સુસાઇડ-નોટ મળી હતી.

ઑફિસ-સ્ટાફે શું કહ્યું?

આશિત શિપિંગ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડની સાંતાક્રુઝની ઑફિસમાં ૨૦૧૧થી પ્યુનની નોકરી કરતા શેખ મોહમ્મદે ‘મિડ ડે’ને જણાવ્યું હતું કે ‘આશિતભાઈ મંગળવારે સવારે ૧૦ વાગ્યે ઑફિસ આવ્યા હતા. તેઓ નિત્યક્રમ મુજબ તેમનું કામ કરી રહ્યા હતા અને દરરોજની જેમ નૉર્મલ હતા. તેમના ચહેરા પર કોઈ પૅનિક પણ જણાયું નહોતું. બપોરે ચારેક વાગ્યે તેઓ થોડા સમય માટે બહાર ગયા અને પાછા આવ્યા બાદ સાંજે સાડાપાંચ વાગ્યે તેઓ રૂટીન સમય કરતાં થોડા વહેલા ઑફિસથી જતા રહ્યા હતા. જતા પહેલાં તેમણે મને તેમનો મોબાઇલ, કારની ચાવી, નાનું પર્સ તેમ જ એક બંધ કવર આપ્યું હતું અને એ બધી વસ્તુઓ ઘરે આપી દેવાનું કહ્યું હતું. મેં એ તમામ વસ્તુઓ સાંજે સાત વાગ્યે આશિતભાઈનાં પત્ની રાજશ્રીબહેનને સોંપી દીધી હતી. રાતે આઠ વાગ્યે તેમના મોટા દીકરા દેવદત્ત પરીખનો ફોન આવ્યો હતો અને મને સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશને બોલાવ્યો હતો. ત્યાં જતાં પોલીસે મને શેઠ વિશેના નિત્યક્રમની પૂછપરછ કરી હતી. શેઠે મને એક બંધ કવર ઘરમાં આપવાનું કહ્યું હતું એ મેં પોલીસને કહ્યું હતું. પોલીસે એ કવર ખોલીને જોવાની સૂચના આપી હતી. દેવદત્તે મમ્મીને ફોન કરીને એ કવર ખોલવાનું જણાવ્યું. રાજશ્રીબહેને કવર વાંચતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.’

નજીકનાં વર્તુળો શું કહે છે?


મિત્રવર્તુળોએ જણાવ્યા અનુસાર આશિતભાઈએ શિપિંગ સિવાયના વ્યવસાયોમાં પણ ઝંપલાવ્યું હતું અને એમાં જંગી ખોટ જતાં છેલ્લા થોડા સમયથી તેઓ નાણાકીય ખેંચ અનુભવી રહ્યા હતા. ભાવનગરની તમામ મિલકતો તેમણે લેણદારોને નાણાં આપવા માટે વેચી મારી હતી અને દેવું ચૂકવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ બીજી રકમ ચૂકવવાની બાકી રહી જતાં તેમના પર ઉઘરાણીનું સતત ટેન્શન રહેતું હતું. નાણાં વસૂલ કરવા માટે અન્ડરવર્લ્ડમાંથી પણ દબાણ આવતું હોવાની ચર્ચા નજીકનાં વર્તુળો કરી રહ્યાં હતાં, પરંતુ તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ ન બચતાં આબરૂ જવાના ડરથી તેમણે આ અંતિમ રસ્તો અપનાવ્યો હશે એવું શિપબ્રેકર વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

મુંબઈના પૉશ વિસ્તાર ગણાતા જુહુ રોડ વિસ્તારમાં આશિત પરીખ પત્ની રાજશ્રી અને બે દીકરા દેવદત્ત તથા રવિદત્ત સાથે રહે છે એવું જણાવતાં વર્તુળોએ કહ્યું હતું કે ‘આશિત પરીખના બે ભાઈઓ ધર્મેન્દ્ર પરીખ અને મયંક પરીખ પરિવાર સાથે ગુજરાત રહે છે. દરેક ભાઈ પોતાનો સ્વતંત્ર બિઝનેસ ધરાવે છે. આશિત પરીખ એક રૉયલ ઇન્સાન છે અને તેમણે આવું પગલું શા માટે ભર્યું હશે એ અમને માનવામાં નથી આવતું. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ જ્યાં હોય ત્યાંથી ક્ષેમકુશળ પાછા ઘરે આવી જાય. વાઇફ અને પરિવારના સભ્યોની તબિયત પણ કથળી ગઈ છે.’ 

sucide notes

સુસાઇડ-નોટમાં શું લખ્યું છે?

સૂત્રોએ જણાવ્યા અનુસાર કવરમાં મુકાયેલી સુસાઇડ-નોટમાં આશિત પરીખે લખ્યું છે કે ‘હું નાણાભીડમાં છું. દેવાંનાં નાણાં ચૂકવી શકવા માટે હું અસમર્થ છું. ઉઘરાણી કરતા લોકોથી અને મારા જીવનથી ત્રાસી ગયો છું એટલે જીવનનો અંત આણવા જઈ રહ્યો છું.’

પોલીસ શું કહે છે?


પોલીસ-સૂત્રોએ જણાવ્યા અનુસાર આશિત પરીખ તેમની સાંતાક્રુઝની ઑફિસથી નીકળ્યા બાદ મુંબઈથી પ્લેનમાં દિલ્હી ઍરપોર્ટ અને ત્યાંથી દિલ્હી રેલવે-સ્ટેશન જવા ટૅક્સી કરી હતી. આ જાણકારી પોલીસને CCTV કૅમેરાના ફુટેજમાંથી મળી હતી.

સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રવીણ ચવાણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આશિત પરીખ મિસિંગ થયાનો કેસ ગઈ કાલે મને સોંપવામાં આવ્યો છે. આ કેસ પહેલાં અન્ય અધિકારી પાસે હતો. આશિત પરીખનો મોટો દીકરો દેવદત્ત ગઈ કાલે હરિદ્વાર પહોંચીને તેના પપ્પાને શોધી રહ્યો છે. અમે તેના સંપર્કમાં છીએ. શિપબ્રેકર નાણાકીય ભીડને કારણે કંટાળી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં અને તેમણે લખેલી સુસાઇડ-નોટ પરથી જણાય છે, પરંતુ અન્ડરવર્લ્ડ કે અન્ય કોઈ માથાભારે લોકોએ નાણાં વસૂલવા માટે આશિત પરીખ પર દબાણ કર્યું હોય એવી કોઈ માહિતી અમને તેમના પરિવારજનોએ આપી નથી. અમે કેસમાં વધુ તપાસ કરી રહ્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK