મૉર્નિંગ વૉક કરવા નીકળેલી મુલુંડની કચ્છી જૈન મહિલાનું રિક્ષાની ટક્કરથી મોત

મમ્મી સાથે ક્લાસિસમાં જઈ રહેલી દીકરીની નજર સામે થયો ઍક્સિડન્ટ: રિક્ષા-ડ્રાઇવરને ચક્કર આવતાં હતાં : પોલીસે કરી ધરપકડ

rekha savla


રોહિત પરીખ

મુલુંડ (વેસ્ટ)ના આંબેડકર રોડ પર આવેલી લક્ષ્મી સોસાયટીમાં રહેતાં ૪૩ વર્ષનાં રેખા પરેશ સાવલા ગઈ કાલે સવારે ૬.૫૦ વાગ્યે મૉર્નિંગ વૉક કરવા અને તેમની ૧૭ વર્ષની પુત્રી રિદ્ધિને પાંચ રસ્તા પર આવેલા પ્રાઇવેટ ટ્યુશન ક્લાસિસમાં મૂકવા જતાં હતાં ત્યારે કાલિદાસ હૉલના બસ-સ્ટૉપ પાસે પાછળથી ૪૧ વર્ષના વિજય મૌર્ય નામના રિક્ષા-ડ્રાઇવરે તેમને ટક્કર મારી હતી. એને કારણે બ્રેઇન-હૅમરેજ થવાથી તેઓ મૃત્યુ પામ્યાં હતાં.

રેખાબહેનના ઍક્સિડન્ટને નજર સામે જ જોનારી ટ્વેલ્થની સ્ટુન્ડટ રિદ્ધિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘરેથી નીકળીને પહેલાં આંબેડકર રોડ પર આવેલા જૈન દેરાસરમાં ગયાં હતાં. ત્યાંથી રોડની એક બાજુ ચાલતાં-ચાલતાં પાંચ રસ્તા પર આવેલા મારા ક્લાસિસમાં જઈ રહ્યાં હતાં. ત્યાં જ અચાનક એક રિક્ષાએ રોડની સાઇડમાં ચાલી રહેલી મમ્મીને પાછળથી ટક્કર મારી હતી. મમ્મીને જોરદાર ટક્કર લાગતાં તે રોડ પર પડી ગઈ હતી. તરત જ મમ્મીના માથાને મેં મારા ખોળામાં લઈ લીધું હતું. એ સમયે મમ્મીના શ્વાસોચ્છ્વાસ ચાલતા હતા, પરંતુ તેની આંખો બંધ થઈ ગઈ હતી. શરીરનાં બીજાં અંગોનું હલનચલન પણ નહોતું. મેં તરત જ પપ્પાને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા. લોકોનું ટોળું પણ ત્યાં જમા થઈ ગયું હતું. ત્યાર પછી મને ખબર પડી કે મમ્મીની પહેલાં રિક્ષા-ડ્રાઇવરે એક બાઇકને ટક્કર મારી હતી. રિક્ષા-ડ્રાઇવરે પોલીસને કહ્યું હતું કે મને ચક્કર આવતાં આંખે અંધારાં આવી જવાથી મારું રિક્ષા પરનું નિયંત્રણ છૂટી જવાથી આ ઍક્સિડન્ટ થયો હતો.’

આખી ઘટનાની વિસ્તૃત માહિતી આપતાં કચ્છી વીસા ઓસવાળ જૈન મૂળ કચ્છ-માંડવી બાડા ગામનાં રેખાબહેનના પતિ પરેશ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે પોણાસાત વાગ્યે રેખાએ મને ઉઠાડીને કહ્યું હતું કે હું રિદ્ધિનો આજે ક્લાસિસમાં પહેલો દિવસ છે તો તેને મૂકીને મૉર્નિંગ વૉક કરતી આવું છું. એ લોકો ઘરેથી ગયા એની થોડી જ વારમાં મારી પુત્રી રિદ્ધિનો મને  સાત વાગીને એક મિનિટે ફોન આવ્યો કે એક રિક્ષાવાળાએ મમ્મીને ટક્કર મારી છે, તમે જલદી કાલિદાસ હૉલ પાસે આવો. હું તરત જ સ્કૂટર લઈને બે જ મિનિટમાં ઘરેથી ઘટનાસ્થળ પહોંચી ગયો હતો. ત્યાં જઈને જોયું તો રેખા બેભાનાવસ્થામાં હતી. તેના શ્વાસ હજી ચાલતા હતા, પરંતુ તે રિસ્પોન્ડ કરતી નહોતી.’

રિયલ એસ્ટેટ એજન્ટ પરેશ સાવલાએ આગળની માહિતી આપતાં કહ્યું હતું કે ‘લોકોની સહાય લઈને અમે તરત જ રેખાને બીજી રિક્ષામાં નજીકની શ્રદ્ધા હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારે તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યાં હતાં, પણ શ્વાસ ચાલતો હતો. તેના ગળામાંથી કણસવાનો અવાજ આવતો હતો. તેને માથામાં જમણી બાજુ માર લાગ્યો હતો, પરંતુ સહેજ પણ લોહી નીકળ્યું નહોતું. જેવા અમે હૉસ્પિટલમાં લઈ ગયા કે તરત જ ત્યાંના ડૉકટરે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. મૃત્યુ થયું હોય એવા તેના ચહેરા પર સહેજ પણ ભાવ નહોતા. મુલુંડથી તેને ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ ગયા હતા. ત્યાં મૃત્યુનું કારણ માથામાં માર લાગવાથી બ્રૅઇન-હૅમરેજ થયું હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.’

હું શુક્રવારે કચ્છમાં એક ફંકશન અટેન્ડ કરવા જવાનો હતો એમ જણાવીને પરેશ સાવલાએ કહ્યું હતું કે ‘મારા ગામમાં ફંક્શન હોવાથી હું શુક્રવારે કચ્છ જવાનો હતો, પરંતુ મારા કઝિન બ્રધર સચિને હું કાર લઈને જવાનો છું એટલે તું મારી સાથે આવજે એમ કહીને મારી ટ્રેનની ટિકિટ કૅન્સલ કરાવી હતી. (થોડા ઢીલા અવાજમાં) કદાચ કુદરતે મને રેખાના અંતિમ સમયે તેની સાથે રાખવા માટે જ મારી ટિકિટ કૅન્સલ કરાવી હશે. નહીંતર હું અત્યારે કચ્છમાં હોત. એવી જ રીતે તેને પણ મુલુંડની ધરતી પોકારતી હશે એટલે તે શુક્રવારે દહિસર તેના કઝિનના પરિવારને મળવા ગઈ હતી. ત્યાં તેને રોકાવા માટે ખૂબ જ આગ્રહ કરવામાં આવ્યો, પરંતુ રિદ્ધિના ક્લાસિસનો ગઈ કાલે પહેલો દિવસ હોવાથી શુક્રવારે રાતના સાડાનવ વાગ્યે તે ઘરે પાછી આવી ગઈ હતી.’

મેં મારી બહેન નહીં, સપોર્ટર અને સલાહકાર ગુમાવી છે એમ જણાવીને રેખાના મુલુંડમાં જ રહેતા ભાઈ પીયૂષ સાલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા પરિવારમાં ખૂબ જ સંપ હતો. રેખા સાસરિયાં-પિયરિયાં બન્ને પરિવારોમાં ખૂબ જ માન ધરાવતી હતી. હજી ૨૩ માર્ચે તો તેનો બર્થ-ડે ગયો હતો. ૨૮ મેએ તેનાં લગ્નની ઍનિવર્સરી આવે છે. તેનાં સાસુ તારાબહેન અને સસરા લખમશી સાવલાની મે મહિનામાં લગ્નની ૫૦મી ઍનિવર્સરી ખૂબ જ ધામધૂમથી તેઓ બાડા ગામ જઈને ઊજવવાના હતા. રેખાનો સ્વભાવ ખૂબ જ પ્રેમાળ અને મળતાવડો હોવાથી તે તેનાં સાસુ-સસરાની તો પ્રિય હતી જ, પણ અમારા પરિવારમાંય એક પળ કોઈને તેના વગર ચાલતું નહીં. મારી બે પુત્રીઓ સાથે તેને ખૂબ જ અટૅચમેન્ટ હતું. અમારે તે બન્નેથી કલાકો સુધી રેખાના આકસ્મિક મૃત્યુની વાત છુપાવી રાખવી પડી હતી. તે દિવસમાં દસ વાર ફોન કરીને મારી સાથે વાત કરતી હતી. મારી નાની-નાની જરૂરિયાતમાં પણ હું તેને ડિસ્ટર્બ કરતો હતો.’

મારી મમ્મી મારી ફ્રેન્ડ અને ફિલોસૉફર હતી એમ જણાવતાં ધ્રુસકે-ધ્રુસકે રડતાં રિદ્ધિએ કહ્યું હતું કે ‘મમ્મી ઘરમાં બેસીને ઍક્યુપ્રેશર અને પ્રાઇવેટ ટ્યુશન કરતી હતી. તેની ઇચ્છા મને ખૂબ જ ભણાવવાની હતી. દસમા ધોરણની પરીક્ષા વખતે પણ તે મારી સાથે ઉજાગરા કરતી હતી. ગઈ કાલે મને મૉરલ સપોર્ટ આપવા માટે જ તે મારી સાથે ક્લાસિસમાં આવતી હતી. ત્યારે કોને ખબર હતી કે મમ્મી મને અધવચ્ચે છોડીને લાંબી સફરે જતી રહેશે.’

પોલીસ શું કહે છે?

મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજારામ વ્હામણેએ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અમે મુલુંડના જ રહેવાસી અને રિક્ષા-ડ્રાઇવર વિજય મૌર્યની બેદરકારીપૂર્વક ડ્રાઇવ કરીને રેખા સાવલાના મોત માટે જવાબદાર ગણીને ધરપકડ કરી છે. ફસ્ર્ટ મેડિકલ રિપોર્ટ પ્રમાણે તે ડ્રન્કર નહોતો. આમ છતાં તેને ચક્કર આવતાં હતાં અને આંખે અંધારાં આવતાં હતાં એને લીધે તેનાથી ઍક્સિડન્ટ થઈ ગયો એવા કરેલા બચાવની અમે તપાસ કરી રહ્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK