પહેલી જ વાર એક જૈન સંતને જેલની સજા

વિનયભંગના કેસમાં સ્થાનકવાસી જૈન મુનિને બે વર્ષની કેદ અને પચાસ હજાર રૂપિયાનો દંડ

muni

રોહિત પરીખ/ખુશાલ નાગડા

ઘાટકોપરની એક ટીનેજરને બીમારીમાંથી ઠીક કરવાના બહાને તેનો વિનયભંગ કરવાના આરોપસર ગોંડલ સંપ્રદાયના ૬૭ વર્ષના જૈન મુનિ મનોહરમુનિ મહારાજસાહેબને મુલુંડ કોર્ટે ગઈ કાલે સવારે બે વર્ષની કેદ અને પચાસ હજાર રૂપિયાના દંડની સજા કરી હતી અને જો દંડ ન ભરે તો વધારાના છ મહિનાની જેલની સજાનો આદેશ આપ્યો હતો. આ કેસનો ચુકાદો આવતાં પાંચ વર્ષનો સમય લાગ્યો હતો. જોકે એના થોડા જ કલાકોમાં કોર્ટે મનોહરમુનિને ઉપલી કોર્ટમાં જવા માટે એક મહિનાનો સમય આપીને જામીન આપ્યા હતા. મનોહરમુનિ મહારાજસાહેબ સામે ૨૦૧૨માં સારવારના નામે ટીનેજરને મૉલેસ્ટ કરવાનો ગુનો નોંધાયો હતો: મુલુંડ કોર્ટના ચુકાદા સામે ઉપલી કોર્ટમાં અપીલ કરવા મહારાજસાહેબને મહિનાનો સમય આપીને જામીન અપાયા.

મુલુંડ કોર્ટમાં ગઈ કાલના આદેશ સમયે મનોહરમુનિના અનુયાયીઓની કોર્ટમાં ભીડ જામી હતી. મનોહરમુનિના અનુયાયીઓ હવે આ બાબતમાં સેશન્સ કોર્ટમાં અપીલ કરશે, જેની સામે આગળની લડત માટે ટીનેજરના વડીલોએ હજી કોઈ નિર્ણય લીધો નહોતો. બીજી બાજુ ગોંડલ સંપ્રદાયે પણ મનોહરમુનિ પર કાર્યવાહી કરવાનો નિર્ણય અબાધિત રાખ્યો છે. ગોંડલ સંપ્રદાય અત્યારે મનોહરમુનિને સજામાંથી મુક્તિ અપાવવા માટે ઉપરી કોર્ટમાં અપીલ કરશે. એના સિવાય આ સંપ્રદાયે કોઈ જ નિર્ણય લીધો નથી. આવી જ રીતે ધ ગ્રેટર બૉમ્બે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘે પણ મનોહરમુનિને સંસારમાં પાછા લાવવા કે નહીં એ બાબતે કોઈ જ નિર્ણય લીધો નથી.

બનાવ શું બન્યો હતો?


આ બનાવમાં ટીનેજરે પોલીસમાં કરેલી ફરિયાદ પ્રમાણે ટીનેજર ડિપ્રેશનની દરદી હતી. એને કારણે ટીનેજરના પપ્પાએ ૨૦૧૨ની ૨૦ માર્ચે ટીનેજરની ઓળખાણ તેમની જ (ટીનેજરના પિતાની) કાંજુરમાર્ગની ઑફિસમાં મનોહરમુનિ મહારાજસાહેબ સાથે કરાવી હતી. એ સમયે ટીનેજરે ફક્ત દર્શન જ કર્યાં હતાં. એ સમયે ટીનેજરના પપ્પાએ મનોહરમુનિને ટીનેજરના ડિપ્રેશનના દર્દની વાત કરી હતી. મનોહરમુનિએ સારવાર માટે બોલાવી હોવાથી એ જ દિવસે ટીનેજર તેની મમ્મી સાથે ડિપ્રેશનની સારવાર માટે મનોહરમુનિને મળવા સવારના દસ વાગ્યે ભાડુંપ (વેસ્ટ)ના ઈશ્વરનગરમાં આવેલા ઉપાશ્રયમાં ગઈ હતી. એ દિવસે મનોહરમુનિએ બધાની સામે જ ટીનેજરના માથામાં વાસક્ષેપ નાખ્યો હતો.

ટીનેજરની ત્રીજી મુલાકાત ૨૦૧૨ની ૩૧ માર્ચે મુલુંડ (વેસ્ટ)ના લાલવાણી રોડ પર આવેલા વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રયમાં થઈ હતી. આ બાબતે ટીનેજરે પોલીસને ફરિયાદમાં કહ્યું હતું કે ‘એ દિવસે મારી સાથે મારા પપ્પા અને દાદી હતાં. એ દિવસે અમે ફક્ત મનોહરમુનિને મળીને નીકળી ગયાં હતાં. ત્યારે મનોહરમુનિ મહારાજે મને ૬ એપ્રિલે સાંજે ચાર વાગ્યે સારવારની વિધિ કરવાની છે એમ કહીને બોલાવ્યા હતા. જોકે એ દિવસે અમે મળવા ગયા ત્યારે મારા સિવાયના મારા પરિવારજનોને મનોહરમુનિ મહારાજે તેમની રૂમની બહાર બેસવા કહ્યું હતું. સાંજના પોણાપાંચ વાગ્યે તેમણે મારા પર વિધિ કરવાની શરૂઆત કરી હતી. એમાં તેમણે પહેલાં શર્ટનાં બટન ખોલવાનું કહ્યું હતું. ત્યાર પછી મારી બ્રા ઊંચી કરીને તેમણે મારી છાતી જોરજોરથી દબાવવાની શરૂઆત કરી હતી.’

ટીનેજર સાથે મનોહરમુનિએ આ વર્તન કરતાં ટીનેજર તરત જ બૂમાબૂમ કરીને તેમની રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. એની સામે ટીનેજરની ફરિયાદ પ્રમાણે મનોહરમુનિએ તેને આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. આમ છતાં ટીનેજરે આખી વાત રૂમની બહાર આવીને તેની મમ્મીને કહેતાં ઉપાશ્રયમાં ધમાલ મચી ગઈ હતી, જેને પરિણામે પોલીસને બોલાવવી પડી હતી. પોલીસ સામે ટીનેજરે આખી ઘટના બયાન કરતાં પોલીસે મનોહરમુનિની ધરપકડ કરીને તેમને એક રાત માટે લૉકઅપમાં રાખ્યા હતા.

મમ્મી-પપ્પા લડત લડવા મક્કમ રહ્યાં

વિનયભંગના બનાવ પછી ટીનેજરની ફરિયાદને કારણે તેના વડીલો એક સાધુના તેમની દીકરી સાથે થયેલા આવા બેહૂદા વર્તનથી હેબતાઈ ગયા હતા. આમ છતાં તેઓ કોઈ પણ સંજોગોમાં મનોહરમુનિને આકરામાં આકરી સજા મળે એ માટે લડવા મક્કમ બન્યા હતા.

ગઈ કાલે મુલુંડ કોર્ટે મનોહરમુનિને સજા આપ્યા પછી પહેલી વાર ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં તેના વડીલોએ તેમની કાંજુરમાર્ગની ઑફિસમાં બેસીને કહ્યું હતું કે ‘અમારી લડતને બંધ કરવા માટે અમારા પર મનોહરમુનિ અને તેમના અનુયાયીઓ તરફથી અનેક વાર પ્રેશર કરવામાં આવતું હતું. પાંચ વર્ષમાં અનેક વાર અમને આ કેસ બંધ કરવા સમાજનો ડર બતાવવામાં આવતો હતો. ફક્ત મનોહરમુનિ જ નહીં, તેમના અનુયાયીઓ પણ અમારા પરિવારજનોની સામે ડરાઉ માર્કેટિંગ કરીને કેસમાંથી પીછેહઠ કરવાનાં પ્રલોભનો અને ધમકી આપતા હતા, પરંતુ અમે કોઈ પણ સંજોગોમાં અમારી દીકરીને ન્યાય અપાવવા માગતા હતા. એક જૈન સાધુએ સારવાર આપવાના બહાને અમારી દીકરી સાથે જે કર્યું એવું બીજાની બહેન-દીકરીઓ સાથે ન કરે એ માટે અમે અમારી લડતમાં અડગ હતા.’

અમને તેમને સજા મળી એનાથી સંતોષ છે એમ જણાવતાં ટીનેજરના વડીલોએ કહ્યું હતું કે ‘તેમની સજા અન્ય સાધુસંતો માટે ઉદાહરણરૂપ બનશે. મનોહરમુનિને કેટલી સજા મળી એ મહત્વનું નથી, પણ સજા મળી એ મહત્વનું છે. તેમને મળેલા જામીન સામે અમે કોર્ટમાં જઈશું કે નહીં એ બાબતનો નિર્ણય અમે ટૂંક સમયમાં લઈશું. ટીનેજરના દાદા થોડા દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યા હોવાથી એના શોકમાંથી અમે બહાર આવ્યા નથી એટલે હમણાં કોઈ પણ વાત કરવાના મૂડમાં નથી. એટલું ચોક્કસ છે કે અમારી દીકરી સાથે જેવું બન્યું એવી કોઈ દીકરી સાથે સાધુસંતો તરફથી ન બનવું જોઈએ. એમાં પણ જૈન સાધુએ ટીનેજર સાથે કરેલો વિનયભંગ ઘૃણાસ્પદ છે. ફક્ત વિનયભંગ જ નહીં, આ તો વિશ્વાસભંગ પણ છે.’

મહાસંઘ અને ગોંડલ સંપ્રદાય શું કહે છે?

એપ્રિલ ૨૦૧૨માં મનોહરમુનિએ ટીનેજરના કરેલા વિનયભંગના આરોપ પછી પણ ગોંડલ સંપ્રદાયે મનોહરમુનિને સંત તરીકે માન્ય રાખ્યા હતા. એ સમયે ટીનેજરના પરિવાર તરફથી તેમને સંપ્રદાયની બહાર કાઢવા માટેની માગણી કરવામાં આવી હતી, જેની સામે એ સમયે આ સંપ્રદાયે મનોહરમુનિ પર થયેલા આક્ષેપો પુરવાર થયા નથી એવી જાહેરાત કરીને તેમને સંત તરીકે માન્ય રાખ્યા હતા.

ગઈ કાલે મુલુંડ કોર્ટે મનોહરમુનિને વિનયભંગ કરવા માટે બે વર્ષની સજા જાહેર કરી ત્યાર પછી પણ ગોંડલ સંપ્રદાયે મનોહરમુનિને સંપ્રદાયમાંથી બહાર કાઢવાનો કે સંસારી કપડાં પહેરાવી દેવાનો નિર્ણય લીધો નહોતો. આ બાબતમાં ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવીણ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં તો અમે મનોહરમુનિને થયેલી સજાની સામે ઉપલી કોર્ટમાં જવાનો નિર્ણય લીધો છે. તેમના પર બીજી કાર્યવાહી કરવાના મુદ્દે અમે અમારા સાધુસંતો સાથે વધુ ચર્ચા-વિચારણા કર્યા પછી નિર્ણય લઈશું.’

આવો જ નિર્ણય ધ ગ્રેટર બૉમ્બે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘ તરફથી લેવામાં આવ્યો હતો. આ બાબતની જાણકારી આપતાં મહાસંઘના કાર્યવાહક પ્રમુખ સંજય સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મનોહરમુનિ પર કાર્યવાહી કરવી કે નહીં એનો આધાર અમારી મહાસંઘની મીટિંગ પર આધારિત રહેશે. અત્યારે અમે કોઈ જ નિર્ણય લીધો નથી.’

મનોહરમુનિ શું કહે છે?


મનોહરમુનિએ એપ્રિલ ૨૦૧૨માં વિનયભંગના બનાવ પછી ‘મિડ-ડે’ને આપેલી મુલાકાતમાં પોતાનો બચાવ કર્યો હતો. તેમણે એ સમયે કહ્યું હતું કે મેં પ્રસ્થાપિત કરેલી પ્રતિષ્ઠાને ડાઘ લગાડીને મુંબઈની બહાર કાઢવાનું આ ષડ્યંત્ર છે.

જોકે ગઈ કાલે કોર્ટે તેમને સજા ફરમાવ્યા પછી મનોહરમુનિ કોર્ટમાંથી નીકળી ગયા હતા. તેમનો ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરવા છતાં ફોન સ્વિચ્ડ-ઑફ હોવાથી વાત થઈ શકી નહોતી. ફોન પર મેસેજ પણ મૂકવામાં આવ્યો હતો, જેનો કોઈ જવાબ મળ્યો નહોતો.

મનોહરમુનિના અંગત અનુયાયી અને મુલુંડ સ્થાનકવાસી જૈન સંઘના અગ્રણી દિલીપ રાંભિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે અમે ફક્ત ઉપલી કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છીએ. મુલુંડ કોર્ટે તેમને સજાનો આદેશ આપ્યા પછી મનોહરમુનિને ઉપલી કોર્ટમાં જવા માટે એક મહિનાના જામીન આપ્યા હતા. એ સિવાય અમે કોઈ વાત કરવાના મૂડમાં નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK