રામભરોસે

બચાવકામગીરી માટેનાં સાધનો અને પ્રાથમિક સુવિધાનો અભાવ: સુધરાઈએ રાખેલા ૮ લાઇફગાર્ડસનો આજે કૉન્ટ્રૅક્ટ પૂરો થાય છે : મુરુડના દરિયામાં ૧૪ જણ ડૂબી ગયા એને પગલે બીચ પરની સલામતીની ચર્ચા ચાલી છે ત્યારે મુંબઈના સૌથી જોખમી આક્સા બીચની શું પરિસ્થિતિ છે?

lifegauard

અહીં તમારો જીવ સલામત નથી : આક્સા બીચ પર બાળકોને ચેતવણી આપતો લાઇફગાર્ડ અને નકામો વૉચ-ટાવર.


શહેરના સૌથી ખતરનાક આક્સા બીચ પર પર્યટકો માટે રેસ્ક્યુ-કામગીરી માટેનાં પ્રાથમિક સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ નથી. ગયા અઠવાડિયે મુરુડ બીચ પર ૧૪ વિદ્યાર્થીઓનાં મોતના સમાચાર પછી પણ તંત્રની આંખ ખૂલી નથી. સુધરાઈએ આક્સા બીચ પર રાખેલા આઠ લાઇફગાર્ડસનો કૉન્ટ્રૅક્ટ આજે પૂરો થાય છે. મુંબઈ પર હંમેશાં આતંકવાદી હુમલાનો ભય રહેલો છે ત્યારે સિક્યૉરિટી લોલમલોલ છે. સુધરાઈ, પોલીસ અને મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડ વચ્ચે તાલમેલના અભાવે આ બીચની જવાબદારી એકબીજા પર નાખવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. આ બીચ પર પીવાનું પાણી, લાઇટ અને બાથરૂમ જેવી પ્રાથમિક સુવિધા પણ નથી.


lifegauard



વીક-એન્ડમાં અહીં મોટી સંખ્યામાં આવનારા પર્યટકોમાં બાળકો અને મહિલાઓ હોય છે, પણ તેમને માટે કોઈ જાતની પ્રાથમિક સુવિધા નથી. આ બીચ પર જરૂરી પ્રમાણમાં લાઇફગાર્ડ અને દુર્ઘટના વખતે જોઈતાં સાધનો જ ઉપલબ્ધ નથી. આ બીચ પર ડૂબી જવાને લીધે ૨૦૦૦માં ૧૮ લોકોનાં અને છેલ્લાં ૬ વર્ષમાં ૨૩ લોકોનાં મોત થયાં હતાં, તો ૨૦૯ લોકોને ઉગારી લેવામાં આવ્યા હતા. આક્સા બીચના સમુદ્રમાં નહીં તરવાની ચેતવણીનાં બોર્ડ પણ તૂટી ગયાં છે. પરિણામે બહારથી આવતા પર્યટકોને આ બીચની પ્રાકૃતિક સ્થિતિનો ખ્યાલ આવતો નથી.

આક્સા બીચ શા માટે જોખમી છે?

આક્સા બીચનો સમુદ્ર જોખમી હોવાથી ત્યાં તરવા જવું સલાહભર્યું નથી. આ બીચની ખાસિયત એ છે કે મોજાંઓને કારણે બીચ પરની જમીનની માટી ખસતી રહે છે એને પરિણામે તરવા અને મોજમસ્તી કરવા દરિયામાં થોડા અંતરે લોકો જાય ત્યારે નીચેની માટી ખસતી જાય છે એને પર્યટકો પારખી શકતા નથી. આ બીચનાં દરિયાઈ મોજાંનો પ્રવાહ ઝડપથી બદલાતો હોવાથી અહીં દુર્ઘટના સર્જાતી રહે છે. આ બીચ પર સાંજે સાત વાગ્યા પછી જવું જોખમકારક છે. આક્સા બીચ શહેરના અન્ય ગિરગામ-ચોપાટી કે જુહુ બીચની સરખમાણીએ મૈત્રીપૂર્ણ નથી. આક્સા બીચની અસુરક્ષિત પ્રકૃતિને કારણે તેમ જ દૂરના પરામાં એ અંદરના ભાગે હોવાથી અહીં સામાન્ય પ્રવાસીઓ કરતાં યુવાનો તથા પ્રેમી યુગલો વધુ જોવા મળે છે.

પ્રાથમિક સાધનોનો અભાવ

દુર્ઘટના વખતે જરૂરી સાધનો જેટ-સ્કી (રેસ્ક્યુ-બોટ), લાઇફ-જૅકેટ, રિંગ, ફસ્ર્ટ એઇડ કિટ, દૂરબીન, વેહિકલ, પીવાનું શુદ્ધ પાણી, સાધનો રાખવા માટે કૅબિન તેમ જ કાયમી ઍમ્બ્યુલન્સ જેવાં પ્રાથમિક સાધનો નથી.

લાઇફગાર્ડ શું કહે છે?

આક્સા બીચ પર બચાવકામગીરીની જવાબદારી બજાવી રહેલા સિનિયર લાઇફગાર્ડ ૨૮ વર્ષના સ્વતેજ કોળંબકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું છેલ્લાં ત્રણ વર્ષથી અહીં એકમાત્ર કાયમી લાઇફગાર્ડ તરીકે તહેનાત છું. મારી સાથે અન્ય અલગ-અલગ પાળીમાં કુલ આઠ લાઇફગાર્ડસ સુધરાઈના ફાયર-બ્રિગ્રેડ વિભાગે કૉન્ટ્રૅક્ટ પર રાખ્યા છે. આક્સા બીચ દોઢ કિલોમીટર જેટલો લાંબો વિસ્તાર ધરાવે છે એને કારણે એક છેડાથી બીજા છેડા પર ધ્યાન રાખવા માટે પૂરતા પ્રમાણમાં સ્ટાફ અને સાધનો આવશ્યક છે, પરંતુ આ બીચ પર પૂરતા પ્રમાણમાં સાધનો અને પ્રાથમિક સુવિધાઓ અમને મળતાં નથી. અમારે પાણી પીવું હોય કે બાથરૂમ જવું હોય તો બાજુમાં આવેલા રિસૉર્ટમાં રિક્વેસ્ટ કરીને જવું પડે છે. બીચનો વિસ્તાર લાંબો હોવાથી ડૂબતા લોકોને બચાવવા માટે દુર્ઘટનાસ્થળે પહોંચવામાં સમયનો વ્યય થાય છે. એને કારણે અમે હાજર હોવા છતાં ડૂબનારને બચાવવા માટે સમયસર પહોંચી શકાતું નથી. આક્સા બીચ પર કાયમી ઍમ્બ્યુલન્સ, ડૉક્ટર અને પ્રાથમિક સારવાર માટેની કોઈ સુવિધા નથી. પરિણામે ડૂબતા લોકોને અમે અમારા જીવના જોખમે બચાવીએ પછી પણ તાત્કાલિક સારવારના અભાવે તેમનાં મોત થાય છે.’

સુધરાઈએ કૉન્ટ્રૅક્ટ પર રાખેલા આઠમાંના અમુક લાઇફગાર્ડસે નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુધરાઈ અને અમારી વચ્ચે પર્મનન્ટ કરવા માટે કેસ કર્યો છે. અમને આપવામાં આવેલી રિંગ પણ તૂટી ગઈ છે. અમે અમારા જીવના જોખમે ફરજ બજાવીએ છીએ. ફક્ત ૮૦૦૦ રૂપિયાના પગારમાં અમે લોકોના જીવની સુરક્ષા માટે ચિંતા કરીએ છીએ. અમારું લક્ષ અહીં આવતો અજાણ્યો પ્રવાસી આ સમુદ્રના મિજાજથી પરિચિત ન હોય તેને ચેતવવાનું છે. અમારી અનેક વખતની ચેતવણી છતાં પર્યટકો તેમના ઉત્સાહમાં દરિયામાં ડેન્જર જગ્યાએ દૂર સુધી ચાલ્યા જાય છે. તેને ચેતવણી આપવા માટે વ્હિસલ પણ અમે અમારા ખર્ચે લાવ્યા છીએ. ડૂબતાને બહાર કાઢવાની નિરંતર કોશિશ કરતા રહીએ છીએ. આક્સા બીચ પર ચેતવણી આપતાં બોર્ડ પણ તૂટેલાં છે. આ બીચ પર અમારી પાસે કોઈ સારી કન્ડિશનની ઑફિસ પણ નથી. સિમેન્ટના પતરાની ઑફિસ હાલમાં છે જે બાજુના રિસૉર્ટવાળાએ બનાવી આપી છે. ટાવર પર જવા માટેની નિસરણી પણ તૂટેલી છે જેથી ટાવર પરથી વૉચ રાખવા માટે પણ અમે ત્યાં જઈ શકતા નથી.’

મૅરિટાઇમ બોર્ડ શું કહે છે?


આક્સા બીચના મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડના પોર્ટ-ઇન્સ્પેક્ટર સુધીર જંગમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બીચની જવાબદારી સુધરાઈ અને પોલીસ વચ્ચે વહેંચાયેલી છે. અમારી ઑફિસથી આક્સા બીચ પાંચ કિલોમીટર દૂર છે અને ત્યાં જવા માટે અમારા વિભાગ પાસે કોઈ વાહન નથી. એથી રૂટીન ચેકિંગ કરવા જઈ ન શકાય. આ બીચ પર આતંકવાદી ગતિવિધિ રોકવા માટે સાગરી પોલીસ-સ્ટેશન નથી, પરંતુ રાજ્યના ગૃહવિભાગે અહીં CCTV કૅમેરા મૂકવા માટે એક પ્રાઇવેટ કંપનીને કામગીરી સોંપી છે અને એનું કામ ચાલી રહ્યું છે. આ કૅમેરાનું સંચાલન પોલીસ-વિભાગ કરશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK