કચ્છી ટીનેજરે આપી મમ્મીના મર્ડરની સુપારી

૧૮ વર્ષના દીકરાએ આપી મમ્મીની ગેમ કરવા ૫૦,૦૦૦ રૂપિયાની સુપારી

dhairya


જયેશ શાહ


બોરીવલી (વેસ્ટ)માં શિંપોલી વિસ્તારમાં રહેતાં ૪૬ વર્ષની કચ્છી મહિલાને તેમના ઘરમાં ઘૂસીને ૧૯ વર્ષના યુવાને છરીના ઘા ઝીંકીને જાનથી મારી નાખવાનો પ્રયત્ન રવિવારે રાતે કર્યો હતો. હુમલા સમયે ઘરમાં તેમનો ૧૮ વર્ષનો દીકરો હાજર હતો અને હુમલો કરનાર તેનો મિત્ર હતો. પોલીસે હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી ત્યારે આ ઘટનામાં નવો વળાંક આવ્યો હતો. આ હુમલો કરવાની ૫૦,૦૦૦ રૂપિયાની સોપારીની રકમમાંથી કચ્છી મહિલાના ૧૮ વર્ષના દીકરાએ જ ૨૦,૦૦૦ રૂપિયાની રકમ ઍડ્વાન્સ આપી હોવાનું આરોપીએ બોરીવલી પોલીસને જણાવતાં ગઈ કાલે સવારે તેની પણ ધરપકડ કરીને બન્ને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ ગંભીર રીતે ઘાયલ મહિલાને પ્રથમ કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં અને બાદમાં સ્થિતિ ગંભીર થવાથી નાયર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

શું છે મામલો?

ધર્મા માલી ચાલની રૂમ-નંબર ૧૩માં રહેતાં મીના છેડા હાઉસવાઇફ છે અને તેમના પતિ દીપક છેડા કપડાંની દુકાનમાં નોકરી કરે છે. છેડા દંપતીને ૧૮ વર્ષનો એક દીકરો ધૈર્ય છે. રવિવારે રાતે પોણાદસ વાગ્યે ધૈર્યનો મિત્ર જબરાજ નાડર ઘરે આવ્યો હતો. જબરાજે ધૈર્ય સાથે થોડીક મિનિટ વાતો કરીને પછી ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. એ સમયે દીપકભાઈ કામકાજ માટે બહાર હતા અને મીનાબહેન કિચનમાં પાણી ભરી રહ્યાં હતાં. ધૈર્ય સાથે વાત કર્યા બાદ જબરાજ અચાનક ઊભો થઈને કિચન તરફ ગયો હતો અને મીનાબહેન પર છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. જોકે મીનાબહેને હિંમત હાર્યા વગર જબરાજના હાથમાંથી છરી આંચકી લીધી હતી અને જોરજોરથી બચાવો-બચાવોની બૂમો પાડવા લાગ્યાં હતાં. એથી ચાલમાં આસપાસમાં રહેતા લોકો એકઠા થઈ ગયા હતા. તેઓ મીનાબહેનના ઘરનો અંદરથી બંધ દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને જબરાજને પકડીને તરત જ બોરીવલી પોલીસને જાણ કરી હતી. પોલીસે જબરાજની ધરપકડ કરી હતી. મીનાબહેનને શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

પોલીસનું શું કહેવું છે?

બોરીવલી પોલીસ-સ્ટેશનનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘મીના છેડા પર બોરીવલીમાં રહેતા જબરાજ નાડરે ખૂની હુમલો કર્યાના સમાચાર મળતાં પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મીના છેડાની ગરદન, પેટ અને પીઠ પર છરીના ઘા થયા હતા. આ મામલે મીના છેડાનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યું છે. મીના છેડાએ જણાવ્યું હતું કે ‘જબરાજે હુમલો કર્યો એ સમયે તેમનો ટીનેજર દીકરો ધૈર્ય ઘરમાં જ હતો અને જબરાજ તેનો મિત્ર છે. ધૈર્યએ જબરાજને હુમલો કરતાં રોક્યો હતો, પરંતુ આરોપીએ તેને લાત મારીને પાડી દીધો હતો. એથી અમને ધૈર્ય સામે શંકા ગઈ હતી. જબરાજની ધરપકડ કર્યા બાદ પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરી હતી. જબરાજે કબૂલ્યું હતું કે મીના છેડાની તેમના દીકરા ધૈર્ય સાથે નજીવી બાબતે તકરાર થતી હતી; તે તેની લાઇફ બિન્દાસ જીવવા માગતો હતો અને મમ્મી પાસે અવારનવાર પૈસા માગતો રહેતો હતો, પરંતુ મીના છેડાની રોકટોકને કારણે તેને ગુસ્સો આવતો હતો અને મીના છેડાને જાનથી મારવા માટે મને ધૈર્યએ કહ્યું હતું. એથી આ સ્ટેટમેન્ટના આધારે અમે ગઈ કાલે સવારે ધૈર્યની આ મામલામાં ધરપકડ કરી હતી. અમે આરોપીઓ પાસેથી છરી અને મોબાઇલ કબજે કર્યા છે. અમે આરોપીઓની વધુ પૂછપરછ કરીશું.’

જબરાજે પોલીસ સમક્ષ કબૂલાત કરતાં કહ્યું હતું કે ધૈર્યએ તેની મમ્મીની હત્યા કરવા માટે ૫૦,૦૦૦ રૂપિયાની ઑફર કરેલી અને એમાંથી ૨૦,૦૦૦ રૂપિયા ઍડ્વાન્સ આપી દીધેલા.

હત્યા બાદ બન્ને આરોપી મીના છેડાની વીમાની પૉલિસીની ૨,૪૦,૦૦૦ની રકમ અડધી-અડધી વહેંચી લેવાના હતા. ધૈર્ય BComના પહેલા વર્ષનો વિદ્યાર્થી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મીના છેડા તેના ઘરમાં જુગારખાનું પણ ચલાવતી હતી અને જુગાર રમવા મહિલાઓ તેના ઘરે આવતી હતી. એને લીધે દીકરો પણ જુગારની લતે ચડી ગયો હતો અને ખરાબ સંગત રાખતો થઈ ગયો હતો.

મા-દીકરાના સંબંધો પણ સારા નહોતા. એવું કહેવાય છે કે ધૈર્યને તેની મમ્મીના આડા સંબંધો વિશે શંકા ગઈ હતી અને એને લીધે તે દારૂના વ્યસને ચડી ગયો હતો. આડા સંબંધના મુદ્દે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા.

ધૈર્ય તેની મમ્મી પાસેથી રોજ પૈસા પણ માગતો. શરૂઆતમાં તો તે આપતી હતી, પણ દીકરાની કુટેવની ખબર પડતાં તેણે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું એને લીધે ધૈર્ય ગુસ્સે ભરાયો હતો અને મમ્મીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

ધૈર્યના પિતા દીપક છેડાએ કહ્યું હતું કે ‘મારો દીકરો આવું કરે એ હું માની શકતો નથી. આવું કૃત્ય કરવા માટે તેની પાસે કોઈ નક્કર કારણ પણ નથી. તે માનસિક રીતે સ્વસ્થ છે અને અમે ૫૦૦-૬૦૦ રૂપિયા પૉકેટ-મની તરીકે આપતા પણ હતા.’

બન્ને આરોપીને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને ૨૦ એપ્રિલ સુધી પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK