ગુજરાતી ફરિયાદીને જ પોલીસે માર માર્યો

ગોરેગામમાં ગુજરાતી વેપારીને પોતાની દુકાન પર દારૂડિયાએ કરેલી ધમાલની કમ્પ્લેઇન કરવાનું ભારે પડ્યું : પોલીસ દ્વારા કરવામાં આવેલી મારપીટની મુખ્ય પ્રધાનને રજૂઆત કરવામાં આવી


જયેશ શાહ

ગોરેગામ (વેસ્ટ)માં SV રોડ પર રાતે બે યુવાનોએ નશાની હાલતમાં ચશ્માંની એક દુકાન પર બિઅરની બૉટલ ફેંકવાના મામલામાં ગોરેગામ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવાનું બાવીસ વર્ષના ગુજરાતી યુવાનને ભારે પડ્યું છે. ગયા ગુરુવારે બનેલી ઘટના બાદ વેપારી પિતા-પુત્ર અને તેના ચાર મિત્રો ગોરેગામ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. ફરિયાદ નોંધાયા બાદ થોડા સમય પછી વેપારીના મોબાઇલ પર પોલીસ-સ્ટેશનમાં આવવા માટે એક ફોન આવ્યો હતો એટલે ફરી તેઓ પોલીસ-સ્ટેશનમાં ગયા હતા. ત્યારે ફરજ પરના એક પોલીસ-ઇન્સ્પેક્ટરે ફરિયાદીને જ અચાનક કોઈ પણ જાતના ગુના વગર માર માર્યો હતો. પોલીસે ડિટેક્શન-રૂમમાં લઈ જઈને ફરિયાદી યુવાનની ફરી વખત ધુલાઈ કરી હતી. આ યુવાન ડિપ્રેશનમાં આવી ગયો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પોલીસની આ નીતિ-રીતિ સામે ગોરેગામના વેપારીઓએ એક રૅલી કાઢી હતી. યુવાનના પિતાએ પોલીસ-અધિકારી અને અન્ય કૉન્સ્ટેબલો સામે ફરિયાદ નોંધાવી છે તથા આ મામલે મુખ્ય પ્રધાનને દરમ્યાનગીરી કરવા એક લેટર લખ્યો છે.

 શું છે ઘટના?


ગોરેગામમાં ઑપ્ટિક ઝોન નામની શૉપ ચલાવતા ૪૦ વર્ષના નીરવ ભટ્ટે આ મામલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું ૧૩ એપ્રિલે રાતે મારી દુકાન બંધ કરીને આવ્યો હતો, પરંતુ દુકાનમાં એક બર્થ-ડે ગિફ્ટ રહી ગઈ હોવાથી મેં મારા બાવીસ વર્ષના દીકરા રિશીને એ ગિફ્ટ લેવા મોકલ્યો. રિશી ગિફ્ટ લઈને શૉપનું શટર બંધ કરી રહ્યો હતો ત્યારે બે યુવાનોએ બિઅર પીને ખાલી ટિન મારી દુકાન પર ફેંક્યું હતું અને મારા દીકરા સાથે તે ગાળાગાળી કરવા લાગ્યો હતો. એથી તરત જ રિશીએ મને ફોન કર્યો અને મેં ઘરેથી તરત જ ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરી હતી, પરંતુ મારું ઘર મારી દુકાનથી નજીક હોવાથી હું પોલીસ આવે એ પહેલાં ત્યાં પહોંચી ગયો હતો. બાદમાં આ વિશે હું અને મારો દીકરો તેમ જ તેના ચાર મિત્રો ગોરેગામ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. ફરિયાદ બાદ અમે રાતના એક રેસ્ટોરાંમાં નાસ્તો કરી રહ્યા હતા એ સમયે પોણાબાર વાગ્યે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે તમે જે ફરિયાદ કરી છે એ માટે તમને પોલીસ-સ્ટેશનમાં બોલાવે છે. તરત જ અમે બધા પોલીસ-સ્ટેશનમાં ગયા હતા. આરોપીના પિતા ત્યાં હાજર હતા અને તેમણે ફોન કર્યો હતો. તેમણે અમને જણાવ્યું કે મારા દીકરાએ હમણાં જ હાર્ટનું ઑપરેશન કરાવ્યું છે એટલે તેના વતી હું માફી માગું છું અને તમને ફરિયાદ પાછી ખેંચી લેવા વિનંતી કરું છું. એથી અમે માનવતાને ધ્યાનમાં લઈને ફરિયાદ માંડી વાળવા તૈયાર થયા હતા. બાદમાં હું એ સમયે સામે પાણીની બૉટલ લેવા ગયો હતો. ત્યારે અચાનક પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રવીણ પાટીલ પોલીસ-સ્ટેશનમાં આવ્યા અને રિશીના મિત્ર મેહુલ દેઢિયાને એક લાફો માર્યો હતો. એથી રિશીએ તેના ખિસ્સામાંથી ફરિયાદની કૉપી બતાવીને કહ્યું કે અમે તો ફરિયાદી છીએ, શા માટે તમે અમને મારો છો? એટલે પ્રવીણ પાટીલે રિશીને એક લાફો મારતાં કહ્યું કે તું બહુ શાણો છે. એમ કહીને ડિટેક્શન-રૂમમાં લઈ જઈને ઇન્સ્પેક્ટર પ્રવીણ પાટીલ અને અન્ય ત્રણ પોલીસ-કર્મચારીઓએ રિશીને ઢોર માર માર્યો હતો. હું પોલીસ-સ્ટેશનમાં આવ્યો ત્યારે આ સમગ્ર મામલાની મને મારા દીકરાએ અને પોલીસ-સ્ટેશનમાં સાથે હતા એ મિત્રો ભાવિન જાની, કેવિન ફર્નાન્ડિસ, વિપુલ મઘિયાણી અને મેહુલ દેઢિયાએ વાત કરી હતી. એથી અમે આ વિશે આ પોલીસ-કર્મચારીઓ સામે ૧૯ એપ્રિલે ફરિયાદ કરી હતી. ગોરેગામ મર્ચન્ટ્સ અસોસિએશને પોલીસના અત્યાચાર સામે વિરોધ નોંધાવવા એક રૅલી પણ કાઢી હતી અને આ મામલે ઉચ્ચ પોલીસ-અધિકારી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક લેટર લખીને આ મામલામાં દરમ્યાનગીરી કરી જવાબદાર પોલીસો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી છે.’

ફરિયાદીની મમ્મીનું શું કહેવું છે?

મારો દીકરો રિશી લૉ ફૅકલ્ટીના ચોથા વર્ષનો સ્ટુડન્ટ છે એમ જણાવીને દીપ્તિ ભટ્ટે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘તે ભારતીય કાનૂનની પરિભાષા શીખી રહ્યો છે. એ મુજબ ફરિયાદીને ન્યાય મળે એ માટે નીડર બનીને માનવીય અભિગમ અપનાવવાના શપથ લઈ રહ્યો છે. એ સમયે તેની સાથે કાનૂનના રક્ષક એવા પોલીસે અમાનવીય અત્યાચાર કર્યો છે. રિશી માનવીય અભિગમ અપનાવીને ફરિયાદ પાછી ખેંચવા પોલીસ-સ્ટેશનમાં પાછો ગયો અને તેના પર ધરમ કરતાં ધાડ પડી એવો ઘાટ સર્જાયો. જો અમે પેરન્ટ્સ તરીકે રિશી સાથે થયેલી ઘટનામાં સહકાર આપીને નિર્ભિક રીતે લડાઈ નહીં લડીએ તો તે સામાન્ય જનતાને એક ઍડ્વોકટ તરીકે કેવી રીતે ન્યાય અપાવી શકશે? તેની સાથે બનેલી ઘટના બાદ તે ડિપ્રેશનમાં છે.’

 પોલીસનું શું કહેવું છે?


ગોરેગામ પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારી ભાસ્કર જાધવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રિશી ભટ્ટના મામલામાં અમે જવાબદાર પોલીસો સામે બિનદખલપાત્ર ફરિયાદ નોંધી છે. અમે આ વિશે તપાસ કરી રહ્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK