લોહી એટલું વહી ગયું કે જીવ સામે જોખમ ઊભું થયું

બાળકીની આંગળી કપાઈ ગયા પછી બેદરકારી દાખવનારી કાંદિવલીની ઠાકુર ઇન્ટરનૅશનલ સ્કૂલ સામે વાલીઓ વીફર્યા


jivik


કાંદિવલી (વેસ્ટ)માં દહાણુકરવાડી વિસ્તારમાં આવેલી ઠાકુર ઇન્ટરનૅશનલ સ્કૂલમાં સિનિયર KGની પાંચ વર્ષની વિદ્યાર્થિનીની ટચલી આંગળી કપાઈ જવાની ચોંકાવનારી ઘટનામાં કાંદિવલી પોલીસે સ્કૂલ-ટીચર અને સ્કૂલના સંચાલક સામે ફરિયાદ દાખલ કરી છે.

બુધવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના સ્કૂલ-ટીચરની બેદરકારીને કારણે બની હતી. ટીચરે ક્લાસરૂમનો દરવાજો જોરથી બંધ કરતાં જીવિકા મિસ્ત્રીની ડાબા હાથની ટચલી આંગળી દરવાજામાં આવી ગઈ હતી અને તેની આ આંગળીનો નખ સુધીનો ભાગ કપાઈ ગયો હતો. જીવિકાને તાબડતોબ હૉસ્પિટલમાં લઈ જવાને બદલે ટીચરે અને મૅનેજમેન્ટે તેને કણસતી અવસ્થામાં સ્કૂલમાં જ બેસાડી રાખી હતી અને તેના વાલીઓના આવવાની રાહ જોઈ હતી. કલાકો બાદ જીવિકાને સારવાર મળી હતી. સારવારમાં મોડું થતાં હવે તેની આંગળીનો કપાયેલો ભાગ જોડવાનું પણ શક્ય નથી. જીવિકા હાલ અંધેરીની કોકિલાબેન હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

આ ઘટનાના વિરોધમાં વિદ્યાર્થીઓના વાલીઓએ ગઈ કાલે સ્કૂલની સામે બપોરે બારથી સાંજે ચાર વાગ્યા સુધી વિરોધ-પ્રદર્શન કર્યું હતું. સ્કૂલ સામે વાતાવરણ તંગ ન બને એ માટે પોલીસ પણ ગોઠવાઈ ગઈ હતી. જીવિકાની મમ્મી રેખાએ સ્કૂલ-ટીચર અને સ્કૂલના મૅનેજમેન્ટ સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ટીચર અને સ્કૂલના સંચાલક સામે બેદરકારી બદલ ફરિયાદ દાખલ કરી


અંધેરીમાં ઇન્ટીરિયર ડિઝાઇનના બિઝનેસ સાથે સંકળાયેલા અને કાંદિવલીના મહાવીરનગરમાં રહેતા જીવિકાના પપ્પા હેમંત મિસ્ત્રીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દીકરીનું લોહી એટલુંબધું વહી ગયું હતું કે ગઈ કાલે તેનું ઑપરેશન કરતાં પહેલાં લોહી ચડાવવું પડ્યું હતું. ડૉક્ટરના રિપોર્ટમાં હિમોગ્લોબિનનું લેવલ છ ગ્રામ પ્રતિ ડેસિલીટર જેટલા નીચા સ્તરે આવી ગયું હતું, જીવિકાની ઉંમરના બાળકોમાં એ ૧૪ના લેવલ પર હોવું જોઈએ. એ સૂચવે છે કે મારી દીકરીની જિંદગી સામે ખતરો ઊભો થયો હતો. સ્કૂલ-મૅનેજમેન્ટની અમાનવીય હરકતને કારણે અમે ગઈ કાલે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં સ્કૂલ-મૅનેજમેન્ટ અને ટીચર સામે ફરિયાદ નોંધાવી છે. તેની ટચલી આંગળીનો નખ સુધીનો ભાગ કપાઈ ગયો હતો ત્યાં ગઈ કાલે ડૉક્ટરે ઑપરેશન કર્યું છે. જો કૉસ્મેટિક સર્જરી નહીં કરાવીએ તો લાઇફ-ટાઇમ આ આંગળી કપાયેલી રહેશે. મારી પત્ની રેખાને આ ઘટનાથી આઘાત લાગ્યો છે. મારી મોટી દીકરી દિલિશા સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. અમને બે વર્ષનો એક દીકરો પણ છે.’

સ્કૂલની બેદરકારી


જીવિકાની ટચલી આંગળીનો નખ સુધીનો ભાગ કપાઈ ગયો ત્યાર બાદ સ્કૂલ-મૅનેજમેન્ટે તેને હૉસ્પિટલમાં લઈ જવાને બદલે આંગળી પર માત્ર રૂનો ટુકડો લપેટીને સ્કૂલમાં જ બેસાડી રાખી હતી. આંગળીનો કપાયેલો ભાગ બરફ ભરેલી પ્લાસ્ટિકની એક કોથળીમાં રાખવામાં આવ્યો હતો. ત્યાં સુધી જીવિકાને પીડાથી કણસતી હાલતમાં રાખવામાં આવી હતી. બાદમાં જીવિકાના પરિવારે તેને કાંદિવલી (વેસ્ટ)ની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી ત્યાં સુધી તે પીડાથી કણસતી હતી. ત્યાંથી તેને અંધેરીની કોકિલાબેન હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પોલીસ શું કહે છે?


કાંદિવલી પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના વિશે અમે સ્કૂલ-મૅનેજમેન્ટ સામે બાળકીની કૅર ન કરવા માટે ફરિયાદ નોંધી છે. ગઈ કાલે સ્કૂલની સામે ૨૦૦થી વધુ વાલીઓનું ટોળું સ્કૂલ-મૅનેજમેન્ટ સામે વિરોધ દર્શાવવા એકઠું થયું હતું. આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’

આ સમગ્ર ઘટનામાં સ્કૂલ-મૅનેજમેન્ટનો પક્ષ જાણવા માટે ‘મિડ-ડે’એ પ્રયાસ કયોર્ હતો, પરંતુ કોઈએ ફોન ઊંચક્યો નહોતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK