મલાડ સ્ટેશન બન્યું બૅટલ-ગ્રાઉન્ડ

કૉન્ગ્રેસના મોરચા બાદ ફેરિયાઓ અને MNS વચ્ચે ઝપાઝપી : સંજય નિરુપમના નિવેદનથી ઉશ્કેરાયેલા ફેરિયાઓએ MNSના વિભાગ-અધ્યક્ષનું માથું ફોડી નાખ્યું: MNSના ૫૦થી વધુ કાર્યકરોએ માલસામાન ફેંકી દઈને ફેરિયાઓને ભગાડ્યા

malad

યશ રાવલ

મલાડ સ્ટેશન પાસેનો વિસ્તાર ગઈ કાલે ફેરિયાઓ અને MNSના કાર્યકરો વચ્ચે બૅટલ-ગ્રાઉન્ડ બની ગયો હતો. પહેલાં ફેરિયાઓએ MNSના સ્થાનિક કાર્યકરોની મારપીટ કરી હતી અને પછી એ સમાચાર ફેલાતાં મોટી સંખ્યામાં એકઠા થયેલા MNSના કાર્યકરોએ એ વિસ્તારમાંથી બધા ફેરિયાઓનો માલસામાન ફગાવીને તેમને ભગાવી દીધા હતા. છેવટે પોલીસ-સ્ટેશનમાં પણ બન્ને જૂથો વચ્ચે જંગ છેડાયો હતો. આ બનાવ બાદ મોડી રાત સુધી બન્ને પક્ષના અનેક લોકોને પોલીસ-સ્ટેશનમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા અને પછીથી MNSના સાત જણ વિરુદ્ધ રમખાણ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.

એલ્ફિન્સ્ટન રોડના બ્રિજ પર બનેલી દુર્ઘટના બાદ ફેરિયાઓ વિરુદ્ધ આક્રમક થયેલી MNSના વિરોધમાં અને ફેરિયાઓના સમર્થનમાં મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમે ગઈ કાલે મલાડ (વેસ્ટ)માં સ્ટેશન પાસે મોરચો કાઢ્યો હતો અને જાહેર સભા સંબોધી હતી. સંજય નિરુપમે સભામાં ફેરિયાઓ MNSની ગુંડાગર્દી સાંખી નહીં લે અને તેઓ પણ જવાબ આપવા સક્ષમ છે એવું નિવેદન આપી ફેરિયાઓને ચાનક ચડાવી હતી જેને પગલે ફેરિયાઓએ સંજય નિરુપમની સભા પૂરી થયા પછી અહીં કાર્યકરો સાથે આવેલા MNSના વિભાગ-અધ્યક્ષ સુશાંત માળવદે અને કાર્યકરોની મારપીટ કરી હતી અને સુશાંતનું માથું ફોડી નાખ્યું હતું. તેને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. MNSના બીજા સાત કાર્યકરોને પણ ફેરિયાઓએ લાકડી અને લોખંડના સળિયાથી ફટકાર્યા હતા. પહેલાં કૉન્ગ્રેસનો મોરચો, ત્યાર બાદ ફેરિયાઓ અને MNS વચ્ચે ઝપાઝપી અને ચાર-ચાર પોલીસ-બસના કાફલા સાથે મલાડ સ્ટેશન ગઈ કાલે બૅટલ-ગ્રાઉન્ડ જેવું ભાસતું હતું. કૉન્ગ્રેસનો મોરચો અને MNS ધમાલ કરે એવી ધારણા હોવાને કારણે અહીં ભારે પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

જોકે વિભાગ-અધ્યક્ષ પર થયેલા હુમલા બાદ મોટી સંખ્યામાં MNSના કાર્યકરો મલાડ સ્ટેશનના વિસ્તારમાં ધસી આવ્યા હતા અને અહીં હાજર ફેરિયાઓનો માલસામાન રસ્તા પર ફગાવીને તેમને ભગાડી દીધા હતા. કેટલાક ફેરિયાઓને માર પણ મારવામાં આવ્યો હતો, પરંતુ એ ગંભીર પ્રકારનો નહોતો. 

આ બધું ચાલી રહ્યું હતું ત્યારે આસપાસનાં પોલીસ-સ્ટેશનોમાંથી વધારાની પોલીસ-કુમક મગાવવામાં આવી હતી અને બન્ને પક્ષના લોકોને પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.

બન્ને પક્ષે કરવામાં આવેલી મારપીટ અને માલસામાનના નુકસાન બાદ સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને પગલે MNSના ઉપાધ્યક્ષ નયન કદમ સહિત કેટલાક કાર્યકરોની અટકાયત કરીને નિવેદન નોંધવાનું કામ ચાલી રહ્યું હતું, જ્યારે ચાર ફેરિયાઓ વિરુદ્ધ MNSના કાર્યકરોને મારવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને બે ફેરિયાઓ વિરુદ્ધ ગંભીર હુમલાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

બીજી તરફ MNSના નેતા નીતિન સરદેસાઈ અને શાલિની ઠાકરેએ પોલીસ-સ્ટેશનમાં પહોંચીને સંજય નિરુપમ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો ગુનો દાખલ કરવાની માગણી કરી હતી.

પોલીસે ભાષણનો વિડિયો તપાસીને બાદમાં આવશ્યક જણાશે તો સંજય નિરુપમ સામે ગુનો નોંધવાની ખાતરી આપી હતી.

હવે વિભાગ-પ્રમુખ પર હુમલાની ઘટના બાદ MNSના અધ્યક્ષ રાજ ઠાકરે મલાડ આવવાના હોવાથી માહોલ વધુ ગરમાય એવી શક્યતા છે.


હવે કહો જોઈએ ખરા ગુંડા કોણ છે? : MNS

‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં MNSના ઉપાધ્યક્ષ નયન કદમે જણાવ્યું હતું કે ‘સંજય નિરુપમ આવીને ફેરિયાઓને ભડકાવે છે અને ત્યાર બાદ ફેરિયાઓ અમારા વિભાગ-અધ્યક્ષનું માથું ભાંગી નાખે છે. અમારા વિભાગ-અધ્યક્ષ પર હુમલો કરવામાં આવ્યો છે ત્યારે કહો જોઈએ કે ખરા ગુંડા કોણ છે? અમે કે ફેરિયાઓ? અમારા વિભાગ-અધ્યક્ષને આઠ ટાંકા આવ્યા છે અને સંજય નિરુપમને ફેરિયાઓ પાસેથી મળતો હપ્તો બંધ થતાં તેઓ હાંફળા-ફાંફળા થઈ બેફામ નિવેદનો કરી રહ્યા છે.’

ફેરિયાઓએ કરેલી મારપીટનો MNS કેવી રીતે જવાબ આપશે એવા સવાલના જવાબમાં નયન કદમે કહ્યું હતું કે ‘અમે જવાબ માત્ર ત્યારે આપીશું જ્યારે ફેરિયાઓ ફરી રસ્તા પર ધંધો શરૂ કરી દેશે. લોકોના હિત માટે અમે અમારી સ્ટાઇલમાં જવાબ આપીશું.’


MNSના કાર્યકરો હપ્તા વસૂલતા હતા એટલે તેમને માર્યા : સંજય નિરુપમ

‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમે MNSના તેમનો હપ્તો બંધ થઈ જવાના આરોપને ફગાવતાં જણાવ્યું હતું કે ‘આ વાત સાવ ખોટી છે અને MNSના કાર્યકરોને મારા આપેલા ભાષણને કારણે માર નથી પડ્યો, પરંતુ તેઓ ફેરિયાઓ પાસેથી હપ્તો વસૂલ કરી રહ્યા હતા એટલે તેમના પર હુમલો થયો છે. જ્યાં સુધી મુખ્ય પ્રધાન ફેરીવાલા સંરક્ષણ કાયદો લાગુ ન કરે ત્યાં સુધી કોઈ પણ ફેરિયો ગેરકાયદે નથી. તેમને તેમની જગ્યા પર ધંધો કરવાનો પૂરો અધિકાર છે.’

નેતાઓની લડાઈમાં અમારા છોકરા ભૂખ્યા મરે છે : અરુણ જુન્નરકર

મલાડ સ્ટેશનની બહાર બેસતા ફેરિયાઓના સંગઠનના અધ્યક્ષ અરુણ જુન્નરકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સંજય નિરુપમે અહીં મોરચો લાવીને MNS અને BJPને એક મુદ્દો આપી દીધો. હવે નેતાઓને મુદ્દાઓ નથી મળતા એટલે અમારા નામે તેઓ આ બધું કરે છે અને વચ્ચે મરો અમારા જેવા ગરીબ લોકોનો થાય છે અને અમારા છોકરાઓ ભૂખ્યા મરે છે. છેલ્લા બાર દિવસથી અમે ધંધો લગાડી નથી શક્યા. જો અમે ગેરકાયદે છીએ તો વીસ ફુટ દૂર સુધી દુકાનનો વિસ્તાર કરનારાની જગ્યા પણ ગેરકાયદે છે. તેમની વિરુદ્ધ પણ MNS અને BMCએ કાર્યવાહી કરવી જોઈએ. હપ્તા તો અમારી અને દુકાનવાળા બન્ને પાસેથી લેવામાં આવે છે, પરંતુ સમય આવ્યે આડે હાથ તો અમે જ ચડીએ છીએ. અદાલતના આદેશ અનુસાર વૈકલ્પિક જગ્યા અમને ન ફાળવાય ત્યાં સુધી અમને અહીંથી હટાવવાનો કોઈને અધિકાર નથી. અમે અહીં વર્ષોથી ધંધો કરીએ છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK