શૉર્ટકટ બન્યો જીવલેણ

મલાડમાં એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં ગુજરાતીનું મોત : રેલવેના પાટા ક્રૉસ કરી રહ્યા હતા ત્યારે થયો ઍક્સિડન્ટ: ઈસ્ટ-વેસ્ટમાં આવવા-જવાનો બ્રિજ ૩૬ દિવસથી બંધ હોવાથી લોકાએ દોઢ કિલોમીટર ફરીને જવું પડે છે

લોકો હજી પણ પાટા ક્રૉસ કરવા રેલિંગ કૂદીને આવ-જા કરી રહ્યા છે.


જયેશ શાહ

મલાડમાં ઈસ્ટ-વેસ્ટમાં આવવા-જવા માટેનો એક બ્રિજ છેલ્લા ૩૬ દિવસથી લોકો માટે બંધ કરવામાં આવ્યો છે એને પરિણામે લોકોએ રાણી સતી માર્ગ પરથી આનંદ માર્ગ આવવા-જવા માટે દોઢ કિલોમીટર ફરીને જવું પડે છે. જોકે લોકો શૉર્ટકટ રસ્તો અપનાવવા માટે રાણી સતી માર્ગ પાસેના રેલવે-ફાટકના પોલાણમાંથી રેલવે-ટ્રૅક ક્રૉસ કરીને મોતને આમંત્રણ આપી રહ્યા છે. આવી જ એક ઘટના મંગળવારે બની હતી જેમાં બોરીવલી (વેસ્ટ)માં રહેતા બાવન વર્ષના ગુજરાતી ટાઇલ્સ-કૉન્ટ્રૅક્ટર મનસુખ ટાંકનું મોત એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવતાં થયું હતું. આ કેસમાં રેલવે-પોલીસે ટ્રેસ-પાસિંગનો ગુનો નોંધ્યો છે.

શું છે ઘટના?

મલાડ (ઈસ્ટ)ના રાણી સતી માર્ગ પાસેથી વેસ્ટ તરફ આવવા માટેના આનંદ માર્ગ રોડ પર જાહેર જનતાને આવવા-જવા માટેનો જૂનોપુરાણો બ્રિજ ૧૩ ડિસેમ્બરથી રિપેરિંગ માટે વેસ્ટર્ન રેલવે ડિવિઝને બંધ કર્યો છે. આ બ્રિજ બંધ થવાને કારણે રોજના હજારો લોકોએ દફ્તરી રોડ થઈને મલાડ-વેસ્ટમાં જવું પડે છે એને પરિણામે આ રોડ પર ટ્રાફિક વધી ગયો છે અને અહીંથી પસાર થતા લોકોનો ખાસ્સો સમય વેડફાય છે. મલાડ-ઈસ્ટમાંથી વેસ્ટના આનંદ માર્ગ પર જવા માટે દોઢ કિલોમીટરના અંતરેથી ફરીને જવું પડે છે. વળી મલાડ-ઈસ્ટમાં એક પણ સ્મશાનભૂમિ ન હોવાથી લોકોએ ડેડ-બૉડીને અંતિમ સંસ્કાર માટે લઈ જવા લાંબો રસ્તો અપનાવવો પડે છે. આવા સંજોગોમાં મહિલાઓ અને સિનિયર સિટિઝનો શૉર્ટકટ રસ્તો અપનાવવા માટે મજબૂર બને છે અને રાણી સતી રોડ પાસેના રેલવે-ફાટક પાસેથી શૉર્ટકટ અપનાવવા માટે રેલવેના પાટા ક્રૉસ કરે છે.

આ સ્પૉટ પરથી પાટા પર આવીને ક્રૉસ કરવામાં થયો ઍક્સિડન્ટ.

કઈ રીતે બની ઘટના?

આ ઍક્સિડન્ટની ઘટના વિશે રાણી સતી રોડ પાસેના રેલવે-બ્રિજ પાસે શૉપ-નંબર ત્રણમાં લેન્સ કૉર્નર નામની ચશ્માંની દુકાનના માલિક રાજેન્દ્ર મોદીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મનસુખ ટાંક મારા વષોર્જૂના ગ્રાહક છે. મંગળવારે બપોરે ૧૧.૩૦ વાગ્યે મારી શૉપ પાસેથી પસાર થયા હતા એ દરમ્યાન સામાન્ય વાતચીત માટે તેઓ મારી શૉપ પાસે આવ્યા હતા. અમે પાંચેક મિનિટ વાત કરી હતી. મેં મનસુખભાઈને સવાલ કર્યો કે આ બાજુ ક્યાં જઈ રહ્યા છો? ત્યારે મનસુખભાઈએ કહ્યું કે મારે વેસ્ટમાં જવું છે, ઇમર્જન્સી કામ છે. મેં કહ્યું કે આ બ્રિજ બંધ છે અને ફાટકમાંથી રેલવે-ટ્રૅક ક્રૉસ કરીને જવામાં જોખમ છે. જોકે શૉર્ટકટ રસ્તો અપનાવવાની મારી ના છતાં તેઓ એ રસ્તેથી ગયા અને બે મિનિટ બાદ એક્સપ્રેસ ટ્રેનના સતત હૉર્નના અવાજ વચ્ચે જોરદાર ટક્કર થઈ હોય એવો અવાજ આવ્યો. તરત આસપાસની શૉપના લોકોએ ફાટક પાસેથી પાટા પર ડોકિયું કર્યું ત્યારે એક પુરુષની બૉડીના ત્રણ ટુકડા થઈને પડેલા જોવા મળ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે મૃત્યુ પામનારનું શરીર ટ્રેન સાથે ૨૫ ફુટ દૂર સુધી ઘસડાયું હતું. બાદમાં મને જાણવા મળ્યું કે આ ઍક્સિડન્ટ મનસુખભાઈનો થયો છે. ૩૦ વર્ષ જૂના મારા ગ્રાહક હજી બે મિનિટ પહેલાં જ મને મળીને ગયા અને તેમનું કરુણ રીતે મોત થયું હતું. હું આ ઘટનાથી ઘણો વ્યથિત છું.’

આ ઘટના બાદ અહીં દુકાન ધરાવતા નીલેશ ગાલા, ઉઝૈફા ખાન અને અન્ય દુકાનધારકોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ બ્રિજનું રિપેરિંગ તાત્કાલિક ધોરણે હાથ ધરાવું જોઈએ એને બદલે ધીમી ગતિએ ચાલી રહ્યું છે. મંગળવારની ઘટના બાદ રેલવે-અધિકારીઓએ રાણી સતી રોડ પરના ફાટકના તૂટેલા બંધ દરવાજાના લોખંડના સળિયાને વેલ્ડિંગ કરી રિપેરિંગ કર્યું હતું, પરતું હજી પણ આ બ્રિજનું કામ ઝડપથી નહીં થાય તો આ પ્રકારની ઘટનાઓ હજી પણ બની શકે છે, કારણ કે હજી પણ ઘણા લોકો આ ફાટક પાસેના પોલાણની જગ્યામાંથી ટ્રૅક ક્રૉસ કરે જ છે.’

પળવારમાં મોત : મનસુખ ટાંક.


પરિવાર શું કહે છે?


ગોરાઈ-ટૂમાં એકલવ્ય સોસાયટીની રૂમ નંબર ૧૦માં રહેતા મનસુખ ટાંકના દીકરા રાકેશ ટાંકે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રેલવે-પોલીસનો બપોરે એક વાગ્યે ફોન આવ્યો હતો કે તમારા પરિવારમાંથી કોઈ પુરુષનો ટ્રેન-ઍક્સિડન્ટ થયો છે અને તેમને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હું ત્યાં ગયો ત્યારે મારા પપ્પાનું ટ્રૅક-ક્રૉસિંગ કરતી વખતે થયેલા અકસ્માતમાં મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. ગઈ કાલે સવારે અમને પપ્પાની ડેડ-બૉડી સોંપવામાં આવી હતી.’

ટાંકપરિવારમાં મનસુખભાઈનાં પત્ની શારદાબહેન અને રાકેશ તથા પરિમલ નામના બે દીકરા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK