આ વૈષ્ણવ જન બનશે જૈન સંત

ટ્રેકિંગનો-ફરવાનો શોખીન, IITનો કેમિકલ એન્જિનિયર સંકેત પારેખ બધું છોડીને સંયમમાર્ગે ઊપડ્યો છે

jain

રોહિત પરીખ / ખુશાલ નાગડા

કાંદિવલી (વેસ્ટ)ના સ્ટેશન રોડ પર મમ્મી સાથે રહેતો વૈષ્ણવ સંપ્રદાયનો સંકેત પારેખ બાવીસ જાન્યુઆરીએ બોરીવલી (વેસ્ટ)ની ચીકુવાડીમાં જૈનાચાર્ય અને પંડિત મહારાજસાહેબ તરીકે પ્રસિદ્ધ યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં અન્ય ૧૫ મુમુક્ષુઓની સાથે દીક્ષા ગ્રહણ કરશે. IIT એન્જિનિયર સંકેત મિત્ર ભાવિક શાહ સાથે ‘આત્માનું અસ્તિત્વ’ વિષય પર ચૅટિંગ કરતાં-કરતાં જૈન ધર્મની ફિલોસૉફી પ્રત્યે આકર્ષિત થયો હતો અને જૈન ધર્મનાં પાઠ્યપુસ્તકો વાંચતાં-વાંચતાં તેનામાં સંયમના ભાવ જાગ્યા હતા. સંકેતના પરમ મિત્ર ભાવિકે ત્રણ વર્ષ પહેલાં યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી હતી. ભાવિક હવે મુનિ ભુવનજિત મહારાજસાહેબ છે.

જીવનમાં ક્યારેય આટલું જબરદસ્ત પરિવર્તન આવશે એવો મને સપનામાં પણ ખ્યાલ નહોતો એમ જણાવતાં સંકેત મહેશ પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં માઉન્ટેનિયરિંગનો એક વર્ષનો કોર્સ કર્યો છે. મને ટ્રેકિંગનો અને ફરવાનો ખૂબ જ શોખ છે. વિદેશમાં પણ મેં અનેક ટૂરો કરી છે. જોકે કેમિકલ એન્જિનિયરિંગ કરતો હતો એ સમયે મારો પરિચય ભાવિક સાથે થયો હતો. ભાવિક કૅનેડામાં ઇન્ટર્નશિપ કરવા  યુનિવર્સિટી ઑફ ઍલ્બર્ટામાં હતો અને હું મુંબઈમાં હતો એટલે અમે ઑનલાઇન ચૅટિંગ કરતા હતા. અમારો વિષય હતો ‘આત્માનું અસ્તિત્વ’. આ વિષય પર ચૅટિંગ કરતાં-કરતાં હું જૈન ધર્મની ફિલોસૉફી તરફ આકર્ષિત થયો હતો. એને કારણે મેં જૈન ધર્મનાં અનેક પાઠ્યપુસ્તકો વાંચવાની શરૂઆત કરી હતી જેણે મને સંયમમાર્ગ તરફ વળવાની પ્રેરણા આપી હતી. ત્યાર પછી મારા અને ભાવિકના ગુરુ જેમની નિશ્રામાં હું દીક્ષા લઈ રહ્યો છું એ જૈનાચાર્ય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબની સાથે સવાબે વર્ષ સુધી ફર્યા પછી મેં સંયમમાર્ગે જવાનો નિર્ધાર કર્યો હતો જેના માટે ગુરુમહારાજે મને આજ્ઞા આપી હતી.’

સંયમમાર્ગે જવા માટે સંકેતે વર્ષે બાર લાખ રૂપિયાના પગારની જૉબને છોડી દીધી હતી એમ જણાવતાં બૅન્ક ઑફ બરોડામાંથી હમણાં જ નિવૃત્ત થયેલાં સંકેતનાં ૬૧ વર્ષનાં મમ્મી સંધ્યાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંકેતે નાનપણમાં બોરીવલીની જયાબેન બી. ખોત હાઈ સ્કૂલમાં ભણ્યા બાદ IITમાં કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હતી. તેના પપ્પાનો ગોરેગામમાં મેડિકલનો સ્ટોર હતો, પરંતુ બે વર્ષ પહેલાં તેઓ કૅન્સરની બીમારીમાં મૃત્યુ પામ્યા હતા. સંકેતની મોટી બહેન નિકિતા ચિરાગ પારેખ કાંદિવલીમાં અમારા ઘર પાસે જ રહે છે.’

સંકેતે પહેલી વાર મારી પાસે સંયમમાર્ગે જવાની પરવાનગી માગી ત્યારે મેં સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો એમ જણાવીને સંધ્યાબહેને કહ્યું હતું કે ‘સંકેતને મેં કહ્યું હતું કે મારા મૃત્યુ પછી તું દીક્ષા લેજે. ત્યાર પછી મને અનેક લોકોએ સમજાવી, પણ મારું મન માનતું નહોતું. એ સમયે મારો ડૉક્ટર ભાઈ મને મળવા આવ્યો હતો. તેના બે પુત્રો ડૉક્ટર છે. ભાઈએ આવીને મને ઑફર કરી કે તને પુત્ર જોઈતો હોય તો એક કામ કર, મારા બેમાંથી એક પુત્ર તું લઈ લે અને મને સંકેત આપી દે; હું સંકેતને દીક્ષા લેવાની પરવાનગી આપીશ.’

ભાઈની વાતથી હું પીગળી ગઈ હતી એમ જણાવતાં સંધ્યાબહેને કહ્યું હતું કે ‘ભાઈની વાત સાંભળ્યા પછી મને થયું કે જો મારો ભાઈ સંકેતને દીક્ષા લેવાની પરવાનગી આપી શકે છે તો હું કેમ નહીં. આખરે હું માની ગઈ હતી અને મેં સંકેતને દીક્ષા લેવાની રજા આપી હતી. આ દરમ્યાન સંકેતે કોઈ દિવસ જીદ પકડી નહોતી, પરંતુ તેણે મિની સાધુજીવન સમા ઉપધાનતપ અને બીજાં અનેક તપ તેમ જ જાત્રાઓ કરવાનું ચાલુ રાખ્યું હતું. તે તો પહેલા દિવસથી જ સંયમમાર્ગે જવા મક્કમ હતો. મારી દીકરી અને સંકેતની મોટી બહેન નિકિતા આજે પણ સંકેતને રજા આપી શકી નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK