કાંદિવલીમાં ગુજરાતીના ફ્લૅટમાં લાગેલી આગથી આખી સોસાયટી ભયભીત

જેના ઘરમાં આગ લાગી તેનો બધો સામાન ભસ્મીભૂત, સોનાના દાગીના અને કૅશને પણ નુકસાન

flat


કાંદિવલીની શંકર લેનમાં આવેલી એક સોસાયટીના એક ફ્લૅટમાં ગઈ કાલે આગ લાગી હતી. આગનું સ્વરૂપ એટલું વિકરાળ બની ગયું હતું કે સોસાયટીના સભ્યો ગભરાઈ ગયા હતા.

સુમન યંગસ્ટર સોસાયટીમાં B-13 નંબરના એક બંધ ફ્લૅટમાંથી બપોરે ૧૨ વાગ્યે ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. આગની જ્વાળાઓ વિકરાળ બનતાં સોસાયટીની A થી F વિન્ગના ૧૨૫ ફ્લૅટના રહેવાસીઓ ડરી ગયા હતા. જ્વાળાઓ આસપાસના અને ટૉપ ફ્લોર સુધી ફેલાવા લાગી હતી. મહિલાઓ અને બાળકો જલદીથી તેમના ઘરમાંથી બહાર નીકળી ગયાં હતાં. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ એક ગુજરાતી પરિવારે પોતાનો જીવ બચાવવા માટે ટેરેસમાં થઈને બાજુની વિન્ગમાંથી બહાર નીકળવું પડ્યું હતું. આગની ઘટનામાં માલમતાને ભારે નુકસાન થયું છે. બે ફાયર-એન્જિન સવાબાર વાગ્યે ઘટનાસ્થળે આવી પહોંચ્યાં હતાં અને આગને કાબૂમાં લીધી હતી.

ફ્લૅટધારકનું શું કહેવું છે? 


આગની ઘટના વિશે જેમના ફ્લૅટમાં આગ લાગી હતી તે દીપક શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પપ્પા મનહર શાહ મારી એક બહેન મીના સાથે ગઈ કાલે અમારા આ ફ્લૅટમાં કામ માટે ગયા હતા અને સવારે સાડાઅગિયાર વાગ્યે ત્યાંથી નીકળ્યા હતા. એની થોડી વારમાં જ અમારા ફ્લૅટમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગ્યા હતા. આસપાસના લોકોએ અમને જાણ કરી હતી. જોતજોતામાં અમારો તમામ સામાન અને ઘરવખરી આગની લપેટમાં આવી ગયાં હતાં. જોકે અમે અમારા ઘરની એક ચાવી બાજુના ઘરમાં રાખીને જઈએ છીએ. આગની જાણ ફાયર-બ્રિગ્રેડને કરવામાં આવી હતી અને બાદમાં તેમણે આગને કાબૂમાં લીધી હતી. અમારો તમામ સામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. સોનાના અમુક દાગીનાને અને પપ્પાએ રાખેલી કૅશને આગને કારણે નુકસાન થયું છે. અમે સામાન્ય પરિવારના છીએ. આગને કારણે અમારું સર્વસ્વ તારાજ થઈ ગયું છે.’

જાન બચાવવા ટેરેસનો સહારો


ગ્રાઉન્ડ પ્લસ ચાર માળ ધરાવતા બિલ્ડિંગમાં ત્રીજા માળની આગની જ્વાળાઓ એની ઉપરના ફ્લૅટમાં રહેતાં દર્શના દોશીના ઘરમાં પહોંચી હતી. દર્શના દોશીએ તેઓ જાન બચાવવા કઈ રીતે ભાગ્યાં એ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા હસબન્ડ મનીષ તેમની ઇમિટેશનની દુકાન પર સવારે ગયા હતા. ઘરમાં હું અને મારો ૯ વર્ષનો દીકરો ભવ્ય હતાં. દીકરી સ્કૂલમાં ગઈ હતી. આગની જ્વાળાઓ મારા ઘરની ગૅલરી સુધી આવી ગઈ હતી એટલે જલદીથી ગૅસ અને ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરીને અમે ટેરેસ પર ગયાં હતાં અને ત્યાંથી બાજુની વિન્ગમાંથી નીચે આવ્યાં હતાં. આવા સમયે કઈ રીતે ક્યાંથી નીચે ઊતરવું એની અસમંજસ થાય છે, પરંતુ ભગવાને મને રસ્તો બતાવ્યો હોય એવી પ્રતીતિ થાય છે. અમારા ઘરમાં પણ આ આગની ઘટનાને કારણે નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ એ અમારી સોસાયટી માટે મહત્વનું છે.’ 

ફાયર-બ્રિગેડનું શું કહેવું છે?


કાંદિવલી ફાયર-સ્ટેશનના અસિસ્ટન્ટ ફાયર-ઑફિસર એ. આર. સોનાવણેએ આ આગની ઘટના વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે ફાયર-એન્જિન અને બે વૉટર-ટૅન્કરની મદદથી એક કલાકની જહેમત બાદ આગને બુઝાવી દેવામાં આવી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શૉર્ટ સર્કિટ હોવાનું જણાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK