બારીમાં બેસેલી 8 વર્ષની છોકરી ફટાકડાને કારણે સળગી ગઈ

આઘાતને કારણે મમ્મીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાઈ : પરિવાર ફટાકડા પર પ્રતિબંધ મૂકવા વડા પ્રધાન મોદીને કાગળ લખશે : ઑનલાઇન ઝુંબેશ પણ શરૂ કરવામાં આવશે

baby



પ્રીતિ ખુમાણ ઠાકુર

પોતાની આઠ વર્ષની દીકરીને આંખ સામે સળગતી જોઈને એક મમ્મીની કેવી હાલત થઈ હશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જોકે આવો બનાવ નવી મુંબઈના કળંબોલીના સેક્ટર-૧માં ચંદ્રઉદય નામની સોસાયટીમાં પહેલા માળે રહેતા અને આ જ પરિસરમાં મીઠાઈની દુકાન ધરાવતા મારવાડી કિકારામ ચૌધરીના પરિવાર સાથે તાજેતરમાં બન્યો હતો. દીકરીને આંખ સામે સળગતી જોઈને મમ્મીની તબિયત એટલી બગડી ગઈ છે કે તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવી પડી છે. એને કારણે પરિવાર ફટાકડા વિરુદ્ધ પ્રતિબંધ લાવવાની માગણી વડા પ્રધાનને કરવાની સાથે એ વિશે ઝુંબેશ પણ શરૂ કરવાનો છે.

આ બનાવે અમને હચમચાવી મૂક્યા છે એટલે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાવવા અમે ઝુંબેશ શરૂ કરીશું એમ જણાવીને કિકારામ ચૌધરીએ રાજસ્થાનથી ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મારી ફક્ત આઠ વર્ષની માસૂમ દીકરી અંકિતા ઉર્ફે અંજુએ કોઈનું કંઈ બગાડ્યું નહોતું. તે હંમેશાં હસતી અને રમતી જોવા મળતી. લોકો પોતાની મજા માટે ફટાકડા ફોડે છે અને એને કારણે કેટલું નુકસાન થાય છે એ તેઓ જોતા નથી. ફટાકડાને કારણે કેટલાય લોકો દાઝી જાય છે, પ્રદૂષણ ફેલાય છે, પૈસાનો બગાડ થાય છે. મારી દીકરી સાથે બનેલો એવા બનાવ બીજા કેટલાય લોકો સાથે બને છે. મારી દીકરી જે હૉસ્પિટલમાં ઍડ્મિટ હતી ત્યાં ૧૨ જેટલાં નાનાં બાળકો દાઝી ગયેલાં જોવા મળ્યાં હતાં. એ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં. દરમ્યાન મારી દીકરીનું પણ મૃત્યુ થવાથી ફટાકડા પર કોઈ પણ સંજોગોમાં પ્રતિબંધ લાદવો જ જોઈએ એવો વિચાર મેં કરી લીધો હતો. હાલમાં તો હું મારી દીકરીની વિધિ માટે રાજસ્થાન આવ્યો છો અને તેની મમ્મીની તબિયત પણ સારી ન હોવાથી હૉસ્પિટલમાં વ્યસ્ત છું. જોકે આ વિશે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને એક પિતા તરીકે મારું દુ:ખ કહીને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવાનો છું અને જ્યાં સુધી એ વિશે સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી હું તેમનો સંપર્ક કરતો રહીશ. આ ઉપરાંત સોશ્યલ મીડિયાની સૌથી વધુ અસર લોકો પર જોવા મળતી હોવાથી એના પર પણ ઝુંબેશ શરૂ કરીને લોકોને જાગૃત કરીશ. મારી દીકરી જેવા હાલ બીજા કોઈના ન થાય એવા પ્રયત્નો હું કરીશ.’

આ ઘટના બાદ અંજુની મમ્મી તબિયત બગડી ગઈ છે એમ જણાવીને કિકારામ ચૌધરીએ કહ્યું હતું કે ‘મને ૧૦ વર્ષનો એક દીકરો રિતેશ છે. ત્યાર બાદ અંજુ અને ૬ વર્ષની પૂજા એમ ૩ બાળકો છે. રિતેશ ૩૦ ઑક્ટોબરે કામસર મારી દુકાને આવ્યો હતો. રાતે આઠ વાગ્યાની આસપાસ અંજુએ તેની મમ્મીને કહ્યું કે તમે ભાઈને બોલાવીને લાવો, મારે તેની સાથે ફટાકડા ફોડવા છે. બીજાં બાળકો ફટાકડા ફોડી રહ્યાં હોવાથી તેને પણ ફોડવા હતા. એટલે તેની મમ્મી દુકાને આવી. એટલામાં તો સોસાયટીના સભ્યો મારી પત્નીને રસ્તામાં મળ્યા અને કહ્યું કે તમારી દીકરી સળગી રહી છે. પૂજા અને અંજુ ઘરમાં હતી અને તેની મમ્મીએ પાસે જ જવાનું હોવાથી બહારથી દરવાજો બંધ કરીને ગઈ હતી. આ સમાચાર મળતાં જ મારી પત્ની ભાગતી ઘરે ગઈ અને દરવાજો ખોલતાં જોયું કે અંજુ બેડરૂમની વિન્ડોમાં બેસી હતી અને અચાનક ફટાકડો તેના ડ્રેસમાં જતાં તે સળગી ગઈ હતી. તેને તરત જ પાસે આવેલી હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી ઐરોલીની નૅશનલ બર્ન હૉસ્પિટલમાં શિફ્ટ કરી હતી. તે ૫૦ ટકાથી વધુ દાઝી ગઈ હતી. રાતે ત્રણ વાગ્યે ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. દીકરીને નજરની સામે સળગતી જોઈને તેની મમ્મીની હાલત ખરાબ થઈ ગઈ છે અને તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી છે.’

જન્મના દિવસે જ મૃત્યુ થયું એમ જણાવીને કિકારામ ચૌધરીએ કહ્યું હતું કે ‘અંજુ ૩૧ ઑક્ટોબરે મૃત્યુ પામી હતી અને તિથિ પ્રમાણે તેનો જન્મદિવસ પણ એ જ દિવસે છે એટલે અમારા દુ:ખની કોઈ સીમા નહોતી. એ દિવસે અમે તેની ડેડ-બૉડી ગામમાં લઈ આવ્યા અને પહેલી નવેમ્બરે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. અહીં રાજસ્થાનમાં લોકો અમને મળવા આવી રહ્યા છે તેમ જ મુંબઈમાં રહેતા સંબંધીઓ ફોન કરીને પૂછે છે. આ ઘટનાથી બધાને આંચકો લાગ્યો છે. ફટાકડા માટે સરકારે કેટલાય નિયમો બનાવ્યા છે, પણ એ ફક્ત કાગળ પર જ રહી ગયા છે. હવે એનું પાલન થાય એ માટે મારા જેવા પિતાએ આગળ આવવું જ પડશે. તો કંઈ થઈ શકશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK