એસ્કેલેટર રહસ્યમય રીતે કેમ બંધ પડી જાય છે

બોરીવલી સ્ટેશન પર બહારગામની ટ્રેનો આવે ત્યારે ધંધો મેળવવા કૂલીઓ આ કારસ્તાન કરતા હોવાનો પ્રવાસીઓનો આક્ષેપ: રેલવેએ કડક પાયે ડ્રાઇવ શરૂ કરવાનું મિડ-ડેને આપ્યું આશ્વાસન

escalator1

પ્રીતિ ખુમાણ ઠાકુર

બોરીવલી સ્ટેશન પર આમ તો ઘણી વખત એસ્કેલેટર બંધ પડ્યાં હોવાની ફરિયાદ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ કરતા જ હોય છે; પરંતુ બોરીવલી સ્ટેશને સવારના સમયે ગુજરાત, રાજસ્થાન, ઇન્દોર વગેરે સ્થળેથી લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો જે પ્લૅટફૉર્મ પર આવે છે ત્યાંનું એસ્કેલેટર ઇરાદાપૂર્વક બંધ કરવામાં આવે છે એવો આક્ષેપ રેલવે-પ્રવાસીઓ દ્વારા થયો છે. આને કારણે અસુવિધા ઊભી થતાં લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓની કફોડી હાલત થતી હોય છે. આ વિશે રેલવેને પહેલાં પણ ઢગલાબંધ ફરિયાદો મળી હોવાથી એકથી બે મહિના પહેલાં સ્પેશ્યલ ટીમ બનાવીને ડ્રાઇવ ચલાવી હતી. હવે ફરી આવી ફરિયાદ મળતાં રેલવેએ તાત્કાલિક ડ્રાઇવ શરૂ કરીને આ ફરિયાદ ઉકેલવાનું ‘મિડ-ડે’ને આશ્વાસન આપ્યું છે.

સૌરાષ્ટ્ર પૅસેન્જર્સ અસોસિએશનના સેક્રેટરી અને કાંદિવલીમાં રહેતા નીતિન વોરાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બોરીવલી સ્ટેશન પર લાંબા અંતરની મોટા ભાગની બધી જ મેલ-એક્સપ્રેસ ટ્રેનો હૉલ્ટ કરતી હોય છે. એથી પ્રવાસીઓ અહીંથી જ મેલ ટ્રેનો પકડતા હોય છે. જોકે બાય રોડ આવતા પ્રવાસીઓ રિક્ષાથી બોરીવલી (ઈસ્ટ)માં ઊતરે તો સ્ટેશનમાં હેવી સામાન, બૅગ લઈને જવું મુશ્કેલ થઈ જતું હોય છે. એના કારણે અહીં એસ્કેલેટરની સુવિધા કરવામાં આવી છે. જોકે પ્લૅટફોર્મ-નંબર ૧૦નું એસ્કેલેટર મેં ભાગ્યે જ ચાલતું જોયું છે. આ એસ્કેલેટર તો ૯૫ ટકા બંધ જ હોય છે. એથી પ્રવાસીઓ હેવી સામાન લઈને સીડીઓ ચડી શકે નહીં એટલે નાછૂટકે કૂલી કરવો જ પડે છે. એ સાથે પ્લૅટફૉર્મ-નંબર ૬ અને ૭ પર સવારે સાડાપાંચથી લઈને આઠ વાગ્યા સુધી ગુજરાત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ઇન્દોર વગેરેથી મેલ-એક્સપ્રેસ ટ્રેનો આવતી હોય છે. આ ટ્રેનો પ્લૅટફૉર્મ પર સવારે આવે ત્યારે આ પ્લૅટફૉર્મનું એસ્કેલેટર ૮૦થી ૯૦ ટકા બંધ જ જોવા મળે છે. એથી નાછૂટકે પ્રવાસીઓએ સીડી ચડીને જવું પડે છે. જોકે હેવી સામાન લઈને ચડી ન શકાય એટલે કૂલીને પૈસા આપીને સામાન ચડાવવો પડે છે. નવાઈની વાત એ છે કે સવારની ટ્રેનો ગયા બાદ એસ્કેલેટર ફરી શરૂ પણ થઈ જાય છે. આ કૂલીઓ અને રેલવેના કોઈ કર્મચારીઓની મિલીભગત હોય એવી ગંધ આવી રહી છે.’

સિનિયર સિટિઝનોની હાલાકી

નીતિન વોરાએ વધુમાં કહ્યું હતું કે ‘હાલમાં મેં પોતે એસ્કેલેટર બંધ હોવાનો કડવો અનુભવ કર્યો છે. ટ્રેનમાંથી ઊતરીને મારો પરિવાર અને ટ્રેનના અન્ય પ્રવાસીઓ એસ્કેલેટર તરફ સામાન લઈને ગયા તો એસ્કેલેટર બંધ હતું. એથી નાછૂટકે અમે સામાન લઈને સીડી ચડ્યા હતા. મારી પત્નીને પગમાં ઑપરેશન થયું છે એટલે તે જેમ-તેમ ચડી રહી હતી, પરંતુ મોટી ઉંમરની મહિલાઓ તો માંડ-માંડ સીડી ચડી રહી હતી. એક પ્રેગ્નન્ટ મહિલાથી તો ચાલી પણ શકાતું નહોતું. એમ છતાં તેને સીડી ચડવા મજબૂર થવું પડ્યું હતું. આ બધું જોઈને મેં તરત જ બોરીવલીના રેલવે-મૅનેજરને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજર, ચીફ ઑપરેટિંગ મૅનેજર, ચીફ કમર્શિયલ મૅનેજર (ચર્ચગેટ), ડિવિઝનલ રેલવે મૅનેજર, સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મૅનેજર (મુંબઈ) વગેરેને લેખિતમાં ફરિયાદ પણ આપી છે.’

escalator

રિનોવેશન શું કામનું?

સૌરાષ્ટ્ર પૅસેન્જર્સ અસોસિએશનના બોરીવલીમાં રહેતા જૉઇન્ટ સેક્રેટરી હિમાંશુ બક્ષીએ જણાવ્યું હતું કે ‘રેલવે-બજેટમાં બોરીવલી સ્ટેશનને છ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેથી એને રિનોવેટ કરીને વિવિધ વધારાની સુવિધાઓ આપી શકાય. સ્ટેશન તો સરસ બની ગયું, પરંતુ પ્રવાસીઓને મળતી સુવિધાનાં ફાંફાં છે. આમ તો ઘણી વખત અનેક એસ્કેલેટર બંધ હોય છે, પરંતુ સવારના સમયે ગુજરાત અને અન્ય ઠેકાણેથી આવતી લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસીઓ પાસે લગેજ હોય છે એ કૂલીઓને બરાબર ખબર હોય છે. એથી આ ટ્રેનો જે પ્લૅટફૉર્મ પર સવારના સમયે આવે છે ત્યાં એટલા સમય માટે એસ્કેલેટર બંધ જ હોય છે. આ ફરિયાદ અનેક પ્રવાસીઓ દ્વારા કરાઈ છે, પરંતુ અમુક જ પ્રવાસીઓ ફરિયાદ કરે છે કારણ કે લાંબા અંતરથી પ્રવાસ કરીને આવતા હોય એટલે ઘરે ક્યારે પહોંચે એની તેમને વધુ જલદી હોય છે. કૂલીઓને કોઈની તો મદદ મળતી જ હશે જેથી એટલા સમય માટે ખાસ એસ્કેલેટર બંધ થતાં હોય છે. એમાં પ્લૅટફૉર્મ-નંબર ૧૦નું એસ્કેલેટર તો મોટા ભાગે બંધ જ હોય છે. તો પછી આટલા રૂપિયા ખર્ચીને પણ પ્રવાસીઓને શું લાભ મળી રહ્યો છે એવો પ્રશ્ન ઊભો થાય છે.’

કૂલીઓ વધુ પૈસા માગે છે

હિમાંશુ બક્ષીએ વધુમાં કહ્યું હતું કે ‘એસ્કેલેટર બંધ હોવાથી મોટી ઉંમરના અને હેવી લગેજ લઈને આવતા પ્રવાસીઓ તો સીડી પરથી એટલો સામાન લઈને જઈ શકે નહીં. એથી નાછૂટકે કૂલીને બોલાવવો પડે છે, પરંતુ તે મનફાવે એટલા પૈસા માગે છે. નાની ત્રણ બૅગ હોય તો પણ ૨૫૦ રૂપિયાથી વધુ માગે છે. બોરીવલી ઈસ્ટ અને વેસ્ટ બન્ને બાજુએ કૂલીને સામાન ઊંચકવાના પૈસા કાયદેસર લખીને બોર્ડ લગાડવામાં આવ્યું છે, પરંતુ એનો કોઈ અર્થ નથી. એથી કૂલીઓની થઈ રહેલી આ કુપ્રવૃત્તિઓ પર રેલવે-પ્રશાસને ખાસ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે અહીં ૧૦-૧૫ પ્રવાસીઓ નહીં પણ દિવસના હજારો પ્રવાસીઓ લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરે છે એટલે આ મુદ્દો અતિ ગંભીર છે.’

રેલવેનું શું કહેવું છે?

આ વિશે વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર રવીન્દ્ર ભાકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ પ્રકારની ફરિયાદો અમને પહેલાં પણ મળી હતી. પ્રવાસીઓએ એમ પણ ફરિયાદ કરી હતી કે કૂલીઓ દ્વારા જ એસ્કેલેટર બંધ કરી દેવાય છે જેથી તેમને સામાન ઊંચકવાના પૈસા મળે. આવી અનેક ફરિયાદોના આધારે અમે એકથી બે મહિના એક સ્પેશ્યલ ટીમ લગાડીને ડ્રાઇવ પણ શરૂ કરી હતી અને સતત વૉચ રાખીને આ પ્રકારની ફરિયાદોનો મોટા ભાગે ઉકેલ પણ લાવ્યો હતો. જોકે આવી ફરિયાદ તમે કહી રહ્યા છો કે પ્રવાસીઓ કરી રહ્યા છે અને લેખિતમાં પણ રેલવેને કરવામાં આવી છે તો અમે ફરી ચોક્કસ અહીં ટીમ બનાવીને ડ્રાઇવ શરૂ કરીશું. એ તો પાકું છે કે આ કોઈ જાણીજોઈને જ કરી રહ્યું છે અને એ વિશે કાર્યવાહી કરવી પણ જરૂરી જ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK