પતિએ પત્નીને સંયમમાર્ગે જવાની રજા આપતાં પહેલાં શા માટે સમય માગ્યો?

દીક્ષાના ભાવ જાગતાં બે જોડિયા બહેનો અને તેની કઝિને ચાર્ટર્ડ અકાઉન્ટન્સી અને લૉના અભ્યાસ પડતા મૂક્યા : વર્ષોથી દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છાને કાબૂમાં રાખીને બેઠેલી માતા પણ દીકરીઓના પગલે દીક્ષા લેશે

jain1

રોહિત પરીખ / ખુશાલ દેઢિયા

પહેલાં મિની સાધુજીવનના પાઠ આપતાં ઉપધાન તપ અને ત્યાર પછી ગુરુ પાસે કર્મગ્રંથ ભણતાં-ભણતાં સંસાર પ્રત્યે પેદા થયેલા ભયથી ઘાટકોપર (ઈસ્ટ)ની જીરાવલ્લા રેસિડન્સીમાં રહેતી જોડિયા બહેનો ખ્યાતિ અને ખુશ્બૂ અને તેમની કઝિન બહેન દૃષ્ટિને સંયમમાર્ગે જવાની તાલાવેલી લાગી અને બે દીકરીઓને સંયમમાર્ગે જતી જોઈને તેમની માતા કીર્તિકાબહેનને પણ સંસાર છોડીને દીક્ષા લેવાના કોડ જાગ્યા છે. એને પરિણામે દેઢિયા પરિવારની ચાર મુમુક્ષુ મહિલાસભ્યો બાવીસ જાન્યુઆરીએ જૈનાચાર્ય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબ (પંડિત મહારાજસાહેબ)ની નિશ્રામાં બોરીવલી (વેસ્ટ)ની ચીકુવાડીમાં દીક્ષા ગ્રહણ કરશે. આ ચાર મુમુક્ષુઓની સાથે અન્ય બાર મુમુક્ષુઓ પણ આ દિવસે સંયમમાર્ગે પ્રયાણ કરશે.

ખ્યાતિ અને ખુશ્બૂ નાનપણથી જ ધર્મમય હતી. તેઓ નાની ઉંમરથી જ ઉકાળેલું પાણી પીતી અને સાંજે સૂર્યાસ્ત પહેલાં જમીને ચોવિહાર કરતી રહી છે. તેઓ બારમા ધોરણમાં ભણતી હતી ત્યારે મિની સાધુજીવન જીવવાના પાઠ ઉપધાન તપમાં શીખી હતી. આ તપમાં તેમણે સાધુની જેમ જ ઉપાશ્રયમાં રહેવાનું હતું અને ત્યાં ધાર્મિક ક્રિયાઓ કરી હતી. તેમની સાથે લૉના ત્રીજા વર્ષમાં ભણતી દૃષ્ટિએ પણ ઉપધાન તપ કર્યાં હતાં અને મિની સાધુજીવન જીવી હતી. ખ્યાતિને ચાર્ટર્ડ અકાઉટન્ટ અને ખુશ્બૂને ઍડ્વોકેટ બનવાના કોડ હતા.

જોકે ઉપધાન તપ પછી ત્રણેય બહેનોને સાધ્વી કલાનિધિશ્રીજી મહારાજસાહેબના સાંનિધ્યમાં કાંદિવલીમાં રહેવાનું મન થઈ ગયું હતું. તેમના ગુરુકુળવાસમાં ખ્યાતિ અને ખુશ્બૂની સાથે દૃષ્ટિ પણ ધર્મનું વધુ જ્ઞાન મેળવવા રોકાઈ ગઈ હતી. ત્રણેય બહેનો તેમના સંસારી ભણતરને છોડીને ધાર્મિક ભણતર તરફ વળી ગઈ હતી. ચાર્ટર્ડ અકાઉન્ટન્સી અને કાયદાનાં પુસ્તકોને બદલે તેઓ જૈન ધર્મનો કર્મગ્રંથ ભણવા લાગી હતી. સાધ્વીજી મહારાજસાહેબનાં રોજનાં પ્રવચનોમાંથી પ્રેરણા મેળવીને ત્રણેય બહેનોને સંયમમાર્ગે જવાની પ્રબળ ઈચ્છા થઇ હતી.

jain

૧. સંયમ પંથે : માતા કીર્તિકા સાથે ખુશ્બૂ અને ખ્યાતિ તથા દૃષ્ટિ દેઢિયા.

આ બાબતની માહિતી આપતાં ખ્યાતિ અને ખુશ્બૂની માતા કીર્તિકા દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી બન્ને દીકરીઓ નાનપણથી જ ધર્મમય છે. તેમનામાં ધર્મના સંસ્કાર છે. તેઓ સાડાત્રણ વર્ષની હતી ત્યારથી જ ઉકાળેલું પાણી વાપરે છે અને ચોવિહાર કરે છે. ખ્યાતિ અને ખુશ્બૂ જોડિયા બહેનો જરૂર છે; પરંતુ તેમની લાઇફ-સ્ટાઇલ, શોખ, પસંદગીઓ, સ્વભાવ, કપડાંની ચૉઇસ બધું જ અલગ રહ્યું છે. એકમાત્ર આ બે બહેનોનો સંયમમાર્ગે જવાનો નિર્ધાર એકસરખો રહ્યો છે. બન્ને બહેનો ઉપધાન તપ પછી પહેલાં અમદાવાદમાં સાધ્વીજી મહારાજસાહેબ સાથે રહી હતી. ત્યાં તેમને કર્મગ્રંથના પાઠમાં આવતા સંખ્યતા અસંખ્યતા અનંતા સ્વરૂપનું જ્ઞાન મળતાં સંસાર પ્રત્યે ભય પેદા થતાં તેમને સંયમમાર્ગે જવાના ભાવ જાગ્યા હતા. ત્યાર પછી કાંદિવલીમાં ફરીથી તેઓ સાધ્વીજી મહારાજસાહેબના સાંનિધ્યમાં રહી અને તેમણે સંયમમાર્ગે જવાનો નિર્ણય દૃઢ કર્યો હતો.’

મારી પુત્રીઓના સંયમમાર્ગે જવાના દૃઢ નિર્ધારને જોઈને મને પણ સંયમમાર્ગે જવાના ભાવ જાગ્યા હતા એમ જણાવતાં કીર્તિકાબહેને કહ્યું હતું કે ‘મેં દસ વર્ષ પહેલાં ઉપધાન તપ કર્યાં ત્યારથી હું ધર્મમય બની ગઈ હતી. એમાં અમારા પરિવાર તરફથી ત્રણ વર્ષ પહેલાં શંત્રુજય તીર્થમાં નવ્વાણું યાત્રા કરાવવામાં આવી હતી. એ યાત્રા પછી મને પણ સંયમમાર્ગે જવાનું મન થયું હતું. જોકે પરિવાર પ્રત્યેની જવાબદારીએ મને રોકી રાખી હતી, પણ દીકરીઓને પરિવાર તરફથી દીક્ષા લેવાની પરવાનગી મળ્યા પછી મારા અટકી રહેલા દીક્ષાના કોડ ફરીથી જાગૃત થયા હતા. મારા પરિવારજનોએ મારી દીકરીઓને દીક્ષા લેવાની પરવાનગી આપી દીધી હતી, પરંતુ મેં જ્યારે પરવાનગી માગી ત્યારે મારા પતિ અશોક દેઢિયાએ મને પરવાનગી આપવા માટે મારી પાસે થોડો સમય માગ્યો હતો.’

અમારી સાથે મારી માતા નિર્મળાબહેન અને પિતા ઝવેરચંદભાઈ રહે છે એટલે મેં મારી પત્ની કીર્તિકા પાસે થોડો સમય માગ્યો હતો એમ જણાવીને અશોક દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંસારની દૃષ્ટિએ વિચારતાં મને લાગ્યું કે કીર્તિકા અને બે દીકરી દીક્ષા લઈ લેશે તો હું એકલો કેવી રીતે માતા-પિતાને સાચવી શકીશ? જ્યારે ધાર્મિક રીતે વિચાર્યું ત્યારે એમ લાગ્યું કે કીર્તિકા તેના આત્માના કલ્યાણ માટે જઈ રહી છે, તેને મારા સ્વાર્થ ખાતર રોકીને હું કર્મબંધન બાંધીશ. મારા મનોમંથનમાં દરેક રીતે મને કીર્તિકાનું પલડું ભારે દેખાઈ રહ્યું હતું. આથી આખરે નિર્ણય કર્યો કે મારાં માતા-પિતા અને હું મારા ભાઈની સાથે રહીશું અને મેં કીર્તિકાને સંયમમાર્ગે જવાની પરવાનગી આપી દીધી. મારી પરવાનગી પછી અમારા આખા દેઢિયા પરિવારે કીર્તિકાને હસતાં-હસતાં દીક્ષા લેવાની મંજૂરી આપી દીધી હતી.’

મને ઉપધાન તપ કર્યા પહેલાં ક્યારેય દીક્ષાના ભાવ જાગ્યા નહોતા એમ જણાવીને દૃષ્ટિ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે તો મારા પપ્પાની જેમ ઍડ્વોકેટ બનીને પપ્પા અને કાકાને તેમના પ્રોફેશનમાં સપોર્ટ કરવો હતો. મને જ્યારે દીક્ષાના ભાવ જાગ્યા ત્યારે હું લૉના ત્રીજા વર્ષમાં હતી; પરંતુ ઉપધાન તપ પછી મારા બધા જ શોખ, લાઇફ-સ્ટાઇલ, ખાવા-પીવાની રીતમાં જોરદાર પરિવર્તન આવી ગયું હતું. હું ધર્મમય બની ગઈ હતી. સાધ્વીજી મહારાજસાહેબના તૃપ્તિ અષ્ટક પ્રવચન દરમ્યાન મને સંયમમાર્ગના સાચા સુખની જાણ થઈ હતી. એને કારણે મેં સંયમમાર્ગે જવાનો નિર્ણય લીધો હતો. હું પણ મારી બે કઝિન બહેનો અને કાકીની સાથે બાવીસ જાન્યુઆરીએ સંયમમાર્ગે પ્રયાણ કરીશ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK