૭૨ કલાકથી ચલાવવામાં આવેલા NCP અને કૉન્ગ્રેસના આંદોલનનો પોલીસે કર્યો ફિયાસ્કો

ઘાટકોપરના BJPના વિધાનસભ્ય રામ કદમ સામે FIRને બદલે શાંતિભંગનો બિનદખલપાત્ર ગુનો નોંધાયો : સામૂહિક આત્મદહન કરવાની આપી હતી ધમકી

ghatkopar

રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ના BJPના વિધાનસભ્ય રામ કદમ સામે FIR નોંધવા માટે ૭૨ કલાકથી ચાલી રહેલા NCP અને કૉન્ગ્રેસના આંદોલનનો ગઈ કાલે રામ કદમ સામે બિનદખલપાત્ર ગુનો નોંધીને પોલીસે ફિયાસ્કો કરી નાખ્યો હતો. હવે આ મામલે આ બન્ને રાજકીય પક્ષોએ કોર્ટના માધ્યમથી રામ કદમ સામે ગુનો નોંધાવવામાં આવશે એમ કહીને આંદોલન પાછું ખેંચી લીધું હતું. બીજી તરફ સોલાપુરના બાર્શીમાં પણ રામ કદમ સામે શાંતિનો ભંગ કરવા બદલ અને જનતામાં ગભરાટ ફેલાવવા બદલ NC ઑફેન્સ એટલે કે બિનદખલપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુરુવારે આ પક્ષોએ રામ કદમ સામે FIR નોંધવામાં નહીં આવે તો સામૂહિક આત્મદહન કરવાની ધમકી આપી હતી. જોકે તેમની અનેક દલીલો પછી પણ ઘાટકોપર પોલીસે રામ કદમ સામે ફક્ત NC ઑફેન્સ નોંધીને ત્રણ દિવસથી ચાલી રહેલા તંગ મામલાને રફેદફે કરી દીધો હતો.

સોમવારે જન્માષ્ટમીના દિવસે દહીહંડીના સમયે રામ કદમે એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે છોકરી ન માને તો હું કિડનૅપ કરાવી આપીશ. એનો વિડિયો બીજા દિવસે વાઇરલ થયો હતો. ત્યાર બાદ રામ કદમે મહિલાઓનું અપમાન કર્યું છે, એક પ્રકારનો વિનયભંગ કર્યો છે એવા આક્ષેપો સાથે બધા જ રાજકીય પક્ષોએ છેલ્લા ત્રણ દિવસમાં ઘાટકોપર પોલીસ-સ્ટેશનના પરિસરમાં ધરણાં, મોરચા અને રામ કદમના ઘરની સામે રસ્તારોકો આંદોલન વગેરે કર્યાં હતાં. જોકે આ આંદોલનથી NCP અને કૉન્ગ્રેસના ઘાટકોપર અને વિક્રોલીના વરિષ્ઠ નેતાઓ દૂર રહ્યા હતા.

ગુરુવારે રાતે ઝોન-૬ના ડેપ્યુટી પોલીસ-કમિશનરે આવીને NCP અને કૉન્ગ્રેસના આંદોલનકર્તાઓને આંદોલન પાછું ખેંચવા જણાવ્યું હતું. એની સામે આ પક્ષોની મહિલા નેતાઓએ ગઈ કાલે બપોર બાર વાગ્યા સુધીમાં રામ કદમ સામે FIR નોંધવાની માગણી કરી હતી. પોલીસ આમાં નિષ્ફળ જશે તો સામૂહિક આત્મદહનની ધમકી આપીને આ મહિલાઓએ ગુરુવારે રાતે આંદોલન સ્થગિત કરી દીધું હતું.

ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યે આ મહિલાઓ ઘાટકોપર પોલીસ-સ્ટેશને આવી ત્યારે પોલીસે તેમને પોલીસ-સ્ટેશનના દરવાજાની બહાર જ રોકી દીધી હતી. પુરુષ પોલીસે રોકવા જતાં મહિલાઓને ધક્કા લાગી જતાં મામલો બીચક્યો હતો. એમાં NCPનાં વિધાનસભ્ય વિદ્યા ચવાણ સહિત અમુક સિનિયર સિટિઝન મહિલાઓને માર લાગ્યો હતો. આથી મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી. ત્યાર બાદ પોલીસ રામ કદમની જેમ મહિલાઓનું અપમાન કરી રહી છે એવા આક્ષેપો મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા તેમ જ પોલીસ સામે પણ વિનયભંગનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

પોલીસે દાદ ન આપી

આ બધી ધમાલ વચ્ચે પણ પોલીસે NCPનાં વિધાનસભ્ય વિદ્યા ચવાણ, મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા કૉન્ગ્રેસ કમિટીનાં અધ્યક્ષ ઍડ્વોકેટ ચારુલતા ટોકસ અને મુંબઈ પ્રદેશ મહિલા કૉન્ગ્રેસ કમિટીનાં ડૉ. અજંતા યાદવ અને અમુક સિનિયર કાર્યકરો સિવાય કોઈને પણ ઝોન-૭ના ડેપ્યુટી પોલીસ-કમિશનર અખિલેશ સિંહ સાથે મીટિંગ કરવા માટેની પરવાનગી આપી નહોતી. ત્રણ કલાકની ચર્ચા પછી અખિલેશ સિંહે રામ કદમ સામે તેઓ શાંતિનો ભંગ કરવા બદલ બિનદખલપાત્ર ગુનો નોંધશે એવી સ્પષ્ટતા કરી હતી. આનાથી ફરીથી એક વાર મહિલા નેતાઓ અને કાર્યકરો ઉશ્કેરાયાં હતાં, પણ પોલીસ એના નિર્ણય પર મક્કમ રહી હતી. એણે FIR લીધો નહોતો.

ફડણવીસ ઊતરી ગયા નજરમાંથી પોલીસે ૭૨ કલાક પછી લીધેલા આ નિર્ણય સામે ઘેરા પ્રત્યાઘાત આપતાં વિદ્યા ચવાણ, ચારુલતા ટોકસ અને અજંતા યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પોલીસ પાસે આ અપેક્ષા રાખી નહોતી. અમને ગુરુવાર રાત સુધી રામ કદમ સામે વિનયભંગ અને ઉશ્કેરાટભર્યું ભાષણ કરવા બદલ ગુનો નોંધાશે એવી પોલીસ અને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ પાસે આશા હતી, પરંતુ ગઈ કાલે અમારી આશા પર પાણી ફરી વળ્યું હતું. રામ કદમની સાથે અમારી નજરમાંથી દેવેન્દ્ર ફડણવીસ પણ ઊતરી ગયા હતા. રામ કદમના ગુના પર પડદો પાડીને તેમણે તેમની અને ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠા ખરડી છે. એની સામે અમે કોર્ટમાં જઈશું અને કોર્ટના માધ્યમથી રામ કદમ પર FIR નોંધાવીશું.’

ચંદ્રકાંતદાદા પાટીલની કાઢી ઝાટકણી

કોલ્હાપુરમાં મહિલાઓ માટે કોઈએ આવી ભાષાનો ઉપયોગ કર્યો હોત તો તેને ત્યાંની મહિલાઓ કોલ્હાપુરી ચંપલથી પીટી નાખત એમ જણાવતાં વિદ્યા ચવાણે કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસે આખા મામલામાં ચુપકીદી રાખી છે, જ્યારે તેમના સહકારપ્રધાન ચંદ્રકાંત પાટીલ રામ કદમને ક્લીન ચિટ આપીને મહિલાઓના થયેલા અપમાનના સાથીદાર બની રહ્યા છે. ચંદ્રકાંત પાટીલને ખબર હોવી જોઈએ કે રામ કદમે મુંબઈની છોકરીને ભગાડવામાં મદદ કરવાની જાહેરાત કરીને ફક્ત મુંબઈની જ નહીં, આખા મહારાષ્ટ્રની મહિલાઓની મર્યાદાને ઠેસ પહોંચાડી છે. ઘાટકોપરની જાહેરાત રામ કદમ કોલ્હાપુરમાં જઈને કરે તો ત્યાંની મહિલાઓ રામ કદમની સામે શાંતિપૂર્વક આંદોલન કરવાને બદલે તેને કોલ્હાપુરી ચંપલથી ટીપી નાખશે.’

ઉલ્લેખનીય છે કે સહકાર ખાતાના પ્રધાન ચંદ્રકાંતદાદા પાટીલે ગઈ કાલે સવારે એવું નિવેદન કર્યું હતું કે રામ કદમે માફી માગી લીધી હોવાથી આ મુદ્દા પર હવે પડદો પડી જવો જોઈએ.

મહિલા પંચનાં કમિશનરની ઝાટકણી

મહિલા પંચનાં કમિશનરની ટીકા કરતાં ચારુલતા ટોકસ અને અજંતા યાદવે કહ્યું હતું કે ‘મહિલા આયોગનાં કમિશનર પાસે રામ કદમની ફરિયાદ કરવા માટે અને તેમની સામે કાર્યવાહી કરવા માટે અમે ફોન કર્યો હતો. ત્યારે તેમણે અમને તેઓ આસામમાં છે એમ કહીને અમારા અત્યંત ગંભીર મુદ્દાને ટાળી દીધો હતો.’

શું છે NCની કાર્યપદ્ધતિ?

રામ કદમ સામે સોલાપુરના બાર્શી અને ઘાટકોપરના પોલીસ-સ્ટેશનમાં જે NC ઑફેન્સ એટલે કે બિનદખલપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે એમાં પોલીસ સીધી કાર્યવાહી કરી શકતી નથી. જે કેસમાં NC નોંધવામાં આવ્યો હોય એવા કેસમાં સંબંધિત પક્ષે કોર્ટમાં જઈને આવા કેસમાં આરોપી સામે કાર્યવાહી કરવાનો આદેશ મેળવવો પડે છે, જ્યારે જે કેસમાં FIR નોંધવામાં આવે છે એમાં પોલીસે સીધી કાર્યવાહી કરીને આરોપીની અરેસ્ટ કરવી પડે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK