કોલભાટ લેનના જર્જરિત બિલ્ડિંગમાં ફફડાટ

ગઈ કાલે અમુક ભાગ તૂટી પડ્યો : ભાડૂતોનો મકાનમાલિક સાથેનો વિવાદ ફરી સપાટી પર


kolbhat


રોહિત પરીખ

સાઉથ મુંબઈના કાલબાદેવી પાસેની કોલભાટ લેનમાં આવેલા ૯૦ વર્ષ જૂના મોરારજી વેલજી બિલ્ડિંગની બે વિન્ગને જોડતા પુલનો અમુક ભાગ ગઈ કાલે બપોરે પોણાબાર વાગ્યે તૂટી પડ્યો એને લીધે બિલ્ડિંગના ભાડૂતોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ બિલ્ડિંગને ત્રણ વર્ષ પહેલાં રિપેરિંગ માટે રિપેરબોર્ડની નોટિસ અને ફન્ડ મળ્યું હોવા છતાં બિલ્ડિંગના ઓનર કિરીટ કાપડિયાએ આ બાબતે સાથસહકાર આપવાનો ઇનકાર કરતાં રિપેરિંગ અટકી પડ્યું છે એવો રહેવાસીઓનો આક્ષેપ છે.

ચાર માળ અને ગ્રાઉન્ડ ફ્લોરના બનેલા મોરારજી વેલજી બિલ્ડિંગમાં ભાડૂતો અને તેમના મકાનમાલિક કિરીટ કાપડિયા વચ્ચે ઘણાં વષોર્થી વિવાદ ચાલી રહ્યો છે એને પરિણામે આ બિલ્ડિંગના અનેક ભાગ નબળા પડી ગયા હોવાનો રિપેરિંગ-બોર્ડનો રિપોર્ટ હોવા છતાં આ બિલ્ડિંગનું રિપેરિંગ થતું નથી. એમાં ગઈ કાલે બપોરે આ બિલ્ડિંગની બે વિન્ગને જોડતા પુલનો નીચેનો સ્લૅબ પડી ગયો હતો. આ સ્લૅબ ખૂબ ઊંચાઈએથી પડ્યા છતાં નસીબજોગે કોઈને ઈજા થઈ નહોતી. જોકે ત્રણ વર્ષથી રિપેરિંગના મુદ્દે ચૂપ બેઠેલા ભાડૂતો અને મકાનમાલિક ફરીથી આમનેસામને આવી ગયા હતા.

ગઈ કાલે બિલ્ડિંગનો અમુક ભાગ પડી ગયા પછી ફાયર-બ્રિગેડ અને BMCના અધિકારીઓ દોડી આવ્યા હતા. એ બાબતની જાણકારી આપતાં સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની જાણ થતાં અમારા વિસ્તારના ભૂતપૂર્વ નગરસેવક જનક સંઘવી અમારી મદદે દોડી આવ્યા હતા. તેમણે તરત ફાયર-બ્રિગેડ અને BMCને ફોન કરીને જે ભાગ પડી ગયો હતો એની મરમ્મત તથા લોકો માટે સુરક્ષિત બની રહે એવાં કાર્ય શરૂ કરાવી દીધાં હતાં.’

બિલ્ડિંગમાં તેમની બે બહેનો અને વૃદ્ધ માતા સાથે રહેતા વિરલ ઠક્કરે આ બિલ્ડિંગમાં ચાલી રહેલા વિવાદ અને રિપેરિંગની વાતોની જાણકારી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૦ વર્ષની લડત પછી એપ્રિલ ૨૦૧૩માં રિપેરબોર્ડે બિલ્ડિંગના રિપેરિંગની મંજૂરી સાથે સાડાસાત લાખ રૂપિયાનું ફન્ડ પણ આપ્યું હતું, પરંતુ ૨૦૧૩ના મે મહિનામાં જ્યારે રિપેરબોર્ડ દ્વારા રિપેરિંગ શરૂ કરવાનું હતું એ સમયે મકાનમાલિક કિરીટ કાપડિયાએ એનો વિરોધ કર્યો હતો અને રિપેરબોર્ડનું કામ નથી કહીને એના અધિકારીઓને કામ કરતા અટકાવ્યા હતા. બિલ્ડિંગના અનેક ભાગોમાં અને રૂમમાં વરસાદનું પાણી પડતું હોવા છતાં મકાનમાલિક તેમને રૂમ રિપેર કરવાની પરવાનગી આપતા નથી. તેમનું બિલ્ડિંગ તો રિપેર કરતા નથી, પણ અમારી રૂમનાં રિપેરિંગ પણ કોર્ટમાં કેસ કરીને અટકાવી દીધાં છે.’

હું સંજોગવશાત્ ત્રણ વર્ષથી શાંત બેઠો હતો એ બાબતે વિરલ ઠક્કરે કહ્યું હતું કે ‘મારા ઘરની અંદર મેં કોઈ પ્રકારનું ગેરકાયદે બાંધકામ કર્યું નથી છતાં મારા ઘરમાં પડતા પાણીના ધોધને મકાનમાલિક બંધ કરાવતા નથી અને મને કરવા દેતા નથી. ઉપરથી મારા પર કોર્ટમાં કેસ કર્યો છે. હું રિપેરબોર્ડમાં ગઈ કાલે તૂટી ગયેલા ભાગની તસવીરો સાથે સોમવારે મારી ફરી પાછી ફરિયાદ નોંધાવીશ.’

રિપેરબોર્ડે આની સામે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી એમ જણાવતાં આ બિલ્ડિંગના ભાડૂત મિતેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિપેરકામમાં અવરોધ નાખવા બદલ રિપેરબોર્ડે કિરીટ કાપડિયા સામે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી છતાં તેઓ ટસના મસ થયા નહોતા. ઉપરથી તેમનું વર્ચસ બતાવવા તેમણે અનેક ભાડૂતો સામે કોર્ટમાં કેસ કર્યા છે. તેમની આવી આડોડાઈને લીધે મેં મારા પરિવારની સુરક્ષા ખાતર ત્યાંનું ઘર ખાલી કરી દીધું હતું. અત્યારે હું મારા પરિવાર સાથે કાંદિવલીના મહાવીર નગરમાં રહું છું. મારી રૂમનો કેસ હજી ચાલી જ રહ્યો છે.’

ગઈ કાલની ઘટના પછી મકાનમાં ફફડાટ ફેલાઈ ગયો છે એ વિશે માહિતી આપતાં મિતેશ મોદીએ કહ્યું હતું કે ‘સોમવારે જે ભાગ તૂટી ગયો છે એનો બાકીનો ભાગ કદાચ BMC તોડી પાડશે. અત્યારે તો એ ભાગમાં ફાયર-બ્રિગેડે સુરક્ષા માટે નેટ લગાડી દીધી છે.’

મકાન જોખમી બની રહ્યું હોવા છતાં એને રિપેર તો કરાવવું નથી, પણ એને બદલે મકાનમાલિક સામે જે અવાજ કરે કે લડવા જાય તેને કોઈ પણ કારણ દર્શાવી મકાનમાલિક કોર્ટમાં ઢસડી જાય છે એમ જણાવતાં આ જ બિલ્ડિંગમાં રહેતા અને નાનપણમાં કિરીટ કાપડિયા સાથે રમીને મોટા થયેલા હરેન્દ્ર તન્નાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા સારા સંબંધને કારણે મારા વડીલો અને મારો પરિવાર કિરીટ કાપડિયા સાથે વિવાદમાં પડતો નહોતો. મારા અમુક વડીલોએ સંબંધ જાળવવાના ઉદ્દેશથી અનેક વાર તેમણે મારી રૂમના રિપેરિંગકામમાં દખલગીરી કરીને કામ અટકાવ્યું હોવા છતાં મેં સમાધાનની ફૉમ્યુર્લા અપનાવી હતી, પરંતુ અમારી ભલમનસાઈનો ફાયદો લઈને તેમણે હવે મારી સામે પણ કોર્ટમાં કેસ કરી દીધો છે.’

રહેવાસીઓના આક્ષેપોની સ્પષ્ટતા કરવા માટે ‘મિડ-ડે’એ કિરીટ કાપડિયાને ફોન કર્યો હતો. કિરીટ કાપડિયાએ ‘મિડ-ડે’નો સવાલ સાંભળ્યા વગર જ કહ્યું હતું કે ‘તમે મને શું કામ હેરાન કરો છો? મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. હું તમને ઓળખતો નથી.’ આટલું કહીને તેમણે ફોન મૂકી દીધો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK