ઢોસાવાળાની રેંકડી પર ITની રેઇડ

ઘાટકોપરની ખાઉગલીમાં ગભરાટ, સાત દિવસ વૉચ રાખીને ત્રાટક્યું આવકવેરા ખાતું : સાંઈ સ્વાદ ઢોસાવાળાના ગલ્લામાંથી ૬૦,૦૦૦થી વધુ રકમ મળી હોવાની ચર્ચા

dosawala


રોહિત પરીખ

મુંબઈમાં અને ઉપનગરોમાં અનેક જ્વેલરોને ત્યાં એક અઠવાડિયાથી ઇન્કમ-ટૅક્સની રેઇડ પડી રહી છે જેનાથી જ્વેલરોને જબરા આંચકા લાગ્યા છે. જોકે એનાથી પણ મોટો ઝટકો ઘાટકોપરના લોકોને લાગ્યો છે. ગયા અઠવાડિયે ઘાટકોપર (ઈસ્ટ)ની વલ્લભબાગ લેનમાં આવેલા સાંઈ સ્વાદ ઢોસાની રેંકડી પર ઇન્કમ-ટૅક્સની રેઇડ પડી હતી. એ માટે ઇન્કમ-ટૅક્સના અધિકારીઓએ સાત દિવસ સુધી એના પર નજર રાખી હતી. આ રેઇડ સાંજના સાત વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રોડ પર જ ચાલી હતી. આ માટે જ્વેલરો દાવો કરી રહ્યા છે એવો જ દાવો કરવામાં આવી રહ્યો છે કે રેઇડનું મુખ્ય કારણ ઇન્કમ ડેક્લેરેશન સ્કીમ જ છે જેમાં ઢોસાની રેંકડીવાળાને એક કરોડ રૂપિયા જાહેર કરવાનું ઇન્કમ-ટૅક્સના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું. આ સમાચારે ઘાટકોપરના વેપારીઓને હલાવી નાખ્યા છે.

કરોડપતિ ઢોસાવાળો?


આ રેઇડ પછી ઘાટકોપરમાં વૉટ્સઍપ પર મેસેજ વાઇરલ થયો હતો કે ઇન્કમ-ટૅક્સના અધિકારીઓ દ્વારા ઢોસાની રેંકડીના માલિક ૭૨ વર્ષ વિજય રેડ્ડીને એક કરોડ રૂપિયા ઇન્કમ ડેક્લેરેશન સ્કીમ હેઠળ જાહેર કરવાનું કહેવામાં આવ્યું હતું. આ મેસેજની સાથે સાંઈ સ્વાદ ઢોસાની રોજની એક લાખ રૂપિયાની આવકનો મેસેજ પણ વૉટ્સઍપ પર ફરવા લાગ્યો છે જેમાં આ રેંકડીનો માલિક કરોડપતિ હોવાનું કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ રેંકડીના માલિકના ઘાટકોપરમાં આઠ ફ્લૅટ હોવાનું પણ ચર્ચામાં છે. જોકે આ મેસેજમાં સાંઈ સ્વાદ ઢોસાનો માલિક વિજય રેડ્ડી નહીં, એક ગુજરાતી હોવાનું કહેવાયું છે.

વૉટ્સઍપ પર વાઇરલ થયેલા મેસેજમાં એવી પણ ટીકા કરવામાં આવી છે કે ફુટપાથ પર ઢોસાની રેંકડી લગાડીને ન કોઈ જાતનો ટૅક્સ ભરવાનો કે ન કોઈ જાતના ખર્ચ, ન કોઈ પ્રૉપર્ટી-ટૅક્સ કે ન કોઈ સર્વિસ-ટૅક્સ. ફક્ત બેઠી આવક. આમ ૪૫ પ્રકારના ઢોસા બનાવતી રેંકડી લાખો રૂપિયાની આવક કરી રહી છે જેને કારણે ઇન્કમ-ટૅક્સના અધિકારીઓએ એના પર રેઇડ પાડી હતી.

રેઇડની વાતનું અચરજ


વાઇરલ થયેલા આ બન્ને મેસેજ પર પોતાની સ્પષ્ટતા આપતાં ઢોસાની આ રેંકડી ૧૯૯૬થી ચલાવી રહેલા મૂળ આંધ્ર પ્રદેશના વિજય રેડ્ડીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે ત્યાં ઇન્કમ-ટૅક્સની રેઇડ પડી હતી એ વાત સાચી છે, પરંતુ આ રેઇડમાં અધિકારીઓના હાથમાં કંઈ જ આવ્યું નહોતું. હું સ્લમમાં રહ્યું છું અને મેં લગ્ન કર્યા નથી. હું એકલો છું. મારો સ્ટાફ મારાં બાળકો છે જેમના માટે આજે પણ હું રેંકડી ચલાવી રહ્યો છું. મારી જો એક લાખ રૂપિયાની રોજની આવક હોત તો હું ઠાઠમાઠથી રહેતો હોત. મારી પાસે સારી કાર પણ હોત. આમાંથી મારી પાસે કંઈ જ નથી. મારો બિઝનેસ હું એકલો કરું છું. મારે કોઈ પાર્ટનર નથી. ગઈ કાલે મારા મોટા-મોટા ઘરાકોને રેઇડના મેસેજ મળતાં તેઓ મને મળવા આવ્યા હતા. સૌને મારા પર રેઇડ પડી એનાથી અચરજ થયું છે.’

એ દિવસે શું બન્યું હતું?


રેઇડ પડી એ દિવસની વાત કરતાં વિજય રેડ્ડીએ કહ્યું હતું કે ‘એ દિવસે મારે એક જણને ચાલીસ હજાર રૂપિયા આપવાના હતા જે રેઇડ પડી એની થોડી વાર પહેલાં જ હું લઈને આવ્યો હતો. મેં એ રૂપિયા ગજવામાં રાખવાને બદલે ભૂલથી મારા ગલ્લામાં રાખ્યા હતા. આમ એ દિવસની આવક સાથે ૪૦,૦૦૦ રૂપિયા ભેગા થતાં રકમ ૬૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી જેણે મારા પર શંકા જન્માવી હતી. ૪૦,૦૦૦ રૂપિયા એ વ્યક્તિને હું આપવા જતો હતો ત્યાં જ ઇન્કમ-ટૅક્સના અધિકારીઓએ મને રોક્યો હતો અને પછી તેમણે મારી આવકની તપાસ કરવાની શરૂઆત કરી હતી.’

સાત દિવસથી નજર


ઇન્કમ-ટૅક્સના અધિકારીઓ છ-સાત દિવસથી વલ્લભબાગ લેનમાં રાઉન્ડ મારતા હતા અને તેમની નજર સાંઈ સ્વાદ ઢોસા પર હતી એમ જણાવતાં એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિજય રેડ્ડી સાથે એક કચ્છી લોહાણા ભાઈ અને એક સરદારજી પાર્ટનર છે. રેઇડ પડી એ પહેલાં જ વિજય રેડ્ડીના મોબાઇલ પર બે-ચાર વાર ઇન્કમ-ટૅક્સના અધિકારીઓના ફોન આવ્યા હતા, પણ વિજય રેડ્ડી ફોન કરનારા કોઈ લેભાગુ છે એમ સમજીને દાદ આપતો નહોતો. ફોન કરનાર સાથે તે ગાળ આપીને જ વાત કરતો હતો. વિજય રેડ્ડીએ તેને ખુલ્લું કહી દીધું હતું કે જે હોય તે સામે આવે. આવું થોડા દિવસ ચાલ્યું હતું.’

કેવી રીતે રેઇડ પાડી?


રેઇડને દિવસે અધિકારીઓ વિખરાઈને ઊભા હતા એ બાબતની માહિતી આપતાં આ વ્યક્તિએ કહ્યું હતું કે ‘ચાર અધિકારીઓ ઢોસાની રેંકડીની સામે બાજુ પર ઊભા રહીને તેના પર ધ્યાન રાખતા હતા, પરંતુ આસપાસના ફેરિયાઓને સહેજ પણ અણસાર આવ્યો નહોતો. તેમને એટલી જ ખબર હતી કે તેઓ ઢોસાવાળાની બાબતમાં વાતો કરે છે. થોડી વાર પછી અધિકારીઓએ રેંકડી પર આવીને ઢોસા પણ ખાધા હતા. એ સમયે પણ તેમની નજર અન્ય ઘરાકોનાં બની રહેલાં બિલ પર હતી. રેંકડી પર ૫૦ રૂપિયાથી લઈને ૧૭૦ રૂપિયા સુધીના ઢોસા મળે છે. આથી કોઈ ઘરાકનું ૮૦૦ રૂપિયા બિલ થતું હતું તો કોઈકનું ૧૦૦૦ રૂપિયા બિલ થતું હતું. આ બધું જ અધિકારીઓની નજરમાં હતું જેના આધારે તેમણે રેઇડ પાડી હતી.’

હાથ કંઈ ન લાગ્યું


રેઇડ પછી અધિકારીઓએ મારા ફ્લૅટની ચાવી માગી હતી એવી માહિતી આપતાં વિજય રેડ્ડીએ કહ્યું હતું કે ‘હું પંતનગરના સ્લમ વિસ્તારમાં રહ્યું છું. મારા માણસો તેમને ત્યાં લઈ ગયા હતા. ત્યાર પછી તેઓ વીલા મોઢે પાછા ફર્યા હતા. મેં તેમને કહ્યું કે જો મારી રોજની ૫૦,૦૦૦ રૂપિયાની આવક હોય તો હું હોટેલ નાખીને મસ્ત જિંદગી જીવું, શું કામ આઠ કલાક રેંકડી પર ઊભા રહીને મહેનત કરું? તેમણે મને હું ઇન્કમ-ટૅક્સ ભરું છું કે નહીં એવો સવાલ પણ કર્યો હતો જેનો મેં જવાબ આપ્યો હતો કે બે વર્ષથી રિટર્ન ફાઇલ કર્યું નથી, જે હું વહેલી તકે કરી લઈશ. આ બધી પ્રક્રિયામાં તેમને સવારના પાંચ વાગી ગયા હતા, પણ તેમને હાથ કંઈ જ લાગ્યું નહોતું.’

વિજય રેડ્ડીની સ્ટ્રગલ-લાઇફ 


વિજય રેડ્ડીએ ૧૩ વર્ષની ઉંમરે પરિવારના કોઈ ઝઘડાને કારણે આંધ્ર પ્રદેશ છોડી દીધું હતું. ત્યાર પછી એ તરફ પાછા વળીને જોયું નથી. મુંબઈમાં આવીને તે કોલાબામાં રહેતો હતો. ત્યાંની હોટેલમાં તેણે વાસણ સાફ કરવાથી લઈને વેઇટર સુધીનાં બધાં જ કામ કર્યા હતાં. ત્યાર બાદ ચર્ચગેટ સ્ટેશન સામે ઇરોઝ સિનેમાની બહાર ઢોસાની રેંકડી શરૂ કરી હતી. એ છોડીને તેણે વિલે પાર્લેના બજાજ રોડ પર ઢોસાની રેંકડી શરૂ કરી હતી.

ત્યાર પછીના જીવનની વાત કરતાં વિજય રેડ્ડીએ કહ્યું હતું કે ‘મેં ૧૯૯૬માં ઘાટકોપર (ઈસ્ટ)ની વલ્લભબાગ લેનમાં ઢોસાની નાની રેંકડી શરૂ કરી હતી. આસપાસના દુકાનદારોના કહેવા પ્રમાણે મારી રેંકડી જ્યાં ઊભી રહે છે ત્યાં કોઈ ફેરીવાળો ટકતો નહોતો, પણ મને જમીન ફળી અને બે તવાથી ત્રણ-ચાર પ્રકારના ઢોસા બનાવતાં-બનાવતાં આજે હું આઠ તવા અને પચીસ માણસોના સ્ટાફ સાથે વિવિધ પ્રકારના ૪૫ ઢોસા બનાવીને લોકોને ખવડાવું છું.’

વિજય રેડ્ડીની રેંકડી પર મૅગી ચીઝ ઢોસા, જિન્ની ઢોસા, ચૉકલેટ ઢોસા, પનીર મંચુરિયન ઢોસા જેવા અનેક પ્રકારના ઢોસા મળે છે. લોકો સોશ્યલ સાઇટો પર તેનાં વખાણ કરતાં થાકતા નથી. સોનાની જાડી ચેઇન અને હાથમાં ભારે વજનનું સોનાનું બ્રેસલેટ પહેરવાનો વિજય રેડ્ડીને શોખ છે, પરંતુ રેઇડ પડ્યા પછી તે પહેરતો નથી. ઇન્કમ-ટૅક્સની રેઇડના સમાચાર તેના ઘરાકોમાં ફેલાતાં અનેક ઘરાકો તેને ગઈ કાલે પરિવાર સાથે મળવા આવ્યા હતા.

તેના દિલદાર સ્વભાવની વાત કરતાં એક રેંકડીવાળાએ કહ્યું હતું કે ‘વિજય રેડ્ડી કોઈનું દુખ જોઈ શકતો નથી. તેની પાસે કોઈ રૂપિયાની માગણી કરે તો તે ફટ દઈને ચાલીસ-પચાસ હજાર રૂપિયા એ વ્યક્તિને વિના સંકોચ આપી દે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK