શાકભાજી વેચતા ફેરિયાને ઇન્કમ-ટૅક્સની નોટિસ

દીકરીનાં લગ્ન સમયે બે લાખ રૂપિયા ઉપાડ્યા એટલે તેને બે વર્ષનું રિટર્ન ફાઇલ કરવાની નોટિસ મોકલાઈ


રોહિત પરીખ

ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટનું નિશાન આજકાલ ફેરિયાઓ બની રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં ઘાટકોપર (ઈસ્ટ)ના એક ઢોસાવાળાની રેંકડી પર ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે રેઇડ પાડીને તેને દોઢ કરોડ રૂપિયા બ્લૅક મનીના જાહેર કરવા કહ્યું હતું. હવે ચાર દિવસ પહેલાં ઘાટકોપર (ઈસ્ટ)ના એક શાકભાજીવાળાને ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે નોટિસ મોકલીને કહ્યું છે કે ૨૦૧૩-’૧૪ની સાલમાં તેં બે લાખ રૂપિયાથી વધારે કો-ઑપરેટિવ બૅન્કમાં જમા કર્યા છે એટલે તારે ૨૦૧૩-’૧૪ અને ૨૦૧૪-’૧૫નું ઇન્કમ-ટૅક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. આ રિટર્ન ફાઇલ કરીને તેણે રિટર્નની રસીદ વાશીની ઇન્કમ-ટૅક્સની ઑફિસમાં વીસ દિવસમાં પહોંચાડવાની છે. જો તે વીસ દિવસમાં રસીદ નહીં પહોંચાડે તો તેના પર ઇન્કમ-ટૅક્સના કાયદા પ્રમાણે પગલાં લેવામાં આવશે. વિદ્યાવિહારના સ્લમ વિસ્તારમાં રહેતા આ ફેરિયાને નોટિસ મળી એ દિવસથી તેની ઊંઘ હરામ થઈ ગઈ છે.

ઘાટકોપર (ઈસ્ટ)ના ટિળક રોડ પર પપ્પુ વાઘરી તેની પત્ની મધુ અને તેના પિતા સાથે બેસીને શાકભાજી વેચે છે. પપ્પુના દાદા પચાસ વર્ષ પહેલાં ટિળક રોડ પર હરતા-ફરતા ટોપલીમાં લીંબુ લઈને વેચતા હતા. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી લીંબુમાંથી તેમણે શાકભાજી વેચવાની શરૂઆત કરી છે. છેલ્લાં ચાર વર્ષથી પપ્પુ તેના નામે અને તેના દીકરા કરણના નામે પતપેઢીમાં રોજ ૫૦૦ રૂપિયા બચતરૂપે જમા કરે છે. પપ્પુએ ૧૫ વર્ષ પહેલાં પૅન કાર્ડ લીધેલું છે. જોકે તેણે પંદર વર્ષમાં ક્યારેય ઇન્કમ-ટૅક્સ રિટર્ન ભર્યું નથી.

આ બાબતમાં ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં પપ્પુ વાઘરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે એક દીકરી અને બે દીકરા છે. તેના ભણતર અને લગ્ન કે અન્ય કોઈ ઇમર્જન્સીમાં ખર્ચ આવી જાય એ માટે મારી પત્ની ગમે એવી રીતે શાકભાજીની ફેરીમાંથી ૫૦૦ રૂપિયા બચાવીને પતપેઢીમાં ભરે છે. થોડા સમયથી તેણે મારા મોટા દીકરાના નામે પણ અકાઉન્ટ ખોલાવ્યું છે જેમાં પણ તે રોજ ૫૦૦ રૂપિયા ભરે છે. જોકે આ ૫૦૦ રૂપિયા જ્યારે અમે ફેરી ન હોય ત્યારે ભરી શકતા નથી. એટલે અંદાજે મહિનામાં વીસ દિવસ અમે એક ખાતામાં ૫૦૦ રૂપિયા બચત પેટે જમા કરીએ છીએ.’

આજથી છ મહિના પહેલાં મારી દીકરીનાં લગ્ન સમયે મારે બે લાખ રૂપિયાની જરૂર હતી એમ જણાવતાં પપ્પુએ કહ્યું હતું કે ‘અમારી પાસે પતપેઢીનો એક એજન્ટ રોજ બૅન્કમાં ભરવા પૈસા લેવા આવે છે. તેને મેં કહ્યું કે મારે લગ્ન માટે રૂપિયાની જરૂર છે એટલે મને મારા ખાતામાંથી બે લાખ રૂપિયા કાઢીને આપ. એની સામે તેણે મારી પાસે પૅન કાર્ડની ઝેરોક્સ માગી હતી. એ મેં તેને આપ્યા બાદ તેણે મને બૅન્કમાંથી બે લાખ રૂપિયા કઢાવીને આપ્યા હતા જે મેં મારી દીકરીનાં લગ્નમાં ખચ્ર્યા હતા.’

થોડા દિવસ પહેલાં મારા ઘરના સરનામે રજિસ્ટર્ડથી ઇન્કમ-ટૅક્સની નોટિસ આવી હતી એમ જણાવીને પપ્પુએ કહ્યું હતું કે ‘અમને જ્યારે ખબર પડી કે આ નોટિસ ઇન્કમ-ટૅક્સમાંથી આવી છે ત્યાં જ મારા પગ નીચેની ધરતી સરકી ગઈ હતી. મેં મારા એક ઘરાકને આ નોટિસ વંચાવતાં તેણે મને આખી વાતની સમજણ આપી હતી. એ પછી હું રાતના શાંતિથી સૂઈ શક્યો નથી. જે વસ્તુમાં મને ખબર જ પડતી નથી, હું એટલું ભણ્યો નથી તો હું એનું શું કુરં એ જ મને સમજાતું નથી.’

પૅન કાર્ડ મેં પંદર વર્ષ પહેલાં લીધું છે એ સ્પષ્ટ કરતાં પપ્પુએ હાસ્યાસ્પદ જવાબ આપતાં કહ્યું હતું કે ‘મેં તો આ પૅન કાર્ડ રેલવે-ટિકિટ કઢાવવા માટે જરૂર પડે એટલે લીધું હતું. મને શું ખબર કે મારી પાસે પૅન કાર્ડ છે એટલે મારે ઇન્કમ-ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાનું હોય. મને આટલાં વર્ષમાં કોઈ નોટિસ આવી નથી કે નથી કોઈએ આ બાબતમાં પૂછપરછ કરી એટલે નોટિસ મળતાં મારી ઊંઘ ખરાબ થઈ ગઈ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK