ફેરિયાઓ સામે MNS-સ્ટાઇલ વગર પણ લડી શકાય છે એ પુરવાર કર્યું છે ઘાટકોપરના ગુજરાતીઓએ

૪૦ ર્વષ જૂની હિંગવાલા લેન શાકમાર્કેટ રહેવાસીઓની મક્કમતા તથા BMC અને પોલીસના સાથથી છેલ્લા પાંચ મહિનાથી બંધ છે : ગઈ કાલના હાઈ કોર્ટના ચુકાદાથી આ બજાર ફરી શરૂ કરવાની હૉકર્સની આશાઓ પર પાણી ફરી વળ્યું, જોકે ગઈ કાલે તેમણે ધંધો કરવાની નિષ્ફળ કોશિશ કરી જોઈ અને આજે ફરી આવવાનો હુંકાર કર્યો

howkers


રોહિત પરીખ

એલ્ફિન્સ્ટન રોડ રેલવે-સ્ટેશન પર બનેલી ૨૯ સપ્ટેમ્બરની દુર્ઘટના પછી મુંબઈમાં MNSના કાર્યકરોએ સ્ટેશનની હદમાં અને ગીચ વિસ્તારોમાં બેસતા ફેરિયાઓની સામે ૨૧ ઑક્ટોબરથી ઉગ્ર ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશમાં અનેક ઉપનગરોમાં તોડફોડના અને ફેરિયાઓ પર હુમલાના બનાવો બન્યા હતા. જોકે ઘાટકોપર (ઈસ્ટ)માં સ્ટેશન પાસે આવેલી હિંગવાલા લેનના રહેવાસીઓએ કોઈ પૉલિટિકલ પાર્ટીની મદદ વગર તેમના વિસ્તારમાં આવેલી ચાલીસ ર્વષ જૂની શાક માર્કેટને છ મહિનાથી પોલીસ અને BMCના સાથસહકારથી બંધ કરાવી દીધી હતી. એમાં ગઈ કાલે આવેલા હાઈ કોર્ટના ચુકાદાના પગલે આ વિસ્તારમાં હવે ફેરિયાઓ બેસી શકશે નહીં એવો સ્પષ્ટ નિર્દેશ BMCના N વૉર્ડ તરફથી મળ્યો હતો.

ગઈ કાલે મુંબઈ હાઈ કોર્ટે ફેરિયાઓની વિરુદ્ધમાં અને ફેવરમાં આવેલી ૧૪થી વધુ અરજીઓની સામે જજમેન્ટ આપતાં કહ્યું હતું કે ‘ફેરિયાઓ ફક્ત હૉકિંગ ઝોનમાં બેસીને જ ધંધો કરી શકશે. આ સિવાય રેલવે-સ્ટેશન અને ફુટઓવર બ્રિજ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, ધાર્મિક સ્થળોથી દોઢસો મીટરના અંતરમાં બેસી શકશે નહીં. ધાર્મિક સ્થળોની આસપાસ બેસીને ફેરિયાઓ ફક્ત ધાર્મિક વસ્તુઓ વેચી શકશે.’

ઘાટકોપર (ઈસ્ટ)ની હિંગવાલા લેનની છ મહિનાથી બંધ પડેલી શાકમાર્કેટ રેલવે-સ્ટેશન, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને ધાર્મિક સ્થળોથી દોઢસો મીટરના અંતરમાં આવેલી છે એમ જણાવતાં BMCના N વૉર્ડના અતિક્રમણ-વિભાગના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કારણોથી હવે છ મહિનાથી બંધ પડેલી હિંગવાલા લેન શાકમાર્કેટ હવે ક્યારેય શરૂ નહીં થાય. હવે આ માર્કેટ શરૂ કરવા માટે તેમને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે. આ અગાઉ તેમને હાઈ કોર્ટમાંથી માર્કેટ શરૂ કરવા માટે સ્ટે મળ્યો નહોતો.’

જોકે ગઈ કાલે કોર્ટના આદેશના કલાકોમાં જ હિંગવાલા લેનના ફેરિયાઓ શાકના ટેમ્પો સાથે માર્કેટમાં હાજર થઈ ગયા હતા અને તેમણે રોડ અને ફુટપાથ પર શાક લઈને બેસવાનું શરૂ કરી દીધું હતું. એની સામે સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ જતાં BMCના અતિક્રમણ-વિભાગના અધિકારી તરત જ ફેરિયાઓને હટાવવા હિંગવાલા લેનમાં પહોંચી ગયા હતા. જોકે ફેરિયાઓએ તેમની સામે મોરચો માંડતાં BMCના અધિકારીએ પોલીસ બોલાવવી પડી હતી. પોલીસ આવતાં જ ફેરિયાઓએ એમનો પણ વિરોધ કર્યો હતો અને તેમના નેતાને પકડી જતી પોલીસને ઘેરાવ કર્યો હતો. આખરે મામલો પંતનગર પોલીસ-સ્ટેશનમાં પહોંચ્યો હતો, જ્યાં BMCએ ફેરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


આમ છતાં મામલો શાંત થયો નહોતો. પોલીસ-સ્ટેશનથી પાછા વળ્યા બાદ ફેરિયાઓએ હિંગવાલા લેનમાં મીટિંગ કરીને આજથી માર્કેટ શરૂ કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી.

ચાલીસ ર્વષ જૂની હિંગવાલા લેન શાકમાર્કેટ બંધ થવા પાછળ એવો બનાવ બન્યો હતો કે શુક્રવાર, ૨૬ મેના દિવસે હિંગવાલા લેનની નીલકંઠ સદન સોસાયટીના એક સભ્યે સોસાયટીની બહાર નીકળવું હતું, પરંતુ સોસાયટીના મેઇન ગેટને રોકીને બેઠેલા ફેરિયાઓને લીધે બહાર નીકળી શકાય એમ નહોતું. એને કારણે એ સભ્ય અને શાકના ફેરિયાઓ વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. આ સભ્ય જ્યારે સાંજના ઘરે પાછો ફર્યો ત્યારે ફરીથી ગેટ રોકવાનાં કારણોસર વિવાદ થયો હતો. ત્યાર પછી શાકના ફેરિયાઓ એ સભ્યને મારવા માટે હથિયારો લઈને સોસાયટીમા ઘૂસી ગયા હતા.

આ બનાવ પછી તરત જ સોસાયટીએ ફેરિયાઓ સામે કાનૂની પગલાં લેવા માટે પોલીસ અને BMCને લીગલ નોટિસ મોકલી હતી જે ખૂબ જ અસરકારક નીવડી હતી. એને પગલે ૩૧ મેએ BMCએ શાકમાર્કેટ બંધ કરાવી દીધી હતી. આમ બેફામ બનેલા ફેરિયાઓ એ દિવસથી બેકાર થઈ ગયા હતા. સોસાયટીએ લીધેલાં કાયદાકીય પગલાંને કારણે એ દિવસથી પોલીસ અને BMC બન્ને કડક બની ગયાં હતાં, જેને લીધે ચાલીસ ર્વષ જૂની શાકમાર્કેટ બંધ પડી ગઈ હતી. આ શાકમાર્કેટમાં સૌથી સસ્તાં શાક મળતાં હોવાથી શાકમાર્કેટની ફેવરમાં અને શાકમાર્કેટના ફેરિયાઓની વિરુદ્ધમાં લોકોએ તેમનાં મંતવ્યો આપ્યાં હતાં. જોકે એની નીલકંઠ સદન સોસાયટીના સભ્યો પર કોઈ જ અસર થઈ નહોતી. ફેરિયાઓએ સોસાયટીના સભ્ય સાથે કરેલી બદસલૂકીને કારણે આસપાસની સોસાયટીઓના અને બિલ્ડિંગોના રહેવાસીઓ એકજૂટ થઈ ગયા હતા. આ રહેવાસીઓ ફેરિયાઓ સામે લડવા કટિબદ્ધ બન્યા હતા.


સોસાયટી, પોલીસ અને BMCની કાર્યવાહી સામે આ માર્કેટના ૪૦૦થી વધુ ફેરિયાઓએ માર્કેટ શરૂ કરવા માટે તેમના ઘરાકોની સહીઓ લીધી હતી. આ સહીઓ જમા કરીને આ ફેરિયાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મોકલી હતી. જોકે મૅટર કોર્ટમાં હોવાથી તેમની ઑફિસમાંથી પણ કોઈ જવાબ ફેરિયાઓને આપવામાં આવ્યો નહોતો. આથી અકળાયેલા ફેરિયાઓએ રાજરમત રમવાની શરૂ કરી હતી. ફેરિયાઓમાંથી એક-બે ફેરિયાઓ તેમની નાજુક તબિયતને કારણે મૃત્યુ પામ્યા હતા. આ ફેરિયાઓના મોતને ફેરિયાઓએ તેમની બેકારી સાથે સાંકળીને રસ્તારોકો આંદોલન કર્યું હતું અને પોલીસને ઘેરાવ કર્યો હતો. આમ અનેક દાવ અજમાવ્યા હતા. આમ છતાં સોસાયટી, પોલીસ અને BMCએ એક પણ દાવ સામે નમતું જોખ્યું નહોતું. જેવા ફેરિયાઓ બળજબરીથી હિંગવાલા લેનમાં બેસવાની શરૂઆત કરતા કે તરત જ આ વિસ્તારનાં બારથી વધુ મકાનોના સભ્યો પોલીસમાં ફરિયાદ કરતા હતા. પોલીસ આ ફરિયાદ પર ત્વરિત ઍક્શન લઈને ફેરિયાઓને હટાવી દેતી હતી.

ત્યાર પછી ફેરિયાઓએ સંતાકૂકડી રમવાની બંધ કરી હતી અને સોસાયટી, પોલીસ અને BMCની સામે કોર્ટમાં કેસ કર્યો હતો. ગઈ કાલે કોર્ટે તેમની અરજી ડિસમિસ કરી દીધી હતી. આ માહિતી આપતાં BMCના N વૉર્ડના અતિક્રમણ-વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ગઈ કાલે જસ્ટિસ ભૂષણ ગવઈ અને જસ્ટિસ માર્કન્ડ કર્ણિકની બેન્ચે હિંગવાલા લેન વ્યાપારી સંગઠનની અરજી ડિસમિસ કરી નાખતાં અમારો વિજય થયો હતો. હવે ફેરિયાઓ હિંગવાલા લેનમાં બેસી શકશે નહીં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK