ઘાટકોપરની ટીનેજરનું ઊંંઘમાં મોત

થર્ટીફર્સ્ટ ઊજવીને સૂઈ ગયેલી શ્રેયા ચૌધરી નવા વર્ષની સવાર જોઈ ન શકી

shreya

રોહિત પરીખ

ઘાટકોપર (ઈસ્ટ)ના આર-ઓડિયન મૉલ પાસેના મહાવીર જ્યોતિ બિલ્ડિંગમાં રહેતી ૧૩ વર્ષની શ્રેયા મુકેશ ચૌધરી (પટેલ) તેનાં માતા-પિતા અને કઝિન ભાઈ-બહેનો સાથે ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરીને રાતના સાડાબાર વાગ્યે સૂઈ ગઈ હતી. નવા વર્ષ ૨૦૧૮ની ઉજવણીનાં સપનાં જોતી સૂતેલી શ્રેયા ગઈ કાલે સવારે ઊઠી જ નહોતી. શ્રેયાનું ઊંઘમાં જ મૃત્યુ થયું હતું. હસતી-રમતી સૂતેલી શ્રેયાના અચાનક મૃત્યુથી ચૌધરીપરિવાર નવા વર્ષની સવારે જ આઘાતમાં ડૂબી ગયો હતો.

ઘાટકોપર (ઈસ્ટ)ની MD ભાટિયા હાઈ સ્કૂલની વિદ્યાર્થિની શ્રેયા ચૌધરી તેનાં માતા-પિતા, કાકા-કાકી અને ભાઈ-બહેનો સાથે ૩૧ ડિસેમ્બરની સાંજે આર-સિટી મૉલમાં ફરવા ગઈ હતી. ત્યાંથી રાતના ઘરની નજીક એક હોટેલમાં જમવા ગઈ હતી. જમીને રાતના સાડાબાર વાગ્યે ભાઈ-બહેનો અને પરિવાર સાથે હરવા-ફરવાના આનંદના મૂડમાં જ સૂઈ ગઈ હતી.

આ બાબતની માહિતી આપતાં શ્રેયાના કાકા મહેન્દ્ર ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ભાઈઓ અમારા પરિવાર અને માતા-પિતા સાથે જ રહીએ છીએ. સ્કૂલમાં વેકેશન અને એમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણીને કારણે રવિવારે અમે બધાંએ બહાર ફરવાનો અને સાથે હોટેલમાં જમવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. એથી રવિવારે મારા ભાઈ મુકેશની મોટી દીકરી શ્રેયા અતિ ઉત્સાહમાં હતી. એમાં શ્રેયાએ રવિવારે તેની મમ્મી ભાવના ચૌધરીએ એપ્રિલ મહિનામાં બર્થ-ડેએ ગિફ્ટ આપેલું ફ્રૉક પહેર્યું હતું. એટલે તે ખૂબ જ આનંદમાં હતી. અમે ભાઈઓ અમારા પરિવાર સાથે પહેલાં આર-સિટી મૉલમાં અને રાતના દસ વાગ્યે ઘરની પાસે આવેલી હોટેલમાં જમવા ગયાં હતાં. ત્યાં પણ મારાં દીકરી-દીકરીઓ અને મુકેશનાં દીકરા-દીકરીઓએ ખૂબ જ જલસા કર્યા હતા. મસ્તીના મૂડમાં જ અમે રાતના સાડાબાર વાગ્યે બધાં જ સૂઈ ગયાં હતાં.’

ગઈ કાલે સવારે સાડાઆઠ વાગ્યે શ્રેયાને તેની મમ્મી ઉઠાડવા ગઈ, પણ શ્રેયા ઊઠી જ નહોતી એવી જાણકારી આપતાં મહેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે ‘મારો ભાઈ મુકેશ કડિયાકામના કૉન્ટ્રૅક્ટ લે છે. તે ગઈ કાલે સવારે તેના રૂટીન સમયે તૈયાર થઈને તેના કારીગરોને કામ સોંપવા ઘરેથી નીકળી ગયો હતો. ભાવના શ્રેયાને ઉઠાડવા ગઈ, પણ શ્રેયા અનેક પ્રયાસો પછી પણ ઊઠી નહોતી. એથી ઘરમાં અમે બધા ટેન્શનમાં આવી ગયાં હતાં. અમને તો એ સમયે શ્રેયા બેહોશ થઈ ગઈ છે એમ જ લાગ્યું હતું. અમે તરત જ મુકેશને ફોન કરીને બોલાવી લીધો હતો અને અમારા ઘર પાસેની જ પ્રાઇવેટ હૉસ્પિટલમાં શ્રેયાને હાથમાં ઉપાડીને લઈ ગયાં હતાં. ત્યાંના ડૉક્ટરોએ અમને શ્રેયાને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. અમે તરત જ શ્રેયાને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં. રાજાવાડી હૉસ્પિટલમાં ડૉક્ટરોએ શ્રેયાને તપાસીને અમને તેનું મૃત્યુ થયું હોવાનું કહ્યું હતું. અમારો પરિવાર ડૉક્ટરોની વાત સાંભળીને અવાક થઈ ગયો હતો. શ્રેયાના અચાનક મૃત્યુથી અમે ભાંગી પડ્યાં હતાં.’

રાજાવાડી હૉસ્પિટલના ડૉક્ટરના કહેવા પ્રમાણે શ્રેયાને રાતના ઊંઘમાં પિત્તની ઊલટી થઈ હશે એવી માહિતી આપતાં મહેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે આ પિત્તની ઊલટી શ્રેયાના મોઢામાંથી બહાર નીકળવાને બદલે તેની શ્વાસનળીમાં જતી રહેવાથી શ્રેયાનું મૃત્યુ થયું હતું.

સહનશક્તિ એ શ્રેયાનો જન્મથી જ સ્વભાવ હતો. આ સંદર્ભમાં શ્રેયાના કાકાની દીકરી અને મોટી બહેન કિંજલ મહેન્દ્ર ચૌધરીએ રડમસ અવાજે શ્રેયા વિશે વાત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રેયા ભણવામાં હોશિયાર હતી, પણ મળતાવડી નહોતી. મારા કાકાની તે મોટી દીકરી હતી, પણ તે વધારે પોતાનામાં જ મસ્ત રહેતી હતી. તેના મનની વાત કોઈ ક્યારે જાણી શકતું નહોતું. તેની કોઈની સામે ક્યારેય પણ ફરિયાદ નહોતી. તેનાં દુખ-દર્દને તે હંમેશાં મનમાં જ ધરબી રાખતી હતી. ગઈ કાલે પણ શ્રેયા તેની આંતરિક પીડાને મનમાં ને મનમાં ધરબી રાખીને અમારા બધાની વચ્ચેથી ચૂપચાપ જતી રહી.’ બોલતાં-બોલતાં કિંજલ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK