પાઇલટોને સલામ

ગઈ કાલે ઘાટકોપરમાં તૂટી પડેલા પ્રાઇવેટ પ્લેનને પાઇલટોએ પ્રયત્નપૂર્વક ખાલી જગ્યામાં ક્રૅશ-લૅન્ડ ન કરાવ્યું હોત તો શું થયું હોત એ વિચારમાત્રથી આસપાસનાં બિલ્ડિંગોના રહેવાસીઓ ફફડી ઊઠ્યા છે

plane1

રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)માં ટેલિફોન એક્સચેન્જ લેનમાં ગઈ કાલે બપોરે સવા વાગ્યે એક અન્ડર-કન્સ્ટ્રક્શન સાઇટ પર પ્રાઇવેટ ઍરક્રાફ્ટ તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં પ્લેનમાં બેઠેલાં પાઇલટ અને કો-પાઇલટ સહિત ચાર જણ પ્લેનમાં જ બળીને ખાખ થઈ ગયાં હતાં, જ્યારે એક રાહદારી તૂટી રહેલા ઍરક્રાફ્ટની અડફેટમાં આવી જતાં રસ્તા પર જ બળીને મૃત્યુ પામ્યો હતો. જોકે આખા બનાવમાં ઍરક્રાફ્ટના કૅપ્ટન પ્રદીપ રાજપૂત અને કો-પાઇલટ મારિયા ઝુબેરીની સમયસૂચકતા જીવદયા લેન અને ટેલિફોન એક્સચેન્જના વિસ્તારની આસપાસ વસેલા હજારો રહેવાસીઓનો જાન બચી ગયો હતો.

ઍરક્રાફ્ટ ટેલિફોન એક્સચેન્જ પાસે પડવાના સમાચાર ફેલાતાં જ ચારે બાજુથી જનમેદની ઘટનાસ્થળે જમા થઈ ગઈ હતી. ફાયર-બ્રિગેડે થોડી વારમાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી. ત્યાર પછી એણે બચાવકાર્યની શરૂઆત કરી હતી, જેમાં એક પછી એક ચાર ડેડ-બૉડી નીકળતાં લોકોમાં હાહાકાર મચી ગયો હતો. ઘાટકોપરમાં પહેલી વાર કોઈ વિમાન-દુર્ઘટનાની ઘટના બનવાથી લોકો કુતૂહલથી ઘટનાસ્થળે જમા થઈ ગયા હતા. નજર સામે ડેડ-બૉડીઓ નીકળવા છતાં સ્થાનિક રહેવાસીઓ દસથી બાર જણ મૃત્યુ પામ્યાના મેસેજ ત્યાં ઊભાં-ઊભાં સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી રહ્યા હતા. અકસ્માતની ગંભીરતા કરતાં લોકોમાં વિડિયો ઉતારવાની હોડ લાગી હતી, જેને લીધે પોલીસ અને ફાયર-બ્રિગેડને બચાવકાર્યમાં અડચણ ઊભી થતી હતી.

ચારે બાજુનાં મકાનોની ટેરેસો પર લોકો ચડીને દુર્ઘટનાને જોઈ રહ્યા હતા. આસપાસના સ્લમવાસીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓ એક જ ચર્ચા કરતા હતા કે પાઇલટે સાવધાનીપૂર્વક નિર્ણય ન લીધો હોત તો તેમની સ્લમના હજારો રહેવાસીઓ દુર્ઘટનાગ્રસ્ત બન્યા હોત. સ્લમવાસીઓની જેમ આસપાસના રહેવાસીઓના ચહેરા પર પણ ભય નજર આવતો હતો.

વૃક્ષને અથડાઈને ઍરક્રાફ્ટ નીચે પડ્યું

આ આખી દુર્ઘટનાને નજરે જોનારા બાબુ ઉનપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાંથી રોજ સંખ્યાબંધ પ્લેનો પસાર થતાં હોય છે, પણ ગઈ કાલે બપોરે ૧.૧૦ વાગ્યે આ ઍરક્રાફ્ટ નીચાણ પર બે મકાનોની વચ્ચેથી પસાર થયું હતું. અચાનક પહેલાં એ શંકર સાગર, પટેલ નિવાસ અને શિવમ સોસાયટીની વચ્ચે રહેલા એક વૃક્ષને અથડાયું હતું. વૃક્ષ સાથે ઍરક્રાફ્ટ અથડાતાં વૃક્ષના થડનો ભાગ કપાઈને અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પૃથ્વીની ખાલી સાઇટ પર જઈને પડ્યો હતો. પછી ઍરક્રાફ્ટ પૃથ્વીની પતરાંથી બાંધેલી બાઉન્ડરી તોડીને પૃથ્વીની સાઇટમાં ઘૂસી ગયું હતું. ઘૂસતાં પહેલાં ઍરક્રાફ્ટની એક પાંખ રસ્તા પરથી પસાર થઈ રહેલા એક રાહદારીના માથા સાથે ટકરાઈ હતી. તેની ખોપરી ફાટી ગઈ હતી અને તે રાહદારી પર ગરમ ડીઝલ પડતાં તે પૃથ્વી બિલ્ડિંગની સાઇટની બહારની ફુટપાથ પર જ બળીને ખાખ થઈ ગયો હતો. ત્યાર પછી ઍરક્રાફ્ટનો આગળનો ભાગ સાઇટ પર ચાલી રહેલા પિલરના કામ સાથે અથડાઈને સાઇટ પર જ તૂટી પડ્યો હતો. થોડા ધડાકા પછી એમાં આગ લાગી હતી.’

રહેવાસીઓમાં ફફડાટ

ગઈ કાલની આ ઍરક્રાફ્ટની દુર્ઘટનાથી ઘાટકોપર (વેસ્ટ)ના સવોર્દય હૉસ્પિટલથી લઈને નારાયણ નગર સુધીના રહેવાસીઓ ફફડી ગયા છે. જીવદયા લેન અને ટેલિફોન એક્સચેન્જના વિસ્તાર પરથી રોજ દર ત્રણ-ચાર મિનિટે વિમાનો પસાર થતાં હોય છે. ગઈ કાલની દુર્ઘટના જે કન્સ્ટ્રક્શન-સાઇટ પર બની એ પૃથ્વી સહિત આ વિસ્તારમાં આવેલી અનેક ઊંચી ઇમારતોને એવિયેશન ડિપાર્ટમેન્ટ તરફથી એમની હાઇટ ઘટાડવાની નોટિસો આવી ગઈ છે. પૃથ્વીનું બાંધકામ આ કારણથી ઘણા સમય સુધી મુલતવી રહ્યું હતું. જોકે થોડા સમય પહેલાં જ એવિયેશન ડિપાર્ટમેન્ટ તરફથી પૃથ્વીને બાંધકામ આગળ વધારવાની પરવાનગી મળતાં બાંધકામની શરૂઆત થઈ હતી.

લંચ-ટાઇમને લીધે જાનહાનિ ઘટી


જે સમયે દુર્ઘટના બની એ જ સમયે અમારા મજૂરોનો લંચ-ટાઇમ હતો, જેને લીધે અમારી સાઇટ પર મોટી જાનહાનિ થતાં બચી ગઈ હતી એમ જણાવતાં પૃથ્વીના કૉન્ટ્રૅક્ટર જિજ્ઞેશ પટેલ અને રાકેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે થોડા દિવસથી જ બાંધકામની શરૂઆત કરી હતી. અમારા મજૂરોનો એકથી બે વાગ્યા સુધી લંચ-ટાઇમ હોય છે એથી બધા જમવા ગયા હતા. ઍરક્રાફ્ટ જો ત્રણ વાગ્યે સાઇટ પર આવ્યું હોત તો અમારા સેંકડો મજૂરો દુર્ઘટનામાં ફસાઈ ગયા હોત. અમે ત્રણ વાગ્યે અમારી સાઇટ પર કૉન્ક્રીટનું કામ શરૂ કરવાના હતા. આ દુર્ઘટનામાં અમારો એક પણ મજૂર ઈજાગ્રસ્ત નથી થયો.’

plane

છથી સાત ધડાકા થયા

મારો દીકરો સાઇટ-સુપરવાઇઝર છે અને દુર્ઘટના બની ત્યારે તે ઘરે જમવા આવ્યો હતો એમ જણાવતાં નારાયણ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલની દુર્ઘટના ખૂબ જ ખતરનાક હતી. ઍરક્રાફ્ટ પૃથ્વીની સાઇટ પર પડ્યું કે તરત જ એમાં છથી સાત ધડાકા થયા હતા. આ અવાજ સાંભળીને અમે તરત જ પૃથ્વી તરફ દોડ્યા હતા. મને તો પહેલાં મારો દીકરો સેફ હશે કે નહીં એ વિચાર આવતાં મારી ધડકનો વધી ગઈ હતી. જોકે ફોન પર વાત કરતાં ખબર પડી કે મારો દીકરો સાઇટ પર નથી, ઘરે જમવા આવ્યો છે ત્યારે મનને શાંતિ થઈ હતી.’

માથેથી ઘાત ટળી

અમને પહેલાં તો એવું લાગ્યું કે પૃથ્વીના ચાલી રહેલા કામને કારણે કોઈ ભાગ પડી જવાને લીધે ધડાકો થયો છે એમ જણાવતાં આ સંદર્ભમા પૃથ્વીની સામે જ શિવમ સોસાયટીમાં રહેતાં નયના ગાલા અને દીના ઝાટકિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધડાકો સાંભળીને અમે અમારા ફ્લૅટની બાલ્કનીમાંથી બહાર જોયું તો ઍરક્રાફ્ટની પાંખો દેખાઈ હતી. નીચે રોડ પર આગની જ્વાળા દેખાઈ. આ જોઈને અમને અંદાજ આવી ગયો કે કંઈક અજુગતું બન્યું છે. એટલે દોડીને નીચે આવ્યાં હતાં. ત્યાં તો ફરીથી ધડાકા થયા હતા અને ઍરક્રાફ્ટ ભડકે બળવા લાગ્યું હતું. આ દૃશ્ય જોઈને અમારા હાંજા ગગડી ગયા હતા. અમારી સોસાયટી પરથી રોજ પ્લેનો પસાર થાય છે. આ તો નાનું પ્લેન ક્રૅશ થઈ ગયું, જો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો? અમને નજર સામે મોત ભમતું દેખાવા લાગ્યું છે. અમારી નજર સામે એક રાહદારીને ભડકે બળતો જોતાં એમ થયું કે નાના પ્લેનને બદલે મોટું પ્લેન હોત તો? અમારી કલ્પનાને અત્યારે કન્ટ્રોલમાં રાખીને બેઠાં છીએ, પણ આંખ સામેથી દૃશ્ય હટતું નથી. અમારા માથેથી જાણે મોટી ઘાત ટળી હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. વૃક્ષને બદલે અમારા વિસ્તારની કોઈ ઇમારત સાથે ઍરક્રાફ્ટ અથડાયું હોત તો મોટી જાનહાનિ થઈ હોત.’

પાઇલટોનો આભાર માને છે રહેવાસીઓ

આ બનાવથી ટેલિફોન એક્સચેન્જથી થોડાંક અંતર પર આવેલા નારાયણ નગરના રહેવાસીઓ દોડીને આવી ગયા હતા. જો પાઇલટોએ સાવધાનીથી ખાલી પડેલી જગ્યામાં ઍરક્રાફ્ટ ન ઘુસાડી દીધું હોત તો ગઈ કાલે હજારો લોકોના જાન જતા રહ્યા હોત એમ કહીને ધ્રૂજતા અવાજે ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં દીપેન વોરા અને તેમના પાડોશી હંસરાજ જોઇસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રણ સેકંડના અંતરે જ અમારા વિસ્તારમાં લિબર્ટી ઑઇલ મિલ છે. એની બાજુમાં પેટ્રોલ-પમ્પ આવેલો છે. એ સિવાય અમારા વિસ્તારમાં તો અમુક ઇન્ડસ્ટ્રીઝ ગૅસસિલિન્ડરોનો પણ બહોળો ઉપયોગ કરે છે. પ્લેન ટેલિફોન એક્સચેન્જને બદલે અમારા વિસ્તારમાં તૂટ્યું હોત તો બહુ મોટી દુર્ઘટના થઈ હોત, જેમાં હજારો લોકો હોમાઈ ગયા હોત, પણ પાઇલટોની સાવધાનીથી આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી.’

આ ઘટનાની જાણ થતાં જ મુંબઈના પોલીસ-કમિશનર અને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આ દુર્ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ પછી દુર્ઘટનાને કારણે ઈજા પામેલા લોકોને વળતર આપવાનો નિર્ણય લેવામાં આવશે.’

કામ માટે આવ્યો અને મોતને ભેટ્યો

ગઈ કાલે દુર્ઘટનામાં સૌથી પહેલો ભડથું થઈને મૃત્યુ પામનાર ગોવિંદ શ્રીનાથ દુબે સ્લાઇડિંગ વિન્ડોનું કામ કરે છે. તેઓ પાંચ ભાઈ છે જેમાંથી ત્રણ ભાઈ ઉત્તર પ્રદેશમાં જ રહે છે, જ્યારે બે ભાઈ કળવામાં રહે છે. ગોવિંદના એક વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં. તેની પત્ની દેશમાં રહે છે. ગઈ કાલે તે તેના કામ માટે પૃથ્વીમાં આવ્યો હતો ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. ઘાટકોપર પોલીસને તેની ડેડ-બૉડી પાસેથી એક મેઝરટેપ અને આઇ-કાર્ડ મળતાં તેની ગોવિંદ દુબે તરીકે ઓળખ થઈ હતી. પોલીસે કળવા તેના પરિવારને અકસ્માતના સમાચાર આપ્યા બાદ ગઈ કાલે રાતે તેના પરિવારે રાજાવાડી હૉસ્પિટલમાં જઈને ગોવિંદની ડેડ-બૉડીનો કબજો લીધો હતો.

તસવીરો : રોહિત પરીખ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK