ઘાટકોપરના કચ્છી ડૉક્ટર ૬૩ વર્ષની ઉંમરે સંયમમાર્ગે

૨૦ વર્ષ પહેલાં થયેલા એક ગોઝારા અકસ્માતે ધીમે-ધીમે તેમને ધર્મ તરફ વાળ્યા

tekchand veera


રોહિત પરીખ / ખુશાલ નાગડા

ઘાટકોપરના ડૉ. ટેકચંદ વીરાના પરિવારને ૧૯૯૬માં ચારધામની યાત્રા દરમ્યાન એક ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તેમનો પરિવાર ઊગરી ગયો હતો જેને પરિણામે ડૉક્ટરના જીવનમાં જબરદસ્ત પરિવર્તન આવી ગયું હતું. એમાં તેમને આચાર્ય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબ (પંડિત મહારાજ)નો પરિચય થયો અને પ્લ્ થયેલા ડૉ. ટેકચંદ વીરાએ સંયમમાર્ગે જવાનો નિર્ણય લઈ લીધો હતો. તેઓ ૧૪ ડિસેમ્બરે જૈનોના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર પાસે આવેલા શંખેશ્વર તીર્થમાં દીક્ષા અંગીકાર કરશે.

ડૉ. ટેકચંદ વીરાને બાળપણમાં જૈન ધર્મનો કક્કો પણ ખબર નહોતો. આ બાબતે પ્રકાશ પાડતાં ડૉ. ટેકચંદ વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારું બચપણ વડાલામાં વીત્યું છે. એ મહારાષ્ટ્રિયન વિસ્તાર હતો. હું કૅથલિક સ્કૂલમાં ભણતો હતો. એ વખતે વારતહેવારે હું દેરાસરમાં જતો હતો. બાકી મને જૈન ધર્મનો સહેજે પરિચય નહોતો કે કોઈ જાણકારી પણ નહોતી. મને વાંચનનો ખૂબ શોખ હતો. સાયન્સ-ફિક્શન બુકોમાં હું ઓતપ્રોત રહેતો હતો. દુનિયાના પ્રથમ હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ સજ્ર્યન ડૉ. ક્રિશ્ચિયન બર્નાર્ડ અને વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન મારા રોલમૉડલ હતા. સાયન્સ અને ભગવાનમાં માનનારો હું એવિડન્સ-બેઝ્ડ મેડિસિનનો વિદ્યાર્થી ધર્મમાં પણ હંમેશાં તર્કબદ્ધતાનો આગ્રહ રાખતો હતો.’

લગ્ન બાદ તેમનામાં આવેલા ધાર્મિક પરિવર્તનની વાત કરતાં ડૉ. ટેકચંદ વીરાએ કહ્યું હતું કે ‘મારાં લગ્ન ડૉ. નલિની સાથે થયાં અને અમે ઘાટકોપર રહેવા આવ્યાં. ઘાટકોપરમાં આવતાં જ મને ધર્મ પ્રત્યે રાગ થયો. ડૉ. નલિનીની સત્યશોધકતાને કારણે મેં બાઇબલ, કુરાન અને ભગવદ્ગીતાનું વાંચન શરૂ કર્યું જેને પરિણામે ૧૯૯૫માં મનોમંથનની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ જીવનમાં ધર્મની મહત્તા સમજાવા લાગી હતી.’

એક બાજુ ધર્મ તરફ વળવાની મારી શરૂઆત થઈ અને બીજી બાજુ એક રોડ-ઍક્સિડન્ટે મારામાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા જગાડી એમ જણાવતાં ડૉ. ટેકચંદ વીરાએ કહ્યું હતું કે ‘હું, નલિની અને મારી દીકરી ૧૯૯૬માં ચારધામની યાત્રાએ ગયાં હતાં. અમે બીજાની ટિકિટ કૅન્સલ થઈ એટલે કચ્છ વાગડ સમાજની યાત્રામાં જોડાયાં હતાં. આ બસમાં ૨૮ લોકો હતા. ત્યાં અમારી બસ ખાઈમાં પડી ગઈ હતી. ખાઈ ૨૦૦૦ ફુટ ઊંડી હતી અને અમારી બસ ૧૬ ફુટના અંતરે જ અટકી ગઈ હતી. હું અને મારી પત્ની તથા દીકરી બસમાં આગળ જ બેઠાં હતાં. અમે ત્રણેય જણ આ ગોઝારા અકસ્માતમાં બચી ગયાં હતાં. અમારી સાથેના ૭ લોકો તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતે મારા જીવનમાં ઘમસાણ મચાવી દીધું હતું. ઈશ્વરની દેનથી મારામાં ધર્મના ભાવ જાગ્યા હતા. મને વિચાર આવ્યો કે અમારો આ બચાવ અમારા ધર્મના કે કર્મના પ્રતાપે થયો.’

આ ઍક્સિડન્ટ મારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ હતો એવું જણાવીને ડૉ. ટેકચંદ વીરાએ કહ્યું હતું કે ‘અકસ્માત પછી હું જૈન ધર્મનાં પુસ્તકો અને ભગવદ્ગીતાનાં પુસ્તકો વાંચવા લાગ્યો હતો અને જૈનોલૉજી તરફ વળી ગયો હતો. એવા સમયે જૈન ધર્મના એક ગ્રંથમાં જૈન ધર્મનો સંપૂર્ણ સાર હતો એ વાંચ્યા પછી જીવનના બીજા ટ્રૅક પર એટલે કે સાધુજીવન તરફ જવાનો નિર્ધાર કર્યો હતો.’

ગુરુ ઘરઆંગણે આવ્યા છતાં તેમનાં પ્રવચનો સાંભળવા નહોતો જતો એવું જણાવીને ડૉ. ટેકચંદ વીરાએ કહ્યું હતું કે ‘ઘાટકોપર (ઈસ્ટ)ની ભાટિયાવાડીમાં આચાર્ય યુગભૂષણવિજયજી મહારાજસાહેબ આવ્યા હતા, પણ તેમનાં પ્રવચનો સાંભળવા હું નહોતો જતો. એવા સમયે ડૉ. કમલેશ પરીખ મારા કલ્યાણમિત્ર બનીને આવ્યા હતા. ૨૦૦૨-’૦૩માં તેઓ મને મહારાજસાહેબના વંદન કરવા મુલુંડ લઈ ગયા. એ પરિચય રોમાંચક બન્યો અને એ દિવસથી મેં અનેક તપોની આરાધના શરૂ કરી હતી અને મહારાજસાહેબનાં વ્યાખ્યાનો સાંભળવાની શરૂઆત કરી હતી. ઘણાં વર્ષ સુધી હું ફક્ત જન્મે જ જૈન હતો, હવે કર્મે જૈન બનવા લાગ્યો હતો.’

સંયમમાર્ગે જવા હું કટિબદ્ધ હતો અને પત્ની નલિની તથા અઢી વર્ષ પહેલાં જ પરણેલી દીકરી રિદ્ધિ મારા નિર્ણય સાથે સહમત હતાં એટલે એપ્રિલ ૨૦૧૬થી પ્રૅક્ટિસ બંધ કરી દીધી એમ જણાવતાં ડૉ. ટેકચંદ વીરાએ કહ્યું હતું કે ‘સમાજનું ઋણ અદા કરવા મેં ૩૩ વર્ષ સુધી ડૉક્ટરની પ્રૅક્ટિસ કરી હતી. હવે સંસારની બધી જવાબદારી પૂર્ણ થઈ ગઈ હતી એટલે મેં આત્મકલ્યાણ માટે અને સમગ્ર જીવસૃષ્ટિને અભયદાન મળે એ માટે પંચમહાવ્રતધારી શ્રમણધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો હતો.’

મારી સાથે નલિનીએ પણ પ્રૅક્ટિસ બંધ કરી દીધી છે એમ જણાવતાં ડૉ. ટેકચંદ વીરાએ કહ્યું હતું કે ‘તેઓ ગીતાર્થગંગા ટ્રસ્ટમાં ગુજરાતી પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કાર્ય કરશે. એ માર્ગે તેઓ શાસનપ્રભાવનામાં જોડાશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK