ઘાટકોપરના દામજીસદનના રહેવાસીઓને ૨૪ કલાકનો સમય કેમ ન આપ્યો?

મકાનમાલિકો ને ડેવલપરો BMC સાથે સાઠગાંઠ કરીને ઘીકેળાં ખાઈ રહ્યા હોવાના રહેવાસીઓના ખુલ્લા આક્ષેપ બાદ હાઈ કોર્ટનો BMCને સવાલ

ghatkopar


સરકાર દ્વારા ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન ૩૩ (૭)માં ફેરફાર કરવામાં આવવાથી હવે ઉપનગરોના જોખમી બિલ્ડિંગનો રીડેવલપમેન્ટનો રસ્તો જરૂર સાફ થયો, પરંતુ નવા ફેરફારમાં મકાનમાલિકો તથા ડેવલપર માટે કોઈ જ કાયદા બનાવવામાં આવ્યા નથી

જેને કારણે જોખમી બિલ્ડિંગના ભાડૂતો બેઘર બની રહ્યા છે અને મકાનમાલિકો અને ડેવલપરો BMC સાથે સાંઠગાંઠ કરીને ઘીકેળાં ખાઈ રહ્યા છે એવો સીધો આક્ષેપ ઘાટકોપર (ઈસ્ટ)ના દામજીસદનના બેઘર બનેલા રહેવાસીઓ કરી રહ્યા છે.

દામજીસદનની ડિમોલિશનની કાર્યવાહી ગેરકાયદેસર હોવાની ફરિયાદ સાથે આ બિલ્ડિંગના રહેવાસીઓ હાઈ કોર્ટમાં ગયા છે. ગઈ કાલે હાઈ કોર્ટે BMCને સવાલ પૂછતાં કહ્યું હતું કે તમે દામજીસદનના રહેવાસીઓને ૨૪ કલાકનો સમય કેમ આપ્યો નહીં? આ સવાલની સામે BMCએ મૌન સેવ્યું હતું.

રહેવાસીઓએ કોર્ટમાં કરેલી ફરિયાદમાં કહ્યું છે કે ‘BMCએ  છઠ્ઠી સપ્ટેમ્બરે અમારી ઇમારતને જર્જરિત જાહેર કરીને ખાલી કરાવી, પણ એના માટે જરૂરી લીગલ પ્રોસેસ કરી નહોતી. અમારી પાસે અર્જન્ટમાં ઇમારત ખાલી કરાવી હતી. તેમ જ બાજુની ઇમારતના બિલ્ડરની ફરિયાદને આધારે તેમણે અમારી ઇમારતને જોખમી જાહેર કરી દીધી હતી.’

આ રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારે કરેલા નવા ફેરફારમાં BMCની કે મકાનમાલિકની સત્તાની કોઈ મર્યાદા જાહેર કરી નથી, જેને લીધે મકાનમાલિક અને BMC અમારી ઇમારતની જેમ જ કોઈ પણ ઇમારતને જોખમી જાહેર કરીને જે અને તે ઇમારતના રહેવાસીઓને બેઘર કરી શકે છે. રહેવાસીઓની સંમતિની તો રીડેવલપમેન્ટની વાત આવે ત્યારની વાત છે. એ પહેલાં જ રહેવાસીઓને રોડ પર લાવી દેનાર મકાનમાલિક કે ડેવલપર માટે સરકાર તરફથી કોઈ જ કાયદો બનાવવામાં આવ્યો નથી.’

વાઇરલ મેસેજ શું કહે છે?

ફેસબુક અને વૉટ્સઍપ પર દામજીસદનના રહેવાસીઓના નામે એક મેસેજ વાઇરલ થયો છે, જેમાં દામજીસદનની બાજુમાં આવેલા જય અંબે ભવનના ડેવલપર સામે તેમને બેઘર કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતમાં દામજીસદનના રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમારી ઇમારતની ડાબી બાજુમાં પીપળાના ઝાડને લીધે અમુક દીવાલના ભાગમાં ત્રણ વર્ષ પહેલાં મોટી તિરાડ પડી ગઈ હતી. જોકે ત્રણ વર્ષમાં એને લીધે અમારી ઇમારતને કે અન્ય કોઈ ઇમારતને કોઈ નુકસાન થયું નથી. આમ છતાં આ તિરાડને જોખમી બનાવી જય અંબે ભવનના આર્કિટેક્ટ કાર્તિકે અમારી ઇમારત વિરુદ્ધ છઠ્ઠી સપ્ટેમ્બરે BMCના કન્ટ્રોલ-રૂમમાં ફરિયાદ કરી હતી, જેને લીધે BMCએ અર્જન્ટ અમારી ઇમારત ખાલી કરાવી હતી.’

આ મેસેજ બાબતમાં સ્પષ્ટતા કરવા જય અંબે ભવનના બિલ્ડર ધર્મેન્દ્ર કારિયાને ‘મિડ-ડે’એ અનેક વાર મેસેજ કરવા છતાં ધર્મેન્દ્ર કારિયાએ આ બાબતમાં સ્પષ્ટતા કરી નહોતી.

મોદી અને ફડણવીસને ફરિયાદ

દામજીસદનના રહેવાસીઓએ તેમને બેઘર કરવા બદલ BMCની વિરુદ્ધમાં નરેન્દ્ર મોદી અને દેવેન્દ્ર ફડણવીસને ટ્વીટ કરીને ફરિયાદ કરી હતી એમ જણાવતાં રહેવાસીઓએ કહ્યું હતું કે ‘૨૦૨૨ની સાલ સુધીમાં દરેકનું પોતાનું ઘર હોય એવી હંમેશાં વાત કરતા નરેન્દ્ર મોદીએ ટ્વીટનો સાત દિવસ પછી પણ જવાબ આપ્યો નથી. આ જ રીતે દેવેન્દ્ર ફડણવીસે પણ જવાબ આપવાની દરકાર કરી નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy